છે હજી થોડા ઘણાયે શ્વાસ બાકી છે,અર્થ એનો એ જ કે પ્રવાસ બાકી છે

તદ્દન જાહેર છતાં તદ્દન અંગત પળો હતી. જાહેર બગીચાનું ખાનગી એકાંત હતું. પ્રલંબ અને પ્રાપ્તિ વૃક્ષો ને વેલીઓથી ઘેરાયેલા ખૂણામાં બેસીને આથમતા સૂરજના આછા અજવાસમાં સોનેરી ભવિષ્યનાં ગુલાબી સપનાં વણી રહ્યાં હતાં. બંનેની સગાઇ છ મહિના પહેલાં થઇ ચૂકી હતી. બીજા છએક મહિના પછી લગ્ન થવાનાં હતાં.

કહેવાય છે કે સ્ત્રી-પુરુષની જિંદગીમાં શ્રેષ્ઠ તબક્કો સગાઇ થયા પછીનો અને લગ્ન થયા પૂર્વેનો હોય છે. પ્રલંબ અને પ્રાપ્તિ અત્યારે સમયના આવા સુવર્ણયુગમાં જીવતાં રાજા ને રાણી હતાં.

‘પ્રાપ્તિ, આમ આટલી દૂર કેમ બેઠી છો? મારી પાસે આવ ને!’ પ્રલંબે પ્રેમિકાનો હાથ પકડીને પોતાની નિકટ ખેંચતાં કહ્યું.

‘આને તું દૂર કહે છે?!’ પ્રાપ્તિ હસી પડી, ‘હવે જો એક ઇંચ જેટલી પણ પાસે આવીશ…તો…’

‘તો શું?’

‘તો પછી આપણે બંને કોના જેવા દેખાશું એ કહું?’

‘કહી નાખ!’

‘પેલાં વૃક્ષ અને વેલી જેવાં!’ પ્રાપ્તિએ આંગળી ચિંધીને જે ઝાડ બતાવ્યું એ જોઇને તો પ્રલંબની ભૂખ આૈર વધી ગઇ. એક પાતળા વૃક્ષના થડને ફરતે વેલી એવી રીતે વીંટળાઇ ગઇ હતી કે…! પ્રલંબ મન ઉપરનો સંયમ અને દિમાગ ઉપરનો કાબૂ ગુમાવી બેઠો. પ્રાપ્તિને ખેંચીને છાતી સરસી જકડી દીધી. પ્રાપ્તિના મોંમાંથી ચીસ સરી પડી.

‘કેમ, શું થયું?’ પ્રલંબે પોતાની નાગચૂડ ઢીલી કરતાં પૂછ્યું.

‘કંઇ નહીં, તેં મને આમ… ખેંચી… એટલે મારી કમરમાં ચસક આવી ગઇ…’ જો પ્રલંબે એ ક્ષણે પ્રાપ્તિના ચહેરા તરફ ધ્યાનથી જોયું હોત તો સમજાઇ ગયું હોત કે પ્રાપ્તિ જુઠ્ઠું બોલી રહી હતી. એની આંખોમાં આંસુ ધસી આવ્યાં હતાં, એ અવશ્યપણે કશીક પીડાનું પરિણામ હતું, પણ એ પીડા કમરમાંથી નહીં, પરંતુ બીજે ક્યાંકથી ઊઠી હતી.

જોકે પ્રલંબ સાવ બાઘો ન હતો, એનું ધ્યાન ગયું જ, ‘પણ પ્રાપ્તિ, તારી કમરમાં તકલીફ થઇ છે, તો આમ બે હાથ વડે તું તારું પેટ શા માટે દબાવી રહી છે?!’

પ્રાપ્તિએ હોઠ ભીંસીને દર્દ ઉપર કાબૂ મેળવી લીધો. રડતી આંખે હસી દીધું, ‘પેટમાં… તો… ના રે, હું ક્યાં પેટ દબાવી રહી છું? એ તો બસ, એમ જ… ખાલી… અમથું… નાહક…’

એ સાંજ ઢળી ગઇ. એ રાત ખીલી ગઇ. એ મુલાકાત પૂરી થઇ ગઇ. પ્રલંબથી છુટી પડીને ઘરે આવેલી પ્રાપ્તિ સીધી પોતાના બેડરૂમમાં ધસી ગઇ અને પથારીમાં પડીને આંસુઓના પૂરમાં ડૂબી ગઇ.

એનાં ડૂસકાંનો અવાજ સાંભળીને એની નાની બહેન પૃથા દોડી આવી. પૂછવા લાગી, ‘દીદી, શું થયું? કેમ રડો છો?’

‘પૃથા, આજે તો પકડાઇ જતાં બાલ-બાલ બચી છું. પ્રલંબની સાથે બેઠી હતી ત્યારે જ મને પેટમાં ભયંકર દુખાવો ઊપડ્યો. એણે મને કારણ પૂછ્યું, પણ મેં જવાબ ઉડાવી દીધો.’

‘દીદી, આવું ક્યાં સુધી ચલાવશો? જીજુને સાચી વાત જણાવી દો ને! એમને અંધારામાં રાખવાથી તમને શું મળવાનું છે?’ પૃથા પૂછતાં-પૂછતાં દીદીની પીઠ પર હાથ ફેરવતી રહી.

‘ના, હું એને એકદમ બધી વાત નહીં જણાવી શકું, પૃથા! તને ખબર નથી કે તારા જીજુ મને કેટલો પ્રેમ કરે છે! એ જો સાચી વાત જાણશે તો પછી ન તો જીરવી શકશે, ન જીવી શકશે. આઘાતના માર્યા પાગલ થઇ જશે.’

પ્રાપ્તિ ડૂસકાં ભરતી રહી અને પૃથા એને દિલાસો આપતી રહી. આમ તો છેલ્લા બે મહિનાથી આ છલના, આ અભિનય, આમ અસત્યની શતરંજ અને સત્યની સંતાકૂકડી ચાલી રહી હતી. પ્રાપ્તિને પેટમાં દુખાવો થવાની શરૂઆત અંતે એક અસાધ્ય અને જીવલેણ બીમારીના નિદાન સુધી જઇ પહોંચી હતી. ફેમિલી ડોક્ટરથી શરૂ થયેલો ચકરાવો સુપર સ્પેશિયલિસ્ટના કન્સલ્ટિંગ રૂમ આગળ જઇને અટકયો હતો અને પછી પ્રાપ્તિની જિંદગીની સફર અટકી જવાની કાળવાણી સાથે સમાપ્ત થયો હતો.

મોંઘા ઇન્વેસ્ટિગેશન્સની શ્રેણીબંધ માયાજાળમાં અટવાયા પછી ડો. મહેતાએ જાહેર કર્યું હતું, ‘પ્રાપ્તિ, બી એ બ્રેવ ગર્લ! તને ઓવેરિયન મેલીગન્સી થઇ છે.’

‘એટલે?’

‘અંડાશયનું કેન્સર. સ્ત્રીઓમાં જોવા મળતું આ અત્યંત જીવલેણ કેન્સર છે. અફસોસ એ વાતનો છે કે તારા પેટમાં આ ગાંઠ બહુ આગળના સ્ટેજમાં પહોંચી ગઇ છે. ઇટ ઇઝ ઇન-ઓપરેટેબલ. હૈયું કઠણ કરીને સાંભળજે, તારી સિલકમાં બહુ થોડાક મહિના બચ્યા છે. ગુડ લક, માય ગર્લ!’ ડો. મહેતા બહુ કડક અને કડવા માણસ હતા. ગમે તેવું નિદાન હોય, પણ દર્દીથી ક્યારેય છુપાવતા ન હતા. પણ બાવીસ વરસની ખૂબસૂરત યુવતી આગળ આવી અમંગળ ભવિષ્યવાણી ઉચ્ચારતાં એ પણ સહેજ ઢીલા થઇ ગયા.

પ્રાપ્તિ જેમ બને તેમ જલદીથી આ સમાચાર પોતાના મંગેતરને જણાવી દેવા માગતી હતી. બીજા દિવસે બંને મળ્યાં પણ ખરાં. પ્રાપ્તિએ ગંભીરતા ધારણ કરીને વાત શરૂ કરી, ‘પ્રલંબ, મારે તને કંઇક કહેવું છે. તું હિંમત રાખીને…’

ત્યાં જ પ્રલંબના ગળામાંથી ભયસૂચક ચીસ નીકળી પડી. પ્રાપ્તિ કંઇ સમજે તે પહેલાં જ પ્રલંબે એનો હાથ પકડીને એને પોતાની દિશામાં ખેંચી લીધી. પ્રાપ્તિ જાણે કપડાંનું પોટલું હોય એમ ખેંચાઇ આવી! એણે જોયું તો પ્રલંબ હાંફી રહ્યો હતો અને એની આંખો ભયના લીધે ફાટી ગઇ હતી.

‘શું થયું, પ્રલંબ? તેં મને શા માટે…?’

‘ઓહ ગોડ! હું બચી ગયો, પ્રાપ્તિ, તારી પાછળ સાપ હતો. હું સહેજ મોડો પડ્યો હોત તો એણે તને દંશ મારી દીધો હોત! જો, એ પેલા ઝાડના થડ તરફ સરકી ગયો છે. હાશ, હું બચી ગયો!’ પ્રલંબ જાણે ભગવાનનો આભાર માનતો હોય એમ આકાશ સામે તાકી રહ્યો!

‘પ્રલંબ! તું શું બોલી ગયો એનું તને ભાન છે! તું બચી ગયો?! અરે, બચી તો હું ગઇ છું. જો સાપ મને કરડી ગયો હોત તો જીવ મારો…’

‘ના, પ્રાપ્તિ! એક પણ શબ્દ તારા વિશે ન બોલીશ. જે દિવસે તું આ દુનિયામાં નહીં રહે, ત્યારે હું પણ જીવતો નહીં હોઉં. તું મારી જિંદગી છે. હું સાચું જ કહું છું, હું બચી ગયો.’ પ્રલંબની આંખોમાં ડોકાતી ભાવપ્રવણતા જોયા પછી પ્રાપ્તિ પોતાના કેન્સર વિશે એક પણ શબ્દ ઉચ્ચારી ન શકી. એણે નક્કી કરી લીધું કે પ્રલંબને હળવે-હળવે અને હપ્તે-હપ્તે એ હકીકત વિશે જણાવી દેશે. ટુકડે-ટુકડે થોડી-થોડી માહિતી આપીને એ પ્રલંબને માનસિક રીતે મોટો આઘાત સહન કરવા માટે તૈયાર કરી દેશે.

એક-બે વાર એણે ફેરવી-ઘુમાવીને વાત કરવાની કોશિશ કરી, ‘મારી એક બહેનપણી છે. વીસ જ વરસની છે. એને બ્લડ કેન્સર થયું છે. ડોક્ટરે કહી દીધું કે એ હવે…’

પ્રલંબ દરેક વખતે એની વાત અધવચ્ચેથી કાપી નાખતો, ‘બસ, રહેવા દે! મારે આવી વાત નથી સાંભળવી. કોઇનું યુવાનીમાં મૃત્યુ થવાની વાત જાણીને મને કંપારી વછુટે છે. અમંગળ વાતોથી અમંગળ કલ્પનાઓ આવે છે. કો’ક સારી વાત કર!’

પ્રાપ્તિ સમજી ગઇ, જ્યાં સાચો અને તીવ્ર પ્રેમ હોય છે ત્યાં મૃત્યુના સમાચાર પણ મૃત્યુ સાબિત થઇ શકે છે. હવે બહુ શાંતિથી, બહુ ધીરજથી અને બહુ સમજાવટથી પ્રલંબ પાસે વાત મૂકવી પડશે. ‘જોરકા ઝટકા ધીરે સે લગે’ એવું કંઇક વિચારવું પડશે. પ્રાપ્તિએ મગજ કસવા માંડ્યું.

***

એક નમતી બપોરે પ્રાપ્તિ સજી-ધજીને તૈયાર થઇ રહી હતી. પ્રલંબ બહારગામ ગયેલો હતો. ચાર વાગે એ ઘરે પાછો ફરવાનો હતો. પાંચ વાગે બંને જણાં રોજની જેમ બગીચામાં મળવાનાં હતાં. સાડા ચારે સમાચાર આવ્યા: માર્ગ અકસ્માતમાં પ્રલંબની કાર ટેન્કર સાથે અથડાઇને છૂંદો બની ગઇ છે. પ્રલંબનું સ્થળ ઉપર જ દુ:ખદ અવસાન થયું છે.

પ્રાપ્તિને સમજાયું નહીં કે પોતે રાજી થવું કે દુ:ખી?! હવે પ્રલંબને પોતાની પ્રેમિકાને લાગુ પડેલા કેન્સરની વાત પચાવવી નહીં પડે. ઇશ્વર પણ કેવા-કેવા ખેલ રચે છે! માનવી ‘જોર કા ઝટકા ધીરે સે લગે’ એ માટેનું આયોજન કરતો રહે છે, જ્યારે ઇશ્વર ક્યારેક ‘જોર કા ઝટકા જોર સે’ લગાવી દે છે.

(શીર્ષક પંક્તિ:- ગિરીશ પરમાર)

રણમાં ખીલ્યું ગુલાબ, ડો. શરદ ઠાકર

Advertisements

10 Responses

  1. ખરેખર તમારી કલ્પનાશક્તિએ વસ્તવિકતાનો આભાસ કરાવ્યો

  2. true love.it makes my eyes wet.

  3. good, very sad

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: