વેદના, અવહેલના, અપમાન, લાચારી, ગુલામી, વણરૂઝેલા કેટલા છે વ્રણ, હવે તો શંખ ફૂંકો

મારી બૈરી છે, એનો કેસ પહેલાં લેવો પડશે. જોતા નથી? એની હાલત કેટલી ગંભીર છે?’ કેટલાં વરસ થયા હશે આ સંવાદ સાંભળ્યો એ વાતને? હા, યાદ આવ્યું. આ સવાલ જિંદગીમાં જ્યારે પ્રથમવાર પૂછાયો હતો એ વાતને આજે ત્રીસ વરસ પૂરા થઇ ગયા. હું ત્યારે અમદાવાદની પ્રખ્યાત મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં પોસ્ટ ગ્રેજયુએશન કરતો હતો.

હું અમદાવાદ માટે નવો હતો, અજાણ્યો હતો અને જામનગરની મેડિકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ. થઇને આવેલો હતો. અમદાવાદની ભૂગોળથી પણ અપરિચિત હતો અને અહીંના જનમાનસથી પણ.

રાતનો વખત હતો. હું ચિનાઇ પ્રસૂતિગૃહના લેબર રૂમમાં ઇમરજન્સી ડયૂટી કરી રહ્યો હતો. બે હાઉસમેન અને એક રજિસ્ટ્રાર મળીને કુલ અમે ત્રણ જણાં ફરજ બજાવી રહ્યા હતા. એ આખીયે રાત અમારે જાગરણ કરવાનું હતું. દર્દીઓનો ધસારો રાત પડવાની સાથે જ શરૂ થઇ ગયો હતો.

દરેક સ્ત્રી પેશન્ટ મરણોતલ હાલતમાં જ લાવવામાં આવતી હતી. કોઇને ભયંકર પ્રસૂતિ-પીડા ઉપડી હોય, તો કોઇને ગર્ભાવસ્થા સાથે ધોધમાર રકતસ્રાવ થઇ રહ્યો હોય. માત્ર અમદાવાદના જ નહીં પણ આસપાસના ગામડાંમાંથી પણ બગડી ગયેલા કેસો પૂરના પ્રવાહની પેઠે ધસી રહ્યા હતા.

બે વાગ્યે એક સાથે પાંચ સ્ત્રીઓ દાખલ થવા માટે આવી ચડી. દરેકની સાથે પંદર-વીસ માણસોના ટોળાં તો ખરા જ. કામ કરનારા માત્ર અમે જ. એમાંય ડો. વાળા અમારા રજિસ્ટ્રાર એટલે કે એક વરસ આગળ.

દર્દીને તપાસવાનું પ્રાથમિક કામ તો અમારે બે જણાંએ જ કરવાનું. એ પછીના તબક્કે એમની ભૂમિકા આવે. ડો. વાળા બાજુના ડોકટર્સ રૂમમાં સૂતા હોય. જયારે જરૂર પડે ત્યારે અમારે એમને જગાડવાના.

હું અને મારી સાથીદાર ડોકટર ક્રિના ધડાધડ દર્દીઓને તપાસી રહ્યા હતા, દાખલ કરી રહ્યા હતા અને સારવાર આપી રહ્યાં હતા. નર્સિંગ સ્ટાફ પણ અમારી સાથે ખભેખભા મિલાવીને ફરજ બજાવી રહ્યો હતો.

ત્યારે અચાનક કોઇ પુરુષનો અવાજ સંભળાયો, ‘આ મારી બૈરી છે, એનો કેસ પહેલાં લેવો પડશે.’ કોઇ આવું કહે એની સામે મને વાંધો ન હતો, પણ જે રીતે આ વાક્ય કહેવામાં આવ્યું હતું એ સાવ જ વાંધાજનક હતું. અવાજમાં તોછડાઇ, આંખોમાં દાદાગીરી, લંબાયેલા હાથમાં અપમાનનો ભાવ અને આ બધાંના અંતે ઉરચારેલી ધમકી, ‘જો મારી ઘરવાળીને કંઇ થઇ ગયુ તો તમારી ખેર નથી. હું કાળુભાઇ કોર્પોરેટરનો માણસ છું.’

કાળુભાઇનું નામ સાંભળીને હું અને ક્રિના સાવધાન થઇ ગયા. કાળુભાઇ એ સમયે અમદાવાદના એક ચોક્કસ વિસ્તારના કોર્પોરેટર હતા. જબરા ભારાડી હતા. મ્યુનિસિપલ હોસ્પિટલને પોતાના બાપદાદાની જાગીર સમજતા હતા અને ડોકટરોને પોતાના અંગત નોકર!

અમદાવાદમાં હું આવ્યો એ વાતને બે-ત્રણ મહિના માંડ થયા હશે, પણ આટલા સમયમાં કાળુભાઇનું નામ મારા કાન ઉપર એટલી બધી વાર અથડાયા કર્યું હતું જેટલું તો અમદાવાદના મેયરનું પણ મેં નહીં સાંભળ્યું હોય. ખૂટતી માહિતી મને ડો. ક્રિનાએ આપી, ‘આ માણસથી ચેતતો રહેજે. એ રોજ પાંચ-પંદર ચિઠ્ઠીઓવાળા દર્દીઓ મોકલતો રહે છે.

એને પ્રજાની હાડમારી દૂર કરવામાં સહેજ પણ રસ નથી. એને તો માત્ર પોતાની વોટબેન્ક સાચવવી છે. મતદારોને રાજી રાખવા માટે એ ડોકટરો ઉપર રોફ જમાવતો રહે છે. કયારેય કાળુભાઇની ઝપટમાં ન ચડવું, નહીંતર એ હેરાન કરી નાખશે.’

ડો. ક્રિનાએ આપેલી ચેતવણી સાચી પડી રહી હતી. કાળુભાઇના કાળા કામોના પરચાઓ મળી રાા હતા. આગલા અઠવાડિયાની જ વાત. કાળુભાઇની ભલામણ ચિઠ્ઠી લઇને એક પુરુષ પત્નીની સાથે આવ્યો હતો. કેસ કાઢવાની બારી ઉપર જ એણે લુખ્ખાગીરી શરૂ કરી દીધી. કર્મચારી એક સન્નારી હતાં. એમણે આ દાદાગીરીને વશ થવાનો ઇન્કાર કરી દીધો. થોડી જ વારમાં કાળુભાઇ પોતે આવી પહોંચ્યા.

કોઇ પણ સંસ્કારી માણસને ન શોભે એવી ભાષામાં એમણે પેલી સ્ત્રી-કર્મચારીને ધમકાવવા માંડી, ‘તું સમજે છે શું તારા મનમાં? કાળુભાઇના માણસનું કામ નથી કરી આપતી? રખડતી થઇ જઇશ! સવાર સુધીમાં ખોવાઇ જઇશ! નોકરીથી હાથ ધોઇ બેસીશ! ભૂલતી નહીં કે આ કાળુભાઇ કોર્પોરેટર છે અને આ હોસ્પિટલ પણ કોર્પોરેશનની છે.’

ઘાંટાઘાંટ સાંભળીને લોકોનું ટોળું જમા થઇ ગયું. અમે પણ દોડી ગયા. પેલી સ્ત્રી કર્મચારીની હાલત દયનીય હતી. અપમાનથી ક્ષોભિત અને નોકરી જવાના ભયથી કંપિત એ બિચારી મોં પણ ઊઠાવી શકતી ન હતી. એણે તરત જ બે હાથ જોડીને કાળુભાઇની માફી માગી લીધી. ત્યારે ને ત્યારે પેલી બાઇનો કેસપેપર કાઢી આપ્યો. એ પછી જ કાળુભાઇ ત્યાંથી વિદાય થયા.

ચારેક દિવસ પહેલાં એ સ્ટાફ નર્સ કાળુભાઇની અડફેટે ચડી ગઇ હતી. કોઇ પેશન્ટે ફરિયાદ કરી હશે. તરત જ કાળુભાઇ ધસી આવ્યા. વોર્ડ ગજાવી મૂકયો. ગાળાગાળીનો કવોટા પૂરો થયો, પછી ધાકધમકીનો જથ્થો પેશ થયો, ‘એં…હ!

આમ ચપટી વગાડતાંમાં તને નોકરીમાંથી હાંકી કાઢીશ! તું મને ઓળખતી નહીં હોય. તારા જેવીને તો આ કાળુભાઇ…એં…હં..!’ પછીના શબ્દો અહીં લખી શકાય તેવા નથી. છાશવારે હડતાલ ઉપર ચાલી જતાં હોસ્પિટલના કર્મચારીઓ કાળુભાઇની દાદાગીરી ચૂપચાપ સહન કરી લેતા હતા. એનું એક માત્ર કારણ નોકરી ગુમાવવાનો ડર અને એકતાનો અભાવ. ડોકટર હોય, નર્સ હોય કે પટાવાળો, બધાંને પોતાની કારકિર્દીની ખેવના હોય છે. કાળુભાઇનું ભલું પૂછવું. સત્તાના જોર પર એ ધારે તે કરી શકે.

અહીં એક વાત જણાવવી જરૂરી બની જાય છે. કાળુભાઇ જેવા નેતાઓ જનતાની જ કૂખમાંથી જન્મ લેતા હોય છે. હું મારી ત્રણ દાયકાની કારકિર્દીમાં અનેક રાજકારણીઓમાં પરિચયમાં આવેલો છું. એમાંના ઘણાં બધાએ મારી પાસે ભલામણ ચિઠ્ઠીઓ કે ફોન કરીને દર્દીઓને મોકલેલા છે. પણ એ તમામની ભાષા, વાત કરવાની શૈલી અને ભલામણ કરવાની અદા સંસ્કારી અને શાલીન રહેલી છે.

કાળુભાઇ જેવો વિરલો તો ભાગ્યે જ જોવા મળ્યો હશે અને થોડોક વાંક પ્રજાનો પણ છે. તેઓ એવું માની બેઠા છે કે જનરલ હોસ્પિટલોમાં દર્દીઓનું કોઇ રણીધણી હોય જ નહીં. જો મોટા વગદાર માણસની ચિઠ્ઠી હોય તો જ એમનું કામ થાય. હકીકતમાં જનરલ હોસ્પિટલમાં હાલાકી પડવાનું ખરું કારણ કામનો વધારે પડતો ધસારો જ હોય છે અને ગમે તેવા ગરીબ દર્દીને પણ વિલંબ થાય તે પોસાતું નથી.

એ રાતે અમારો વારો હતો. કાળુભાઇની સાથે ટકરાવાનું લગભગ નિશ્ચિત હતુ. મને તો એ વાતની જાણ સંવાદના છેલ્લા પગથિયે થવા પામી. પેલો આદમી દાદાગીરી કરી રહ્યો હતો. મેં એની સામે જોઇને શાંતિથી કહ્યું, ‘તમે ભલે કહેતા હો કે તમારા પત્નીની હાલત ગંભીર છે, પણ વાસ્તવમાં તેઓ ગંભીર દેખાતાં નથી. એને બદલે આ ચાર દર્દીઓ ખરેખર કટોકટીભરી હાલતમાં છે. એમને સારવાર આપવી અને પ્રાથમિકતા આપવી એ અમારી ફરજ પણ છે અને ધર્મ પણ.’

એ તાડૂક્યો, ‘તમને ખબર છે હું કોણ છું? હું કાળુભાઇનો ખાસ માણસ. એમને ચૂંટણીમાં જીતાડવા માટે રાત-દિવસ અમે એક કર્યા છે. આ રહી એમની ચિઠ્ઠી. મૂકો બીજું કામ બાજુ પર અને મારી બૈરીનો કેસ પહેલાં…’

મને દાઝ તો બહુ ચડતી હતી, બીજું બધું તો ઠીક પણ એ એની પત્નીને જે તુચ્છકારથી ‘બૈરી બૈરી’ કહેતો હતો એ પણ મને તો અપમાનજનક લાગતું હતું. પણ હવે હું સાવધાનની મુદ્રામાં આવી ગયો હતો. કાળુભાઇ જેવા ભારાડી માણસ સાથે અથડામણમાં ઊતરવાની મારી સહેજ પણ તૈયારી નહતી. મેં ડો. ક્રિનાને ધીમેથી સૂચના આપી ‘બાજુના રૂમમાં આપણા રજિસ્ટ્રાર ડો. વાળા સૂતેલા છે. એમને જગાડીને કહે કે બહાર આવે. એમની જરૂર પડી છે.’

ડો. વાળા આંખો ચોળતાં ચોળતાં બહાર આવ્યા. મામલો તંગ હતો, એટલે સીધો જ મને પકડયો, ‘વ્હોટ ઇઝ ધી પ્રોબ્લેમ?’ મેં ટૂંકાણમાં અંગ્રેજીમાં એમને વાત જણાવી. ડો. વાળા વિફર્યા. પેલા કાળુભાઇના ફોલ્ડરિયાને કહી દીધું, ‘તારી વાઇફને સાવ મામૂલી તકલીફ છે. એને કાલે સવારે લઇને આવજે અને કાળુભાઇને કહેજે કે કયારેય અમારા યુનિટમાં ચિઠ્ઠીઓ વાળા દર્દીઓ ન મોકલે. અમે દર્દીની સ્થિતિ જોઇને સારવાર આપવાનો ક્રમ નક્કી કરીએ છીએ, એની ઓળખાણો જોઇને નહીં.’

થઇ રહ્યું. વીસ મિનિટ માંડ વીતી હશે ત્યાં ચાર પૈડાંવાળા રથ ઉપર સવાર થઇને મહારાજા કાળુભાઇ આવી પહોંરયા. આટલી મોડી રાત્રે પણ દર્દીઓના સગાંઓની ભીડ જમા થઇ ગઇ. કાળુભાઇએ લોબી આખી ધ્રૂજી ઊઠે એવી ત્રાડ પાડી, ‘કયાં મરી ગયો એ ડોકટરીયો? કોણ મારા માણસની સામે બકવાસ કરતુ હતુ? જે હોય તે સામે આવે.’

‘હું તમારી સામે જ બેઠો છું.’ ડો. વાળાએ ખુરશીમાં બેઠા બેઠા કહ્યું. ‘મરવાનો થયો છે, ડોકટર! તું મને ઓળખતો નથી. હું કોણ? કાળુભાઇ કોર્પોરેટર. ચપટી વગાડતામાં તારી છૂટ્ટી કરાવી નાખીશ. એમ.ડી.ની પરીક્ષામાં પાસ નહીં થઇ શકે. તારી કેરિયર ખલ્લાસ કરી નાખીશ!’

ડો. વાળા હસ્યા, પછી શાંત, ધીમા પણ દ્રઢ અવાજે એમણે બોલવાનું શરૂ કર્યું, ‘કાળુભાઇ, આમ તો હું સંસ્કારી છું અને શિક્ષિત છું. જો તમે પણ સંસ્કારી હોત તો મેં તમને ‘તમે’ કહીને વાત કરી હોત. પણ હવે સાંભળ કાળીયા, તું બે બદામનો બદમાશ થઇને મને ધમકી શેનો આપે છે? હું નેવું ટકા માકર્સ લાવ્યા પછી ડોકટર બન્યો છું, તારી મહેરબાનીથી નથી બન્યો. તું બે હાથ જોડીને લોકો પાસે મતની ભીખ માગવા નીકળે છે એ રીતે હું માકર્સની ભીખ માગવા નથી જતો. અને તું મારી છૂટ્ટી કરાવી નાખીશ, એમ? અરે, છૂટ્ટી તો હું તારી કરાવી દઇશ. મારા પક્ષમાં આ સો માણસો સાક્ષી બનીને ઊભા છે. કાલે હું જ તારી ફરિયાદ કરું છું. સ્ટેન્ડિંગ કમિટીથી લઇને ગુજરાતના નાથ સુધી ફરી વળું છું. જરૂર પડ્યે કોર્ટનો સહારો લેતાં પણ નહીં અચકાઉ. કારકિર્દી તો હું તારી ખતમ કરી નાખીશ!’

કાળુભાઇએ ડો. વાળાને એક પણ ધમકીનો અમલ કરવાનો અવસર જ ન આપ્યો. જેવા આવ્યા હતા એના કરતાં બમણી ઝડપે નાસી ગયા. એ પછી ગણતરીના દિવસોમાં વધુ પડતા શરાબપાનને કારણે તેઓ ઉપર પહોંચી ગયા. મને ખાતરી છે કે ઇશ્વરના દરબારમાં પણ એમનો કેસ બીજા કરતાં વહેલો લેવાયો હશે.

(કાળુભાઇનું નામ બદલાવ્યું છે. બાકીની ઘટના સત્ય છે.) (શીર્ષક પંકિત : હિતેન આનંદપરા)

Advertisements

2 Responses

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: