યે ચંદ લોગ જો બસ્તી મેં સબ સે અચ્છે હૈ

નામ?’ મેં મારી સામે બેઠેલી યુવતીને પૂછ્યું. એ આશરે ત્રીસેક વરસની હશે. અતિ સુંદર તો ન કહેવાય, પણ એને જોઇને એવું લાગ્યા વગર ન રહે કે ક્યારેક આ યુવતી અત્યંત ખૂબસૂરત હોવી જોઇએ. ‘ખંડહર બતા રહા હૈ કભી ઇમારત બુલંદ થી’ એ પંક્તિ યાદ આવી જાય. પણ મને જે વાતનું આશ્ચર્ય થયું તે એ કે ત્રીસ વરસ એ કંઇ ખંડેર બની જવાની ઉંમર ન ગણાય.‘મારું નામ શબનમ.’ એણે જવાબ આપ્યો. મને આશ્ચર્યનો બીજો એટેક આવ્યો. એનો દેખાવ, વસ્ત્રો, ભાષાશુદ્ધિ આ બધાં પરથી સ્પષ્ટ દેખાઇ આવતું હતું કે એ મુસ્લિમ ન હતી. તો પછી એનું નામ શબનમ કેવી રીતે હોઇ શકે? ઓ.પી.ડી.માં બેસીને દર્દીઓ તપાસતાં ડોક્ટરને નાના નાના સવાલો પૂછવાની છૂટ નથી હોતી, પણ મોટાં મોટાં આશ્ચર્યો અનુભવવાની છુટ હોય છે.

‘તકલીફ?’ મારો સવાલ. જવાબમાં એ કરુણ રીતે હસી પડી. હાથમાંના નાનકડા પર્સમાંથી એણે એક ઇન્જેકશન કાઢયું અને ટેબલ ઉપર મૂકર્યું, ‘હું ચેક અપ માટે નથી આવી. આ ઇન્જેકશન લેવા માટે આવી છું. આમ તો દર અઠવાડિયે ખાનગી ડોક્ટરના દવાખાને જઇને આ ઇન્જેકશન મુકાવી લઉં છું, પણ આજે શહેરમાં ખાનગી પ્રેક્ટિસ કરતા તમામ ડોક્ટરો હડતાળ પર ગયેલા છે. ન છુટકે સરકારી દવાખાનામાં આવવું પડ્યું. નર્સને વિનંતી કરી તો એણે કાયદો બતાવ્યો, કહી દીધું ‘એમ મારાથી ઇન્જેકશન ન આપી શકાય. પહેલા કેસ-પેપર કઢાવો, પછી ડોક્ટર પાસેથી ઓર્ડર લખાવી લાવો.’ એટલે હું તમારી પાસે આવી છું.’

મેં ઇન્જેકશન હાથમાં લીધું. અને આશ્ચર્યનો ત્રીજો અને સૌથી ભારે હુમલો આવ્યો. એ પેનિડ્યુરાનું ઇન્જેકશન હતું! આ ઘટના દાયકાઓ પૂર્વેની છે. પેનિસિલિનનાં ઇન્જેકશનો ત્યારે ચલણમાંથી સાવ ગાયબ નહોતા થયા, પણ રોજિંદા જીવનમાં એનો ઉપયોગ બહુ થતોયે ન હતો. જ્યારે આ તો પેનિસિલિન નામની દવાનું એક ડિપોટ પ્રિપેરેશન હતું. જે ભાગ્યે જ વપરાતું હતું અને ખાસ કિસ્સાઓમાં જ વપરાતું હતું.

‘શું થયું છે તમને, શબનમ?’ મેં ધારદાર નજરે પૂછ્યું.

‘એસ.ટી.ડી.’ કહીને એ નીચું જોઇ ગઇ.

‘સિફિલિસ?’ મેં પૂછ્યું. એસ.ટી.ડી. એટલે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસઝિ.

‘હા.’

‘ધંધો કરો છો? પ્રોસ્ટિટયુશન?’

‘હા, પણ સાવ એવું નહીં, હું કોઠા પરની વેશ્યા નથી. મોંઘા ભાવની કોલગર્લ છું.’ એણે માથું ઊંચું કર્યું. ગૌરવથી નહીં, પણ મારા તરફથી સહૃદયતા પામવાની સહજવૃત્તિથી એણે મારી આંખોમાં નજર પરોવવાની ચેષ્ટા કરી.

મને લાગ્યું કે મારે હવે એક પણ વધારાનો સવાલ ન પૂછવો જોઇએ. મારી પોતાની ઉંમર એ વખતે નાની હતી. લગભગ એકવીસ-બાવીસની, અને હિંમત તો એનાથીયે ઓછી હતી. વધારામાં ગુરુદત્તની ફિલ્મનાં દ્રશ્યો અને ગીતકાર સાહિર લુધિયાનવીની વિચારધારાની મજબૂત છાપ દિમાગ ઉપર છવાયેલી હતી. ભારત જેવા સંસ્કારી દેશમાં એક સ્ત્રીને જિંદગી બસર કરવા માટે પોતાનો દેહ વેચવો પડે ત્યારે ‘જિન્હેં નાઝ હૈ હિંદ પર વો કહાં હૈ?’ એવી ચીસ જેની છાતીમાંથી ન ફૂટે એ માણસને માણસ કેવી રીતે કહેવાય?

મારા અણસમજુ મનમાં સવાલોની લૂમ ફૂટતી હતી, પણ મારે એ યુવતીની શરમનો પડદો અકબંધ રાખવો હતો. માટે કશું જ પૂછ્યા વગર મેં ઘંટડી મારી. બાજુના રૂમમાંથી સિસ્ટરને બોલાવી. એને સૂચના આપી, ‘સિસ્ટર! મને બરાબર ઊકાળેલી સીરિંજ આપો. અને શક્ય હોય તો એક નવી જ નીડલ આપો. આ પેશન્ટને ઇન્જેકશન હું આપીશ.’

નર્સ દોડી ગઇ. પેનિડ્યુરા એલ.એ. ટ્વેલ્વ નામનું જાડું દ્રાવણ સીરિંજમાં ભરીને પાછી આવી. આ ઇન્જેકશન જાડી સોયથી આપવાનું હોય છે. દર્દીને જબરી પીડા સહન કરવી પડે છે. મેં શબનમને ટેબલ ઉપર સૂવડાવી. થાપાના ભાગમાં શક્ય તેટલી હળવાથી મેં એને ઇન્જેકશન મારી આપ્યું.

શબનમની આંખોમાં આંસુ ધસી આવ્યા. મેં પૂછ્યું, ‘કેમ રડો છો? ઇન્જેકશન બહુ દુખ્યું?’

‘ના, ડોક્ટર! આજે પહેલીવાર નથી દુખ્યું.’ એ રડી પડી. એ વખતે મને એના રડવાનું કારણ સમજાયું ન હતું, આજે સમજાય છે. એક ગંદા વ્યવસાયમાં સબડતી સ્ત્રી પણ ક્યાંકથી સમભાવ, સહૃદયતા અને સહાનુભૂતિ ઝંખતી હોય છે. મેં આવી કોઇ સભાનતા દાખવી નહોતી, પણ એ કોલગર્લ હતી એવું જાણ્યા પછીયે મેં એનાં પ્રત્યે નફરત દર્શાવી ન હતી. ‘પ્રેમના બે બુંદથી માનવી લીલોછમ્મ’ એવું ક્યાંક વાંચ્યું હતું, એ મેં તે દિવસે અનુભવ્યું.

શબનમ તો વસ્ત્રો ઠીકઠાક કરીને ચાલી ગઇ. હું એને ભૂલી ગયો. સૌરાષ્ટ્રનું જાણીતું મોટું શહેર હતું. ઇન્ટર્નશિપ કરતો હતો. મારી પાસે એ વખતે વાહન ન હતું. પગે ચાલતો દવાખાને જતો હતો, આવતો હતો. એક વાર મારી પાસેથી એક કાર પસાર થઇ ગઇ. ટ્રાફિકના કારણે એ ધીમી પડી, ત્યારે મારી નજર અંદર બેઠેલી વ્યક્તિઓ ઉપર પડી. પાછલી બેઠક ઉપર કાપડનો એક જાણીતો વેપારી બેઠેલો હતો. એની બાજુમાં શબનમ હતી.

કાળા રંગનો સિલ્કન ગાઉન એનાં ગોરા બદન ઉપર ખૂબ શોભતો હતો. વેપારીની ઉંમર લગભગ પાંસઠેક વરસની હશે. શબનમની બાજુમાં આવો ખડુસ હવસખોર જરા પણ શોભતો ન હતો. હું આગળ કંઇ પણ વિચારું તે પહેલાં તો ગાડી પુન: વેગવંતી બનીને દોડી ગઇ. મને એવું કેમ લાગ્યું હશે કે શબનમે મને જોઇ લીધો હતો, તેમ છતાં એણે મારા પરથી નજર હટાવી લીધી હતી?!

બરાબર એક અઠવાડિયા પછી એ ઝબકી. હાથમાં કેસ પેપર અને પર્સમાં ઇન્જેકશન. મેં હસી દીધું, ‘કેમ, આજે પણ શહેરમાં ડોક્ટરોની હડતાળ છે કે શું?’

‘ના, પણ તમારા હાથ જેવો હળવો હાથ ખાનગી ડોક્ટરોમાં નહીં મળે. જ્યાં સુધી તમે છો ત્યાં સુધી હું અહીં જ આવીશ. મને તમારામાં વિશ્વાસ…’

‘જો ખરેખર મારામાં વિશ્વાસ હોય તો મને સાચું નામ જણાવતાં શું થાય છે? હું એટલું તો સમજી શકું છું કે તારું નામ…’

‘શબનમ નથી. આજે હું તમને મારું સાચું નામ પણ જણાવી દઉં છું અને સાચી કથા પણ. પહેલાં ઇન્જેકશન કે પહેલાં મારી વીતકકથા?’

મેં સૂચક રીતે કહ્યું, ‘જે વધુ પીડાદાયક હોય તે પહેલાં.’

***

‘હું મુસલમાન નથી. તમારી ધારણા સાચી છે. મારું નામ પૂજા પાઠક. બ્રાહ્નણ પરિવારમાં જન્મેલી ને લાડકોડમાં ઉછરેલી રૂપાળી છોકરી. જુવાનીનાં પાગલ પગથિયાં ઉપર ઊભી હતી ત્યાં એક છેલબટાઉ છોકરાના પ્રેમમાં પડી ગઇ. ઘરમાં પ્રેમની વાત કરી શકાય એવું વાતાવરણ જ ન હતું. એક દિવસે લાગ જોઇને બે હજાર રૂપિયા અને દસેક તોલાના દાગીના લઇને નાસી ગઇ. છેલબટાઉ પ્રેમીએ દસ-બાર દિવસ મને જુદાં જુદાં શહેરોમાં ફેરવી. મને ભાવતાં ભોજન જમાડ્યાં અને એણે મારી જુવાનીનું ભોજન આરોગ્યું. પછી પૈસા ખૂટી ગયા…’

વાત લાંબી છે અને દર્દનાક છે. કોલમના પરિઘમાં સમાઇ ન શકે એવી વ્યથા કથા છે. એને લાઘવની કાતરથી કાપીને રજુ કરું છું. પૂજાને હોટલમાં છોડીને પ્રેમી ફરાર થઇ ગયો. રાહ જોઇને કંટાળેલી પૂજાએ બાપના ઘરે પાછા જવાનો નિર્ણય કર્યો. રિક્ષામાં બેઠી. રિક્ષાવાળો એનાં રંગ-ઢંગ પરથી સંજોગો પામી ગયો. ‘કહાં લે ચલૂં, મેડમ?’ જવાબમાં પૂજાએ કહ્યું, ‘રેલ્વે સ્ટેશન.’

રિક્ષાવાળાએ પૂરપાટ વેગે રિક્ષા મારી મૂકી. શહેરથી દૂરના એક નિર્જન વિસ્તારના બંગલા પાસે ઊભી રાખી. બે ચોકીદારો પૂજાને ઉઠાવીને બંગલામાં ફેંકી ગયા. બંગલાનો ખંધો માલિક પૂજાની જુવાની જોઇને ખુશ થઇ ગયો, ‘વાહ! રિક્ષાવાળાને સારી બક્ષિસ આપો! કે’જો કે આવી જ ચીજ લઇ આવવાનુંં ચાલુ રાખે!’ પછી એ આ ચીજ ઉપર તૂટી પડ્યો.

પછીથી પૂજાને ખબર પડી કે એ બદમાશ એ શહેરનો પ્રથમ પંક્તિનો રાજકારણી હતો અને દર ચૂંટણીમાં જંગી બહુમતીથી ચૂંટાઇને..! છ મહિનામાં એનાં રસ-કસ ચૂસીને નેતાજીએ પૂજાને બંગલામાંથી વિદાય કરી દીધી. રિક્ષાવાળો બીજી ચીજ લઇ આવ્યો હતો. પૂજાની એને જરૂર ન હતી. પૂજાની લાશમાંથી શબનમનો જન્મ થયો. આ સત્યઘટના સૌરાષ્ટ્રના એક જાણીતા શહેરની છે. નેતાજી અત્યારે ‘સ્વર્ગસ્થ’ છે. શબનમ ત્યારે જ સિફિલિસનો ભોગ બનીને જીવતેજીવ નર્કમાં સબડતી હતી. અત્યારે કદાચ એ પણ…!

(શીર્ષક પંક્તિ: રાહત ઇંદોરી)

Advertisements

2 Responses

  1. ‘પ્રેમના બે બુંદથી માનવી લીલોછમ્મ’, vat to sachi 6e…
    pan kyarek life ni 1 bhool, bahu moti kimat mangi le 6e…

  2. Kil those boyz who atempt ths type of crime. Ths z a one type of murder of trust, love. Who wil believe in love? Bahuj karun lakhyu 6… Pooja tame jya pan hov tya thik hov. May god bles her…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: