એક છોરીએ આંખોમાં સાગરનાં મોજાં રાખ્યાં છે,અટકળની આ વાત નથી મેં થોડાં-થોડાં ચાખ્યાં છે

તમને બધાંને ‘પ્રેમ’ નામના પડીકા ઉપર લગાડેલું ‘મધ’ નામનું લેબલ જ વંચાય છે, જ્યારે હું તો એ બંધ પડીકામાં રહેલું ઝેર પારખી શકું છું. સ્ત્રી સિવાય પણ આ વિશ્વમાં ચાહવા જેવું બીજું ઘણું બધું છે.

‘પ્રેમ?! તમે મને પૂછો છો કે મેં જિંદગીમાં ક્યારેય કોઇ સ્ત્રીને પ્રેમ કર્યો છે કે નહીં? ના, એવી મૂર્ખામી હું કદીયે ન કરું. પ્રેમ એ તો ખૂબસૂરતી નામની માછીમારણે પુરુષ નામની માછલીને ફસાવવા માટે બિછાવેલી જાળ માત્ર છે. એમાં ભલે સૃષ્ટિભરની પુરુષજાત ફસાતી રહી, પણ પ્રો. આલીશાન બિછાતવાલા એટલે કે હું ખુદ, સ્વયં જાતે, પોતે તો, ન જ ફસાઉં. તમને ખબર છે? મારો આઇ.કયુ. એટલે કે બુદ્ધિમત્તાનો આંક ભારતના સરેરાશ માનવી કરતાં એક્સો પચાસ જેટલો વધારે છે. તમને બધાંને ‘પ્રેમ’ નામના પડીકા ઉપર લગાડેલું ‘મધ’ નામનું લેબલ જ વંચાય છે, જ્યારે હું તો એ બંધ પડીકામાં રહેલું ઝેર પારખી શકું છું. ના, બાબા, ના! મારા માટે આ વિશ્વમાં ચાહવા જેવું બીજું ઘણું બધું છે, એક ખૂબસૂરત સ્ત્રી સિવાય પણ.’

પ્રો. આલીશાન બિછાતવાલા વર્ગખંડમાં વ્યાખ્યાન આપતા હોય એમ બોલી ગયા. સામે બેઠેલી તસલ્લી તન્ના માદક હોઠો પર મોનાલિસાનું સ્મિત ઉપસાવતી સાંભળી રહી. શુષ્ક પુરુષનો રુક્ષ જવાબ. અને એ સાંભળનાર તસલ્લી એટલે સંસારની અનુપમ સૌંદર્યવતી યુવતીઓની ટૂંકી યાદીમાં ટોચના સ્થાને બેસી શકે તેવી શિલ્પાકૃતિ.

તસલ્લી એનાં મમ્મી-પપ્પાના આદેશને અનુસરીને છેક તીથલના દરિયાકાંઠે આવી પહોંચી હતી. એની પાસે અત્યારે એક જ મુદ્દાનો કાર્યક્રમ હતો. એના પપ્પાએ એને સમજાવી હતી, ‘દીકરી, તારા માટે એક જ મુરતિયો યોગ્ય જણાય છે. એ છે પ્રો. આલીશાન બિછાતવાલા.’

‘પ્રોફેસર?!’

‘હા, એ ઓળખાય છે પ્રોફેસર તરીકે, પણ આલીશાન એ સિવાય પણ બીજું ઘણું બધું છે. આપણો સમાજ એને મૂર્ખ સમજે છે, વાસ્તવમાં એ ધૂની અને જિનિયસ છે. ભણવામાં એ અવ્વલ રહ્યો છે. એણે જેટલી પરીક્ષાઓ આપી છે એ તમામમાં એણે જેટલા અપાતા હતા એ બધા જ સુવર્ણચંદ્રકો મેળવેલા છે. પહેલા એ એમ.બી.બી.એસ. થયો, પછી ડોક્ટરી છોડીને ફિઝિકસમાં પીએચ.ડી. કર્યું. હાલમાં એ દેશની જાણીતી વિજ્ઞાન સંસ્થામાં બ્રહ્નાંડના ચુંબકીય ક્ષેત્ર ઉપર રિસર્ચ કરી રહ્યો છે. સાથે સાથે ઇસરોમાં પ્રોફેસર પણ છે. મારી ઇચ્છા છે કે તારાં લગ્ન પ્રો. આલીશાન સાથે થાય. રૂપની મબલક દોલત બુદ્ધિની તિજોરીમાં જ શોભે, બેટા!’

‘જેવી તમારી ઇચ્છા, પપ્પા!’

‘આમાં મારી ઇચ્છાથી કામ પૂરું થવાનું નથી, દીકરી! પ્રોફેસર બહુ વિચિત્ર ખોપડીનો માણસ છે. એને એક જ દિશાનું જ્ઞાન છે. પ્રેમ, લાગણી, ભીનાશ, સ્ત્રી, સૌંદર્ય અને લગ્ન જેવી કોઇ જ બાબતમાં એને રસ નથી. એના પપ્પા મારા જૂના સ્નેહી છે. એમની પણ એવી ઇચ્છા છે કે તું એમની પુત્રવધૂ બને. પણ એમણે હાથ ઊંચા કરી દીધા છે. કહી દીધું કે, ‘મહાસુખભાઇ,’ મારા દીકરાને સમજાવવાનું મારું ગજું નથી. વિશ્વામિત્રને જો કોઇ ચળાવી શકે તો એ માત્ર મેનકા જ. તમારી તસલ્લીનાં રૂપ માટે આ એક પડકાર છે. એને કહો કે એક સ્ત્રીસહજ લજજા અને મર્યાદાનું આવરણ ત્યાગીને એ મારા જડભરતને જીતવાનો પડકાર ઝીલી બતાવે. જો તસલ્લી મારા આલીશાનને પોતાના પ્રેમમાં પાડી શકશે તો અમારું મોત સુધરી જશે અને તસલ્લીની જિંદગી!’

પપ્પાની વાત સાંભળીને તસલ્લીએ જાસૂસી શરૂ કરી દીધી. એને જાણવા મળ્યું કે પ્રો. આલીશાન આવતા અઠવાડિયે દરિયાઇ મોજાની ભરતી-ઓટ સાથે પૃથ્વીના ગુરુત્વાકર્ષણના સંબંધ વિશે અભ્યાસ કરવા માટે તીથલ જવાના છે. તસલ્લીએ પણ એ જ હોટલમાં રૂમ બુક કરાવી લીધી. બંને જણાં તીથલની નશીલી આબોહવામાં લગભગ એકલાં જેવા જ હતાં, કારણ કે આ મોસમમાં સહેલાણીઓની ભીડ બહુ પાતળી હતી.

પ્રો. આલીશાનને કાવતરાની કશી જ ગંધ આવી ન હતી. એમને મન તો તસલ્લી એ સામેની રૂમમાં રહેતી એક પર્યટક માત્ર હતી. એક વાદળઘેરી સાંજે પ્રોફેસર સમંદરનાં મોજાંમાં પગ બોળીને ઊભા હતા. બાજુની ભીની રેત ઉપર મેનકાનાં તમામ આયુધો સજાવીને તસલ્લી બેઠી હતી. ત્યારે તસલ્લીએ પોતાનો ‘વન પોઇન્ટ પ્રોગ્રામ’ હાથ ઉપર લીધો.

‘પ્રોફેસર, તમે ક્યારેય કોઇને પ્રેમ કર્યો છે કે નહીં?’ તસલ્લીના સ્વરમાં દરિયાઇ મોજાનો ઘૂઘવાટ હતો અને કાંઠાની રેતની ભીનાશ હતી. જગતનો બીજો કોઇ પણ પુરુષ એ સમયે આવું જ બોલી ગયો હોત, ‘હજુ સુધી તો મેં પ્રેમ નથી કર્યો પણ આ ક્ષણે એનો પ્રારંભ થઇ રહ્યો છે.’

પણ પ્રો. આલીશાને તો જવાબમાં મોટું ભાષણ ઠપકારી દીધું. તસલ્લીએ ભાથામાંથી બીજું તીર કાઢયું, ‘લાગે છે કે તમને સ્ત્રી-જાતિનો કડવો અનુભવ થયો છે. એ સિવાય તમે આવો પૂર્વગ્રહ…?’

‘અનુભવ? ના, મને સ્ત્રીનો કડવો કે મીઠો કોઇ પણ જાતનો પ્રત્યક્ષ અનુભવ નથી થયો. પણ એની જરૂર ક્યાં છે? મેં એનેટોમીમાં મૃતદેહોની ચીરફાડ કરેલી છે. જીવંત નારીદેહ ઉપર થતી શસ્ત્રક્રિયાઓ નિહાળેલી છે. શું છે આ શરીરમાં? એક બિહામણા હાડપિંજર ઉપર લોહી, માંસ અને ચરબીના થર ચડાવીને એની ઉપર લીસ્સી, ગોરી ચામડી મઢી લઇએ એટલે તમારા જેવી રૂપસુંદરી તૈયાર થઇ જાય! પછી કુદરતના આ છળ ઉપર શાયરો સેંકડો ગઝલોના ઘાણ ઉતારતા ફરે, લેખકો ઘેલા બનીને વાર્તાઓ લખ્યા કરે અને પુરુષો કૂતરાની જેમ જીભ બહાર કાઢીને લાળ ટપકાવતા ફરે!’

તસલ્લી આ સંભાષણ સાંભળીને એ સમયે તો ચૂપ થઇ ગઇ, પણ બીજા દિવસે સવારે બ્રેકફાસ્ટના ટેબલ ઉપર ફરીથી એણે પ્રો. આલીશાનને ઉશ્કેરવાની શરૂઆત કરી, ‘તમને ક્યારેય કોઇ ખૂબસૂરત યુવતીના પુષ્ટ અધર જોઇને ‘લપિકિસ’ કરવાનું મન નથી થતું?’

પ્રોફેસરનું મોં કડવી ફાકી ગળી ગયા હોય એવું થઇ ગયું, ‘ઊફ! હોઠ એ આખરે છે શું, હેં? બાહ્ય ત્વચા અને મોઢાની આંતરત્વચાનું મિલનસ્થાન જ ને? સ્ત્રી કે પુરુષ ગમે તેટલાં સુંદર હોય, પણ એના હોઠ ઉપર કરોડો બેકટેરિયા થાણું જમાવીને બેઠા હોય છે. દાતણ કે બ્રશ કરવાથી મોઢાની ચીકાશ દૂર થઇ શકે, થોડા સમય માટે એમાંથી સુગંધ પણ જન્મી શકે, પરંતુ કોઇ પરાઇ વ્યક્તિના હોઠોને ચૂમવા એટલે ગટરમાંથી કાદવ લઇને એને ચાટવા જેવું ગંદું કાર્ય છે. બોલો, હવે તમારે બીજું કંઇ પૂછવું છે?’

તસલ્લીએ એની સોનેરી ઝાંયવાળી પાંપણો પટપટાવી, ‘હા, છેલ્લો સવાલ પૂછવો છે. તમે સ્ત્રી-પુરુષના રોમાન્સ વિશે શું માનો છો?’

‘એ બધું હંબગ છે. મે કહ્યું ને કે મનુષ્યનું શરીર એ સતત મરણને શરણ થતા કોષોનું કબ્રસ્તાન છે! મિસ વર્લ્ડ પણ જો ત્રણ દિવસ ના’ય નહીં તો ગંધાઇ ઊઠે! વિશ્વસુંદરીએ પણ પફ્યૂgમ છાંટીને જ મહેકવું પડે છે. અહીં તો મેનકા, ઉર્વશી અને રંભા પણ જો હેરસ્ટાઇલ ન કરાવે તો ભૂતડી જેવી દેખાય! જગતના બજારમાં બનાવટનો વેપાર ચાલે છે. અબજો રૂપિયાના પફ-પાઉડર ને કરોડો રૂપિયાની લાલી-લપિસ્ટિક આ તમારા જેવી ‘રૂપાળી’ સ્ત્રીઓના ગિલેટ પાછળ ખર્ચાઇ જાય છે. સોરી, આઇ એમ નોટ ઇન્ટરેસ્ટેડ! ચાલો, મારે તો મોડું થાય છે. સમુદ્રનાં રહસ્યો મારી પ્રતીક્ષા કરતાં હશે.’

તસલ્લીને અંદાજ હતો જ કે આ યુદ્ધ જીતવું અઘરું સાબિત થવાનું છે. હિંમત હાર્યા વગર એ મેકઅપ કર્યા વગર, કપડાં બદલ્યા વિના જ પ્રોફેસરની પાછળ-પાછળ દરિયા કિનારે પહોંચી ગઇ.

પ્રોફેસર સમંદરનાં મોજાઓનો અભ્યાસ કરતાં જરાક વધારે આગળ નીકળી ગયા. ત્યાં જ એક પ્રચંડ મોજું આવીને એમને ખેંચી ગયું. પ્રોફેસરને આકિeમિડીઝનો સિદ્ધાંત આવડતો હતો, પણ તરવાનું એ શીખ્યા ન હતા. એમણે હાથ-પગ ઉછાળીને ‘બચાવો-બચાવો’ની બૂમો પાડી. તસલ્લી સ્વિમિંગ ચેમ્પિયન હતી. એ તરત જ પાણીમાં કૂદી પડી. ડચકાં ખાતાં આલીશાનની સાવ પાસે જઇને એણે ચીસ પાડી, ‘પ્રોફેસર, જીવતા રહેવું છે? તો મને પીઠ પાછળથી પકડી લો!’

પ્રોફેસર જિંદગીના દોરના અંતિમ છેડાને પકડતા હોય એમ તસલ્લીના શરીરને વળગી પડ્યા. ચાર-પાંચ મિનિટનો જ મામલો હતો. તસલ્લી એમને કિનારા ઉપર ખેંચી લાવી. એ પછીયે આલીશાને તસલ્લીને અળગી ન કરી. ભીની સ્નિગ્ધ ત્વચાના ઘેનમાં એ મદહોશ બનીને પડ્યા રહ્યા.

‘તસલ્લી, આ સુગંધ શેની આવી રહી છે?’

‘એ નારીના દેહમાંથી ઝરતી નૈસિર્ગક ફોરમ છે, પ્રોફેસર! એનું રહસ્ય હજુ સુધી તમારું વિજ્ઞાન ઉકેલી શક્યું નથી.’

આલીશાને બે હાથમાં જકડાયેલા નરગિસના ફૂલને સૂંઘવા માટે ઊંડો શ્વાસ ખેંચ્યો, ‘તસલ્લી, એ રહસ્યો મારે ઉકેલવાં છે. આ દરિયાનાં મોજાં જાય ભાડમાં! મારે તો તારી આંખોમાં ઊછળતાં મહોબ્બતનાં મોજાં ચાખવાં છે. તું માનવસ્ત્રી નથી, પ્રિયે, તું તો જલસુંદરી છે! મને તારામાં ડૂબી જવા દે!’ પ્રોફેસર આલીશાન પુરુષ બની રહ્યા હતા અને જલસુંદરી રેતીમાં પડેલો મોબાઇલ ફોન ઉઠાવીને પોતાના ડેડીને નંબર ડાયલ કરી રહી હતી, એવું કહેવા માટે કે ‘આલીશાન માની ગયા છે, લગ્નનું મુહૂર્ત જોવડાવો.’

Advertisements

One Response

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: