આખરે,આ સમય ચાલ્યો ગયો આઘાત આપી આખરે!

કાન ફાડી નાખે તેવો ઘોંઘાટ અને વક્તાને બોલવા નથી જ દેવો એવો દ્રઢ નિર્ણય કરીને આવેલું ઓડિયન્સ. આવા તોફાની વિદ્યાર્થીઓ સમક્ષ મુખ્ય વક્તા તરીકે હાજરી આપવાની હા પાડતાં પહેલાં મેં ખાનગીમાં તપાસ કરી લીધી હતી, ‘મને ભૂતકાળનો હિસાબ જણાવો! આ કોલેજના વિદ્યાર્થીઓએ વક્તાની ઉપર સડેલા ટમેટાં કે ઇંડાં તો નથી ફેંક્યા ને?’

એક સિનિયર તબીબે ડરતાં ડરતાં માહિતી આપી હતી, ‘શરદભાઇ, કોઇને મારું નામ ન આપશો, પણ હું તમને ચેતવી દઉં છું. અહીં ભાષણ કરવા માટે આવવા જેવું નથી. ટમેટાં-ઇંડાં તો જુના થઇ ગયાં, અહીં તો ચાલુ ભાષણે વક્તાનો કોલર પકડીને પાછળથી કોઇ ખેંચી ગયું હોય એવા દાખલાઓ મોજુદ છે. એક વાર એક પ્રખ્યાત લેખક માઇક ઉપર બોલી રહ્યા હતા ત્યારે ચાર વિદ્યાર્થીઓ સ્ટેજ ઉપર ધસી આવ્યા, લેખકશ્રીને ટિંગાટોળી કરીને ઉઠાવી ગયા.

વધુ ખરાબ તો એ બન્યું કે ચારેય જણાં ડાઘુઓની જેમ ‘રામ બોલો ભાઇ…રામ’ બોલતાં બોલતાં લેખકને લાશની જેમ ‘કાઢી’ ગયા!’છતાં મેં હા પાડી દીધી. જામનગરનો ટાઉનહોલ હતો. એમ. પી. શાહ મેડિકલ કોલેજનું તેજસ્વી, પણ તોફાની ઓડિયન્સ હતું. આગળની ચાર-પાંચ હરોળમાં ડોક્ટરો, પ્રોફેસરો અને હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ એવા ત્રીસ-ચાલીસ સિનિયર તબીબો બેઠા હતા. કોલેજના ડીન સાહેબ પણ બિરાજમાન હતા. અને પાછળની હરોળોમાં શોરબકોરનો મહાસાગર ગર્જી રહ્યો હતો.

ગગનભેદી અવાજો વચ્ચે મેં આટલું જ કહ્યું, ‘હું આંખો મીંચીને પણ કહી શકું છું કે આ જામનગરની મેડિકલ કોલેજના જ વિદ્યાર્થીઓ સામે હું ઊભો છું. આજથી પાંત્રીસ વર્ષ પહેલાં અમે પણ આ બધું કરી ચૂક્યા છીએ જે તમે અત્યારે કરી રહ્યા છો. અરે, યે તો વો હી જગહ હૈ… ગુઝરે થે હમ જહાં સે…!’

છેલ્લી પંગતમાંથી કોઇએ બૂમ પાડી, ‘અચ્છા હૈ! ચલો, ભાઇ લોગ, શાંત હો જાઓ! મોટાભાઇ કો બોલને દો!’ એ સાથે જ ટાઉનહોલમાં શાંતિ પ્રસરી ગઇ. એ પછી હું સવા કલાક લગી બોલતો રહ્યો. એ શાંતિ સ્મશાનગૃહમાં હોય તેવી નિર્જીવ શાંતિ ન હતી, પણ બહારગામથી આવેલા આપ્તજન સાથે એના નાનાં ભાઇ-બહેનો વાત કરતાં અને સાંભળતાં હોય તેવો સંવાદભર્યો માહોલ હતો.

મારા વક્તવ્યનો વિષય પણ મને ગમે તેવો હતો. મેડિકલ કેમ્પસના મારા સંભારણાં. કેટલું બધું યાદ આવી ગયું મને! હોસ્ટેલની ધમાલમસ્તી, જમવાના ધાંધિયા, આદમની કેન્ટિન, રાત-રાતભરના ઉજાગરા, મિત્રો સાથેની વિશ્રંભકથાઓ, કોલેજની ચૂંટણીઓ, પ્રેમ-મહોબ્બત, નફરતો ને મારામારીઓ અને પરીક્ષાનાં ટેન્શનો! સવા કલાકની સફરમાં કેટલાંય જુના મિત્રો અને સહાધ્યાયીઓની યાદ તાજી થઇ ગઇ.

અચાનક ઓડિયન્સમાંથી ફરમાઇશ ઊઠી, ‘રણમાં ખીલ્યું ગુલાબ થાવા ધ્યો, સાહેબ!’‘ગુલાબ? મેડિકલ કેમ્પસમાં તો ‘ડૉ..ની ડાયરી’ હોય, ગુલાબ ક્યાંથી ઊગી શકે?’‘ઊગ્યું જ હોય! એક-બે કિસ્સા સંભળાવો, પ્લીઝ!’ અવાજો એક કરતાં વધારે હતા અને એની તીવ્રતા જરૂર કરતા બુલંદ હતી. હું બે-ચાર ક્ષણો માટે થંભી ગયો. પંદર-પંદર વરસથી જિંદગીના રણમાં ગુલાબોની ખેતી કરતો આવ્યો છું. આશરે હજારેક કિસ્સાઓ આલેખી ચૂકયો છું. હવે એવો કયો કિસ્સો સંભળાવું જે આ વિદ્યાર્થીઓએ વાંચ્યો ન હોય? એ પણ આ કોલેજ-કેમ્પસમાં ભજવાઇ ચૂકેલો?!મારી નજર સમક્ષ નિશાતની મૂર્તિ તરવરી ઊઠી.

***

નિશાત પટેલ રાજકોટ જિલ્લાના એક નાનકડા ગામના સુખી ખેડૂતનો તેજસ્વી પુત્ર હતો. રંગે ઘઉંવર્ણો, પણ ચહેરે-મહોરે નમણો હતો. હંમેશાં હસતો રહેતો હતો. મેરિટ ઉપર મેડિકલ શાખામાં પ્રવેશ મેળવીને આવ્યો હતો. એ જમાનામાં ગુજરાતમાં ફક્ત પાંચ જ મેડિકલ કોલેજો હતી અને એમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીએ પરસેવો વહાવવો ફરજિયાત હતો, એના પિતાએ પૈસો ખરચવો બિનજરૂરી હતો.

હું અને નિશાત એક જ હોસ્ટેલમાં, એક જ વિંગમાં રહેતા હતા. એની રૂમમાં જવાનો રસ્તો મારી રૂમ પાસેથી પસાર થતો હતો અને મારી રૂમનાં બારણાં હંમેશાં ખુલ્લાં જ રહેતા હતા. આવતાં-જતાં દરેક મિત્ર કંઇક ને કંઇક શાબ્દિક આપ-લે કરીને જ જાય! આમાં નિશાત પણ બાકાત નહીં.

એક દિવસ સમી સાંજે નિશાત બહારથી આવ્યો. પસાર થઇ જવાને બદલે મારી રૂમના બારણાં આગળ અટકીને ઊભો રહ્યો. મેં અંદરથી જ સવાલ ફેંક્યો, ‘કેમ, પાર્ટનર? આમ સોગિયું ડાચું કરીને કેમ ઊભા છો? કોણ મરી ગયું?’‘મરે તમારો દુશ્મન. હું તો તમારો મિત્ર છું. મને મારવાની વાત શા માટે કરો છો? જીવાડવાની વાત કરો ને!’ નિશાત બોલતી વખતે હસતો તો હતો, એનો અવાજ કહી આપતો હતો કે મામલો ગંભીર છે.

‘આવ, દોસ્ત બેસ! જણાવ કે તારો પ્રોબ્લેમ શું છે!’ મેં એને રૂમની અંદર બોલાવ્યો.નિશાત ખુરશીમાં બેસી પડ્યો, ‘પાર્ટનર, પ્રેમ થઇ ગયો છે!’‘છોકરી? મેડિકલમાં ભણે છે કે બહારની…?’‘આપણી જ કોલેજમાં. આપણાં કરતાં એક વરસ જુનિયર છે. મારી જ્ઞાતિની જ છે.‘તો પછી વાર શાની? કરો કંકુના!’ મેં એને પ્રોત્સાહિત કર્યો.

‘પાર્ટનર હિંમત નથી પડતી. છોકરી રૂપાળી છે. પણ સહેજ મિજાજી છે. રૂબરૂમાં ‘આઇ લવ યુ’ કહેવા જાઉં ને એ ના પાડી બેસે તો કોલેજમાં મારી ઇજજતનું શું?’‘તને ડર લાગતો હોય તો હું પૂછી આવું! છોકરીનું નામ આપ!’‘લમ્હા પટેલ.’ નિશાતના ગાલ પર સ્ત્રીની જેમ શરમનો શેરડો ફૂટ્યો.મારા હોઠ ગોળાકારમાં ગોઠવાઇ ગયા, સીટીનો અવાજ નીકળી ગયો, ‘વાહ, રાજજા! કુંવરી તો રૂપાળી પસંદ કરી છે. જા, હવે રૂમમાં જઇને નિરાંતે ઊંઘી જા. કાલ સુધીમાં તારું કામ થઇ જશે.’

‘લમ્હા હા પાડી દેશે?’‘એની બાંહેધરી હું ન આપી શકું, પણ એનો હા કે નામાં જવાબ જરૂર લઇ આવીશ.’ મેં ધરપત આપી. નિશાત લાખ લાખ અરમાનોની હૂંફભરી રજાઇ ઓઢીને ઊંઘી ગયો. હું ફાઇનલ એમ.બી.બી.એસ.માં હતો, ફરી પાછો અભ્યાસના પુસ્તકમાં ખૂંપી ગયો.

બીજા દિવસની નમતી બપોરે હું લાયબ્રેરીમાં વાંચતો બેઠો હતો. મારાથી ત્રીજા ટેબલ પાસે લમ્હા બેઠી હતી. આંખના ખૂણામાંથી હું એનાં હલન-ચલન પર નજર નાખી રહ્યો હતો. લગભગ સાડા ચાર વાગ્યે એ ઊભી થઇ. એનું પુસ્તક ટેબલ ઉપર જ પડેલું હતું. હું સમજી ગયો કે તે કેન્ટિનમાં ચા પીવા માટે જતી હતી. હું પણ ઊભો થઇ ગયો.

અડધે રસ્તે મેં એને આંતરી, ‘એક્સકયુઝ મી! મારું નામ…’‘ઓળખું છું.’ એ આછું હસી, ‘આઇ એમ લમ્હા…’
‘હું પણ ઓળખું છું. એક વાત કહેવા આવ્યો છું. મારો એક મિત્ર છે. તારી જ્ઞાતિનો જ છે. એને તું ખૂબ ગમે છે. જો એણે ધાર્યું હોત તો તને ‘પ્રપોઝ’ કરવાની બીજી સેંકડો રીતો હતી, પણ નિશાત સડકછાપ રોમિયો નથી. બહુ સંસ્કારી છોકરો છે. હું મારા ખુદના માટે કોઇ છોકરી આગળ જે આર્જવથી ને જેટલી ઉત્કટતાથી એનો હાથ માગવાનું પસંદ ન કરું, એ લાગણી સાથે મારા દોસ્ત માટે તારો હાથ માગું છું.’

‘નિશાત એટલે…? પેલો ડાર્ક સરખો છે…તે…?’‘સાવ ડાર્ક તો એને ન કહેવાય, પણ તારી સરખામણીમાં સહેજ…’‘માય ફૂટ! હું એને ઓળખી ગઇ. છેલ્લા એક મહિનાથી મારી આગળ પાછળ ફર્યા કરે છે. મારી સામે ટગર ટગર જોયા કરે છે. પણ મને એ ગમતો નથી. એને કહી દેજો કે લમ્હાનાં સપનાં જોવાનું બંધ કરી દે! મારી ચોઇસ બહુ ઊંચી હશે.’ લમ્હા તો ચાલી ગઇ. હું એની વાત શબ્દશ: તો નિશાતને ન કહી શક્યો, પણ જેટલું કહ્યું એટલાથીયે એ ભલા મિત્રનું હૃદય તો ભાંગી જ ગયું.

આજે આ ઘટનાને પૂરા તેંત્રીસ વરસ થઇ ગયા. હું મંચ ઉપર હતો, ઓડિયન્સમાંથી ફરમાઇશ આવી હતી, ‘સર, રણમાં ખીલ્યું ગુલાબ સંભળાવો!’હું ખામોશ હતો. કારણ? ડૉ.. લમ્હા પટેલ મારી સામે જ ઓડિયન્સમાં બેઠેલી હતી. એણે ગ્રીનકાર્ડ હોલ્ડર સાથે લગ્ન કર્યા પછી અભિમાની સ્વભાવને કારણે છુટાછેડા લીધા હતા. મારો નિશાત અત્યારે અમેરિકામાં છે. રૂપાળી પત્નીની સાથે ખૂબ સુખી છે. મારે લમ્હાને દાઝ્યા ઉપર ડામ નહોતો આપવો, મેં જાહેર કરી દીધું,‘મિત્રો, અત્યારે મૂડ નથી. ગુલાબની વાત ફરી ક્યારેક કરીશ!’

(શીર્ષક પંક્તિ: શૈલેષ પંડ્યા ‘ભીનાશ’)

Advertisements

2 Responses

  1. Wo lamhe humein yaad na rahe toh kya hoga
    tere siva kuch bhi aabaad na rahe toh kya hoga
    aisi hai yeh dil ki majbooriyaan kaise batau
    inn saanson mein ab tera naam na rahe toh kya hoga.
    . nice story

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: