એ ગલી,રસ્તો,રખડપટ્ટી અને,હું સ્મરણની કેડીએ ભૂલો પડ્યો

જેવો હું બસમાંથી નીચે ઉતર્યો એવો જ એક માણસ મારી તરફ ધસી આવ્યો, ‘નવા ડોક્ટર સાહેબ તમે જ, સાહેબ?’મને આશ્ચર્ય થયું અને પછી થયેલું આશ્ચર્ય તરત જ ઓસરી ગયું. આશ્ચર્ય થયું તે એટલા માટે કે સાવ અજાણ્યું શહેર હતું ને સાવ અજાણ્યો હું હતો, તેમ છતાં આ માણસે મને ‘નવા ડોક્ટર સાહેબ’ તરીકે કેવી રીતે ઓળખી કાઢ્યો! અને આ સવાલની લગોલગ પાછળ પાછળ જ એનો જવાબ મને મળી ગયો, બસમાંથી ઉતરેલા તમામ પેસેન્જર્સમાં ભણેલો ગણેલો, સુઘડ અને કંઇક અંશે ડોક્ટર દેખાય તેવો માત્ર હું જ હતો.

વસંતમાં મહાલતી યુવાની, ક્લિન શેવ્ડ ચહેરો, માથા પર કાળા ભમ્મર વાળ, એ પણ વ્યવસ્થિતપણે ગોઠવાયેલા, આંખોમાં ગામડાના ગરીબ અને પછાત દર્દીઓની સાચી સેવા કરવાના સપનાં અને હાથમાં જરૂરી ઘરવખરી તથા કપડાં ભરેલી મોટી સૂટકેસ. એક વજનદાર હેન્ડબેગ ખભા ઉપર હતી. હું કોઇ દૂરના સ્થળે જઇ પહોંચેલા બંગાળી નવલકથાનાં આદર્શસેવી નાયક જેવો લાગી રહ્યો હતો. ‘હા, હું જ ડોક્ટર છું. નોકરી પર હાજર થવા માટે આવ્યો છું. તમે?’

‘હું? હું ગાંડો!’ એણે કહ્યું, પછી એ ડાહ્યા જેવું હસી પડ્યો. ‘તમે ગાંડા લાગતા તો નથી…’‘હું ગાંડો નથી, મારું નામ ગાંડો છે. ગાંડાજી કાનાજી ઠાકોર. તમને લેવા આવ્યો છું. પેલી જીપ ઊભી છે એ દેખાય છે ને! એ હોસ્પિટલની જ છે. લાવો, સામાન મને આપો.’ વાક્ય પૂરું થાય તે પહેલાં તો ગાંડાજીએ મારા હાથમાંથી વજનદાર બેગ આંચકીને પોતાના માથા ઉપર મૂકી દીધી. મેં ના પાડી તોયે મારા ખભે લટકાવેલી હેન્ડબેગ પણ એણે લઇ લીધી. આવો દૂબળો-પાતળો, અશક્ત માણસ આટલું વજન કેવી રીતે ઊઠાવી શક્યો હશે? કદાચ ગરીબીમાંથી જન્મતી મજબૂરી માણસ પાસે આવા અશક્ય લાગતાં કામો કરાવી આપતી હશે.

ગાંડાજી મને જીપ સુધી દોરી ગયો. ડ્રાઇવરે મને સલામ કરી. મને પાછળની લાંબી સીટ ઉપર બેસાડ્યો. સામેની એવી જ લાંબી સીટ ઉપર મારો સામાન ગોઠવી દીધો. પછી ગાંડો મારા પગ પાસે બેસી ગયો. જીપ ચાલી. ગાંડો હોસ્પિટલનો કર્મચારી હશે એટલું તો હું વગર કિંધે સમજી ગયો, પણ ઉંમરમાં એ મારાથી દસેક વર્ષે મોટો હતો. એટલે એના અતશિય આગ્રહ છતાં પણ હું એને ‘તુંકારો’ કરીને બોલાવી શકતો નહતો. હું ભલે ડોક્ટર હોઉં, પણ તદ્દન નવો-સવો જ હતો. મારા દિમાગમાં હજુ અમલદારશાહીનો રોફ કે રૂઆબ પ્રવેશ્યા નહતા. આજે પણ પ્રવેશ્યા નથી. મારાથી ત્રીસ-ત્રીસ વર્ષ નાનાં ચોથા વર્ગના કર્મચારીઓને હું એકવચનથી બોલાવી શકતો નથી.

‘અરે, ગાંડાજી! તમે આમ નીચે, મારા પગ પાસે શા માટે બેઠા? સીટ ઉપર બેસો ને!’

‘તમે સાહેબ છો, મારાથી તમારી સામે સીટ માથે ન બેસાય.’ ગાંડાજીએ નાનકડા જવાબમાં મોટી વાત કહી દીધી. નાનું શહેર હતું. બહારના વિસ્તારમાં હોસ્પિટલ હતી. શહેરને ચકરાવો મારીને જીપ હોસ્પિટલમાં દાખલ થઇ એ માટે દસેક મિનિટ કરતાં વધુ સમય નહીં લાગ્યો હોય. મારા માટે ફાળવવામાં આવેલું નિવાસસ્થાન હોસ્પિટલના સૌથી ઊંચા મજલા પર અને તદ્દન અલાયદું હતું. અંદર પગ મૂકતાંમાં જ મને એ ગમી ગયું. એ એક એવું ઘર હતું જેમાં મને મનગમતું એકાંત મળી શકે તેમ હતું.

‘આવો, સાહેબ!’ સામાન સાથે ઘરમાં દાખલ થયેલા ગાંડાજીએ ડ્રોઇંગરૂમમાંથી બાજુના ખંડમાં જતાં મને આવકાર આપ્યો, ‘તમારું ઘર બતાવું. આવો, સાહેબ!’ એ મને એક પછી એક રૂમ બતાવતો ગયો. સામાન તો એણે વચ્ચેના ઓરડામાં ઊતારી મૂક્યો હતો. હવે એ મારી પાસે સૂટકેસ ઉઘાડવાની પરવાનગી માગી રહ્યો હતો.

‘બેગ ઉઘાડવાની શી ઉતાવળ છે? નિરાંતે…’

‘ના સાહેબ, ઉતાવળ છે. તમારી નોકરીનો આજે પહેલો દિવસ છે. તમારે હમણાં દસ જ મિનિટમાં તૈયાર થઇને વોર્ડમાં રાઉન્ડ લેવો પડશે. તમે કપડાં કેવી રીતે બદલશો? જો હા પાડો તો હું તમારો સામાન જમાવી દઉં. તમે ચા તો પીતા હશો ને?’ ગાંડાજી સતત સંબદ્ધ-અસંબદ્ધ લવારી કર્યે જતો હતો. હું હસ્યો, ‘હા, ચા પીઉં છું, પાણી કરતાં પણ વધારે પીઉં છું. પણ દૂધ ક્યાં?’

‘દૂધ લઇ રાખ્યું છે. તમે કેટલાં આવશો એની ખબર ન હતી, એટલે એક લિટર લીધું છે. પણ તમે તો સાવ એકલા જ…’ અચાનક એણે સવાલ બદલી નાખ્યો, ‘બે’ન શું કરે છે, સાહેબ? એ કેમ નથી આવ્યાં?’ હું સમજી ગયો, એ મારી પત્ની વિશે પૂછી રહ્યો હતો. મને મજાક સૂઝી, ‘બે’ન ડોક્ટર છે, એને તમારા ગામડામાં આવવું મંજૂર નથી, એ અમદાવાદમાં જ રોકાયાં છે.’

‘બાપ રે! અમારામાં તો બૈરું આમ કરે તો અમે ઘરની બા’ર…’ પછી તરત એને ભાન થયું કે એ શું બોલી રહ્યો હતો. એ ચૂપ થઇ ગયો અને મારો સામાન ‘જમાવવા’ માંડ્યો. પંદરેક મિનિટમાં તો મારા કપડાં એણે કબાટમાં ગોઠવી દીધા. બૂટ, ચંપલ, સ્લિપર્સ, દાઢીનો સામાન, સાબુ, ટુવાલ બધું યોગ્ય જગ્યાએ ગોઠવી દીધું. મને રસોડામાં ઘૂસેલો જોઇને એ દોડી આવ્યો, ‘સાહેબ, ચા બનાવી આલું?’

‘ના, ચા હું જાતે જ બનાવું છું, અમદાવાદમાં પણ.’

‘હાય! હાય! તો પછી બૈરું વહોરી લાવવાની જરૂર..?’ પાછું એને ભાન થયું, ફરી પાછો એણે જીભડો મોંના પટારામાં બંધ કરી દીધો, ફરી પાછો એ ઘરકામમાં પરોવાઇ ગયો. હવે એ કવાર્ટરની સાફ-સફાઇ કરી રહ્યો હતો.

પહેલાં દિવસથી જ ગાંડાજીએ મારી તમામ વ્યવસ્થાનો હવાલો સંભાળી લીધો. મારી આરામપ્રિય પ્રકૃતિને એની ચીવટ ભરેલી સારસંભાળ માફક આવી ગઇ. મારા માટે ટિફિન લાવવા-લઇ જવાની જવાબદારી પણ એણે માથા પર લઇ લીધી. ટૂંકમાં એણે મને ‘પેરેલાઇÍડ’ કરી મૂક્યો. દિવસમાં સો વાર મારી જીભેથી ‘ગાંડાજી’નું નામ ટપકવા લાગ્યું.

***

દિવાળીના દિવસો હતા. મારી પત્ની અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં ફરજ બજાવતી હતી. એ ચાર-પાંચ દિવસની રજાઓ મેળવીને મને મળવા આવી હતી. ગાંડાજી અમારા બેયનું બારીક નિરીક્ષણ કરી રહ્યો હતો. મારી મજાકભરી વાતોમાંથી ઉપસતું જે ચિત્ર એણે કલ્પી લીધું હતું એનો મેળ એ મારી પત્નીનાં વાણી-વર્તન સાથે બેસાડી રહ્યો હતો.

દોઢ દિવસના નિરીક્ષણના અંતે ગાંડાજીએ ચુકાદો જાહેર કર્યો, ‘સાહેબ, તમે કે’તા’તા એના કરતાં તો બે’ન સાવ જુદાં જ છે. સાચું કહું? મને તો એમનો સ્વભાવ તમારા કરતાંયે વધારે સારો…’

‘શું કહ્યું?’ મેં બનાવટી રોષ સાથે ગર્જના કરી. ગાંડાજી હોઠ ઉપર તાળું મારીને ઘરકામમાં પરોવાઇ ગયો.

એ સાંજે અમે હોસ્પિટલની જીપમાં બેસીને શહેરથી પાંચેક કિલોમીટર છેટે આવેલા એક શિવાલયમાં દર્શન કરવા ગયાં હતાં. સાંજનો સમય હતો. હું મંદિરની બહાર પડેલી એક મોટી, સપાટ શીલા ઉપર બેસીને મારી પત્ની સાથે વાતો કરી રહ્યો હતો, ત્યાં જ દૂરથી એક માણસ દોડતો દેખાયો. ધૂળ ઉડાડતો, શ્ચાસભેર એ જ્યારે નજીક આવ્યો ત્યારે છેક ઓળખાયો. ‘અરે! ગાંડાજી! તમે?’

‘સાહેબ, જલદી ચાલો. મારી ઘરવાળી મરવા પડી છે. એને કસુવાવડ થઇ ગઇ હોય એવું લાગે છે. અચાનક ખૂન તૂટી પડ્યું છે…’ એણે બીજું કંઇ બોલવાની જરૂર ન પડી. અમે જીપમાં બેસી ગયા. ગાંડાજીને પણ બેસાડી દીધો.

ઘેલીની હાલત ખરેખર મરણોન્મુખ જેવી હતી. જીભ ધોળી ભીંત જેવી. ખૂનનું તો જાણે તળાવ ફાટ્યું હતું. નાડી તદ્દન ધીમી, પકડાય નહીં તેવી. બ્લડપ્રેશર ભયજનક હદે નીચું. જો હું એકલો જ હોત તો ચોક્કસ એનો જીવ બચાવી ન શક્યો હોત. મારી પત્નીએ એને ઇન્જેકશનો, ઓક્સિજન, ગ્લુકોઝ ડ્રીપ વગેરે આપવાનું કામ સંભાળી લીધું. મેં ફટાફટ ગર્ભાશયમાં બાકી રહેલો બગાડ કાઢીને વધારે રક્તસ્ત્રાવ ન થાય તે જવાબદારી પૂરી કરી. અમારી સાંજ ગાંડાજીનાં ઘરમાં રાતનું અંધારું ન ઊતરી પડે એના બંદોબસ્તમાં ખતમ થઇ ગઇ. ‘ગાંડાજી, તમારે કેટલાં બાળકો છો?’ ચિંતામુક્ત થયા પછી મેં પૂછપરછ શરૂ કરી.

‘પાંચ દીકરા ને બે દીકરી. છેલ્લાં બે વરસમાં ત્રણ કસુવાવડો થઇ.’ ‘તું માણસ છો? કે જાનવર?’ મારાથી પહેલીવાર તુંકારો થઇ ગયો, ‘આજે તારી ઘેલી મરવા પડી’તી શા માટે એ તને સમજાય છે? ઉપરાછાપરી સુવાવડો, લોહીની ઉણપ, અપૂરતો ખોરાક અને વધારે પડતું ઘરકામ. મને જાણવા મળ્યું છે કે તું જેટલું ધ્યાન મારું રાખે છે એનાથી હજારમાં ભાગનુંયે તારી ઘેલીનું નથી રાખતો. સાત બાળકો તો ઘેલીએ તને આપ્યાં, હજુ કેટલાં જોઇએ છે તારે?’

‘એ તો લીલી વાડી કે’વાય સાહેબ! ભગવાન આલે એટલાં છોકરાં લઇ લેવા પડે અને હું ભલે દવાખાનામાં પટાવાળો, પણ ઘરમાં તો હું બાદશા’ કે’વાઉં! ધણીથી કામ ન થાય, સાહેબ! બૈરું શા કામનું?’

‘ગાંડાજી, ભાઇ, તું સુધરી જા. નહીંતર ઘેલીને મારી નાખીશ. પત્ની એ બૈરું નથી, પુરુષનું અડધું અંગ છે. એને માન આપતાં શીખ. ઘેલી બચ્ચાં જણવાની ફેક્ટરી નથી. બે મહિના પછી ફેમિલી પ્લાનિંગનું ઓપરેશન કરાવી લે. વધારે શું કહું? હું જો તારા જેવો ‘ધણી’ હોઉં ને, તો…’ મેં બાજુમાં બેઠેલી મારી ‘બૈરી’ સામે જોયું અને વાક્ય પૂરું કર્યું, ‘તારા આ બે’ન મને ઘરમાંથી કાઢી જ મૂકે!’

ગાંડાજીએ કાન પકડ્યા, ‘સાહેબ! બે’ન! તમે મારી ઘેલીનો જીવ બચાવ્યો. એને નવી જિંદગી આપી. હવે હું સુધરી જઇશ. આવતી કાલથી જ હું સુધરવાની શરૂઆત કરી દઇશ.’

‘એ કેવી રીતે?’ મારી પત્નીએ પૂછ્યું.

‘સવારની ચા હું પણ જાતે જ બનાવી લઇશ… સાહેબની જેમ જ!’ ગાંડાજીએ પહેલી વાર ડાહ્યાજી જેવી વાત કરી. અમે બેઉ હસી પડ્યા.‘(શીર્ષક પંક્તિ : ‘મેહુલ’)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: