ભર વસંતે કોણ રાગી, કોણ વૈરાગી હશે?

‘સલામ શાહ લગભગ દોડતો હોય એમ રેસ્ટોરન્ટનું બારણું ધકેલીને અંદર દાખલ થવા ગયો, પણ ત્યાં જ એક પુરુષની સાથે અથડાઇ ગયો. એમની જગ્યાએ બીજા કોઇ બે જણા હોત તો ઝઘડી પડ્યા હોત, પણ આ બંને હસી પડ્યા. ‘સોરી, પેટમાં ચૂહા દોડે છે એટલે ભાન ના રહ્યું. વાગ્યું તો નથી ને?’ સલામ શાહે સહેજ ઝૂકીને વિનમ્રપણે પૂછી લીધું. ‘નોટ એટ ઓલ! ધેટસ ઓલરાઇટ! હું પણ ઉતાવળમાં હતો. અંદર જઇને બેઠા પછી ખ્યાલ આવ્યો કે મારો સેલફોન મારી કારમાં જ રહી ગયો છે એટલે…! આર યુ ઓ.કે.?’બંને પુરુષો જુવાન હતા, શિક્ષિત હતા, વિવેકી હતા. હસીને, હાથ મેળવીને છૂટા પડી ગયા. જિંદગીમાં એ બંનેની આ પ્રથમ મુલાકાત.

સલામ શાહ એન્જિનિયર હતો, સરકારી નોકરીમાં હતો. આ શહેરની કોલેજમાં પ્રાધાપક તરીકે જોડાવા માટે આવ્યો હતો. એકલો જ હતો એટલે ખાસ ઘરવખરી સાથે લઇને નહોતો આવ્યો. હજુ તો ભાડાંનું મકાન શોધવાનું ય બાકી હતું. બે-ચાર દિવસ કોઇ મઘ્યમ કક્ષાની હોટલમાં ઠહેરવાનો વિચાર લઇને એ આવ્યો હતો. ત્યાં આ રેસ્ટોરન્ટ જોઇ એટલે લંચ માટે રોકાઇ ગયો.

ચારેબાજુ ટેબલો ફરતે ગોઠવાયેલા ગ્રાહકોનું નિરીક્ષણ કરતા સલામે જોયું કે છેક સામેની તરફ ખૂણા પાસે પેલો યુવાન બેઠો હતો. એની પાસે એક ખૂબસૂરત યુવતી બેઠી હતી. એની પત્ની જ હોવી જોઇએ. સલામ શાહે અનુમાન લગાવ્યું. પેલીના સેંથીમાં સિંદૂર હતુ અને ડોકમાં મંગળસૂત્ર. અતિશય જાજરમાન અને માત્ર પ્લેટ તરફ આંખો ઝૂકાવીને ચૂપચાપ ભોજન માણી રહી હતી. પેલો પુરુષ પણ માત્ર જમી રહ્યો હતો. જાણે કે બે સાવ અજાણી વ્યકિતઓ એક ટેબલ પાસે એમ જ ભેગી ન થઇ ગઇ હોય?

સલામ શાહે ‘મેનુ’ વાંચીને વાનગીઓનો ઓર્ડર આપ્યો. સલામે ઓર્ડર કરેલી વાનગીઓ આવી ગઇ. એ તૂટી પડયો. વીસેક મિનિટમાં લંચ પતી ગયું. ફિંગર બાઉલ આવ્યું અને પછી બિલ. એ સો-સો રૂપિયાની બે નોટ મૂકીને ઊભો થયો. ત્યાં યાદ આવ્યું કે હળવા થવાની જરૂર છે. એણે વેઇટરને ટચલી આંગળી બતાવીને પૂછ્યું, ‘કઇ તરફ?’ વેઇટરે દિશા બતાવી. સલામ ધસી ગયો. જ્યાં બારણું ધકેલીને અંદર જવા ગયો, ત્યાં જ..! બે ગ્રહો ફરી પાછા ટકરાયા.

સલામે હસીને પેલાનો હાથ પકડી લીધો, ‘આ વખતે તમને ‘સોરી’ નહીં કહું. આ શહેરમાં આજે મેં પહેલીવાર પગ મૂક્યો છે ત્રીસ મિનિટમાં બે વાર તમારી સાથે ટકરાયો છું. આ વખતે હું તમને જવા નહીં દઉ. મારે જવાબ જોઇએ- મિત્ર, તમને શું લાગે છે? આ માત્ર આકસ્મિક હશે? કે પછી વિધાતાનો સંકેત? કિસ્મત મને વારંવાર તમારી પાસે જ શા માટે લઇ આવે છે?’

‘કદાચ એટલા માટે કે ઇશ્વર આપણને સારા દોસ્તો બનાવવા ઇરછતો હશે. લેટ અસ બી ગુડ ફ્રેન્ડઝ. આઇ એમ વેદ જાની. અહીં પી.ડબ્લ્યૂ.ડી.માં નોકરી કરું છું. આવો, મારી પત્ની સાથે ઓળખાણ કરાવું.’ આટલું કહીને વેદ એને ખેંચી ગયો. પોતાના ટેબલ પાસે જઇને પેલા રૂપના ભારા સામે જોઇને એણે ‘ઇન્ટ્રો’ કરાવ્યો, ‘ધીસ ઇઝ માય વાઇફ… ઘૂટન જાની.. એન્ડ હી ઇઝ માય ફ્રેન્ડઝ… ઓહ! તમારું નામ તો હજુ હું પણ જાણતો નથી…’ અને ત્રણેય જણાં હસી પડ્યા.

‘નમસ્તે, ભાભી! મારું નામ છે સલામ શાહ. તમારા પતિ ખરેખર દિલચશ્પ આદમી છે. જેનું નામ પણ જાણતા નથી એવા અને આ શહેર માટે અજનબી માણસને પહેલી જ મુલાકાતમાં પોતાનો દોસ્ત બનાવી દીધો. એટલું જ નહીં પણ જેને બુરખામાં સંતાડી રાખવી પડે એવી ખૂબસૂરત પત્ની સાથે ઓળખાણ પણ કરાવી દીધી.’

સલામની વાત સાંભળીને વેદ જાની મુકતમને હસી પડયો, ઘૂટન આછું હસીને નીચું જોઇ ગઇ. પણ આંખ મટકુ મારે એટલા સમયમાં સલામે એક વાત નોંધી લીધી, ઘૂટનના ગાલ પોતાનાં સૌંદર્યની પ્રશંસા સાંભળીને લાલ-લાલ થઇ ગયા હતા અને ઝૂકી રહેલી આંખોમાં એક તોફાની વીજળી ક્ષણાર્ધ માટે ઝબૂકીને પાછી અલોપ થઇ ગઇ હતી.

સલામ બોલ્યે ગયો. ‘તમારા શહેરમાં સાવ નવો છું. કોઇ હોટલ શોધી રહ્યો છું. પછી ભાડાના મકાનમાં શિફટ થઇ જઇશ.’ ઘૂટને મોં ખોલ્યું. પતિની સામે જોઇને ધીમા, મીઠા અવાજમાં પૂછી રહી, ‘હોટલમાં જવાની શી જરૂર છે? ભાડાનું ઘર આજે જ મળી જતું હોય તો!’

પતિએ પત્નીનો ઇશારો પકડી લીધો, ‘અરે, હા, એ કહેવાનું તો મને યાદ જ ન આવ્યું. દોસ્ત, સલામ! મારો બંગલો અમારા ત્રણ માટે બહુ મોટો છે. ગ્રાઉન્ડ ફલોર ઉપર જેટલા કમરાઓ છે એટલા પણ અમે વાપરી શકતા નથી. ફસ્ર્ટ ફલોર તો સાવ ખાલી જ પડેલો છે. વ્હાય ડોન્ટ યુ કમ એન્ડ સ્ટે વિથ અસ?’

‘મને વાંધો જ નથી, પણ તમારે મારી એક શરત માનવી પડશે. મારી પાસેથી ભાડું લઇ લેવું પડશે. ના, તમારી એક પણ દલીલ હું ચલાવી નહીં લઉ. મને સરકાર તરફથી હાઉસ રેન્ટ મળવાનું જ છે. શરત મંજૂર હોય તો બંદા તમારી સાથે છે.’ ‘ભલે.’ વેદ જાનીએ સ્વસ્થતાભર્યું સ્મિત કર્યું, ‘અમારીયે એક શરત છે. તમારે બંને ટંક જમવાનું અમારી સાથે જ રાખવું પડશે… અને એના પૈસા અમે નહીં જ લઇએ.. મને ખબર છે કે સરકાર તમને ફૂડ એલાઉન્સ નથી આપવાની…’અડધા કલાકમાં સલામ શાહ વેદ જાનીના સુંદર મકાનના ઉપલા માળે પોતાનો સામાન છોડી રહ્યો હતો. મનોમન વિચારી રહ્યો હતો, ‘ ચોક્કસ વિધાતાનો કશોક સંકેત લાગે છે. નહીંતર આવું ન બને.’

સાંજે પાંચ વાગ્યે નીચેથી આમંત્રણ મળ્યું, ‘ચા પીવો છો ને? તૈયાર છે. આવો!’ સલામ નીચે ગયો ત્યારે સમજાઇ ગયું કે વેદ જાનીએ ‘ત્રણ માણસનું કુટુંબ શા માટે કહ્યું હતું. ચાર-પાંચ વર્ષની એક રૂપાળી ઢીંગલી ઘરમાં ધમાલ મચાવી રહી હતી. અજાણ્યો જોઇને એને જરા પણ ડર ન લાગ્યો. પૂછવા લાગી,’ ‘તમે જ મારા નવા અંકલ છો ને? મારું નામ મિની. તમારું નામ શું છે?’ ‘સલામ.’, ‘અરે? આવું તે કંઇ નામ હોતું હશે? સલામ તો કરવાની હોય…’ મિનીએ જીભ બહાર કાઢીને હોઠ મરડ્યા.

સલામે એને ઊચકી લીધી. ચૂમીઓથી નવરાવી દીધી. આવું કરતાંમા એની નજર અચાનક કિચન તરફ દોડી ગઇ. બારણાં પાસે ઘૂટન ઊભી હતી અને પોતાનાં ગુલાબી હોઠ ઉપર તરસી જીભ ફેરવી રહી હતી. બે મહિના કેવી રીતે અને કયાં ઊડી ગયા એની કોઇને ખબર ન રહી. સલામ જાની પરિવારનું અભિન્ન અંગ બની ગયો. લંચ સાથે જમીને વેદ અને સલામ પોતપોતાની નોકરીઓ ઉપર ચાલ્યા જતા, સાંજે ઘરે આવ્યા પછી બંને સાથે જ બેસતા અને મોડી રાત સુધી વાતો કરતા રહેતા.

સૌથી વધુ મજા નાની મિનીને પડી રહી હતી. એને સલામ અંકલ સાથે ખૂબ ફાવી ગયું. રાત્રે ઊઘતી વખતે એના માથા ઉપર અંકલનો હાથ ફરવો જ જોઇએ. નહીંતર મિની આખું ઘર માથે લે. સલામની બારીક નજર એક વાત પકડી શકી હતી. વેદ નખશીખ સજ્જન પુરુષ હતો. પણ એ બોલતો હતો બહુ ઓછું અને ઘૂટન વાચાળ હતી. ત્રણ જણાં સાથે બેઠાં હોય ત્યારે વાતચીતમાં એ સોળે કળાએ ખીલતી હતી. જ્યારે સલામ ઉપર ચાલ્યો ગયો હોય એ પછી ગ્રાઉન્ડ ફલોર ઉપર ભાગ્યે જ કશોય અવાજ સંભળાતો હતો. સલામને લાગતુ હતું કે કદાચ ઘૂટન પોતાના પતિની વધારે પડતી શાંત પ્રકૃતિથી સંતુષ્ટ ન હતી.

એક દિવસ સવારે બ્રેકફાસ્ટના સમયે વેદે સલામને જાણ કરી, ‘એક દિવસ માટે બહાર જઉ છું. કાલે આ જ સમયે પાછો આવીશ. મિની અને તારી ભાભીનું ઘ્યાન રાખજે.’ દિવસ પસાર થઇ ગયો. રાતનું ભોજન પતાવીને સલામ વહેલાસર પોતાના બેડરૂમમાં ભરાઇ ગયો. નીચે ઘૂટન પણ સમયસર પરવારીને સૂઇ ગઇ. પણ આજે એની આંખોમાં ઊઘ નહતી. કામનાની ભરતી સંયમનો કાંઠો ઓળંગીને સલામનો સહવાસ માણવા તરફ ધસી રહી હતી. રાતના બાર વાગ્યા, ત્યારે એણે સલામનો સેલફોન નંબર લગાડયો. સલામે કોલ રિસીવ કર્યો.

‘શું કામ પડ્યું?’ એણે ઊઘરેટી આંખે સવાલ પૂછ્યો. ‘મારે તો શું કામ હોય? પણ આ મિની તમને યાદ કરે છે. રડવા ઉપર ચડી ગઇ છે. કહે છે કે એકવાર અંકલ આવીને મને રમાડે પછી જ હું ઊઘું.’ ઘૂટને કામ બતાવ્યું. સલામને મિત્રની ભલામણ યાદ આવી ગઇ. એ આંખો ચોળતો નીચે આવ્યો. બંધ ઘરમાં એકલી ઘૂટન પંચાણું ટકા પારદર્શક ગાઉનમાં એનું સંગેમરમરી શરીર લપેટીને ઊભી હતી. સલામ સ્તબ્ધ થઇને પૂછી બેઠો, અરે! મિની તો ઊઘી ગઇ છે. તમે તો કહ્યું કે એ મને યાદ…?

ઘૂટન અપ્સરાની જેવું મલકી પડી, કેમ? માત્ર મિની યાદ કરે તો જ તમારાથી અવાય? હું યાદ કરતી હોઉ તો…?‘તો પણ અવાય! આવું રૂપ અને આવું યૌવન તાસકમાં પીરસાઇને ઊભુ હોય તો કયો ભૂખ્યો પુરુષ જમવાની ના પાડે? હું પણ સૌંદર્યનો પૂજારી છું, ભકત પણ છું અને ભોકતા પણ છું. તેમ છતાં જગતનો સૌથી સ્વાદિષ્ટ રસથાળ ઠુકરાવું છું. કારણ જાણવું છે?

ઘૂટન, આ શહેરમાં જ્યારે મેં પહેલીવાર પગ મૂક્યો હતો, ત્યારે જે પુરુષ મને ભેટયો હતો તે વેદ હતો. હું બહુ સારો માણસ નથી, પણ મારા કેટલાક નીતિ-નિયમો છે. મારા મિત્રની પત્ની ઉપર હું હાથ ન નાખી શકું. તે દિવસે બારણાં પાસે જો તમે અથડાયા હોત તો.. તો કુછ ઔર બાત હોતી. ગુડ નાઇટ, ઘૂટનભાભી!’ (શીર્ષક પંકિત : ગની દહીંવાલા)

Advertisements

One Response

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: