મને ડંખ દેતા હતાં – કોણ માને? સુંવાળા ફૂલોએ બનાવટ કરી છે

બપોરનો સમય હતો. સાડા ત્રણ વાગ્યા હતા. હું ભાગ્યે જ આવા સમયે ઘરની બહાર હોઉ છું. સાત-આઠ જેટલાં કામો સામટા ભેગાં થાય ત્યારે જ હું બહાર નીકળું છું અને આ બધાં કામો મોટાભાગે નદી પારનાં હોય છે. એ દિવસે પણ હું ત્રણ-ચાર કલાકનું ધારીને મેદાને પડ્યો હતો, પણ અડધા કલાકમાં જ મારો મોબાઈલ ફોન ગુંજી ઊઠયો. નર્સિંગ હોમ પરથી આયાબહેન બોલી રહ્યાં હતાં, ‘સર, જલદી પાછા આવો. પેશન્ટ છે.’

હું કચવાયો, ‘ખરેખર ઇમરજન્સી કેસ છે? કે પછી સામાન્ય તકલીફ માટે ખોટા સમયે આવ્યા છે?’

‘એ બધું હું ન જાણું… પેશન્ટની સાથે એક શેઠ જેવા ભાઈ પણ છે…. લો, એમની સાથે જ વાત કરો…’ આયાબહેને ફોનનો હાથબદલો કર્યો. હવે સામેના છેડા પર કોઈ પુરુષ હતો. ‘નમસ્તે, ડોકટર સાહેબ! હું ધરમદાસ. ઓળખાણ પડી કે નહીં?’ ‘અરે, ધરમદાસ?! તમારી ઓળખાણ કેમ ન પડે? આ વખતે બહુ લાંબા સમય પછી દેખાયા ને કંઈ? કોને લઈને આવ્યા છો? ઘરેથી તો તબિયત સારી છે ને?’

‘હા, એ પણ આવી છે મારી સાથે. બાજુમાં જ ઊભી છે પણ એને કંઈ તકલીફ નથી. જેને લઈને આવ્યા છીએ ઐ અમારા કારખાનામાં કામ કરતી છોકરી છે. મોટી મુસીબતમાં મુકાઈ ગઈ છે, સાહેબ. ફોનમાં વધારે શું કહું? આપ રૂબરૂ આવી જાવ, પછી વાત કરીએ.’ હું થોડો ઘણો ચિડાયો, પણ ઘણો બધો એમની માગણી સાથે સંમત થઈ ગયો.

ચિડાવાનું કારણ એ કે ધરમદાસે એ વાતનો ફોડ ન પાડયો કે જે કેસ લઈને તેઓ આવ્યા હતા એ ખરેખર ઈમરજન્સી કેસ હતો કે નહીં. જો તેમનાથી બે-ત્રણ કલાકની પ્રતીક્ષા થઈ શકે તેમ હોય તો હું મારા તમામ કામો પાર પાડી શકું અને સંમત એટલા માટે થઈ ગયો કે ધરમદાસ મારા પંદર વર્ષ જૂના પરિચિત હતા. પહેલીવાર એ એમનાં પત્નીને લઈને મારી પાસે આવ્યા હતા. બહુ અઘરો કેસ હતો, જે નોર્મલ ડિલિવરી કરાવીને મેં પાર ઉતારી આપ્યો હતો.

છેલ્લા પંદર વરસમાં ધરમદાસે નહીં- નહીં તોયે પંચોતેર દરદીઓનાં ઓપરેશનો મારા હાથે કરાવ્યાં હશે. એ કહેતા, ‘હું જી.આઈ.ડી.સી.માં કેમિકલની ફેકટરી ધરાવું છું, સાહેબ! બાજુમાં મહિલા ઉધોગ માટે એક વર્કશોપ પણ ચલાવું છું. બંને જગ્યાએ બધું મળીને સો-સો સ્ત્રી-પુરુષો કામ કરે છે. એટલે તમારે ત્યાં આવવાનું તો ચાલ્યા જ કરશે. મારે ત્યાં કામ કરતા માણસો મારા કુટુંબના સભ્યો જેવા જ છે, સાહેબ! એ બિચારાઓને મ્યુનિસિપલ હોસ્પિટલમાં કેવી રીતે ધકેલી દેવાય? જયાં અમે જતા હોઈએ ત્યાં એ બધા પણ…’

પંદર વર્ષ જૂના ગ્રાહકને ના ન પાડી શકાય. તમામ કામો પડતાં મૂકીને હું નીકળી પડ્યો. પાછા આવીને જોયું તો ધરમદાસ અને એમની ધર્મપત્ની કલાબહેન એક માસૂમ કિશોરીની સાથે બેઠા હતાં. ‘બોલો, શા માટે આવવું પડયું, ધરમદાસ?’ મેં ગાડીની ચાવી ટેબલ પર મૂકી અને ટેબલ ઉપર પડેલું સ્ટેથોસ્કોપ ગળામાં વીંટાળ્યું. ‘આ છોકરી અમારે ત્યાં લેધર બેગોની સિલાઈ કરવાનું કામ કરે છે. કુંવારી છે. પાંચમો મહિનો જાય છે.’ કલાબહેને ટૂંકાં વાકયોમાં લાંબી વાત કહી નાખી.

‘કુંવારી છોકરી?!’ મને આઘાત લાગ્યો; એટલા માટે નહીં કે આવી પરિસ્થિતિનો હું પ્રથમવાર સામનો કરી રહ્યો હતો, પણ એટલા માટે કે આવી કમનસીબ છોકરીને ગર્ભપાત માટે કેવી ભયંકર શારીરિક-માનસિક યાતનામાંથી પસાર થવું પડશે. તેનો મને બહોળો અનુભવ હતો. મેં બીજો આનુષંગિક પ્રશ્ન પૂછ્યો, ‘આને પ્રેગ્નન્ટ બનાવવા માટે જવાબદાર પુરુષ કોણ છે?’ આ સવાલ કલાબહેનનાં ખાતામાં ન આવે; માટે એનો ઉત્તર ધરમદાસે આપ્યો, ‘છે એક છોકરો. કાનપુર બાજુનો. બાવીસ-ત્રેવીસની ઉમર. પરણેલો છે. દેશમાં ઘરવાળીને મૂકીને મારા કારખાનામાં નોકરી કરવા આવ્યો છે. આ છોકરી બાજુના મકાનમાં બહેનોની સાથે કામ કરે. એમાં કયારે, કેવી રીતે આ બંનેની આંખો લડી ગઈ એની કોઈને ખબર ન પડી.’

હું વિચારમાં પડી ગયો, ‘ધરમદાસ, આ તો જોખમી કેસ છે. છોકરીનાં મા-બાપ કયાં છે?’

‘અરે, છોડો ને, સાહેબ! આ બાપડીને આપઘાત કરાવવો છે તમારે? આ લોકો ભલે ગરીબ રહ્યાં, પણ એમનામાં ઝનૂનની કમી નથી હોતી. આનાં મા-બાપ ગામડે રહે છે. જો એમને આ વાતની ખબર પડે તો છોડીને જીવતી ન મેલે. તમે જવાબદારીની ચિંતા ન કરશો, સાહેબ. અમે જ આનાં મા-બાપ. લાવો, કયાં સહી કરવાની છે?’

‘જવાબદારીનું તો સમજયા, ધરમદાસ, પણ પૈસાનું શું? હું નથી ઈરછતો કે કોઈના પાપનો દંડ તમારે ભોગવવો પડે. પેલો બદમાશ છોકરો કયાં છે?’

‘એ તો ભાગી ગયો. જેવી એને ખબર પડી કે એનું પાપ હવે છાપરે ચડવાની તૈયારીમાં છે, એવો જ એ પગાર લઈને કાનપુર ભેગો થઈ ગયો. અત્યારે તો જે સો-બસોનો ખર્ચ થાય તે મારે જ…’

‘સોરી, ધરમદાસ! આ કાચી-કુંવારી છોકરીનો ગર્ભપાત છે. એની પીડા આ કુમળી કાયા માટે વેઠવી ભારે મુશ્કેલ છે. કયારેક એમાં જીવ પણ નીકળી જાય. આ કામ સો-બસો રૂપરડીમાં પતી જાય એવું સહેલું નથી. માત્ર દવાઓનો ખર્ચ જ પાંચસો રૂપિયા જેવો થઈ જાય. એકાદ-બે દિવસ નર્સિંગ હોમમાં રહેવું પડે. મારું બિલ તો કામ પતી જાય એ પછી આપવાનું થશે. પણ રકમ તમે ધારો છો એના કરતાં મોટી થશે.’

ધરમદાસ ઢીલા પડી ગયા, ‘સાહેબ, દયા રાખો. આ ધરમદાસનું કામ નથી, પણ ધરમનું કામ છે એમ સમજીને કરી આપો. દવાઓના પૈસા તો હું ચૂકવી આપીશ, બાકીના રૂપિયા હાલ પૂરતા…’ ‘હાલ પૂરતા એટલે કયાં સુધી?’

‘એ વિષે હું કોઈ ચોક્કસ સમયમર્યાદા નહીં આપું. એટલું કહી રાખું છું કે તમારું બિલ જયારે પણ ચૂકવીશ ત્યારે એ હું નહીં ચૂકવું.’ ‘ત્યારે કોણ ચૂકવશે?’

‘પેલો નાલાયક કાનપુરીયો! મારી પાસે એનું કાનપુર ખાતેનું સરનામું છે. મારા કામમાંથી જરાક નવરો પડું કે તરત જ હું કાનપુર બાજુ ચક્કર મારી આવીશ. એ શું એનો બાપ પણ પૈસા ખંખેરી આપશે.’ ધરમદાસ આમ તો સાવ સજજન હતા અને શાંત પણ. આજે પહેલી વાર મેં એમને આટલા જુસ્સા અને ગુસ્સા સાથે બોલતા સાંભળ્યા. છેતરપિંડીનો ભોગ બનેલી એક અબળા કિશોરીની હાલત જોઈને તેઓ ખળભળી ગયા હતા એ દેખાઈ આવતું હતું.

મેં છોકરીનો કેસ હાથમાં લીધો. આવા કેસમાં કયુરેટિંગ થઈ શકતું નથી; માટે એ સમયે જે પ્રચલિત અને વિજ્ઞાન-માન્ય પદ્ધતિ અમલમાં હતી તે મેં વ્યવહારમાં મૂકી. મારો આટલા દાયકાઓનો અનુભવ રહ્યો છે કે જે દરદીમાં તમે રાહતદરે સારવાર આપવાનું સ્વીકારો છો તેમાં સૌથી વધારે મહેનત કરવી પડે છે.

ગરીબ દરદીઓની સામાન્ય સુવાવડોમાં પણ ખર્ચાળ કોમ્પ્લિકેશન્સ ઊભાં થતાં હોય છે. પરિણામે દયા દાખવવી મોંઘી પડી જાય છે. આ છોકરીના કેસમાં પણ આવું જ બન્યું. ગર્ભપાતની સૌથી સરળ, સૌથી અસરકારક અને સૌથી સલામત પદ્ધતિ નિષ્ફળ સાબિત થઈ ગઈ. રાહ જોવામાં ત્રણ દિવસ નીકળી ગયા. ધરમદાસ ચિંતાયુક્ત સ્વરે પૂછતા હતા, ‘હવે શું થશે?’

‘બીજો ઉપાય અજમાવવો પડશે. થોડો ખર્ચાળ છે અને જોખમી પણ.’ મેં કહ્યું. બીજો ઉપાય પણ અસફળ રહ્યો. હવે ત્રીજો અને આખરી ઉપાય બરયો હતો : પેટ ચીરીને મિની સિઝેરિયન જેવું ઓપરેશન કરીને બાળકને કાઢી લેવાનો.

ખર્ચ વધતો જતો હતો, જોખમ પણ અને મારા પરનું માનસિક દબાણ પણ. ખાસ તો છોકરી કુંવારી હતી અને સાથે એનાં મા-બાપ હાજર ન હતાં એટલે મારી ચિંતા વધતી જતી હતી. જો કે ધરમદાસ અને કલાબહેન દિવસ-રાત ખડેપગે હાજર હતાં એ હકીકત મારા માટે હૂંફ બનીને ઊભી હતી.

આખરે બધું સરળ અને સફળ રીતે સંપન્ન થઈ ગયું. છોકરી હવે ગર્ભમુક્ત હતી અને ચિંતામુક્ત પણ. એને રજા આપતી વખતે મેં ધરમદાસને મારી પાસે બોલાવ્યા. કહ્યું, ‘ખર્ચનું શું કરીશું, ધરમદાસ? મેજર ઓપરેશનનું બિલ પણ મેજર થાય તેમ છે. ત્રણેક હજારની મેડિસિન્સ અને એનેસ્થેટિસ્ટના એક હજાર…’

‘એનેસ્થેટિસ્ટના તો હું ચૂકવી આપું છું. દવાઓ બહારથી લાવીને જમા કરાવી દઈશ. બાકી રહ્યું તમારું બિલ. એના માટે મેં તમને વચન આપેલું જ છે કે એ રકમ આ ધરમદાસ નહીં ચૂકવે, પેલો પાપી બળાત્કારી ચૂકવશે. સાલ્લો બદમાશ! પોતે પરણેલો છે એ વાત છુપાવીને આ ભોળી છોકરીને છેતરી ગયો! લગ્ન કરવાનો વાયદો કરીને આ કબૂતરીને પીંખી ગયો. હું એને નહીં છોડું.’

ધરમદાસ પેલાને છોડે કે ન છોડે, પણ મારે તો હાલ પૂરતા બિલના રૂપિયા છોડી દેવા પડ્યા. ધરમદાસ મારા પંદર વરસ જૂના પરિચિત હતા. એમના દ્વારા હું સારું એવું કમાયો હતો. આટલા વરસે એમણે પહેલી વાર મારી પાસે થોડોક સમય માગ્યો હતો. એ સમય આપ્યા વિના મારી પાસે અન્ય કોઈ રસ્તો ન હતો.

આ ઘટનાને આજે આઠ વરસ થઈ ગયાં છે. હજુ સુધી એ પેશન્ટની સારવારના બદલામાં એક પૈસો પણ મારા હાથમાં આવ્યો નથી. મને એ વાતનો રંજ પણ નથી. એક ફસાયેલી છોકરીનો જીવ બચાવ્યાનો મને સંતોષ છે. ધરમદાસ એ પછી પણ મને મળતા રહ્યા છે. એમની બે દીકરીઓની ચાર સુવાવડો મારી જ પાસે કરાવી ગયા છે. પેલા ‘મુકામ પોસ્ટ કાનપુર’ વિષે સહેજ પણ ઉલ્લેખ ન એ કરે છે, ન હું કરું છું. બધું હવે શાંત થઈ ગયું છે. આ શાંતિ કાયમને માટે બની રહી હોત, જો અમારા આયાબહેને એમાં કાંકરો નાખીને સરોવરના શાંત નીરમાં મોટું વમળ ન સર્જી દીધું હોત.

‘એક વાત કહું, સાહેબ? આઠ-આઠ વરસથી મેં છુપાવી રાખી છે. પણ તમે વચન આપો કે આ વાતની ચર્ચા ક્યારેય ધરમદાસ સાથે નહીં કરો. નહીંતર એ માણસ મારી સાથે ઝઘડો કરશે.’ હું હસ્યો, ‘જાવ, મારું વચન છે.’

‘એ છોકરીને પ્રેગ્નન્ટ બનાવનાર ધરમદાસ પોતે જ હતા. છોકરી એટલી બધી ડરી ગઈ હતી કે કોઇને આ વાત કહી શકી ન હતી. એ અઠવાડિયા માટે આપણા દવાખાનામાં હતી, ત્યારે એક દિવસ એણે રડતાં-રડતાં મને બધું જ કહી દીધું હતું. પેલા કાનપુરવાળા બદમાશની વાત તદ્દન ઉપજાવી કાઢેલી હતી.’ આયાબહેનની વાત સાંભળીને મને જે આઘાત લાગ્યો છે તે વર્ણવવા માટે મારી પાસે શબ્દો નથી. એના વિરેચન માટે મારે કંઈક તો કરવું ને? છેવટે આ એપિસોડ લખી નાખ્યો. આ વાત કોઈને ન કહેવાનું મારું વચન હતું, ન લખવાનું વચન કયાં હતું?!‘ (શીર્ષક પંક્તિ: દિલહર સંઘવી)

Advertisements

One Response

  1. Duniya ma ava ghana rakshaso hal ma jive che je bija ni jindgi kharab karva ma kai baki nathi rakhta, ava manso ne duniya ma rahva no koi adhikar nathi.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: