તું પવન છે, આગ ભડકાવી શકે પણ…

‘ડોક્ટર સાહેબ, મારી પત્ની બચી તો જશે ને?’ સંભવ પટેલે પૂછ્યું.

‘લેટ અસ હોપ, કે તેઓ બચી જાય.’ ડો. ખારોડે આશાનું એક પણ કિરણ ઉમેર્યા વિના આશ્વાસન આપ્યું, ‘ભગવાનને પ્રાર્થના કરો! આખરે તો એ જ કર્તા-હર્તા છે.’

‘પણ તમારું મેડિકલ સાયન્સ શું કહે છે?’

‘પ્રથમ ચોવીસ કલાક જોખમી છે. એ નીકળી જાય, પછી ખબર પડે.’ ડો. ખારોડ ન્યૂરોસર્જન હતા. દર્દીને માથામાં ઇજા થયેલી હતી. સારવારમાં જે કંઇ આપવા જેવું હતું તે અપાઇ ચૂક્યું હતું. હવે પ્રતીક્ષા કરવાની હતી, કેટલી અસર દવાની વર્તાય છે અને કેટલી અસર દુઆની એની રાહ જોવાની હતી.

ચોવીસ કલાક નીકળી ગયા. સંભવ પટેલનાં ધર્મપત્ની હજુ સુધી જીવી રહ્યું હતાં. ભલે બેભાન હતાં, પણ હજુ હતાં ખરાં! ‘ડોક્ટર સાહેબ, હવે શું લાગે છે? સંભવે સંભાવનાની ટકાવારી પૂછી લીધી.’ ડો. ખારોડના બોલવામાં ઘોર અંધકાર વરચે ફેંકાતા લેસર બીમ જેટલો પાતળો આશાવાદ સંભળાયો, ‘મધુરીબહેન બચી તો જશે, પણ…’ ‘પણ શું, ડોકટર સાહેબ?’‘એમની વાચા પાછી આવશે કે નહીં એ વિશે કહેવું મુશ્કેલ છે. કદાચ મધુરીબહેન કયારેય બોલી ન શકે એમ પણ બને!’

ડો. ખારોડની આ ભવિષ્યવાણી સાંભળીને સંભવ પટેલ થોડા ઘણા દુ:ખી થયા પણ એમના મિત્રો, પરિચિતો અને સ્વજનોમાંથી જેણે જેણે આ વાત જાણી તે બધા ખૂબ હરખાઇ ઊઠયાં. આનું કારણ જાણવા માટે અકસ્માત પહેલાંની મધુરીને બોલતાં સાંભળવી પડે. સંભવ અને મધુરી એક જ કોલેજમાં ભણતાં હતાં. મધુરી બે વરસ પાછળ હતી. એટલે સંભવે ખાલી એના ચહેરાનો બાહ્ય આકાર જ જોયો, પણ ભાવિ પત્નીની ખોપરીની અંદર કેવું સડેલું ભેજું હતું એ એને ન દેખાયું.

જ્યારે મધુરીના તામસી સ્વભાવ વિશે એને ખબર પડી ત્યારે તો ખૂબ મોડું થઇ ગયું હતું. જિંદગીમાંથી પાંચ વરસની બાદબાકી અને બે બાળકોનો સરવાળો થઇ ચૂકયો હતો. મધુરીમાં બીજી કોઇ ખામી ન હતી. બસ, એની જીભ કુહાડા જેવી હતી. એ જ્યારે પણ મોં ખોલતી, ત્યારે વાત કરવા માટે નહીં પણ સામેવાળાના કટકા કરવા માટે!

આ વાતનો પરિચય સંભવના મિત્રોને ધીમે ધીમે થવા માંડયો. રંગ લાતી હૈ હીના આહિસ્તા આહિસ્તા! એક રવિવારે સાંજે સંભવે રસોડા તરફ જોઇને વિનંતીના સૂરમાં કહ્યું, ‘સાંભળે છે, મધુરી? રાજા અને રાધિકા આવ્યાં છે. એમના માટે પાણી લાવજે.’ જરૂર કરતાં ખાસ્સી એવી વધુ વાર થઇ ગઇ ત્યારે પાણી આવ્યું. હવે સંભવની વાણીમાં ફકત ને ફકત આજીજી જ બચી હતી, ‘મધુરી, મહેમાનો માટે શું બનાવીશ, ઠંડું કે ગરમ?’

જવાબમાં ઠંડી મધુરી ગરમ બની ગઇ, ‘રાજા ને રાધિકા મહેમાન શેનાં? એ તો તમારા મિત્રો છે. અઠવાડિયામાં આઠ વાર આપણા ઘરે આવતાં હોય છે. રોજ રોજ શું આપવાનું વળી?’ સંભવ જો સીતા હોત તો ધરતીમાં સમાઇ ગયો હોત. રાજા-રાધિકા પણ અપમાનને કારણે ઝંખવાણાં પડી ગયાં. છેવટે રાજાએ વાત વાળી લીધી, ‘હા, હા! ભાભીની વાત સાવ સાચી છે. આપણે તો રોજનું થયું. અમે ઘરેથી છેલ્લા કોળિયે જ નીકળ્યાં છીએ. ’

રાજા-રાધિકાના કરતાં વધુ કડવો ‘ડોઝ’ મયંક-મૃદંગાને મળી ગયો. એક વાર રાતના દસ વાગ્યે તેઓ સંભવને મળવા માટે આવ્યાં. મધુરી ઘરના ઝાંપા આગળ જ ઊભી હતી. વાળુ પછીનો એંઠવાડ ગાયને ખવડાવી રહી હતી. પતિના મિત્રોને જોઇને એણે મોં બગાડ્યું, ‘કેમ, શું હતું?’‘ખાસ કંઇ નહીં. બસ… આમ જ… તમારા ઘરે બેસવા માટે આવ્યા છીએ. સંભવ બહાર ગયો છે?’ મયંકે પૂછ્યું.

‘ના, એ તો ઘરમાં જ છે. તમારો અવાજ સાંભળશે તો કૂદકો મારીને બહાર દોડી આવશે. પણ હું ભયંકર થાકી ગઇ છું. તમેય ખરાં છો! આટલાં મોડા કોઇના ઘરે જવાતું હશે?’ મધુરીઐ આ સમગ્ર વાતચીત દરમિયાન પોતાના બેય હાથ ફેલાવીને ઝાંપાના બંને છેડાઓ ઉપર મૂકી રાખ્યા હતા, જેથી મયંક કે મૃદંગા એની બાજુની ખાલી જગ્યામાંથી સરકીને ઘરમાં પ્રવેશી ન જાય. મયંક અને મૃદંગાને એટલું બધું ખરાબ લાગ્યું છે કે એમણે સંભવ સાથેનો સંબંધ જ તોડી નાખ્યો.

મયંકે બીજા દિવસે ફોન કરીને મિત્રને જણાવી દીધું, ‘માફ કરજે, દોસ્ત! દુ:ખ સાથે કહેવું પડે છે કે તારી વાઇફનું નામ મધુરી છે એ બદલાવીને ‘કડવી’ કરી નાખ! આપણી વીસ વરસની દોસ્તીના એણે વીસ સેકન્ડમાં ભૂક્કા બોલાવી દીધા. હવે પછી તારા ઘરે રાતના તો ઠીક, પણ સવારના દસ વાગ્યે પણ હું પગ નહીં મૂકું.’

મધુરી આવું શા માટે કરતી હતી એ માનસશાસ્ત્રનો જટિલ કોયડો હતો. નહીંતર સંભવની આર્થિક સ્થિતિ અત્યંત સારી હતી. એમનો બંગલો વિશાળ હતો, બે ગાડીઓ હતી, ત્રણ ચાર ફામ્ર્સ હતાં. કદાચ મધુરીના દિમાગમાં કેમિકલ ‘લોચા’ હતા. એ અતિ કંજૂસ હતી, અતિ રુક્ષ હતી, અતિ આળસુ હતી. એના હાથની ચા પીધી હોય એવી એક પણ વ્યકિત આખા શહેરમાં ન હતી. એણે જેને હસીને ‘આવો’ કહ્યું હોય એ મહેમાનને પદ્મશ્રી કે પદ્મભૂષણનો ખિતાબ આપવો પડે. બાકી તો બધાના ભાગ્યમાં મધુરીભાભી તરફથી કાતર, કુહાડી અને કરવતની જ ભેટો મળતી રહે.

તૂટેલા સંબંધોના ભગ્ન અવશેષોના ઢગલા ઉપર બેસીને મધુરી એની પ્રકતિ અનુસાર જિંદગી ગુજારતી રહી અને એક દિવસ કાર એકિસડેન્ટમાં એ પોતાની ખોપરી પણ ભાંગી બેઠી. હેડ ઇન્જરીમાંથી એ બચી તો ગઇ, પણ ડો. ખારોડનું માનવું એવું હતું કે એની વાચા પાછી આવશે કે નહીં એ વિશે ખાતરીપૂર્વક કશું પણ કહેવું મુશ્કેલ છે. પણ મધુરી જેનું નામ! સાતમા દિવસે એ સાજી થવા માંડી. પંદરમા દિવસે બોલવા માંડી. એક મહિના પછી તો એ હરતી-ફરતી અને પહેલાંની જેમ જ બધાં કામ કરતી થઇ ગઇ.

સૌથી મોટા આશ્ચર્યની વાત એ બની કે મધુરીનો સ્વભાવ સંપૂર્ણપણે બદલાઇ ચૂક્યો હતો. એનો પતિ સંભવ પોતાના મિત્રોને ફોન કરી કરીને વધામણી ખાતો રહ્યો. ‘ભાઇઓ, તમે હવે નચિંત બનીને પાછા મારા ઘરે આવી શકો છો. તમારી કડવી ભાભી હવે ખરેખર એના નામ પ્રમાણે મીઠી મધુરી બની ગઇ છે.’

રાજા અને રાધિકાએ પહેલ કરવાની હિંમત કરી. હજુ તો એ લોકો સોફામાં બેઠાં ન હતાં, ત્યાં ઠંડા પાણીના ગ્લાસ લઇને મધુરી હાજર થઇ ગઇ. પછી દર અડધા કલાકે બટાકા પૌંઆ, ફ્રૂટ્સ, ચા, આઇસક્રીમ, પેસ્ટ્રી…! રાજા-રાધિકાને વિમાસણ થઇ કે તેઓ મિત્રના ઘરને બદલે કયાંક રેસ્ટોરન્ટમાં તો નથી આવી ચડયાં ને?

મયંક અને મૃદંગા જૂના અનુભવને ઘ્યાનમાં લઇને સાંજના સાત વાગ્યે સંભવના ઘરે આવી પહોંરયાં. પણ મધુરીએ એમને રાતના એક વાગ્યા સુધી ઊભાં ન થવા દીધાં, ‘ઘણા દિવસ પછી આવ્યાં છો, આજે તો ‘ડિનર’ લીધા વગર જવા જ નહીં દઉ.’ આવો જ અનુભવ સંદીપ અને સુલભાને થયો. બધા મિત્રોના હોઠ ઉપર એક જ સરખો પ્રતિભાવ હતો, ‘વાહ! તું તો ફાવી ગયો, સંભવ! ભાભીના અકસ્માતે તો એમનું આખું અસ્તિત્વ જ પલટાવી દીધું. ખોળિયું એનું એ જ રહ્યું, પણ આત્મા બદલાઇ ગયો.

આનું નામ અકસ્માતમાંથી સાજા થવું કહેવાય. નહીંતર આપણે કયાં નથી જાણતા? અકસ્માતમાંથી ઊગરી જનારામાં કંઇ ને કંઇ નુકસાન તો રહી જ જતું હોય છે. પણ મધુરીભાભી તો કોડીનાં હતાં એમાંથી કરોડનાં થઇને પાછા આવ્યાં છે.’ છ મહિના સુધી બધું બરાબર ચાલ્યું, એટલે સંભવે પત્ની સુધરી ગઇ તે વાતની ઉજવણી કરવા માટે ભોજન સમારંભનું આયોજન કર્યું. સો આમંત્રિતોને નોતરું પાઠવ્યું. ડો. ખારોડ પણ એમાં સામેલ હતા. સમારંભ એના શિખર ઉપર હતો, ત્યાં અચાનક મધુરીનું ફટકયું.

એણે પતિને ધમકાવી નાખ્યો, ‘તમે સમજી શું બેઠા છો મને? તમારી નોકરડી? કોઇ જ કારણ વગર આટલા બધા લોકોને જમવા માટે શું કામ બોલાવ્યા છે?’ પૂરી દસ મિનિટ સુધી એનો કકળાટ ચાલુ રહ્યો. આમંત્રિતો થાળી મૂકીને ભાગી છૂટ્યા. સંભવે માથે હાથ દઇને ડો. ખારોડ આગળ વસવસો વ્યકત કર્યો, ‘ડોક્ટર સાહેબ, આ શું થયું પાછું? મારી પત્નીને પહેલાંની જેવી કરી આપો!’

ડો. ખારોડે હસીને જવાબ આપ્યો, ‘ભાઇ, તમારી પત્ની હવે જ પૂરેપૂરી સાજી થઇ ગઇ છે. એના સ્વભાવમાં આવેલી સારપ એના દિમાગ પર પડેલી ચોટની આડઅસર હતી. હવે એ ખરેખર પહેલાં હતી એવી જ બની ગઇ છે. સંભવને સમજાયું નહીં કે એ ખુશ થાય કે દુ:ખી! – (સત્ય ઘટના) (શીર્ષક પંકિત : ખલીલ ધનતેજવી)

Advertisements

3 Responses

  1. what is the name of this intersting “BIMARI”?

  2. i know this bimari very well…because one of my girl has it….but in her case she get well after one hour…….so she does all above in the story and then later she ask to forgive her for that and she say she dsnt know why and how it happen.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: