કો’ક દી’ ઈશ્વર મને કહેશે જરૂર, જા તને વરદાન છે ટહુકા ફળે

હું ત્યારે એકવીસ વરસનો હતો. જુલાઈ માસની ઝરમરતી સાંજ હતી. હું હોસ્ટેલની મારી રૂમમાં ભગવદ્ ગીતા વાંચતો બેઠો હતો. ત્યાં મુકુલ આવ્યો. મને કહેવા લાગ્યો, ‘અમે લોકો દ્વારકા જવાના છીએ. તારે આવવું છે?’

હું ખુશ થઈ ગયો. એટલા માટે નહીં કે જિંદગીના બે દાયકાઓ સૌરાષ્ટ્રમાં વિતાવી દીધા હોવા છતાં હું ક્યારેય દ્વારકાની મુલાકાતે જઈ શકયો ન હતો. હું ખુશ એ વાતે થઈ ઊઠ્યો હતો કે મારા હાથમાં જે ક્ષણે ભગવદ્ગીતા હતી એક જ ક્ષણે મને દ્વારકા જવાની તક સાંપડી રહી હતી. હાથમાં ભગવાન શ્રીકૃષ્ણનો ઉપદેશ અને આયોજનમાં દ્વારકાધીશના દર્શન.

મેં ઉત્સાહભેર વાત વધાવી લીધી; પણ મારી ટેવ પ્રમાણે પૂછીયે લીધું, ‘ક્યારે જવાનું છે? કેવી રીતે જવાનું છે? સાથે કોણ-કોણ આવવાનું છે? કેટલા દિવસનો કાર્યક્રમ છે?’

મુકુલ હસ્યો, ‘આટલી નાની વાતમાં આટલા બધા સવાલો?’ ‘મરીઝ’નો શેર યાદ આવી ગયો : પ્રવાસ એકલો કરજે, પણ એનો સાથ ન લે; જે પહેલાં જાણવા ચાહે બધું સફર બાબત. આપણી સાથે કોણ-કોણ આવે છે એનાથી તને શો ફરક પડવાનો છે?’

‘પડે છે. ફરક પડે છે. સફર કેવી રહેશે એનો ઘણો બધો આધાર હમસફર ઉપર રહેતો હોય છે.

હું આ બાબતમાં બહુ ‘ચૂઝી’ છું.’ મેં જીદ પકડી એલે મુકુલે ત્રણ-ચાર નામો ઉચ્ચાર્યા. એ તમામ મારાથી સિનિયર હતા. હું ખાસ ઓળખતો ન હતો; મુકુલને બાદ કરતાં. આમ તો મુકુલ પણ મારાથી એક વરસ આગળ હતો, પણ અમે એક જ હોસ્ટેલમાં, એક જ વિંગમાં, સામ-સામેની રૂમમાં રહેતા હોવાથી મિત્રો બની ગયા હતા. સિનિયર-જુનિયરનો ભેદ રહ્યો ન હતો.

હું એમ.બી.બી.એસ.ના છેલ્લા વરસની પ્રથમ ટર્મમાં ભણતો હતો. બીજા દિવસથી ચાર-પાંચ દિવસનું મિની-વેકેશન પડતું હતું. હોસ્ટેલો બધી જ લગભગ ખાલી જેવી થઈ ગઈ હતી. જે વિદ્યાર્થીઓ નજીકના શહેરોમાંથી આવતા હતા એ બધા તો પોતપોતાના ઘરે જતા રહ્યા હતા. પણ હું જૂનાગઢમાંથી આવતો હતો, જે જામનગરથી સારું એવું દૂર પડતું હતું.

એ વખતે બસમાં ઘરે જતાં પાંચ કલાક લાગી જતા હતા. દસ-પંદર દિવસ કરતાં નાનું વેકેશન પડે તો ઘરે જવાનું પોસાય તેમ ન હતું. મુકુલ અને એના મિત્રોની સમસ્યા જરા જુદી હતી. એ બધાં ફાઈનલ એમ.બી.બી.એસ.ની છેલ્લી ટર્મમાં હતા. માટે ઘરે જવા કરતાં પરીક્ષાની તૈયારી કરવી વધારે મહત્વની વાત હતી. એ લોકો વાંચી-વાંચીને કંટાળ્યા હતા, એટલે આ નાનકડો પ્રવાસ ગોઠવી કાઢ્યો હતો. ભગવાનને મનાવી લેવાની લાલચ પણ હશે જ.

હું પહેલી વાર દ્વારકા જવાની કલ્પના માત્રથી થનગની ઊઠ્યો. એક-દોઢ દિવસની તો વાત હતી. બે જોડી કપડાં ને ટોવેલ મૂકયા એટલે બેગ તૈયાર થઈ ગઈ. ત્યાં મને યાદ આવ્યું કે ખરી તૈયારી તો હજુ બીજી હતી અને એ કરવાની હજુ બાકી હતી. આગલા દિવસે બનેલી ઘટના મને યાદ આવી ગઈ. મારી એ સમયે સર્જીકલ ટર્મ ચાલતી હતી.

હું જે યુનિટમાં હતો એ યુનિટના વડા સર્જન ડૉ.રોય પ્રેમાળ પણ એટલા જ હતા, જેટલા કડક. અમારી ગઘ્ધાપચીસી જોઈને એમણે જરાક સખ્તાઈપૂર્વક કહી દીધું હતું, ‘ડોન્ટ ટેક લાઇફ ટુ લાઇટલી. એસ્પેશિયલી મેડિકલ કરીઅર. ડૉક્ટર બનના યે કોઈ ફૂલોં કી સેજ નહીં હૈ, યે તો કાંટો ભરી પથારી હૈ. લર્ન ટુ ટેક રિસ્પોન્સિબિલિટી. મૈં તુમ ચારોં સ્ટુડન્ટ્સકો એક-એક મરીઝ ‘એલોટ’ કર દેતા હૂં. વો મરીઝ વોર્ડ મેં સે ઠીક હો કર ઘર જાયેં વહાં તક કી જિમ્મેદારી તુમ સબકી રહેગી ઔર એક બાત યાદ રહે…! ધેર શૂડ બી નો કમ્પ્લેન્ટ ફ્રોમ ધી સાઈડ ઓફ ધી પેશન્ટ. ઈઝ ઈટ ક્લિયર ?’

સાહેબે પૂછ્યું જ એવી કરડાકી સાથે કે અમે ચારેય મિત્રોએ માથા હલાવીને કહી દીધું, ‘યસ સર! ઈટ ઈઝ ક્વાઇટ ક્લિયર.’

મારા ભાગે એક બાર વરસનો છોકરો આવ્યો. એક દિવસ પહેલાં જ એ મેલ સર્જીકલ વોર્ડમાં દાખલ થયેલો હતો. હું એના ખાટલા પાસે દોડી ગયો અને કેસ પેપર વાંચવા માંડ્યો. નામ હતું કાંતિ સવજી ડોબરિયા. કાલાવડ પાસેનાં નાનકડાં ગામમાં રહેતો હતો. બાપ સવજી કેટલો ગરીબ હતો એ કહેવાની નહીં પણ જોવાની અને જોઈને સમજવાની વાત હતી.

‘શેની બીમારી છે?’ મેં છોકરાને પૂછ્યું. એને શું ખબર પડે? એણે બાપની સામે જોયું. બાપે જવાબ આપ્યો, ‘બરોળ કાઢવાની વાત છે. આવતી કાલે કે પરમ દા’ડે ઓપરેશન કરવાનું છે એવું મોટા સાહેબ કે’તા હતા.’

સવજીની વાત સાચી હતી. કેસ પેપરમાં નિદાન લખેલું હતું : સ્પ્લીનો-મેગાલી. શનિવારે સર્જરી કરવાની હતી. હું રજિસ્ટ્રાર પાસે જઈ પહોંચ્યો. પૂછ્યું, ‘રોય સાહેબે દસ નંબરવાળા કાંતિની જવાબદારી મને સોંપી છે. મારે શું કરવાનું છે?’

રજિસ્ટ્રાર એટલે એ યુનિટનો સિનિયર ડૉક્ટર. એ એમ.એસ.ની પરીક્ષાની તૈયારી કરતો હતો. મારી વાત સાંભળીને એ હસ્યો, ‘આમ તો આ બધા દરદીઓની જવાબદારી મારી ગણાય, પણ સાહેબે તને કહ્યું છે તો તું એક કામ કર…’ થોડી વાર પૂરતું અટકીને એણે મને સૂચના આપી, ‘એ છોકરો ખૂબ એનિમિક છે. એનું હિમોગ્લોબીન ફક્ત છ જ ગ્રામ ટકા છે.

અને આ ઓપરેશનમાં બ્લીડિંગ તો થવાનું જ. એને ઓછામાં ઓછી બે બોટલ લોહીની ચડાવવી પડશે અને ત્રીજી બોટલ ઓપરેશનના સમયે તૈયાર રાખવી પડશે. યુ ડૂ વન થીંગ! ત્રણ બાટલી લોહી તૈયાર કરાવી આપ! બ્લડ બેન્ક તો જોઈ છે ને?’ મેં હા પાડી દીધી. પણ બ્લડ બેન્કમાં ગયો ત્યારે ખબર પડી કે આ કામ મેં જેટલું ધાર્યું હતું એટલું સહેલું ન હતું.

બ્લડ બેન્કમાં ફરજ ઉપરના ડોક્ટરે કપાળ ઉપર ચિંતાની રેખાઓ ઉપસાવીને મને માહિતી આપી, ‘કાંતિનું બ્લડ ગ્રૂપ એ-નેગેટિવ છે. ઈટ ઈઝ એ રેર બ્લડગ્રૂપ. ત્રણ બોટલની તો વાત જ ભૂલી જાવ. અમારા સ્ટોકમાં એક જ બોટલ છે.’

‘તો? આટલા લોહીથી ઓપરેશન કેવી રીતે થશે?’
‘એક રસ્તો છે. ઈફ યુ કેન મેનેજ…’
‘બોલો પછી ખબર પડે કે મારાથી મેનેજ થશે કે નહીં.’

‘મારી પાસે બ્લડ ડોનર્સનું લિસ્ટ છે. એમાં જોઈને કહું.’ એમણે ટેબલનાં ખાનામાં પડેલી કાળા પૂંઠાવાળી એક ડાયરી બહાર કાઢી. એમાંથી ‘એ-નેગેટિવ’ વાળું પાનું શોધી કાઢ્યું, ‘યસ! વી હેવ વન ડોનર. બટ ઓન્લી વન ડોનર. આ રહ્યું એનું સરનામું. લે, આ કાગળ ને આ પેન. નામ-સરનામું લખી લે. પછી એ છે અને તું છે…’

મેં રક્તદાતાનું નામ-સરનામું કાગળમાં ટપકાવી લીધું. ડૉક્ટરને પૂછીયે લીધું, ‘તમને શું લાગે છે? આ માણસ કાંતિ જેવા સાવ અજાણ્યા છોકરા માટે એનું ‘રેર’ બ્લડ દાનમાં આપવા માટે તૈયાર થશે ખરો?’

‘હા, મને વિશ્વાસ છે. આપણા હિંદુઓમાં આ સંસ્કાર છે જ. ભિખારીને દસ પૈસા આપે કે ન આપે, પણ મરતાં માણસને બચાવવા માટે પોતાનું લોહી કાઢી આપતાં કોઈ બે વાર વિચાર નહીં કરે. વિશ યુ ઓલ ધી બેસ્ટ!’

એ સાંજે હું એ રક્તદાતાના ઘરે જવાનો કાર્યક્રમ ઘડીને બેઠો હતો, ત્યાં જ અચાનક મુકુલે દ્વારકા જવાની દરખાસ્ત રજૂ કરીને મને સખળ-ડખળ કરી નાખ્યો. મારી પાસે સમય ઓછો હતો, હું કપડાં બદલીને નીકળી પડ્યો. એ રક્તદાતાનું નામ આજે તેત્રીસ વરસ પછી પણ હું ભૂલ્યો નથી.

રશ્મિકાંત ભણશાળી લખેલી ચિઠ્ઠી સાથે હું જઈ પહોંચ્યો. એમનું મકાન જામનગરના જૂના વિસ્તારમાં આવેલું હતું. ગીચ, ગંદા અને સાંકડા રસ્તા પર થઈને છેવટે હું એમના જાળીવાળા મકાનના ઓટલા પાસે પહોંચી ગયો. જાળી ખખડાવી. એક સ્ત્રી સાડલાથી હાથ લૂછતી બહાર આવી.

‘રશ્મિકાંતભાઈ છે ?’

‘ઈ તો બા’ર ગ્યા છે. હમણાં આવતા જ હશે. શું કામ હતું?’ એ સ્ત્રી રશ્મિકાંતની ઘરવાળી હોવી જોઈએ. મીઠાશથી વાત કરી રહી હતી. મેં મારા આવવાનો હેતુ સમજાવ્યો. પછી પૂછ્યું ‘રશ્મિભાઈ રક્તદાન માટે આવશે તો ખરા ને?’ ‘આજે તો નહીં આવે. એ બહારગામ નોકરી કરે છે. રોજ ટ્રેનમાં અપ-ડાઉન કરે છે. અત્યારે થાક્યા-પાક્યા હશે એટલે… પણ કાલે ચોક્કસ આવશે.’ બાઈએ ટકોરાબંધ ખાતરી સાથે કહ્યું.

‘કાલે શનિવાર છે; એમને નોકરી પર જવાનું હશે, તો?’

‘નહીં જાય. કો’કના લાડકવાયાની જિંદગી બચતી હોય તો એ રજા પાડી દેશે. તમે કાલે સવારે એમને લેવા માટે આવી જજો. આમ તો હું એમને કાને વાત નાખી જ દઈશ, પણ કાલે તમારે…’‘કાલે? પણ… કાલે સવારે તો હું… હું… હું…’

‘કેમ, કાલે તમારે ક્યાંય બહારગામ જવાનું છે?’

‘હેં? હા…ના! ના રે ના! મારે ક્યાં જવાનું હોય! જો રશ્મિકાંતભાઈ એક એવા છોકરા માટે બહારગામ જવાનું મોકુફ રાખતા હોય… તો… હું તો … કાંતિ માટે… મારા માથે તો એની જવાબદારી છે… હું ક્યાંય નથી જવાનો, બે’ન! તમારા પતિને કહી રાખજો કે સવારે આઠના ટકોરે એ તૈયાર રહે. હું એમને લેવા માટે આવી જઈશ.’

બીજે દિવસે બધું સમુસૂતરું પાર પડી ગયું. રશ્મિકાંત ધાર્યા કરતાંયે વધુ સજ્જન નીકળ્યા. નોકરીમાં ખાડો પાડયો, રકતદાન કર્યું અને રિક્ષાનું ભાડું પણ મને ન આપવા દીધું. કાંતિ બચી ગયો. સવજી સાત-સાત દિવસ સુધી મારા પગમાં પડતો રહ્યો, ‘મારી ચામડીના જોડાં સીવડાવી આપું, સાહેબ! જિંદગીમાં ક્યારેય કાલાવડ બાજુ નીકળો તો મારા ઘરે…’

કાલાવડ તો બાજુ પર રહ્યું, પણ એ પછી જિંદગીમાં ક્યારેય દ્વારકા જવાની તક મળી નથી. દ્વારકાધીશના દર્શન ન કરી શકવાનો વસવસો મને આજે પણ છે. હમણાં બે દિવસ પહેલાં જ રાતના ત્રણ વાગ્યે ભગવદ્ગીતા હાથમાં લઈને બેઠો ત્યારે પૂંઠા ઉપર કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ઉપદેશ સંભળાવતા ભગવાન શ્રીકૃષ્ણનું ચિત્ર જોઈને એમ જ પાનાં ફેરવ્યા.

ચોથા અઘ્યાયના એક શ્લોક ઉપર નજર પડી. ભગવાન કહેતા હતા – ‘જો કોઈ મનુષ્ય મને મળવાનો પ્રયત્ન કરવાને બદલે કોઈ દુખિયાને મદદ કરે છે તો એ મારું જ કામ કરે છે. એને પણ યજ્ઞ જ સમજવો!’

હું વિચારું છું કે કાનુડાએ આવું કોને કહ્યું? અર્જુનને કે મને? પણ એ પૂછવા માટે તો મારે છેક દ્વારકા સુધી લાંબા થવું પડે! એવો અવસર તો આવે ત્યારે ખરો.

(શીર્ષક પંક્તિ : હિતેન આનંદપરા)

Advertisements

2 Responses

  1. apana garda kai gaya 6e k bhagavani ni marji vagar ene darshan pan nasseb ma nathi, e to samay avye j thay…..hu to ghani nani 6u pan etalu to chookkas kaish k 100 var dwrkadish na darshan karnar ne je punya maltu hashe ena karta lakho ganu punya aa rite maltu hashe 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: