ચોતરફ દરિયાઇ મોજાનો પ્રભાવ ઓછો નથી

ધૈવત આજે અત્યંત પરેશાન હતો. સામા બારણે રહેતા ગદાધરની દીકરી ધબકને એ આલિંગનમાં જકડીને ‘કિસ’ કરી રહ્યો હતો ત્યારે કોઇ એ બંનેને જોઇ ગયું હતું. હવે એ માણસ નક્કી ગદાધરને આ વાત કરી દેશે અને પછી ગદાધર વગર ગદાએ પોતાનું કચુંબર કરી નાખશે.ધૈવત નહોતો ઇચ્છતો તો પણ એનું એ દ્રશ્ય વારંવાર ‘રિવાઇન્ડ’ થઇ-થઇને એના મન:પટલ ઉપર ફરી-ફરી ભજવાતું રહેતું હતું. એ ધબકને ચાહતો હતો કારણ કે ધબક ચાહવા યોગ્ય હતી. પૂનમની ચાંદની એની આગળ શ્યામ લાગે ને ગુલાબની પાંખડી ધબક પાસે રૂક્ષ લાગે. એના રૂપાળા ચહેરાને પામવા માટે આખા શહેરના યુવાનો સોળ સોમવારનું વ્રત કરવા તૈયાર હતા, પણ ધૈવત એ દોડમાં સૌથી આગળ નીકળી ગયો એનું એકમાત્ર કારણ એ હતું કે ધબકના બાપ ગદાધરનું ઘર બરાબર ધૈવતની ઘરની સામે જ હતું.

ધૈવત કો’કના બંધ મકાનમાં પેઇંગ ગેસ્ટ બનીને રહેતો હતો અને ધબકને જોયા પછી એ અડધી રૂમનું બમણું ભાડું આપવા તૈયાર થઇ ગયો હતો. દસ-દસ મહિના સુધી પ્રેમનું ઇંધણ બાળ્યા બાદ એની રાજધાની એક્સપ્રેસ દિલ નામના જંકશન સુધી પહોંચી શકી હતી. ધબકે પહેલીવાર એની ગુલાબી પાંપણો ઉઠાવીને, પ્રભાતના પહેલા કિરણ જેવું કોમળ-કોમળ હસીને એના પ્રેમનો સ્વીકાર કર્યો હતો. પણ સાથે-સાથે લાલ રંગનું સિગ્નલ પણ ધરી દીધું હતું, ‘આવતીકાલથી બે હજાર સૂર્યનમસ્કાર અને અઢી-અઢી હજાર દંડબેઠક કરવાનું શરૂ કરી દેજે.’

‘કેમ? મારે પ્રેમ કરવાનો છે કે કુસ્તી?’ ધૈવતે પૂછ્યું હતું.‘મારી સાથે પ્રેમ અને મારા પપ્પા સાથે કુસ્તી.’‘હું સમજયો નહીં…’‘તમને ખબર નથી? મારા પપ્પા ગદાધરભાઇ આ શહેરના જાણીતા પહેલવાન છે. એમના હાથનો એક જ મુક્કો ખાધા પછી માણસ જિંદગીમાં ક્યારેય ફોટો પડાવવા લાયક નથી રહેતો. આ શહેરના કૈંક મજનૂઓના ખૂબસૂરત ચહેરાઓને એમણે બદસૂરત બનાવી દીધા છે. મારી સામે આંખ ઉઠાવીને જોનારની પપ્પા આંખ કાઢી લે છે, મને આંગળી અડાડે તેનો હાથ તોડી નાખે છે અને સીટી મારે તેની જીભ કાપી લે છે.’

ધબકના મુખેથી એના પહેલવાન પપ્પાનાં પરાક્રમો સાંભળીને પળ વાર માટે ધૈવત થથરી ગયો, પણ બીજી પળે એની નજર સામે ઊભેલી ધબક ઉપર પડી અને એ બધું જ ભૂલી ગયો. ગદાધર નામનો કાળમીંઢ પાષાણ ઓગળી ગયો, એની જગ્યાએ મીઠી, ભીની, મહેકતી કેસર-ક્યારી રમી રહી. ધૈવતે સાગરમાં ભૂસકો મારી દીધો, ‘એમ ડરીને પ્રેમ થાય નહીં. તારા પપ્પા કરી-કરીને બીજું શું કરી લેશે? હાડકાં ભાંગી નાખશે એ જ ને? અરે, હાડકાં તો બાઇક ઉપર બેસીને જતા હોઇએ અને પડી જઇએ તો પણ ભાંગે છે. આપણી તો ભીષ્મ પ્રતજિ્ઞા છે, ગદાધર પહેલવાનના હાથનો માર ખાઇને મારાં તમામ હાડકાં ભાંગીને ભૂક્કો થઇ જાય તો પણ ઘોડા ઉપર સવાર થઇને મારો અસ્થિકુંભ જાન જોડીને વાજતે-ગાજતે તને પરણવા માટે આવશે જ.’

ક્રાંતિ ભોગ માગે છે, ધૈવત ભોગ આપવા તૈયાર હતો. એની તૈયારી જોઇને ધબકમાં પણ હામ આવી. છાનાં-છપનાં મિલનો શરૂ થઇ ગયાં. પણ ભમરાને જેની તલાશ હતી એ ઘડી હજુ આવતી ન હતી. બંધ બારણાનું એકાંત મળતું ન હતું. જ્યારે પણ મળવાનું થતું, કોલેજમાં અથવા પ્રોવિઝન સ્ટોરમાં અથવા શેરીમાં આવતાં-જતાં થતું હતું. મીઠાઇ જોવા મળતી હતી, પણ ચાખવાનું સદ્ભાગ્ય હાથતાળી દઇ જતું હતું.

આખરે એક દિવસ એવી તક મળી ગઇ. ગદાધર સવારથી જ બહારગામ ગયા હતા. ધબકની મા બપોરનું ભારે ભોજન આરોગીને ઉપલા માળે એના ઓરડામાં ઘોરતી હતી. ધબકે જ હાથનો ઇશારો કરીને ધૈવતને આમંત્રણ આપ્યું. ધૈવત પહોંચી ગયો. જૂની બાંધણીનું મકાન હતું. ધૈવત ડહેલીનાં કમાડ અંદરથી વાસવા જતો હતો, પણ ધબકે સિસકારો કરીને એને અટકાવ્યો.

ધબક ભોંયતળિયે આવેલા પોતાના અભ્યાસખંડમાં હતી. ધૈવત દોડીને એને વળગી પડ્યો. હાંફતાં-હાંફતાં એણે પૂછી લીધું, ‘બારણાં અંદરથી બંધ કરવાની શા માટે ના પાડી? કોઇ અચાનક આવી જશે તો?’‘અત્યારે બહારથી કોણ આવવાનું હતું? મેં ના એટલે પાડી કે કદાચ મમ્મી અચાનક જાગીને નીચે આવી જાય તો હું બહાનું કાઢી શકું કે તું બુક અથવા નોટ્સ લેવા માટે આવ્યો છે. બારણાને સાંકળ મારી હોય તો ખુલાસો આપવો અઘરો થઇ પડે!’ ધૈવત સહેજ દૂર ખસી ગયો, ‘તારી મમ્મી જાગી જાય એવી શક્યતા કેટલી છે?’‘સહેજ પણ નહીં! એ પથારીમાં પડ્યાં પછી એક કલાક પહેલાં તો પડખુંયે બદલતી નથી. પણ સલામતી ખાતર આપણી પાસે અડધો કલાક છે એવું સમજીને ચાલજે!’

‘અરે, અડધા કલાકમાં તો તને આખી ચાવી જાઉં!’ કહીને ધૈવત પહેલીવાર એની પ્રેમિકાને વળગી પડ્યો. ભમરો ઝૂકયો. ગુલાબના ફૂલે પોતાની પાંખડીઓ પ્રસારી દીધી. બબ્બે હોઠની બે જોડ ભેગી થઇ ન થઇ અને…!
ફિળયામાંથી કોઇનો અવાજ આવ્યો, ‘ગદાધર મામા છે ઘરમાં?’ ધૈવત એક આંચકા સાથે અલગ થઇ ગયો. ધબક એની કેદમાંથી છુટીને સીધી ખુરશીમાં જઇ પડી. એ પોતાનાં કપડાં સરખાં કરવામાં પડી, ધૈવતે જોયું તો ફળિયામાં એક હટ્ટો-કટ્ટો પચીસેક વર્ષનો યુવાન ઊભેલો હતો. એ ક્યારે બારણાં હડસેલીને અંદર આવી ગયો એની પ્રેમમગ્ન યુગલને ખબર જ ન પડી.

ધૈવતનું દિમાગી કમ્પ્યૂટર પ્રકાશની ગતિએ કામ કરવા લાગ્યું. આવનાર જુવાન ગદાધરનો ભાણેજ થતો હશે. એનો ચહેરો-મહોરો મામાને મળતો આવતો હતો. એણે બૂમ પણ ‘ગદાધર મામા’ કહીને પાડી હતી. સૌથી વધારે ખરાબ વાત એ હતી કે ભાણિયો પણ મામાની નાની આવૃત્તિ સરખો હતો. એના હાથમાં એક મજબૂત લાકડી પણ હતી. કોઇપણ ખુલાસો વ્યર્થ હતો. ધૈવતે નિર્ણય લઇ લીધો: ‘ભાગે એનું નામ ભાયડા! પછીથી જેવી પડશે તેવી દેવાશે.’ એ તીરની જેમ છુટ્યો અને વિશાળ ફિળયામાંથી એક તરફ સરકીને પેલી પહાડીને ‘બાયપાસ’ કરીને ખડકીની બહાર નીકળી ગયો.

ઘરે ગયા પછી એનું વિચારોનું ચક્ર ચાલુ થયું. સાંજે ગદાધર ઘરે પાછો આવશે. ભાણિયો મામાને આખી મેચનો આંખે દેખ્યો અહેવાલ આપશે. પછી ભલું હશે તો ગદાધર અને બૂરું હશે તો સાથે આ ચશ્મદીદ જડભરત પણ હાથમાં મગદળ લઇને એને મારવા આવશે. વગર સાબુએ પોતાની ધોલાઇ કરશે. મોટાભાગે દેહમાંથી જીવ જતો રે’શે, નહીંતર નસીબમાંથી ધબક તો જતી જ રહેશે. શું કરવું જોઇએ? રાત પડે તે પહેલાં ધૈવતે નિર્ણય લઇ લીધો.

આમ ડરી-ડરીને મરી શા માટે જવું? પ્રેમના દરિયામાં ભૂસકો માર્યો જ છે તો શા માટે મોતી પામ્યા વગર પાછા આવવું? એના કરતાં તો ગદાધર આગળ કબૂલાત કરી લેવી કે ‘હું તમારી દીકરીને પ્રેમ કરું છું અને એને પરણવા માગું છું. કાં ધબક આપો, કાં મોત આપો! તમારા ભાણિયાએ જે જોયું છે એ સાવ સાચું છે, આજે બપોરે હું તમારી દીકરીને એકાંતમાં…’રાત પડી. ગદાધર આવી ગયો. એને ‘ફ્રેશ’ થવા જેટલો સમય જવા દીધા પછી ધૈવત મેદાને પડ્યો.

તન તંગ અને મન મક્કમ કરીને એ ગદાધરની ખડકીમાં દાખલ થયો. ઓસરીમાં જ એવરેસ્ટ જેવો મામો બેઠો હતો અને બાજુમાં પાવાગઢ જેવો ભાણેજ બેઠો હતો. બંને વચ્ચે કોઇ મહત્વની ગૂસપૂસ ચાલી રહી હતી. બાજુમાં બારસાખને અઢેલીને રૂપાળી ધબક ઊભી હતી. ધૈવતને ભાળીને એની આંખોમાં ભયનાં વાદળો ઊમટી આવ્યાં, પણ ધૈવત મક્કમ હતો.

‘હું ધૈવત. સામેના મકાનમાં રહું છું. કોલેજમાં ભણું છું. આપણી વચ્ચે ક્યારેય વાત થઇ નથી. આજે પહેલીવાર હું તમને મળવા આવ્યો છું. મારે તમને એક ખૂબ જ અગત્યની વાત કરવી છે.’ ધૈવત ગોખેલું બોલી ગયો. ગદાધરે એની કોડા જેવી આંખો માંડી, ‘આવ! બેસ, બોલ, શું હતું?’ ધૈવતે હિંમત એકઠી કરી, ‘આજે બપોરે… તમારા આ ભાણેજે… જે દ્રશ્ય જોયું… તે વિશે હું… એટલું જ કહેવા માગું છું… કે…’

ગદાધરે અચાનક અટ્ટહાસ્ય કર્યું, ‘આ મારો ભાણેજ! અને એણે દ્રશ્ય જોયું?! કેવી વાત કરે છે, ભઇલા? આને તો છેલ્લા છ મહિનાથી બંને આંખે અંધાપો આવી ગયો છે!! એને ક્યાં કશું યે દેખાય જ છે? અમે એની સારવાર વિશે જ ચર્ચા કરતા હતા. એ આ જ શહેરમાં પણ બીજી સોસાયટીમાં રહે છે. રિક્ષામાં બેસીને બપોરે આપણી શેરીના નાકા સુધી આવી ગયો’તો. પછી તો લાકડીનો ટેકો છે અને મનની આંખનો સથવારો! પણ તું શું કહેતો હતો? તારી વાત તો પૂરી કર…’

ધૈવત મૂર્ખ હતો કે હવે એક પણ શબ્દ બોલે! આડીઅવળી વાતો કરીને નાસી છુટ્યો. ધબકે ‘પાણી તો પીતાં જાવ’ કહ્યું તો પણ ઊભો ન રહ્યો. તરસ તો બપોરે જ છિપાઇ ચૂકી હતી! અમૃતનો ઘૂંટડો પી લીધા પછી માટલાના પાણીમાં શું દાટ્યું છે!!

(શીર્ષક પંક્તિ : અનિલ ચાવડા)

Advertisements

One Response

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: