રહસ્યો ખબર છે બધાં ઘરની છતનાં, નથી કોઇ આકાશની જાણકારી

ત્રીસ વર્ષના મૃગાબહેન એમના પતિ મહેશભાઇની પાછળ બાઇક ઉપર બેસીને જઇ રહ્યાં હતાં. શુભ પ્રસંગે જવાનું હતું. એટલે સરસ રીતે તૈયાર થઇને નીકળ્યાં હતાં. મોઘી સાડી, મેચિંગ બ્લાઉઝ, દાગીનાનો ઠાઠ, મહેંદીવાળા હાથ અને શેમ્પૂથી ધોયેલાં છુટ્ટા વાળ. મૃગાબહેનનાં વાળ ખૂબ લાંબા હતા, છેક પગની પાની સુધી પહોંચે એટલા લાંબા. નેબર્સ એન્વી, ઓનર્સ પ્રાઇડ!

ખુલ્લા માર્ગ ઉપર માણસોની અવર જવર ઓછી હતી. રવિવાર હતો એ કારણે. મહેશભાઇ વાહનની ગતિ વધારી. એ સાથે જ પાછળથી એક જોરદાર ચીસ સંભળાણી. પછી એક મોટો ધબાકો. મૃગાબહેન ઊછળીને ભોંય ઉપર અને બાઇક થોડાંક મીટર છેટે જઇને ગબડી પડી. મહેશભાઇએ જોયું તો એમની પ્રિય પત્ની લોહીથી લથબથ માથાં સાથે બેહોશ બનીને સડક ઉપર પડી હતી.

‘શું થયું? શું થયુ?’ ના સવાલો સાથે લોકો ભેગા થઇ ગયા. અવાજ એટલો મોટો હતો અને ચીસ એવી કારમી હતી કે ખુલ્લી દુકાન અને બંધ મકાનોમાંથી માણસો દોડી આવ્યા. ખરેખર બન્યું શું હતું? મૃગાબહેનના લાંબા, છુટ્ટા કેશ મોટરબાઇકના પાછલાં વ્હીલમાં ફસાઇ ગયા હતા. એક જોરદાર આંચકો લાગ્યો એટલે મૃગાબહેન ઊથલી પડ્યાં. પછી દોરડાંથી બંધાયેલાં હોય એમ એ બાઇકની પાછળ ઘસડાયાં.

હજારો-લાખો વાળનો વિપુલ જથ્થો તૂટે કેવી રીતે?! બાઇકની ગતિ અને એમાં ફસાયેલા વાળનું સામટું ખેંચાણ મૃગાબહેનનાં મસ્તક પરની કોમળ ત્વચાની સહનશક્તિ-કરતાં હજારગણું વધારે બળવાન હતું. એક ચોક્કસ ક્ષણે એ રેશમી, સુંવાળા, કાળા ભમ્મર વાળનો પૂરો જથ્થો મૃગાબહેનના માથા પરથી છુટ્ટો પડી ગયો. સાથે ખોપરી ઉપરની ઊંધી તપેલી જેવી ચામડીને પણ લેતો ગયો. ખોપરી ખુલ્લી થઇ ગઇ.

હાડકા ઉપરની લોહીની લાલ-ચોળ કાર્પેટ ઢાંકી દીધી હોય એવું બિહામણું દ્રશ્ય થઇ ગયું. જે વાળ ગૌરવ અને ગર્વનું કારણ હતા એ જ હવે મુસીબતનું મૂળ બની ગયા.બેહોશ મૃગાબહેનને તાબડતોબ ખાનગી દવાખાનામાં લઇ જવાયાં. ઠીક ઠીક મોટું કહેવાય એવું એ શહેર તબીબી સુવિધાની બાબતે ગુજરાતભરમાં નસીબદાર શહેર છે. આખા દેશમાં આ એક જ શહેર એવું છે જ્યાં જનરલ પ્રેક્ટિશનરો કરતાં કન્સલ્ટન્ટ ડોક્ટરોની સંખ્યા વધારે છે.

મૃગાબહેનને તપાસીને સજર્યન ડૉ.. પટેલે જેટલું સમજાવવા જેવું હતું એ બની શકે એટલા ઓછા વાક્યોમાં કહી દીધું, ‘મહેશભાઇ, તમારાં પત્ની ન્યૂરોજેનિક શોકમાં ચાલ્યાં ગયાં છે. એમને બચાવવા મુશ્કેલ છે. પણ હું મારા ડોક્ટર મિત્રોને બોલાવી લઉં છું. અમે ભેગાં મળીને કોશિશ કરીએ છીએ. મૃગાબહેન માટે ઘણાં બધાં બ્લડની જરૂર પડશે અને એન્ટિબાયોટિક્સ તથા બીજી ભારે દવાઓ પણ તમારે લઇ આવવી પડશે. અને તેમ છતાં દર્દી બચે તો ભગવાનનો પાડ!’

ડૉ.. પટેલે સારવાર શરૂ કરી. સૌથી પહેલું કામ એમણે મૃગાબહેનને ગંભીર આઘાતની સ્થિતિમાંથી બહાર લાવવાનું કર્યું. પછી ગ્લુકોઝ, સેલાઇન અને બ્લડની બોટલ્સ ચડાવીને ઉત્તમ ગુણવત્તાની એન્ટિબાયોટિક્સ પણ ઇન્જેકશન સ્વરૂપે આપી, સાથે સાથે સ્કાલ્પના જખમને એન્ટિસેપ્ટિક દવાઓ વડે ધોઇને, સાફ કરીને પછી પાટાપિંડી કરી આપી. રોજ એ ઘા પરનું ડ્રેસિંગ બદલીને નવું મૂકવાનો સિલસિલો ચાલ્યો. આ બે-ચાર દિવસની વાત ન હતી, અઠવાડિયાઓ સુધી ચાલે તેવો જંગ હતો.

ધીમે ધીમે માથા પરની ચામડી નવેસરથી બનવા માંડી. પણ આખું માથું પૂર્વ સ્થિતિમાં આવતાં ઘણો સમય લાગે તેમ હતો. ત્યાં એક નવી જ ગરબડ ઊભી થઇ. મૃગાબહેનને તાવ આવવા લાગ્યો. પહેલાં સામાન્ય પછી વધારે અને પછી તો ભયંકર તાવમાં દર્દીનું શરીર શેકાવા માંડ્યું. મહેશભાઇ ચિંતામાં પડી ગયા, ‘ડોક્ટર સાહેબ, મને તમારામાં પૂરી શ્રદ્ધા છે, તેમ છતાં પૂછવું પડે છે. મારી મૃગાને સારું તો થઇ જશે ને?’

‘આઇ એમ સોરી, મહેશભાઇ! હું સારવાર તો આપી જ રહ્યો છું પણ આ તાવ આવ્યો એ ચિંતાજનક છે. તાવનું કારણ ચેપ છે. મૃગાબહેનનું લોહી ઝરતું માથું જમીન ઉપર ઘસડાયું, એને કારણે ધૂળ, રેતી, કાંકરા અને એમાં રહેલા વિષાણુઓ, જીવાણુઓ એ ઘામાં પ્રવેશી ગયા. એને કારણે લાગેલું ઇન્ફેકશન હવે આખા શરીરમાં પ્રસરી રહ્યું છે. અમારી ભાષામાં આ સ્થિતિને ‘સેપ્ટિસીમીયા’ કહે છે.’ ડૉ.. પટેલના વાક્યોમાં ઘેરી ચિંતા સમાયેલી હતી.

‘સાહેબ, તમને યોગ્ય લાગતું હોય તો હજુ વધારે ભારે ઇન્જેકશનો લખી આપો, પણ મૃગાનું ‘સેપ્ટિક’ અટકાવો. મહેશભાઇના આંસુ જોઇને ડૉ.. પટેલે અતિ ભારે અને લેટેસ્ટ એન્ટિબાયોટિક્સ લખી આપી. મૃગાબહેનના ડીલમાંથી તાવ ધીમે ધીમે હટવાની શરૂઆત થઇ. ત્યાં નવી ગરબડ થઇ. મૃગાબહેનને કમળો થઇ ગયો. ડૉ.. પટેલ ગભરાયા, કારણ કે કમળો વધતો જતો હતો. એમણે શહેરના ખ્યાતનામ ફિઝિશિયનની સલાહ લીધી.

ફિઝિશિયનના ચહેરા ઉપર કરચલીઓ ઉપસી આવી, ‘છેલ્લાં વીસ દિવસમાં આટલી બધી ભારે અને ઢગલાબંધ દવાઓ દર્દીના શરીરમાં ઠાલવવામાં આવી છે એ બધી લીવર માટે અત્યંત હાનિકારક સાબિત થઇ છે. એને લીધે આ કમળો…’‘પણ એ તમામ ઇન્જેકશનો દર્દીનો પ્રાણ બચાવવા માટે જરૂરી હતા.’ ડૉ.. પટેલે દલીલ રજુ કરી.

‘એ વાતની હું ક્યાં ના પાડું છું? પણ આ જગતનો શાશ્વત નિયમ છે- ‘જે પોષતું તે મારતું.’ એન્ટિબાયોટિક્સની દવાઓ બેધારી તલવાર જેવી હોય છે, એ રોગના જીવાણુઓને પણ મારે છે અને માણસના જીવંત કોષોને પણ નુકસાન કરે છે.’‘હવે શું થઇ શકે તેમ છે?’ ડૉ.. પટેલે પૂછ્યું. જવાબમાં ફિઝિશિયને કરવા જેવા પરીક્ષણોની લાંબી યાદી ઉતારી આપી. ‘આટ આટલાં લેબોરેટરી ટેસ્ટ્સ કરાવી લો.

ખબર તો પડે કે દર્દીના લીવરને કેટલું નુકસાન પહોંચ્યું છે! બાકી ભગવાનના હાથમાં છે કે દર્દી બચશે કે પછી…’ લેબોરેટરીમાંથી રિપોર્ટ્સ આવી ગયા. કમળો ભારે ગંભીર કહેવાય તેવો હતો. દિન-પ્રતિદિન હાલત વણસતી જતી હતી. હવે તો સલાહ આપવા માટે આવનારા નિષ્ણાત ડોક્ટરોની સંખ્યા પણ વધી રહી હતી. દરેક ડોક્ટરના મુખમાં એક જ વાત હતી, ‘દવાની હદ પૂરી થઇ છે, હવે તો દુવાની સરહદ શરૂ થઇ ચૂકી છે. ભગવાનને પ્રાર્થના કરો! અમારા હાથમાં પણ રાહ જોયા સિવાય બીજું કશું જ બચ્યું નથી.’

છેક વડોદરાથી ગેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટને બોલાવાયા. એમણે દર્દીની હાલત તપાસી લીધી. પછી રિપોર્ટ્સ ઉપર નજર નાખી, ‘ઓહ્! દર્દી તો હીપેટિક કોમામાં સરી પડેલાં છે. કમળામાંથી કમળી થઇ ગઇ છે. એનું સીરમ બિલિરૂબિન પિસ્તાળીસ અને એસ.જી.પી.ટી. પાંચ હજારના આંકડાને સ્પર્શી ગયું છે. હવે આપણે શું કરી શકીએ તેમ છીએ? જે કંઇ સપોર્ટીવ ટ્રીટમેન્ટ ચાલી રહી છેતે ચાલુ રાખો! બાકી તો… ભગવાનને પ્રાર્થના કરો!’

***

ડૉ.. રાવલ ફિઝિશિયન છે. અમદાવાદમાં ખાનગી પ્રેક્ટિસ કરે છે. સિનિયર પણ છે અને સાત્વિક પણ છે. એમના દર્દીઓને પણ ક્યારેક પ્રશ્ન થાય છે, ‘ડોક્ટર સાહેબ મેડિકલ સાયન્સ અને અધ્યાત્મની ભેળસેળ શા માટે કરતા હશે?’ દર્દીઓની મૂંઝવણ વાજબી છે કારણ કે ડૉ.. અનિલ રાવલ ઘણીવાર ટેબ્લેટ્સની સાથે-સાથે એકાદ મંત્ર પણ સારવાર લેખે પ્રિસ્ક્રાઇબ કરી નાખતા હોય છે. આવા ડૉ.. રાવલને ફોન ઉપર આજીજી કરવામાં આવી. અમને જાણવા મળ્યું છે કે તમે તમારા અંગત કામ સબબ અત્યારે અમારા શહેરમાં છો.

તો આ દર્દીને જરા…’ ડૉ.. રાવલ અહંકાર વિનાના, નિભૉર માણસ. તરત જ દોડી ગયા. મૃગાબહેનને તપાસ્યાં. રિપોર્ટ્સ વાંચ્યા. દસ-બાર ડોક્ટરો હાજર હતા, ત્રીસ-ચાલીસ સગાં ઉપસ્થિત હતા. ડૉ.. રાવલે શરૂઆત કરી, ‘ભગવાનને પ્રાર્થના કરો…’ મહેશ પટેલે એમને અધવચ્ચે જ અટકાવ્યા, ‘તમને એટલું કહેવા માટે નથી બોલાવ્યા, સાહેબ! જો થઇ શકે તેમ હોય તો સારવારની વાત કરો. બાકી ભગવાનને પ્રાર્થના કરવાની સલાહ તો આ એક ડઝન ડોક્ટરો છેલ્લાં પાંચ દિવસથી…’

‘એમણે સલાહ તો આપી, પણ તમે સ્વીકારી ખરી? સાચું કહેજો તમે એક પણ વાર સાચા હૃદયપૂર્વક ઈશ્વરને પ્રાર્થના કરી જોઇ ખરી કે એ તમારાં પત્નીને નવું જીવન આપે?!’ ‘ના, નથી કરી.’ ‘તો ચાલો, આપણે બધાં સાથે મળીને ઈશ્વરને વિનવી જોઇએ.’ ડૉ.. રાવલ આટલું બોલીને બાજુના ઓરડામાં ગયા. બારી-બારણાં બંધ કરીને ધ્યાનમાં બેસી ગયા. ચાલીસ મિનિટ પછી બહાર આવ્યા. એકાદ દવા મૃગાબે’નના નાકમાં નાખેલી રાઇલ્સ ટ્યૂબમાં ઉતારવાની સલાહ આપી. પછી અમદાવાદ આવવા માટે રવાના થઇ ગયા.

બીજા દિવસથી જ દર્દીનું સીરમ બિલિરૂબીન ઘટવા માંડ્યું. એસ.જી.પી.ટી.નું પ્રમાણ પણ ઉતરવા માંડ્યું. દસમા દિવસે મૃગાબહેને આંખો ઊઘાડી પંદરમા દિવસે (અકસ્માત પછીના કુલ બાવનમા દિવસે) એ ચાલતાં ચાલતાં ઘરે ગયા.

હું નથી માનતો કે મૃગાબહેન પ્રાર્થનાની ચમત્કારિક શક્તિથી સાજા થઇ ગયાં. મારા દિમાગ ઉપર માત્ર તબીબી વિજ્ઞાન નામનો સરમુખત્યાર રાજ કરી રહ્યો છે. પણ ડૉ.. અનિલ રાવલ કહે છે, ‘મહાત્મા ગાંધી કહેતા હતા કે પ્રાર્થનામાં અદ્ભુત શક્તિ રહેલી છે.

રામકૃષ્ણ પરમહંસ કહેતા હતા કે જ્યારે કાલી માતાને પ્રસાદ ધરાવવા માટે તે થાળ લંબાવતા હતા, ત્યારે કાલી માતાનો શ્વાસ એમની હથેળી ઉપર અથડાતો તેઓ અનુભવતા હતા. જિસસે પણ કહ્યું છે કે, તું માગ અને તને જરૂર મળશે. શું આવા મહાન અવતારી પુરુષો ખોટા? અને આપણને એકલા જ સાચા?’ મને વિચાર આવે છે કે મેડિકલના અભ્યાસક્રમમાં અધ્યાત્મ વિજ્ઞાનનો એકાદ ટૂંકો તાલીમવર્ગ ઉમેરવા જેવો છે!

(શીર્ષક પંક્તિ: ભાવેશ ભટ્ટ)

Advertisements

2 Responses

  1. Prayer is directly talking with GOD, if done heartily..

  2. nice prathna ma khub j takat raheli hoy che ane jayare dava kam nathi karti tayare duva kam kare che.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: