યાદને તારી વિસરવા એક ભવ ઓછો પડે

મેં એને ક્યારેય જોઇ નથી. પહેલાં પણ નહીં અને આજ સુધી પણ નહીં. માત્ર એની સાથે ફોન ઉપર વાત કરી છે. અસલમાં તો એ મારી કોલમની વાચક હતી અને છે. પછી એક દિવસ એને વિચાર આવ્યો કે હું એની અંગત સમસ્યાનો ઉકેલ શોધવામાં એની મદદ કરી શકીશ, માટે એક બપોરે એણે મને ફોન કર્યો. ‘સર, તમે… તમે જ છો?’ એણે શરૂઆત જ આ રીતે કરી. ‘હા, હું હું જ છું!’ જવાબ આપીને હું હસી પડ્યો. એ પણ. ‘સર, મારું નામ નઝારા નાણાવટી છે. હું જામનગરથી બોલું છું. છેક પાંચમા ધોરણમાં ભણતી હતી ત્યારથી તમારી બંને કોલમ્સ વાંચતી આવી છું. તમે ખૂબ સરસ…’ એ લગભગ પાંચેક મિનિટ સુધી મેં જાણ્યે-અજાણ્યે લખી નાખેલા નબળાં લખાણોના સબળાં વખાણ કરતી રહી. મારા સભાન દિમાગમાંથી અવાજ આવતો રહ્યો: ‘કટ ઇટ! કટ ઇટ!’ અંતે એના પૂરપાટ વેગે દોડતા વાહનમાં મારે સવાલનો બમ્પ મૂકવો પડ્યો, ‘તમારું નામ નઝારા છે અને સરનેઇમ નાણાવટી. તો પછી તમારી જાતિ કઇ છે?’ ‘નારી જાતિ!’ નઝારાએ શાહબુદ્દીનભાઇ રાઠોડ આપે છે તેવો જવાબ આપ્યો. જવાબમાં શબ્દરમત, અલબત્ત, હતી પણ ખુલાસો ખૂટતો હતો. એ એણે હવે આપ્યો, ‘હું નાગર છું. પિયરની સરનેઇમ વસાવડા અને સાસરિયાંની અટક નાણાવટી. મારું જન્મ સમયનું નામ નિહારિકા હતું. મારા પપ્પાના એક મિત્ર હતા. ગાઢ મિત્ર. મુન્શીચાચા. એ મુસલમાન હતા. એમની દીકરી મારી બહેનપણી હતી. અચાનક અકસ્માતમાં એ…! એ પછી મુન્શીચાચા મને ‘નઝારા’ કહીને સંબોધવા લાગ્યા. એક દિવસ મારા પપ્પાને શું સૂÍયું તે એફિડેવિટ કરીને મારું નામ બદલાવી નાખ્યું. નિહારિકામાંથી નઝારા કરી દીધું.’ મને આ અજાણી યુવતીની વાત કરવાની શૈલી પસંદ આવી. પ્રથમ વારની ટેલિફોનિક મુલાકાતમાં એ ઘણું બધું બોલી રહી હતી. પણ મને એવું કેમ લાગતું હતું કે એ કશુંક ખાસ કહેવા માગતી હતી?થોડી વારની આડીતેડી વાતચીત પછી એનો અવાજ બદલાયો. ચંચલતાનું સ્થાન ગંભીરતાએ લીધું, ‘સર, મારે તમને કંઇક કહેવું છે. કશુંક ખાસ… અને… અતિશય અંગત…’હું ખુરશીમાં પથરાઇને બેઠો હતો એમાંથી હવે ટટ્ટાર થઇ ગયો. મારી ધારણા સાચી ઠરી હતી. એ હવે મૂળ વાત કહેવાના મૂડમાં આવી હતી. મારે વધુ કંઇ બોલીને એનો લય તોડવો ન હતો. એટલે મેં માત્ર હોંકારો ભણ્યો. ‘સર, હું બહુ મોટી ઉલઝનમાં છું. જેની સાથે પરણી છું તે પુરુષ કોઇ પણ બાબતમાં મારી બરાબરીનો નથી. હું અત્યંત ખૂબસૂરત છું, એ ગેંડા જેવો જાડો અને હાથી જેવો કાળો છે. તમને થશે કે મારા પતિ વિશે મારે આવા શબ્દો વાપરવા ન જોઇએ. પણ શું કરું? એ મારા માટે જે ગંદી ગાળો કાઢે છે તે સાંભળીને હું આવી થઇ ગઇ છું.’‘સોરી ટુ ઇન્ટરપ્ટ યુ, પણ મને તો એવો અનુભવ છે કે નાગર પુરુષો જગતમાં સૌથી શ્રેષ્ઠ, સંસ્કારી અને સ્ત્રી-દાક્ષિણ્યની ભાવનાવાળા પતિદેવો હોય છે.’ મેં દલીલ કરી. ‘તમારી માહિતી તદ્દન સાચી છે, પણ દરેક નિયમને અપવાદ હોય ને? મારો પતિ અપવાદ છે અને તદ્દન નિષ્કૃષ્ટ અપવાદ છે. રોજ રાત્રે શરાબ ઢીંચીને ઘરે આવે છે. મને માર મારે છે. વધુ તો શું કહું? એક વાર અડધી રાતે મેં મારા પતિને મારી જેઠાણીના બેડરૂમમાંથી બહાર આવતાં પકડી પાડ્યો હતો.’ નઝારાએ મને ચોંકાવી દીધો. ‘સંયુક્ત પરિવારમાં તમે રહો છો?’ મેં માહિતી માગી. ‘હા, ત્રણ ભાઇઓ છે. મારાં સાસુ-સસરા છે. એક દિયર કુંવારો છે.’ ‘તો તમે સસરાને વાત કેમ નથી કરતાં?’ મેં ઉપાય દર્શાવ્યો. ‘મારો સસરો તો મારા પતિ કરતાંયે વધુ નપાવટ છે. એની પાસે ગાળોનો શબ્દકોશ તૈયાર જ હોય છે. એ મા-બે’ન સમાણી ગાળો વગર વાત નથી કરતો.’ નઝારાનું દર્દ હવે હદ વટાવી રહ્યું હતું.‘આવા ખાનદાનમાં તમે પરણ્યાં શા માટે?’ મારો પ્રશ્ન.‘મારા પપ્પાએ માત્ર આ લોકોની આર્થિક સદ્ધરતાને જ ધ્યાનમાં લીધી. અમારી ન્યાતમાં બિઝનેસવાળો પરિવાર ભાગ્યે જ જોવા મળે છે. એમનાં કુસંસ્કારો વિશે અમે અજાણ હતાં.’ નઝારાએ ખુલાસો આપ્યો. ‘તો તમારી મુશ્કેલી આ છે!’ ‘મુશ્કેલી આ છે, પણ મૂંઝવણ બીજી છે.’ હવે નઝારાએ વાતનું ગિયર બદલ્યું, ‘આવા કાળઝાળ તાપમાં હું બે વરસથી શેકાતી હતી, ત્યાં મારા જીવનમાં એક પુરુષ આવ્યો. અમે પ્રેમમાં પડ્યાં. અમે રૂબરૂમાં તો ભાગ્યે જ મળતાં, પણ ફોન ઉપર રોજ પ્રેમભરી વાતો કરતાં હતાં. મારું દુ:ખ સાંભળીને એ હંમેશાં કહેતો કે-’તું ઘર છોડીને નીકળી જા! ડિવોર્સ લઇ લે! હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું.’ હું પણ એ દિશામાં વિચાર કરતી હતી, પણ ત્યાં જ એક અણધારી ઘટના બની ગઇ.’ નઝારા રહસ્યના કુંડાળાને હવે નાનું બનાવી રહી હતી. ‘શું બન્યું?’ હું પણ એની વાત જાણવા માટે અધીરો હતો.‘આ મહિને હું…!’ તારીખની ઉપર દસ દિવસ થઇ ગયા છે. અહીંના એક ગાયનેક ડોક્ટરને હમણાં જ હું મળી આવી. એમણે યુરિન ટેસ્ટ કરીને વધામણી ખાધી. સર, આઇ એમ પ્રેગ્નન્ટ. મને સમજાતું નથી કે હું શું કરું?’‘કરવાનું વળી બીજું શું હોય? ગેટ ડિવોર્સ ફ્રોમ ધેટ રાસ્કલ. તારો પ્રેમી તને આ સ્થિતિમાં સ્વીકારવા માટે તૈયાર છે ને?’‘હા, એ તો તૈયાર છે, પણ હું તૈયાર નથી. મારે મારા પ્રેમીના ઘરમાં બીજાનું બીજ લઇને નથી જવું. તમે મને એબોર્શનની સલાહ પણ ન આપશો, સર! આઇ લવ માય બેબી મોર ધેન માય લવર! હું આ જ ઘરમાં રહીશ. મારું બાળક એના બંધારણમાં અડધો અંશ તો મારા સંસ્કારોનો પણ લઇને આવશે ને? સાવ એના બાપ જેવો તો નહીં જ થાય ને? હું નાગરાણી છું, સર! મારા દીકરાને સાચો નાગર પુરુષ બનાવીશ.’ ‘સરસ! મને લાગે છે કે મારે કોઇ સલાહ આપવાની જરૂર જ નથી રહી. વાતચીત દરમિયાન તે જ તારી મૂંઝવણમાંથી ઉકેલ મેળવી લીધો છે. તારા વાત્સલ્ય આગળ તારો પ્રેમ પરાજિત થયો છે. માતૃત્વ જીતી ગયું, સ્ત્રીત્વ હારી ગયું.’એ પછી ત્રીજા દિવસે નઝારાનો ફરી પાછો ફોન આવ્યો, ‘સર, મેં મારા પ્રેમીને મારો નિર્ણય જણાવી દીધો છે.’‘એમ? શું કહ્યું એણે?’ ‘એ દલીલો પર દલીલો કરતો રહ્યો. મને એની સાથે લગ્ન કરવા માટે સમજાવતો રહ્યો. છેલ્લે તો ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. પણ હું મક્કમ રહી. હૃદય પર પથ્થર મૂકીને મેં એને કહી દીધું કે હવે પછી ક્યારેય મને ફોન કરતો નહીં. મારી સાથે લગ્ન કરવાનો વિચાર તો સપનામાંયે ન કરીશ. મને ભૂલવા માટે જરૂર પડે તો આ શહેર છોડીને ચાલ્યો જજે. પણ…’‘સામે એણે શું કહ્યું?’ ‘સ્ત્રીહઠ પાસે કોણ જીત્યું છે? એણે અંતમાં એટલું જ કહ્યું કે અત્યારે તો એ શહેર છોડીને ચાલ્યો જશે, પણ એટલાંથીયે જો એ મને ભૂલી નહીં શકે તો છેવટે આ દુનિયા છોડીને પણ…’હું નઝારાને જોઇ શકતો ન હતો, માત્ર અવાજ સાંભળી શકતો હતો. એના અવાજમાં પ્રેમીને ગુમાવવાનું દુ:ખ પણ હતું અને આવનારા સમયમાં બાળક પ્રાપ્ત કરવાનો આનંદ પણ હતો. એક નારીનાં કેટલાં રૂપો હોય છે! હું વિચારી રહ્યો. પછી ફોન પરની વાત પૂરી કરી અને નઝારા વિશે વિચારવાનું પણ પૂરું કર્યું. એ પછી આઠેક મહિના બાદ પાછો નઝારાનો ફોન આવ્યો. મેં એના અપેક્ષિત ઉત્સાહનો પડઘો પાડતાં પૂછી નાખ્યું, ‘વ્હોટ ઇઝ ધી ગૂડ ન્યૂઝ? જલેબી જન્મી છે કે પેંડો પાકયો છે?’જવાબમાં થોડી ક્ષણોની ખામોશી. પછી એક મોટું ડૂસકું અને પછી જિંદગી હારી બેઠેલો અવાજ, ‘સર, આઇ હેવ લોસ્ટ માય ચાઇલ્ડ. ડોક્ટરે સિઝેરિયન કરવામાં મોડું કર્યું અને…!’હું સ્તબ્ધ હતો. નઝારાએ પ્રેમી ખોયો અને જેના માટે પ્રેમી ખોયો એ બાળક પણ ખોયું. હવે શું રહ્યું એની પાસે? અસભ્ય સસરો, લંપટ પતિ અને દુ:ખોના ઝાડ જેવું સાસરિયું?! (સત્ય ઘટના) (શીર્ષક પંક્તિ: મુસાફિર પાલનપુરી)

Advertisements

5 Responses

  1. Realy Heart teaching…..

  2. DR,AVI TI HJARO STRIO BHARAT MA VASE CHE

  3. Dr koi happy ending story lakho

  4. પછી શું થયું?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: