રહસ્યો ખબર છે બધાં, નથી કોઇ આકાશની જાણકારી!

ડૉ..કાંતિભાઇ, પાન ખાશો?’ તમાકુવાળા પાનના બંધાણી તબીબ મિત્રે પૂછ્યું. જવાબમાં ડૉ.. કાંતિભાઇના ચહેરા ઉપર ડિસ્ટીલ્ડ વોટર જેવા નિર્મળ, પારદર્શક ભાવો ઉપસ્યા. નિખાલસપણે હસીને એમણે માથું હલાવ્યું, ‘ના, મેં પાન ખાવાનું છોડી દીધું છે.’ થોડી વાર પછી બીજા એક મિત્રે સિગારેટ સળગાવી. એણે વિવેક કર્યો, ‘કાંતિભાઇ, સિગારેટ તો ચાલશે ને?’ ફરી પાછું કાંતિભાઇના મોં ઉપર ચોખ્ખા, નીતર્યા જળનું પડ રચાઇ ગયું. હસીને એ બોલ્યો, ‘ના, તમાકુની સાથે મેં બીડી-સિગારેટનો પણ ત્યાગ કરી દીધો છે.’

બસ અમદાવાદથી રાજકોટ તરફ જતા હાઇ-વે પર પૂરપાર વેગથી દોડી રહી હતી. અમારી મંઝિલ જામનગરની મેડિકલ કોલેજ હતી. કોલેજની સ્થાપનાને પંચાવન વર્ષ પૂરા થતા હતા અને એ નિમિત્તે જુના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું. અમારી માતૃ સંસ્થામાં એક યાદગાર પ્રસંગની ઊજવણી થવાની હતી, માટે અમે પંદરેક ડોક્ટર મિત્રો સાથે મળીને ઉપડ્યા હતા. પોતાની ગાડીઓ તો બધાંની પાસે હતી, પણ જુદા જુદા જઇએ એમાં મજા ન આવે, એટલે એક મિની-લકઝરી બસ ભાડે કરી લીધી હતી.

ડૉ.. કાંતિભાઇ શુક્લ આશરે સત્તાવન-અઠ્ઠાવન વર્ષના પીઢ અને અનુભવી જનરલ પ્રેક્ટિશનર છે. જ્યારે ભણતા હતા, ત્યારે પણ અમે એમને ‘કાંતિભાઇ’ કહીને જ બોલાવતા હતા કારણ કે તેઓ મારાથી એકાદ વરસે ‘સિનિયર’ હતા. એમબીબીએસ પૂરું કરી લીધા પછી એમણે અમદાવાદની પાસેનું એક પચીસેક હજારની વસ્તીવાળું નાનકડું શહેર પસંદ કરી લીધું, ક્લિનિક શરૂ કરીને બેસી ગયા. વચ્ચેના સમય દરમિયાન એક-બે વાર અમારે મળવાનું થયું હશે, પણ આમ નિરાંતે એક-બે દિવસ સાથે ગાળવાનો પ્રસંગ આજે પહેલીવાર આવ્યો હતો.

નડિયાદથી સાથે આવેલા ડૉ. સુશાંતે વોટરબેગનું ઢાંકણું ખોલ્યું. ગ્લાસમાં પાણી રેડ્યું. પછી વડીલ હોવાના કારણે ડૉ.. કાંતિભાઇને પ્રાથમિકતા આપી, ‘કાંતિભાઇ, પાણી તો લેશો ને?’ પાછલી ‘સીટ’ પરથી ડૉ.. ધીરેને ટહુકો કર્યો, ‘કાંતિભાઇ સાદું પાણી ન પીવે, એમના માટે તો ‘લાલ’ પાણી જોઇએ!’ ડૉ.. ધીરેનનો ઇશારો શરાબ તરફ હતો. મને થયું કે હમણાં કાંતિભાઇ ગુસ્સો કરશે, ધીરેનની બોચી પકડશે, ગાળાગાળી કરશે, પણ આમાંનું કશું જ ન થયું.

ડૉ.. કાંતિભાઇના મોં ઉપર માનસરોવરના જળ જેવા ભાવો ઉપસ્યા અને હોઠો પર વ્હીસ્કીમાં ભેળવવાની સોડા જેવું હાસ્ય ફૂટયું, ‘ના, ભાઇ! તમે જે કહેવા ઇચ્છો છો તે પણ છુટી ગયું છે. આજે એ વાતને પણ વરસો વીતી ગયા. હવે તો સાદું પાણીયે માત્ર મારા ઘરનું જ પીઉં છું. કોઇ બીજાના ઘરનું પાણી પણ ન ચાલે.’

અમારા માટે આશ્ચર્યનો એવરેસ્ટ રચાઇ રહ્યો હતો. અમે ચાલીસ વર્ષ પહેલાં જે કાંતિભાઇને ઓળખતા હતા એ તદ્દન ભિન્ન હતા. અમારા દિમાગ કામ કરતાં અટકી ગયા. અત્યારે જે દ્રશ્ય જોઇ રહ્યા છીએ તે સાચું કે ચાર દાયકા પહેલાંનું દ્રશ્ય યાદ છે તે સાચું?

‘એ વખતની વાત જ જુદી હતી. મિત્રો, દુનિયામાં એવું એક પણ વ્યસન ન હતું જેને મેં અપનાવ્યું ન હતું.’

ડૉ.. કાંતિભાઇ પોતાના વિદ્યાર્થીકાળને યાદ કરી રહ્યા. બસ રાજકોટ શહેરને બાય-પાસ કરીને આગળ ધપી રહી હતી. ડૉ.. કાંતિભાઇ સમયના પથ ઉપર પાછલા પગે પ્રવાસ ખેડી રહ્યા હતા.

‘આજે તો મને પણ સમજાતું નથી કે બોર્ડની અને યુનિવર્સિટીની પરીક્ષાઓમાં ઊંચા ગુણ મેળવીને મેરિટ ઉપર એડમશિન લીધા પછી હું કેવી રીતે બગડી ગયો હોઇશ! ખરાબ સોબતની વાત મારી બાબતમાં સાવ ખોટી પડે, કારણ કે મારા તમામ મિત્રોમાં સૌથી વધારે વ્યસનો હું ધરાવતો હતો…’

ડૉ.. કાંતિભાઇ શાંતિથી મુદ્દાસર બોલી રહ્યા હતા. એમની વાત કરવાની શૈલીમાં એટલી સ્વસ્થતા સમાયેલી હતી, જાણે પોતાની નહીં પણ બીજા કોઇની વાત કરતા હોય!

‘હું બ્રાહ્નણનો દીકરો હોવા છતાં માંસાહાર કરવા માંડ્યો. રોજ બપોરે લંચનો સમય થાય ત્યારે બીજા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં આવેલી વીશી તરફ વળે અને હું શહેરમાં આવેલી પ્રખ્યાત ‘રાજપૂતાના રેસ્ટોરન્ટ’નો મારગ પકડું. સાથે મારા જેવો એકાદ મિત્ર પણ હોય. રોજ મોંઘા ભાવનું મટન કે ચિકન ઝાપટીએ.’

‘સાંભળ્યું છે કે નોનવેજ ભોજન તો બહુ મોંઘું હોય…’ મેં મારી જાણકારી બતાવી. કાંતિભાઇએ માથું હલાવીને મારી વાત પર એ ખરી હોવાની મહોર મારી આપી.

‘હા, આપણા શાકાહારી ભોજન કરતાં લગભગ અઢી-ત્રણ ગણું મોંઘું પડે એ! ઉપર વળી તમાકુવાળા પાનનો ટેસડો! અને ધુમાડો ફૂંકવાનું તો ચાલુ જ હોય! પૈસાનું પાણી નહીં, પણ આનું નામ પૈસાનો ધુમાડો!’

‘ફાધર ક્યારેય પૂછે નહીં કે દર મહિને આટલી રકમ ક્યાં વપરાઇ જાય છે?’ ડૉ.. વરુણનો સવાલ અમારા બધાનાં મનનો સવાલ હતો. એ જમાનો સોંઘવારીનો હતો, ત્રણસો-ચારસો રૂપિયા ઘરેથી આવે તેમાં લગભગ દરેકનો મહિનો આરામથી નીકળી જતો હતો. કાંતિભાઇનું કેટલામાં પતતું હશે?!

‘મારો ખચોg દર મહિને આઠસો રૂપિયાની ઉપર પહોંચી જતો હતો. પણ ફાધર પાસેથી વધારાના રૂપિયા મગાવવાની ક્યારેય જરૂર પડતી નહીં.’

‘એવું શી રીતે બને? તમારા હાથમાં અલ્લાદ્દીનનો જાદુઇ ચિરાગ આવી ગયો’તો કે શું?’

‘જાદુ નહીં, પણ જુગાર!’ કાંતિભાઇએ કાનની બૂટ પકડી, ‘જુઠ્ઠું બોલું. રોજ રાતે મારી રૂમમાં તીન પત્તીનું ટેબલ ગોઠવાતું હતું. આખા શહેરના જુગારીઓ રમવા માટે આવતા હતા. હું પણ બબ્બે હાથ ખેલી નાખતો, પણ મોટા ભાગે તો બીજા ખેલાડીઓને જુગાર રમવાની સવલત પૂરી પાડવા બદલ મને જે તગડી રકમ મળતી હતી એમાં જ હું ખુશ હતો.’

‘હોસ્ટેલમાં કોઇએ તમને રોક્યા નહીં? રેકટરે…?’

‘રેકટર તો બહુ નાનો માણસ ગણાય. મોટાની વાત કરું? એક વાર મધરાતે કોલેજના ડીન સાહેબ ખુદ મારી રૂમમાં આવીને ઊભા રહી ગયા! મને પૂછ્યું, ‘આ બધું શું છે?’ મેં કહ્યું, ‘જોતાં નથી? જુગાર છે, દારૂ છે અને સિગારેટ છે. તમારે બેસવું છે? બીજું કંઇ વિચારતાં હો તો માંડી વાળજો! આ ખેલૈયાઓમાં કોઇક પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે, તો કો’ક રાજકારણમાં છે. બાકીના બધા શહેરના નામીચા ગુંડાઓ છે.’ ડીન સાહેબ ચાલ્યા ગયા.’ કાંતિભાઇની વાત સાંભળીને બસ પણ ‘ખડખડ’ હસી પડી.

રસ્તામાં એક સારી હોટેલ જોઇને અમે બસ ઊભી રખાવી. બધા ભોજન માટે ઊતરી પડ્યા. કોઇએ મજાક કરી લીધી, ‘કાંતિભાઇ, માંસમચ્છી ખાવા હોય તો બાજુમાં નોનવેજ રેસ્ટોરન્ટ છે…’ આ વાત સાંભળીને જ ડૉ.. કાંતિભાઇને ઊબકા-ઊલટી થવા માંડ્યાં.

***

જમ્યા પછી વરિયાળીનો ફાકડો મારતાં મેં પૂછ્યું, ‘કાંતિભાઇ, સાચું કહેશો? વાલિયા લૂંટારામાંથી અચાનક વાલ્મિકી કેવી રીતે બની શક્યા?’

એમની આંખોમાં ચમકારો આવ્યો, ‘મિત્ર, જ્યારે ભણવાનું પૂરું કરીને હું ‘ઇન્ટર્નશિપ’ કરી રહ્યો હતો, ત્યારે અચાનક મને લાગ્યું કે મારી આંખોની રોશની ઝાંખી થવા માંડી છે. આંખના ડોક્ટરને બતાવ્યું તો એણે કહ્યું કે વધારે પડતાં વ્યસનોને કારણે મારી નસ સૂકાવા માંડી છે. ડોક્ટર સારા માણસ હતા, કદાચ મારી હકીકત જાણીને આવું બોલ્યા હશે. હું ગભરાઇ ગયો. એ સાંજે એક આશ્રમમાં દોડી ગયો. ત્યાંના સંતનાં ચરણો પકડી લીધાં. રડી પડ્યો.’

‘એક ડોક્ટર થઇને સાધુના શરણમાં?’

‘હા, ક્યારેક સાધુ કરતાં એના પ્રત્યેની શ્રદ્ધા માણસને ફાયદો કરાવી જાય છે. સંતજીએ મારી પાસે પાણી મુકાવડાવ્યું. એક પણ વ્યસનને હાથ નહીં લગાડવાની પ્રતજ્ઞા લેવડાવી. ધૂંધળી નજરનું કારણ બીજું કંઇ હશે, એટલે એ તો સરસ થઇ ગયું. પણ એના બહાને હું સુધરી ગયો!’

મને છેલ્લો સવાલ મૂંઝવી રહ્યો હતો, ‘કાંતિભાઇ, આપણે અભ્યાસ દરમિયાન ભણી ગયા છીએ કે તમાકુ, ધૂમ્રપાન, શરાબ કે અન્ય કોઇ પણ વ્યસન જ્યારે છોડવામાં આવે છે ત્યારે દર્દીના શરીરમાં એની ‘વિધડ્રોઅલ’ અસરો પેદા થાય છે. અરે, એકાદ દિ’ માટે ચાનો કપ ન મળે તો પણ માથું ભારે લાગવા માંડે છે. તમે એક ઝાટકે આટલું બધું છોડી દીધું, કંઈ થયું નહીં?’‘આ જ અધ્યાત્મનો પ્રભાવ છે. આજે ઠેર ઠેર વ્યસનમુક્તિનાં કેન્દ્રો ચાલે છે. ત્યાં આવી બધી વાતો જોવા મળે છે, કારણ કે દરદી પરાણે વ્યસન છોડતો હોય છે. મેં તો ભગવાનના ભરોસે બધું છોડ્યું છે! વિજ્ઞાન તમને આશ્વાસન આપે છે પણ અધ્યાત્મ અડગતા આપે છે.’-

(શીર્ષક પંક્તિ: ભાવેશ ભટ્ટ)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: