ગરીબો પણ ખુશી ઊજવી શકે દિલના ઉમંગોથી, અમારા આંગણે ‘આઝાદ’ એવો કોઇ અવસર હો

મને આઠ આના આપ ને!’ દસ વરસના દીકરાએ માતા આગળ માગણી રજૂ કરી. ‘આઠ આના?! આટલા બધા પૈસાનું તારે કરવું છે શું? દિમાગ ચસકી તો નથી ગયું ને!’ લાભુબહેને આઘાત પામીને પૂછ્યું. ‘મારે કંપાસપેટી લેવી છે. નિશાળમાં હંધાયની પાહે છે. ભૂમિતિના માસ્તર રોજ મને આંકણીથી મારે છે. ભાઇબંધ દોસ્તારો મારી મશ્કરી કરે છે. આપને આઠ આના, આવું શું કરે છે, મા?’

આજથી પિસ્તાલીસ વરસ પહેલાંની સત્ય ઘટના. ઉપરનો સંવાદ આજે ભલે કાલ્પનિક લાગતો હોય, પણ એ વખતે સાચો હતો. સૌરાષ્ટ્રના એક સાવ નાનકડાં ગામડાના ગરીબ પરિવાર માટે એક આખો રૂપિયો એટલે સોનાનું બિસ્કિટ કહેવાય અને આઠ આના એટલે ચાંદીની પાટ. આ અણસમજુ બાળકને કોણ સમજાવે કે ઘરમાં કાણો પૈસો પણ નથી, ત્યાં આઠ આના ક્યાંથી કાઢવા?

બાવટાનો લોટ મસળતી મજબૂર માતાની આંખોમાંથી બે આંસુ ખર્યા અને લોટ સાથે ભળી ગયા. સારું થયું, રોટલો જરાક નમકીન થઇ ગયો. શાકનો તો સવાલ જ ક્યાં હતો!

ખખડી ગયેલું ખોરડું હતું અને ઘસાઇ ગયેલા પતિ-પત્ની હતા. પતિનું નામ દયાશંકર, પત્નીનું નામ લાભુબહેન. સંતાનમાં બે દીકરાઓ હતા. મોટો નગીન અને નાનો રમણ. કંપાસ-બોક્સની લકઝ્યુરિયસ ડિમાન્ડ કરનાર દીકરો એટલે રમણ. પાંચમા ધોરણમાં ભણતો હતો. હોશિયાર હતો. ગરીબ માવતર માટે ભવિષ્યની કાજળઘેરી વાદળી ફરતે વીંટળાયેલી એક માત્ર સોનેરી રેખા આ નાનો દીકરો રમણ જ હતો. મોટો નગીન જન્મથી મૂકબધિર હતો. શરીરથી મજબૂત અને ખડતલ, પણ બોલવાથી-સાંભળવાથી શૂન્ય.

‘બેટા, એક દિવસ પૂરતો ખમી જા, કાલ સુધીમાં જોગવાઇ કરું છું.’ માએ આંખની કીકી જેવા દીકરાને વાયદો આપીને એ વખતે તો ચૂપ કરી દીધો, અંદરખાને તો એ પણ જાણતી હતી કે આખા ગામમાં એક પણ માણસ આઠ આના જેવી ‘માતબર’ રકમ ઉછીની આપવાનું નથી. આમ છતાં લાભુબહેને રાત્રે પતિ દયાશંકર સમક્ષ વાત મૂકી.
દયાશંકરના પહેરણના ખિસ્સામાંથી આઠ આના તો નીકળે એમ ન હતા, એટલે છાતીમાંથી નિ:સાસો નીકળ્યો, ‘અટાણે આજુબાજુના આઠ ગામ ખૂંદી વળું છું, ત્યારે ચાર જણાના પેટ ભરાય એટલો લોટ માંડ મળે છે. ત્રણ-ત્રણ વરહના ઉપરાછાપરી દુકાળે ખેડૂતોને ખાલીખમ કરી મેલ્યા છે, ત્યાં આઠ આના કોની પાસેથી લાવવા?’

સવારે લાભુબહેને કાનમાં પહેરેલી સોનાની પાતળી વાળી ઉતારી આપી, ‘લ્યો, નારણજી વાણિયાની દુકાને ગીરવે મેલીને જે રકમ આવે એમાંથી આપણા રમણ હાટુ કંપાસપેટી લઇ આવો. ના, ગીરવે નો મેલતા, પછી છોડાવશે કોણ? વેંચતા જ આવજો!’

રમણિયાને તો ઊઠતાની સાથે કંપાસપેટી મળી ગઇ. એણે માના અડવાણા કાન જોયા હશે કે નહીં એ કાં રમણ જાણે, કાં રામ! રમણ ભણતો ગયો, પ્રથમ નંબરે પાસ થતો રહ્યો. મોટો નગીન ચૂપચાપ જોયા કરતો હતો. ક્યારેક મા રડતી હોય તો એ હાથનો ઇશારો કરીને પૂછતો : ‘શું થયું? કેમ રડે છે?’

ક્યારેક બાપુને હાંફતા જોઇને પૂછી લે : ‘થાકી ગ્યા? મારા ખભે ઊચકી લઉ?’ એનું પાડા જેવું અલમસ્ત શરીર જોઇને ગોર-ગોરાણી નિ:સાસો નાખી લેતા, ‘ભગવાને આવું શરીર દીધું, આટલું બળ આપ્યું, પણ એક વાચા ન આપી! સાંભળી ન શકે એનું તો હમજ્યા, પણ એટલું બોલી શકતો હોત તોયે ઘોરી બનીને પડખે ઊભો રહ્યો હોત.’

બોર્ડની પરીક્ષા માટે ભાવનગર જવાનું થયું. નાણાંની સમસ્યા સામે આવી. આ કંઇ પાંચમા ધોરણની કંપાસપેટી લાવવા જેવી નાની સમસ્યા નહોતી, ભાવનગરમાં ચાર-પાંચ દી’ રહેવા-જમવાનું, આવવા-જવાનું બસભાડું અને પાંચ-દસ રૂપિયા વધારાના એમ સો-દોઢસો રૂપિયાનો મામલો હતો. માગવા જેવું એક ઘર બચ્યું ન હતું અને વેચવા જેવો એક પણ દાગીનો રહ્યો ન હતો. લાભુબહેનનાં ઘરકામની કમાણીમાંથી પંચોતેર રૂપિયાની બચત હતી. બાકીના પંચોતેરનું શું કરવું?

રમણ શિક્ષણની ઇનિંગ્ઝમાંથી રિટાયર્ડ-હર્ટ થઇને ફેંકાઇ જાય તે પહેલાં એનો મોટો ભાઇ ‘રનર’ બનીને એની મદદે ધસી આવ્યો. પતરાના કાટ ખાધેલા ચોરસ ડબ્બામાંથી ચીંથરે વીંટ્યા સો રૂપિયા ધરી દીધા. ત્રણ જીવ સામટા પૂછી બેઠા, ‘આટલા બધા રૂપિયા? તારી પાસે ક્યાંથી?’

શબ્દો માટે અવકાશ જ ન હતો, હાથ અને આંગળીઓ સવાલ પૂછતી હતી અને નગીનના ઇશારા જવાબ આપતા હતા. સરવાળે જે સાંપડ્યું તે આવું હતું, ‘તમને લાગતું’તું ને કે આ બહેરીયો આખો દી’ રખડ્યા કરે છે? પણ હું રખડતો નો’તો. હું રોજ સવારથી સાંજ લગી દા’ડી કરતો’તો. આપણાં ગામમાં તો કોણ મને મજૂરી આપે? એટલે બાજુના ગામડામાં જઇને ખેતકામ કરતો’તો.

મને ખબર હતી કે આને પરીક્ષા ટાણે પૈસા જોઇશે. નહીં આપીયે તો ભાઇ રડવા બેસશે.’ આટલું સમજાવ્યા પછી નગીન નાચ્યો, કૂદ્યો, હસ્યો અને રમણના હાથમાં તાળી મારી, પછી બે હાથ ચત્તા ધરીને તાળી માગી પણ ખરી. મા-બાપ ને રમણ ત્રણેય એક સાથે રડી પડ્યા, કેમ કે મૂકબધિર નગીનની હથેળીમાં ખેતમજૂરીના નિશાન જેવા છાલા પડી ગયેલા હતા.

ગરીબ ઘરોનાં તેજસ્વી બાળકો કેવી રીતે ભણે છે એ વાત સ્વીસ બેંકમાં ગુપ્ત ખાતા ધરાવતા ભ્રષ્ટ નેતાને નહીં સમજાય, સાક્ષરતા અભિયાનો ચલાવતા શિક્ષણપ્રધાનોને નહીં સમજાય, જ્ઞાનસત્રો ગજાવતા સાહિત્યકારો કે એક્ટિવિસ્ટોને નહીં સમજાય. આ બાળકોની વેદના સમજવી હોય તો ગરીબની ગોદમાં જન્મવું પડે, ભણવું પડે અને ઠેસ-ઠેબાં ને ઠોકરો ખાતાં-ખાતાં આગળ વધવું પડે.

રમણ આ રીતે આગળ વઘ્યો. રજાઓ પડે અને રમણ ગામડે આવે ત્યારે એક દ્રશ્ય અચૂક ભજવાતું: નગીન કાગળના પેકગિંમાં વીંટાયેલું નવું નક્કોર શર્ટ રમણના હાથમાં મૂકી દેતો. પછી ખુશીનો માર્યો નાચવા માંડતો. રમણ એને સમજાવે કે, ‘મારી પાસે બે જોડી કપડાં છે, ત્રીજાની જરૂર નથી. શા માટે કષ્ટો વેઠે છે?’

પણ નગીન સાંભળે તો ને? ધીમે-ધીમે રમણને પણ સમજાતું ગયું,’ મોટોભાઇ એના પોતાના સુખ માટે આ બધું કરે છે, મારી ખુશી માટે નથી કરતો.’ રમણને સારી સરકારી નોકરી મળી. રાજકોટમાં રહેવા બંગલો પણ મળ્યો. તરત દયાશંકરનો પત્ર આવ્યો, ‘બેટા, સારા-સારા ઘરની કન્યા માટે માગા આવવા માંડ્યા છે. તું હા પાડે તો…’

ચાર દિવસની રજા લઇ રમણ ગામડે ગયો. ચાલીસ કન્યા જોઇ નાખી. જે સર્વોત્તમ હતી એને પસંદ કરી લીધી. પછી પિતાને કહ્યું, ‘બાપુ, હું જાણું છું કે તમને મારાં લગ્નની ઉતાવળ છે, પણ મને થોડાક દિવસનો સમય આપો. સગાઇ ભલે આજે કરી નાખો, પણ લગ્ન માટે…’

દયાશંકરને કંઇ સમજાયું નહિ પણ તેમણે હા પાડી. રાજકોટમાં રો-રો રમણ દસેય દિશાની માહિતી મેળવતો રહેતો હતો. એક દિવસ એને જેની તડપ હતી એવા સમાચાર મળ્યા. એણે ગાડી મારી મૂકી. ગામથી દૂરના બીજા એક ગામનાં ન્યાતના એક ગરીબ ખોરડા સામે ગાડી ઊભી રાખી. ઘરમાં બેઠેલા આધેડ મોભીને ઓળખાણ આપી. પછી પૂછ્યું, ‘સાંભળ્યું છે કે તમારી દીકરી સાસરેથી પાછી આવી છે?’

બાપ રડી પડ્યો, ‘હા, શું થાય? જમાઇ જમડા જેવો નીકળ્યો. મારી રંભાને રોજ ઢોરમાર મારે. દીકરીએ બેવાર ઝેર ખાધું, ત્રણ વાર કૂવે પડવા ગઇ. પણ નસીબ નબળા હશે તે બચી ગઇ. હવે જિંદગી આખી અમારા માથે બોજનો ડુંગર બનીને જીવ્યા કરશે.’

‘હું એ ડુંગરને લઇ જવા આવ્યો છું. મારા મોટાભાઇ છે, મૂગાં-બહેરા છે, જો તમને વાંધો ન હોય તો…’ બાપ વિચારવા લાગ્યો, એટલામાં કમાડ પાછળ સંતાયેલી રંભાનો અવાજ સંભળાયો, ‘બાપુને શું પૂછવાનું? હું તૈયાર છું. એટલી ગાળો ખાધી છે મેં…કે હવે તો મૂંગો ધણી જ મીઠો લાગશે. પણ મારે એક દીકરી છે એનું શું?’

રમણે એક ક્ષણ પણ વેડફ્યા વગર જવાબ દઇ દીધો, ‘તમારી દીકરી એ અમારી દીકરી. ઈશ્વરે અમને બહેન નથી આપી. આ લક્ષ્મીને જીવનભર ખબર નહીં પડવા દઇએ કે એ મારા ખાનદાનનું બુંદ નથી. વધારે કંઇ પૂછવું છે?’ વાત પાક્કી કરીને રમણ સીધો પોતાના ગામડે ગયો. બધી વાત કરી. નગીન મૂંઝાઇ રહ્યો હતો કે આ બધું શું ચાલી રહ્યું છે!

રમણે ઇશારો કરીને સમજાવ્યું. પોતાના માથા પર હાથ લઇ જઇને વાળનો ચોટલો ગૂંથવાનો સંકેત કર્યો. નાકની ચૂની દર્શાવી. બે પગમાં કાલ્પનિક ઝાંઝર પહેર્યા ને છમકાવ્યા યે ખરાં. નગીન સમજ્યો કે વાત તો કોઇ બાઇ માણસની ચાલી રહી છે, પણ પછી એ વધારે મૂંઝાયો. પૂછ્યું- કોના માટે? આ ઇશારાના પ્રતિસાદમાં રમણે સંકેત કર્યો, ‘તારા માટે.’

ઘરમાં આનંદના દરિયો ઊમટ્યો. રમણ આનંદથી પાગલ બનીને કૂદી રહ્યો, નાચી રહ્યો અને મોટાભાઇ પાસેથી તાળી ઉઘરાવી રહ્યો. નગીન રડી પડ્યો. દાયકાઓથી એની હથેળીમાં પડેલા છાલાના નિશાન નાનોભાઇ ક્યારેક તો રૂઝવશે એવી એની શ્રદ્ધા હતી, પણ આ રીતે પીળાં રંગની પીઠીથી ભરી દેશે એવી તો એને કલ્પના પણ ક્યાં હતી?!

(સત્ય ઘટના)
(શીર્ષક પંક્તિ : કુતુબ આઝાદ)

Advertisements

10 Responses

 1. oh..wow….
  aesa bhi kabhi hota hai…??

 2. oh..wow….
  aesa bhi kabhi hota hai…??

 3. Really heart touching story(reality).

 4. sabandho ni olakhane ishvar pan rizyo hashe,
  koi ke ene pan kyarek to ramadyo hashe.

 5. atyare to ek bhai ek tukda jamin mate bija bhai ni hatya kari nakhe 6e ! a best example story 4 2 brothers
  Really heart touching story

 6. atyare to ek bhai ek tukda jamin mate bija bhai ni hatya kari nakhe 6e ! a best example story 4 2 brothers

 7. realy realy heart touching story…

 8. jo darek ghar ma ava j nagin ane raman hoy to saradar patel nu swapna sachu thay….darek ghar adarsh ghar ane darek gam adarsh gam bane….aajkal na bhaio ne to patni avi nathi k chutta padavani ne ma baap no batvaro karvama ma vadhare ras 6e 😐

 9. sir it’s supberb.. Ava Bhai Bhagwan bhadhne aape…

 10. bhuj sari vat lakhi che sir tame abhinandan che tamne

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: