આપણા સંબંધના ઇતિહાસનો આ સાર છે,પાણીની સમજણ નથી ને વહાણનો આકાર છે

રાતના બે વાગ્યા સુધી મંઝીલ જાગતી બેસી રહી, પણ પતિદેવ ઘરે પધાર્યા નહીં, છેવટે થાકીને એ આડે પડખે થઇ ત્યાં જ ડોરબેલ બજી ઊઠી. મંઝીલે દીવાલ-ઘડિયાળમાં સમય જોયો. અઢી વાગ્યા હતા. બારણાંના કી-હોલમાંથી જોયું, તો બહાર ઊભેલો મધરાતનો મહેમાન એનો પતિ અંજામ શાહ જ હતો.

મંઝીલે બારણું ઊઘાડ્યું એ સાથે જ વિદેશી શરાબની વાસ ડ્રોઇંગરૂમમાં ઝાપટની જેમ ધસી આવી. દુર્ગંધની પાછળ પાછળ દુર્જન પણ ઘરમાં દાખલ થયો. અંજામના પગ લથડતા હતા, આંખો શરાબના ઘેનમાં મસ્ત બની ગઇ હતી, જીભ પરનો અંકુશ ઓસરી ગયો હતો.

‘આજે પાછા દારૂ ઢીંચીને આવ્યા?’ મંઝીલે હથેળી પોતાનાં નાક આડે ધરીને મોં બગાડ્યું.

જવાબમાં એક લથડિયું અને પછી અંજામના ગળામાંથી ફૂટતો, અટવાતો, ગબડતો સૂર: ‘જંગલમેં મોર નાચા… કિસીને ના દેખા… આ…આ…’ હમ જો થોડી જરા પીકે ઝૂમે….એ…એ.. તો સબને દેખા… આ… આ…આ… અને પછી એક જોરદાર ઊલટી સાથે અંજામની હોજરીમાં ઠાંસોઠાસ ઠલવાયેલો આઠ પેગ શરાબ ખળખળ કરતો મંઝીલનાં દેહ ઉપર!

ઊલટીના પ્રવાહીમાં મટનના અડધા ચવાયેલા ટુકડા પણ હતા. અંજામ તો ગોટીંમડા ખાતો જેમ તેમ કરતો બેડરૂમમાં જઇને પથારીમાં પોઢી ગયો, પણ ડ્રોઇંગરૂમની ગંદકી સાફ કરવામાં મંઝીલના બે કલાક નીકળી ગયા. ચાર-સાડા ચાર વાગે એ નાહીને ચોખ્ખી નાઇટી પહેરીને બેડરૂમમાં ગઇ, ત્યારે એનો પતિ પરમેશ્વર નસકોરા બોલાવી રહ્યો હતો.

વચમાં વચમાં ઓશીકાને બાથ ભીડીને એ બબડી લેતો હતો. ‘ટચ મી… ટચ મી… જરા…જરા… કિસ મી…. કિસ મી…’

મંઝીલ બાજુમાં શોભતી શ્રીનાથજીની મૂર્તિ સમક્ષ રડી પડી, ‘હે ભગવાન, આ બધું શું થવા બેઠું છે? તુ મારા પતિને સન્માર્ગે લાવ, હે ઇશ્વર!’

અંજામ શાહ અને મંઝીલ મહેતા એકબીજાનાં પરિવાર દ્વારા મળ્યા હતા અને પરણ્યા હતા. અંજામ બેન્કમાં નોકરી કરતો એક સીધો સાદો પુરુષ હતો અને મંઝીલ પરંપરાગત સંસ્કારવાળી શ્રદ્ધાળુ કુટુંબની દીકરી હતી. લગ્ન પછીના પાંચ વર્ષ તો સીધી સપાટ સડક ઉપર દોડતાં વાહનની પેઠે પસાર થઇ ગયા.

એ દરમિયાન એક દીકરો એક દીકરી જન્મ્યા પણ ખરા. પરિવાર સંપૂર્ણ બની ગયો. અંજામનો પગાર મર્યાદિત હતો, પણ જીવનમાં સુખ અમર્યાદિત હતું. લોન ઉપર લીધેલા નાનકડા ઘરમાં સંતોષની ચાંદી હતી ને સુખનું સોનું હતું. આખીયે જિંદગી આમ જ વિના વિધ્ને વિતી ગઇ હોત, જો અંજામની ગાંડી મહત્વાકાંક્ષા વચે ન નડી હોત તો!

‘મંઝીલ! ડાર્લિંગ, હું જિંદગીમાં કંઇક બનવા માગું છું. આ સાંકડા ઘરની નાની-નાની દીવાલો મને ગૂંગળાવી રહી છે. મારે ફિલ્મ પ્રોડ્યુસર બનવું છે. મારે દિગ્દર્શન કરવું છે. રૂપેરી પડદા પરના મોટા ને ચમકતા સિતારાઓને મારે ‘લાઇટ્સ-કેમેરા-એક્શન’ના આદેશો ફરમાવીને મારી મરજી મુજબ નચાવવા છે. મારામાં ટેલેન્ટ છે અને મારા સામર્થ્યના આસમાનમાંથી મારે કરોડો સિક્કાઓનો વરસાદ વરસાવવો છે.’

મંઝીલને આ ફિલ્લમ લાઇનવાળી વાત ગમી તો નહીં, પણ આદર્શ ભારતીય પત્નીનાં નાતે એણે પોતાની નારાજગી દબાવી દીધી, ‘જેવી તમારી મરજી! એક ગુજરાતી ફિલ્મ બનાવવા માટે કેટલાં લાખ જોઇએ, દસ કે પંદર?’

‘શીટ- તને એવું લાગે છે કે હું ગુજરાતી ફિલ્મ બનાવીશ? આ ઢોલીવૂડમાં તો હું ઢોલ વગાડવા પણ ન જાઉ. મારી ઇચ્છા હિન્દી ફિલ્મો બનાવવાની છે અને એ પણ આંતરરાષ્ટ્રીય સ્તરની. મારી સ્પર્ધા ચોપ્રા કેમ્પ કે જોહર કેમ્પની સાથે નહીં હોય, હું બોલિવૂડમાં બેસીને હોલિવૂડની સાથે હરીફાઇ કરવા ઇચ્છું છું. તું જોજે…મારી દરેક ફિલ્મને ઓસ્કાર મળશે.’

કે. આસીફ કે રાજકપૂર કે ગુરુદત્ત જેવા પ્રતિભાવાન હોવાનો આત્મવિશ્વાસ છાતીમાં ભરીને અંજામ મુંબઇ ઊપડી ગયો. બેન્કમાંથી વગર પગારની લાંબી રજાઓ લઇ લીધી. જ્યાંથી મળી શકે તેમ હતા, તે તમામ સ્થળોએથી પૈસા મેળવી લીધા. બે મહિનાની રખડપટ્ટી પછી એને ખબર પડી કે એની જેવા તો કૈંક પાગલો આ માયાનગરીમાં સપાનાનાં વાવેતર કરવાના અભરખા લઇને આવે છે અને કઠોર વાસ્તવિકતાના કબ્રસ્તાનમાં દફન થઇ જાય છે.

ત્રીજા મહિને તેર લાખ રૂપિયાનું પાણી કરીને અંજામ પાછો અમદાવાદ ભેગો થઇ ગયો. કોઇને કહ્યું નહીં કે ચાર-પાંચ ધૂતારાઓ એને હથેળીમાં બગીચો દેખાડીને કેવી રીતે ખંખેરી ગયા!

મંઝીલને પણ આટલું જ કહ્યું, ‘હટ! ત્યાં શું દાટ્યું છે? મુંબઇમાં કંઈ નથી. જો તમારામાં ટેલન્ટ હોય તો અમદાવાદમાં બેસીને પણ ‘મુગલ-એ-આઝમ’ કે ‘સાહિબ-બીબી-ગુલામ’ બનાવી શકાય. બસ, તારો થોડોક સહકાર મળે તો….’

મંઝીલ પાસે સહકારના નામે પોતાનાં ઘરેણાં બચ્યારયા હતા. કચવાતાં મન સાથે ઉતારી આપ્યા. અંજામે પોતાનું મકાન ગિરવે મૂકીને ખૂટતાં નાણાં ઊભા કર્યા. એક ‘સી’ ગ્રેડની હિરોઇનને પસંદ કરી લીધી. ગુજરાતી ફિલ્મોમાં એક્સ્ટ્રા કલાકાર તરીકે પણ ન ચાલે એવો છોકરો હીરો તરીકે નક્કી કરી નાખ્યો. શૂટિંગ માટેના કેમેરા અને લાઇટ્સ વગેરે ભાડે લીધા. ફિલ્મના શૂટિંગનો શુભારંભ કર્યો.

છ મહિના, બાર મહિના, સવા વરસ, દોઢ વરસ…! ફિલ્મ પૂરી થવાના કે પ્રદર્શિત થવાના કોઇ એંધાણ કળાતા ન હતા. મંઝીલને ક્યાંકથી જાણવા મળ્યું હતુ કે અંજામ જે ફિલ્મ બનાવતો હતો એવી ફિલ્મ તો ત્રણ ચાર મહિનામાં જ તૈયાર થઇ જાય છે. એનાં સાંભળવામાં તો એવું પણ આવ્યું હતુ કે ફિલ્મ તો ક્યાંય ટલ્લે ચડી ગઇ છે અને અંજામ શાહ, શરાબ અને કબાબને રવાડે ચડી ગયા છે.

ધીમે ધીમે સમાચારો સત્યમાં તબદિલ થવા લાગ્યા. અંજામ મોડી રાત સુધી બહાર ભટકતો રહેતો હતો. ક્યારેક એના શર્ટ ઉપરથી સ્ત્રીનો લાંબો વાળ મળી આવતો, તો ક્યારેક એના રૂમાલ પર લિપસ્ટિકના ડાઘા પકડાઇ જતા હતા.

‘આ શું છે?’ શરૂઆતમાં મંઝીલ આવું પૂછી શકવાની હિંમત ધરાવતી હતી.

તો અંજામમાં પણ આવો જવાબ આપવાની નફ્ફટાઇ મોજૂદ હતી, ‘છોડ ને, યાર! એ પેલી તોહફાની લિપસ્ટીકનો ડાઘ છે.’

‘તોહફા? એ કોણ?’

‘મારી હવે પછીની ફિલ્મની હિરોઇન. તોહફા પંજવાણી, નવી છોકરી છે. સ્ટ્રગલ કરતી હતી. મેં એનો હાથ પકડ્યો છે. એની કેરિયર બનાવી દેવાનું મેં એને વચન આપ્યું છે.’

‘એની કેરિયર પછી બનાવજો, પહેલાં તમારી તો બનાવો, અને જૂની ફિલ્મ તો પૂરી કરી નથી, ત્યાં નવી ફિલ્મ ક્યારે શરું કરી દીધી?’

અંજામ પાસે દલીલો ખૂટી, એટલે દાદાગીરી એની વહારે દોડી આવી, ‘કચકચ બંધ કર. આ ફિલ્મી દુનિયા છે. તારી જેમ દાળ-ભાત ને રોટલી બનાવવા જેવું સહેલું કામ નથી આ! તને ખબર છે? કે.આસીફને ‘મુગલ-એ-આઝમ’ પૂરી કરતાં નવ વરસ લાગ્યા હતા!’

‘પણ નવ વરસના અંતે ફિલ્મ પૂરી તો થઇને? તમને તો નેવું વરસ…’ મંઝીલનું વાક્ય અધૂરું રહ્યું, એનાં સ્વામીનાથે અકળાઇને પોતાની દાસીનાં ગાલ ઉપર એક જોરદાર તમાચો જડી દીધો.

તમાચા કરતાંયે તેર ગણો ચમચમાટ અંજામની આ વાતનો લાગ્યો, ‘આ તને પડેલો પહેલો તમાચો છે, પણ છેલ્લો નથી એટલું યાદ રાખજે! હું શું કરું છું, ક્યાં જઉ છું, કોની સાથે ફરું છું એવા સવાલો હવે પછી ક્યારેય ન પૂછીશ? જે તું મને નથી આપી શકતી, એ તોહફા પંજવાણી મને આપે છે. તું ઘર અને છોકરાં સંભાળ!’

એ દિવસે મંઝીલ ખૂબ રડી. ભગવાનની મૂર્તિ સમક્ષ મસ્તક ટેકવીને રડતી જ રહી, ‘હે ઇશ્વર, મારી પાસે અંજામને આપવા માટે હવે બચ્યું છે જ શું? મારું મંગળસૂત્ર પણ એણે વેચી માર્યું છે. છતાં હું એક શબ્દ બોલતી નથી, કારણ કે હું એક ભારતીય પત્ની છું, પણ ભારતીય પતિની કોઇ ફરજ નથી હોતી?’

આ સવાલનો જવાબ પણ થોડાંક સમયમાં મંઝીલને મળી ગયો. અંજામે ઘરે આવવાનું જ બંધ કરી દીધું. એક ફ્લેટ ભાડે રાખીને એણે તોહફાની જોડે સંસાર માંડી લીધો. છાપાઓમાં મોટી, લોભામણી જાહેરાતો છપાવી મારી: જાણીતા ફિલ્મ નિર્માતાની આગામી ફિલ્મો માટે: જોઇએ છે: હીરો, હિરોઇન, ખલનાયક અને અન્ય કલાકારો. જેમણે ફિલ્મોમાં કારકિર્દી બનાવવી હોય એમણે નીચેના સરનામે છાપેલા ફોર્મ ઉપર અરજી કરવી. ફોર્મનું મૂલ્ય: પાંચ હજાર રૂપિયા.

મંઝીલ સમજી ગઇ કે અંજામ હવે ઠગ બની ગયો છે. મિ.નટવરલાલની કાર્યશૈલીથી એ ભોળી જનતાને ખંખેરીને એક દિવસ અવશ્ય નૌ-દો-ગ્યારહ થઇ જવાનો છે, પણ એનાથી કશું જ થઇ શકે તેવું ક્યાં હતું? એનાં ખુદનાં જ અગણિત પ્રશ્નો જડબા ફાડીને એની સામે ઊભા હતા.

પહેલી સમસ્યા મકાન ખાલી કરવાની ઊભી થઇ. અંજામ ગિરવે મૂકેલા મકાનને છોડાવવામાં નિષ્ફળ ગયો હતો. બચેલી-કૂચેલી ઘરવખરી સાથે, બે બાળકોને લઇને મંઝીલ ભાડાની ખોલીમાં રહેવા ચાલી ગઇ. ખર્ચના બે છેડા ભેગા કરવા માટે એણે નોકરી સ્વીકારી લેવી પડી.

બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાંથી ઊઠાડીને મ્યુનિસિપલ શાળાઓમાં દાખલ કરી દેવા પડ્યા.છેવટે એક દિવસ અંજામ રૂબરૂમાં આવીને મંઝીલને કહી ગયો, ‘મને ભૂલી જજે, મારા તરફથી હું કાનૂની કાર્યવાહી કર્યા વગર જ તને ફારગતી આપી દઉ છું. મારી પત્ની હવે તોહફા હશે. ક્યારેય મારો સંપર્ક સાધવાની કોશિશ ન કરીશ. ગુડ બાય!’

એ દિવસે મંઝીલ રડી પડી. સ્ત્રીનાં આંસુઓનું કશુંયે મૂલ્ય હોતું હશે કે એની છાતીમાંથી ઊઠેલી ચીસની ઉપરની અદાલતમાં સુનાવણી યોજાતી હશે એ કોને ખબર? બરાબર એક મહિના પછી પોલીસ આવીને અંજામને પકડી ગઇ.

જેલનાં સળિયા પાછળ ધકેલી દીધો. એની ઉપર હજારો યુવક-યુવતીઓને છેતરીને નાણાં ખંખેરી લેવાનો આરોપ હતો. ફિલ્મોમાં કામ અપાવવાની લાલચ આપીને એણે લોકોને છેતર્યા હતા. અદાલતે એના પંદર દિવસના જામીન મંજૂર કરી દીધા.

શહેર આખામાં સમાચાર પ્રસરી ગયા. પરિચિતો મંઝીલને મળવા માટે રૂબરૂ દોડી આવ્યા. દરેક જણનાં હોઠો પર એક સરખી વાત હતી, ‘એ બદમાશે તારાં જેવી ભલી અને સંસ્કારી પત્નીને છેતરી છે એનો ઇશ્વરે આ બદલો આપ્યો છે. હવે એને ખબર પડશે. રિમાન્ડ ઉપર જ્યારે પોલીસ એને થર્ડ ડિગ્રી ટ્રીટમેન્ટ આપશે, ત્યારે એને…’

અચાનક અત્યાર સુધી ખામોશ રહેલી મંઝીલ ચીસ પાડી ઊઠી, ‘ઓ ભગવાન! આ શું થઇ ગયું? પછી મળવા આવનારને એ પૂછી બેઠી,’ હેં, ભાઇ! આ પોલીસવાળા મારા અંજામને બહુ મારશે? હાય, હાય! એ તો સાવ ઢીલો માણસ છે, એનાથી એટલો માર કેવી રીતે સહન થશે?

પરિચિતો સમજી ગયા કે આ ભારતીય નારી ક્યારેય નહીં બદલાય!!

(શીર્ષક પંક્તિ : ચીનુ મોદી)

One Response

  1. It’s only Manzil fault coz she don’t stop his husband. Untill a lady behave like his feet , we never grow up.

Leave a comment