સાવ પડતર કિંમત માણસ અહીં વેચાય છે,મૂલ્ય એનું માપવા માણસ થવાનું હોય છે

દર્દીએ ડોક્ટરનું કરી નાખ્યું. ડો.. શાહ એક નવા-સવા પણ હોશિયાર સર્જન હતા. અત્યાર સુધીમાં પાંચસો એક દર્દીઓની ચીરફાડ કરી ચૂક્યા હતા. પણ આ વખતે દર્દીએ એમનું ઓપરેશન કરી નાખ્યું. છરી, કાતર કે બીજા કોઈ ઓજાર વગર જ ડોક્ટરનું મૂંડન કરી આપ્યું.

આખી ઘટના કહેવા ક્યાં બેસવું? માત્ર બે દ્રશ્યો જ પૂરતાં છે. એક આરંભનું અને બીજું અંતનું.રાતના સાડા બારનો સમય. ડો.. શાહ પહેલી ધારના દારૂ જેવી નશીલી નિદ્રા માણી રહ્યા હતા, ત્યાં ફોનની ઘંટડી રણકી ઊઠી. નર્સિંગ હોમમાંથી ઇમરજન્સી કોલ હતો. ડો.. શાહ દોડી આવ્યા. જઈને જોયું તો સાચે જ ઇમરજન્સી કેસ હતો. પાંચ વર્ષનો પુત્ર મૃત્યુનાં પહેલા પગથિયે પહોંચી ગયો હતો અને એના યુવાન મમ્મી-પપ્પા આંખોમાં આંસુની સાથે સાથે ચિંતા, આજીજી અને લાચારી આંજીને ઊભાં હતાં.

‘ડોક્ટર સાહેબ, શું લાગે છે?’

‘એક્યુટ એપેન્ડિસાઇટિસ છે. બહુ મોડા પડ્યા છો. અંદર એપેન્ડિક્સ ફાટી ગયું છે. પેટની અંદર પરુ ફેલાઈ ગયું છે. દીકરાને બચાવવો મુશ્કેલ છે.’

‘એવું ન બોલશો, ભગવાન! મોન્ટુ અમારો એકનો એક દીકરો છે. એને જો કંઈ થઈ ગયું તો…’ પછી ડૂસકાંનું ડ્યુએટ અને અધૂરું વાક્ય પૂરું, ‘તો અમે બંને પણ નહીં બચીએ.’

‘તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. મામલો ખર્ચાળ હશે. અને તેમ છતાં બાળક બચશે જ એવું ન કહી શકાય. તમારે સહી કરી આપવી પડશે કે બાળકનો જીવ ખતરામાં છે એની તમને જાણ કરવામાં આવે છે.’

‘મંજૂર, સાહેબ! તમે કહો એ બધું જ મંજૂર!’ મોન્ટુના પપ્પાએ સહી કરી આપી. પછી ખિસ્સામાંથી રૂપિયાની નોટો ભરેલું પાકીટ કાઢયું, ‘અત્યારે દસ હજાર લાવ્યો છું. ડિપોઝિટ પેટે ચાલશે? બાકીના રૂપિયા ઓપરેશન પછી…’

ડો.. શાહે એક નજર દુનિયા આખીને લલચાવનારી લક્ષ્મી તરફ નાખી અને પછી તરત જ આસમાનમાં ચગતા પતંગની દોરી લપેટતા હોય એમ પાછી ખેંચી લીધી, ‘રહેવા દો, ભાઈ! મારે ત્યાં ડિપોઝિટની પ્રથા નથી. અત્યારે મને મોન્ટુનો પ્રાણ બચાવવા માટે પરસેવો પાડવા દો! પૈસા પછીથી આપજો.’

ઓપરેશનનું વર્ણન હું નથી લખતો. ગુજરાતભરના તમામ ડોક્ટરો સમજી શકશે કે એકસો ત્રણ ડિગ્રી ફેરનહીટ તાવમાં સબડતા અને એકસો ચાલીસ પ્રતિ મિનિટની પલ્સરેટવાળા મોન્ટુના પેટનું ઓપરેશન કરવા માટે ડો.. શાહે કેવી અને કેટલી જહેમત ઉઠાવી હશે? કેવી મોંઘી દવાઓ વાપરી હશે? ઓપરેશન પતી ગયા પછી પણ મોન્ટુનું પેરીટોનાઇટીસ ગંભીર ન બની જાય એ માટે કેટલી કાળજી ઉઠાવી હશે? એમના વાંકે નહીં, પણ કુદરતી કોમ્પ્લિકેશનને કારણે જો મોન્ટુ ઊડી જાય તો એમને કેટલો અપજશ મળે એ પણ એક મહત્વની વાત હતી. એમની પ્રેક્ટિસની શરૂઆતમાં જ એમનું નામ ખરાબ થઈ જાય. પણ આ બધું એક બાજુ રહ્યું, બીજી બાજુ પર માત્ર કોઈના લાડકવાયાને બચાવી લેવાનું ઝનૂન હતું.

અને મોન્ટુ બચી ગયો. દસમા દિવસે ડોક્ટરે બિલ બનાવીને એના પપ્પા રાજેશના હાથમાં મૂકર્યું, હવે ભજવાઈ રહ્યું છે છેલ્લું દ્રશ્ય.‘ઓ…હો…હો…હો! તમારો હાથ તો બહુ પહોળો! ડોક્ટર, આટલા નાનાં ઓપરેશનના નવ હજાર રૂપિયા?’

‘ઓપરેશનના તો માત્ર સાડા ચાર હજાર જ છે, ભાઈ! બે હજાર રૂપિયાની દવાઓ, ઇન્જેકશનો ને બાટલાના છે, પંદરસો રૂપિયા બેભાન કરવાના ડોક્ટરનો ચાર્જ છે અને દસ દિવસના સ્પેશિયલ રૂમનું ભાડું માત્ર એક હજાર જ ગણ્યું છે.’

રાજેશે પૂરા કપડાં પહેરેલા હતા, તો પણ ઉઘાડો થઈ ગયો, ‘તમે ડોક્ટર નથી, પણ ડાકુ છો! પહેલાં છરીથી મારા દીકરાને ચીર્યો, હવે મને ચીરવા બેઠા છો! જાવ, એક પૈસો પણ નહીં આપું, તમારાથી થાય તે કરી લેજો!’

ડો.. શાહનું લોહી બળી ગયું. મોન્ટુના મમ્મી-પપ્પા સાવ લુખ્ખાગીરી કરીને ચાલ્યા ગયા. જે માણસ ઓપરેશન પહેલાં અડધી રાતે દસ હજાર રૂપિયા ડિપોઝિટ લેખે આપવા ઊભો થયો હતો, એ ઓપરેશન પતી ગયા પછી દસ પૈસા આપવા માટે પણ રાજી ન હતો. ‘ગરજ સરી એટલે વૈદ વેરી’ એ કહેવત સદીઓથી કંઈ અમથી-અમથી તો નહીં બની હોય ને!ડો.. શાહને ઘોર નિરાશા ઘેરી વળી. આવા બદમાશોને સીધા કરવા માટે શું કરવું જોઈએ? એક રસ્તો કાનૂની કાર્યવાહીનો હતો, ડો.. શાહની જીત નિશ્વિત હતી. પણ એ માટે વકીલ રાખવો પડે, કોર્ટના ધક્કા ખાવા પડે. એટલો સમય ક્યાંથી કાઢવો?

અચાનક ડો.. શાહના મગજમાં ઝબકારો થયો. એક બીજો રસ્તો પણ હતો. અદાલત કરતાં વધુ અસરદાર અને કાયદા કરતાં વધારે ઝડપી.

એમને હમીર ટાઇગર સાંભરી ગયો. હજુ થોડા દિવસ પહેલાં જ હમીર એક જગ્યાએ એમને ભટકાઈ ગયો હતો. શાળામાં એ અને ડોક્ટર સાથે ભણતા હતા. પછી ડોક્ટરે તબીબી નાઇફ સંભાળી અને હમીરસિંહે રામપુરી ચાકુ. પછી તો રિવોલ્વર જેવા અન્ય સાધનો પણ હમીરે વસાવી લીધા. આજે એની શહેર આખામાં ભારે ધાક હતી. બે ખૂન અને અઢાર જેટલા અડધા ખૂન એની ઉપલબ્ધિ હતી. અંધારી આલમમાં એ નંબર વન સુપારી સમ્રાટ ગણાતો હતો. પચાસ હજાર રૂપિયામાં તો એ માણસ મારી આપતો હતો. પંદર દિવસ પહેલાં જ ડો.. શાહને એણે કહ્યું હતું, ‘મારે લાયક કંઈ પણ કામ હોય તો… આ રહ્યો મારો ફોન નંબર. યાદ છે? દસમા ધોરણની બોર્ડની પરીક્ષામાં તે મને ચોરી કરવા દીધી હતી! હમીરસિંહ કોઈનું ઉધાર નથી રાખતો!’

અને ડો.. શાહે હમીર ટાઇગરનો મોબાઇલ નંબર લગાડ્યો. જોગાનુજોગ એ જ ક્ષણે હું એના કન્સલ્ટિંગ રૂમમાં દાખલ થયો. મારે પગ મૂકવો અને એણે હમીર સાથે વાત શરૂ કરવી. મને તો પૂરી ઘટનાની જાણ ત્યારે જ થઈ. ફોન પૂરો કરીને એ મારી તરફ ફર્યા. એમના મોં ઉપર સફળતાનું સ્મિત હતું. ‘વેલ કમ સર! વાત જાણે એમ છે કે એક પેશન્ટ….’

‘એ બધું તો મેં સાંભળી લીધું છે. મારે તો એ જાણવું છે કે હમીરે શું કહ્યું?’

ડો.. શાહે હસીને માહિતી આપી, ‘બીજું શું કહેવાનું હોય? આવા મોટા ડોન માટે આ તો ચપટીક ધૂળ જેવું મામૂલી કામ કહેવાય. હમીરે મને વચન આપ્યું કે આજે સાંજે પાંચ વાગ્યા પહેલાં મને મારા બિલની રકમ મળી જશે. એના માટે હમીરે માણસ મોકલવાનીયે જરૂર નહીં પડે. માત્ર એનો એક ફોન જશે એટલે રાજેશ…’

‘વન મિનિટ!’ મેં શાહને અટકાવ્યા, ‘તમારી વાત સાથે હું સંમત છું. હમીરનો ફોન જાય અને પૈસા ન ચૂકવે એક પણ માણસ અત્યારે આ શહેરમાં નથી. પણ એક વાત સમજાય છે તમને? તારા માટે આ ફકત નવ હજારનો મામલો છે, પણ હમીર ટાઇગર માટે આ સવાલ એની શાખનો છે. જો કોઈ પણ કારણસર મોન્ટુનો બાપ આજે સાંજે પાંચ વાગ્યા પહેલાં તમને રૂપિયા ન પહોંચાડી શક્યો, તો તું કલ્પના કરી શકે છે કે હમીર શું કરશે? એના નામની ધાક બરકરાર રાખવા ખાતર પણ એ ટાઇગર આ શિયાળવાને ફાડી ખાશે.’ ડો.. શાહ હબકી ગયા, ‘આ તો મેં વિચાર્યું જ નહોતું.’

‘ત્યાં જ આપણે થાપ ખાઈ જઈએ છીએ, મિત્ર! આપણો વ્યવસાય સફેદ ડગલાનો ઉજળો વ્યવસાય છે. જો કોઈ દર્દી આપણા પૈસા ઓળવી જાય તો બીજા ધંધાની જેમ આપણે પણ એને ઘાલખાધ માનીને ભૂલી જવા! સમાજમાં જ્યારે પ્રતિષ્ઠિત માણસો પોતાના ઝઘડાની પતાવટ કરવા માટે ગુંડાઓને આમંત્રિત કરે છે, ત્યાંથી જ એક ભયાનક દુષ્ચક્રની શરૂઆત થાય છે. દાઉદ કે છોટા શકીલ એમની માની કૂખમાંથી પેદા નથી થતા, પણ આપણી ભૂલોમાંથી એમનું સર્જન થાય છે. મારું માનો, નવ હજાર જેવી મામૂલી રકમ માટે બે બદામના બદમાશને ડોન બનાવવાનું પાપ ન કરશો.’

ડો.. શાહ મારાથી જુનિયર હતા. મૂળરૂપે ભલા માણસ હતા. મારી સલાહ તરત જ માની ગયા. મારી હાજરીમાં જ એમણે હમીર ટાઇગરને ફરીથી ફોન લગાડ્યો, ‘હમીરભાઈ! આપણું કામ પતી ગયું છે. પેલો ફોન હવે ન કરશો, પ્લીઝ!’‘

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: