કર્મ હો કાળાં કબીરા! શું કરે માળા કબીરા!

‘દુષ્ટ! પહેલું કામ તો આ નાટક કરવાનું બંધ કર. બદમાશ, સાત-સાત વાર તારા ઘરમાં દીકરી સ્વરૂપે મા જગદ્જનની અંબા ખુદ પધારવાની હતી, ત્યારે તે એને જન્મવા ન દીધી. હવે માનું મંદિર રચવા નીકળ્યો છે?’

‘દયારામ, સારા સમાચાર છે. તમે બાપ બનવાના છો. તમારી પત્નીને ચોથો મહિને ચાલી રહ્યો છે.’ મેં દુગૉનું શારીરિક ચેક અપ કરીને એના પતિને સમાચાર આપ્યા. દયારામ મારી સામે જ બેઠા હતા, સમાચાર સાંભળીને સૂરજમુખીના ફૂલની જેમ હસી ઊઠ્યા. કેમ ખુશ ન થાય? પહેલીવાર જો બાપ બનવાના હતા. હું ‘પ્રિસ્ક્રિપ્શન’ લખાવામાં પરોવાયો, ત્યાં સુધીમાં દયારામના આનંદનો જથ્થો ખતમ થઇ ગયો અને સવાલોનો જથ્થો વપરાશમાં મુકાયો.‘સાહેબ, આપણે પેલું… શું કહેવાય છે…? ટી.વી.માં જોવાનું…?’ દયારામ યાદ કરી રહ્યા.

‘હું સમજી ગયો, સોનોગ્રાફી?’‘હા, એ જ. આપણે એ નથી કરાવવાનું?’‘કરાવીશું ને! યોગ્ય સમયે યોગ્ય હોય, તે બધી તપાસ અને પરીક્ષણો કરાવીશું જ, પણ હાલમાં તો દુગૉબહેન માટે જરૂરી છે તે દવાઓ લખી આપું છું.’ મેં પ્રિસ્ક્રિપ્શનનો કાગળ દયારામના હાથમાં મૂક્યો. દયારામને એમાં કંઇ રસ હોય તેવું ન લાગ્યું. એ માથું ખંજવાળીને કદાચ એ વિચારતો હતો કે એનો એ સવાલ ફરીથી કઇ રીતે પૂછવો! ‘સાહેબ, સોનોગ્રાફીની તપાસમાં બધી વાતની ખબર તો પડી જશે ને?’ દયારામે સવાલની નવતર આવૃત્તિ બહાર પાડી.

‘હા, બાળક વિશે ઘણી ખરી જાણકારી મળી જશે.’ મારા દિમાગમાં આઘે આઘેથી આવતી બદમાશીની ઘૂઘરીઓનો આછો-આછો રણકાર સંભળાઇ રહ્યો હતો. ‘એ બધાને ગોળી મારો, સાહેબ, આપણે તો એ જાણવું છે કે દુગૉના પેટમાં દીકરો છે કે દીકરી!’ દયારામે છેવટે સજજનતાનાં વસ્ત્રો ઉતારી જ નાખ્યાં.હું તપી ગયો, ‘દયારામ, તમને શરમ નથી આવતી? તમારી પત્ની પહેલી જ વાર ગર્ભવતી બન્યાં છે, ત્યારે તમને દીકરા-દીકરીની પડી છે? પહેલું બાળક તો પ્રભુનો પ્રસાદ ગણાય.’

‘એ બધું તો સમજયા, સાહેબ! પણ અમારી આર્થિક સ્થિતિ સારી નથી. આ જમાનામાં દીકરીના ઉછેર, ભણતર અને એને પરણાવવાના ખર્ચાઓ કેટલા બધા વધી ગયા છે! અમારે તો બસ એક જ સંતાન જોઇએ છે અને એ દીકરો જ હોવો જોઇએ.’તાજેતરમાં આમિર ખાનનો ટી.વી. કાર્યક્રમ ‘સત્યમેવ જયતે’ શરૂ થયો છે. એનો પ્રથમ એપિસોડ જોઇને મને દયારામની વાત યાદ આવી ગઇ. બહુ વધારે વર્ષો નથી થયાં આ ઘટનાને.

અત્યારે પણ આવા નિર્દયારામો અમારી પાસે આવતા જ રહે છે, પણ દયારામને એ બધામાં ટોચના સ્થાને એટલા માટે બેસાડવા પડે છે કારણ કે એ તો પ્રથમ સંતાનથી જ સ્ત્રીભ્રૂણહત્યા માટે સજજ થઇ રહ્યા હતા. એ દિવસોમાં ગર્ભસ્થ શિશુનાં જાતપિરીક્ષણ ઉપર પ્રતિબંધ ફરમાવતો કાયદો તાજો જ ગુજરાત રાજ્યમાં અમલમાં આવેલો હતો. એટલે મેં દયારામને શબ્દો ચોર્યા વગર કહી દીધું,‘હું પોતે તો તમને આ બાબતમાં મદદ નહીં જ કરું, પણ મારા કોઇ સોનોલોજિસ્ટ મિત્ર દ્વારા પણ તમારું કામ નહીં કરાવી આપું.’દયારામે લાલચ આપી, ‘સાહેબ, કામ તો તમારે કરી જ આપવું પડશે. ખર્ચાનો સવાલ નથી.’

‘ખર્ચાનો સવાલ કેમ નથી, દયારામ! તમે હમણાં જ તો કહ્યું કે તમારી આર્થિક સ્થિતિ સારી નથી. દીકરીને જીવાડવાના પૈસા તમારી પાસે નથી, પણ એને મારવાના પૈસા છે, ખરું ને? એની વે, હું કંઇ ‘બેટી બચાવો’નો નારો લઇને જાહેરમાર્ગ પર નીકળી પડેલો ચળવિળયો નેતા નથી, હું તો સરકારી કાયદાને માન આપીને કામ કરતો સામાન્ય નાગરિક છું. આ વાત વિશે આપણે હવે ચર્ચા નહીં કરીએ. આ દવાઓ લખી આપી છે તે લઇ લેજો, એક મહિના પછી ‘ફોલોઅપ’ તપાસ માટે આવી જજો.’ મેં એકપક્ષીય ચર્ચાવિરામ જાહેર કરી દીધો. દયારામ દયામણા મોં સાથે ચાલ્યા ગયા.

ફરીવાર એક મહિના પછી એ લોકો દેખાવા જોઇતા હતા, પણ ન દેખાયા. પૂરા છએક મહિના પછી દેખાયા. મેં પૂછ્યું, ‘સુવાવડ પિયરમાં કરાવી? બાબો આવ્યો કે બેબી?’દયારામે જવાબ આપવાને બદલે કહ્યું, ‘દુગૉને બે મહિના ચડ્યા છે. તપાસ માટે આવ્યા છીએ.’ મેં દુગૉને ટેબલ પર લીધી, ત્યારે એ રડી પડી. બહાર અવાજ ન જાય એમ એણે હોઠ ફફડાવ્યા, ‘અમે સોનોગ્રાફીની તપાસ કરાવી હતી. એનો રિપોર્ટ બેબીનો આવ્યો. એટલે અમે પડાવી નાખી.’

હું ડઘાઇ ગયો. સ્ત્રીભ્રૂણહત્યાનો આઘાત તો મને લાગ્યો જ, એ ઉપરાંત મોટો આંચકો મને એ વાતનો લાગ્યો કે કાયદાની મનાઇ હોવા છતાં અમદાવાદ જેવા શહેરમાં કવોલફિાઇડ ડોક્ટરો માત્ર પૈસાની લાલચમાં હજુ પણ ભ્રૂણનું લિંગપરીક્ષણ અને સ્ત્રીભ્રૂણની હત્યા કરી રહ્યા છે! હું મારે જે કરવાનું હતું તે ‘ચેકઅપ’નું કામ પતાવીને બહાર આવ્યો. દયારામને સમાચાર આપ્યા, ‘તમારી વાઇફ ગર્ભવતી છે.’દયારામ આ વખતે વૈજ્ઞાનિક માહિતીથી સજજ થઇને આવ્યા હતા, ‘સાહેબ, આ વખતે ચાર મહિનાવાળી તપાસ નથી કરાવવી. સાંભળ્યું છે કે હવે તો સવા બે મહિને કંઇક ‘બાયોપ્સી’થાય છે. એમાં જો ખરાબ રિપોર્ટ આવે તો ગર્ભપાત કરાવવો સરળ પડે છે. સાહેબ, આ વખતે ના ન પાડતા. તમને હાથ જોડું છું.’

એ પછીના સંવાદો તમે કલ્પી શકો છો. લખવા બેસું તો પાનાંનાં પાનાં ભરાય. પણ મેં દયારામને ‘માનભેર’ (સાચું કહું તો અપમાનભેર) વિદાય કરી દીધા. આઠ-દસ મહિના પછી જાણવા મળ્યું કે દયારામે પોતાનો ઇરાદો સાધી લીધો હતો. કોરિઓન બાયોપ્સીની તપાસમાં દીકરી છે એવું જાણવા મળ્યું એટલે દુગૉબહેનનું કયુરેટિંગ કરાવી નાખ્યું હતું. કોઇને આ કિસ્સો ઉપજાવી કાઢ્યો હોય તેવો લાગી શકે, પણ આઘાતજનક હદ સુધી આ ઘટના સાવ સાચી છે. મેં એમાં વાર્તારસ પૂરતોયે કલ્પનાનો મસાલો ભભરાવ્યો નથી.

દયારામ સતત ચાર વર્ષમાં છ વાર મારી પાસે દુગૉને લઇને આવી ગયા. બીજે ક્યાંક પણ ગયા જ હશે. કેટલીક વાર એની કોને ખબર પડે? ઇશ્વર પણ દયારામની દાનતની અગ્નિપરીક્ષા કરી રહ્યો હોય તેમ દરેક વખતે દીકરીનો જ રિપોર્ટ બહાર પાડતો હતો. બૂરી દશા દુગૉની હતી. વારંવારની ગર્ભપાતોથી એનું શરીર ખલાસ થવાના આરે પહોંચી ગયું હતું. જેને મેં પહેલીવાર જોઇ ત્યારે હરીભરી જોઇ હતી એ માત્ર ચાર જ વર્ષમાં ‘વૃદ્ધા’ બની ગઇ હતી.

એક સવાલ મને ખુદને પજવતો હતો. મેં આટલી બધી વાર જાતપિરીક્ષણ માટે ઇન્કાર કરી દીધો હોવા છતાં દરેક વખતે દયારામ પ્રારંભમાં મારી પાસે જ શા માટે આવતા હતા? એનું કારણ પછીથી જાણવા મળ્યું. એ વાત લાંબી છે. ટૂંકમાં કહું તો એ જ્યાં રહેતા હતા તે વિસ્તારના ઘણા બધા લોકો મારા જૂના દર્દીઓ હતા. એટલે દયારામની પ્રથમ પસંદગી તો હું જ હતો, પણ આખરે એમણે મને છોડી દીધો. સાતમી વારની પ્રેગ્નન્સી વખતે એ કાયદાનો ભંગ કરનાર ડોક્ટર પાસે ગયા. આ વખતે પણ રિપોર્ટમાં દીકરી જ જાણવા મળી. એને જાણવાનો તો સવાલ જ ક્યાં હતો? ગર્ભપાત કરાવી નાખ્યો, પણ આ વખતે કોમ્પ્લિકેશન ઊભી થઇ. ગભૉશયમાં કાણું પડી ગયું. વધુ પડતા રક્તસ્રાવ અને ઇન્ફેકશનના કારણે દુગૉનું મૃત્યુ થઇ ગયું.

***

એક સામાજિક પ્રસંગમાં હું હાજરી આપવા ગયો હતો, ત્યાં મેં દયારામને જોયો. એની સાથે એની નવી પત્ની હતી જેની કાંખમાં છએક માસનો દીકરો હતો. દયારામ એક એક કરીને બધાંને મળીને કશુંક માગી રહ્યો હતો. એના હાથમાં રસીદ બુક હતી. પછી મારો વારો આવ્યો. મને જોઇને એ ઉત્સાહમાં આવી ગયો, ‘સાહેબ, દેવી માતાના મંદિર માટે ફંડફાળો ઉઘરાવું છું. એક મહિના પહેલાં અંબાજી મા મારા સપનામાં આવ્યાં હતાં. મને કહે કે હું તારા પર પ્રસન્ન છું. તારા ઘરની સામે ખુલ્લી જગ્યા છે ત્યાં મારું ભવ્ય મંદિર બનાવ! ત્યારથી હું પૈસા ભેગા કરી રહ્યો છું.

સાહેબ, આપના નામની કેટલા રૂપિયાની પાવતી ફાડું?’છેલ્લા ચાર વર્ષથી ભેગો થયેલો ધૂંધવાટ મારી ખોપરીનું આવરણ તોડીને જાણે ફાટ્યો! સામાન્ય રીતે જાહેરમાં હું કોઇને આકરાં વેણ કહેતો નથી. (ખાનગીમાં કહું છું!) પણ એ દિવસે મારાથી મોટા અવાજમાં બોલી જવાયું, ‘દુષ્ટ! પહેલું કામ તો આ નાટક કરવાનું બંધ કર. બદમાશ, સાત-સાત વાર તારા ઘરમાં દીકરી સ્વરૂપે મા જગદ્જનની અંબા ખુદ પધારવાની હતી, ત્યારે તે એને જન્મવા ન દીધી.

હવે માનું મંદિર રચવા નીકળ્યો છે? અને અંબા મા એટલી ભોળી છે કે એ તને સપનામાં દર્શન દેવા આવે? દુગૉ તો તારા ઘરમાં જ હતી, એકાદ દીકરી આવી ગઇ હોત તો તારું ઘર જ મંદિર જેવું પવિત્ર બની ગયું હોત! અને બીજું એક કામ કરીશ? એફિડેવિટ કરાવીને તારું નામ બદલાવી નાખીશ?’મહેફિલમાં સન્નાટો હતો, મારી આંખોમાં ભીનાશ હતી અને અવાજમાં કંપન! અને દયારામ? એ તો ક્યાં દેખાતો જ ન હતો.

(શીર્ષક પંક્તિ: મુસાફિર પાલનપુરી)

Advertisements

જરાય ન બોલશો ત્રાંસું,તમને ફૂલ ગમે કે આંસુ?

ટેબલ ટેનિસની ફાઇનલ સ્પર્ધામાં ત્રીજા રાઉન્ડનો છેલ્લો પોઇન્ટ પશ્મિનાએ મેળવ્યો એ સાથે જ ત્યાં હાજર હતા એ તમામ દર્શકો ઝૂમી ઊઠ્યા. પશ્મિના પાઠક યુનિવર્સિટી પ્લેયર હતી. છેલ્લાં ત્રણ વરસથી એ જ ચેમ્પિયન બનતી આવી હતી. આ વરસે એનો મુકાબલો ગાંધીનગરની રેશમા જોડે હતો. રેશમા ઊભરતી ખેલાડી હતી, પણ એનો અનુભવ કાચો પડ્યો. પશ્મિનાના હોશની સામે રેશમાનું જોશ હારી ગયું. પશ્મિનાને સૌથી પહેલા અભિનંદન રેશમાએ આપ્યાં. પછી બંને સ્પર્ધકોએ રેફરીની સાથે હાથ મિલાવ્યા અને પછી પશ્મિના પ્રેક્ષકવૃંદ તરફ વળી.

 

પરસેવાના બુંદ ઝામેલો ગોરો-ગોરો ચહેરો, પોનીમાં બંધાયેલા વાળ, ભર્યાં-ભર્યાં સૌંદર્યને ઢાંકતું સફેદ ટી-શર્ટ અને એક હાથરૂમાલમાંથી સીવી કાઢ્યું હોય એવું લાલ રંગનું ટૂંકું સ્કર્ટ. એમાંથી નીકળતા બે ગોરા-ગોરા ઘાટીલા પગ. પશ્મિના સુંદર હતી, ટેબલ-ટેનિસ રમતી ત્યારે વધારે સુંદર લાગતી હતી. એના ચાહકોમાં છોકરીઓ પણ એટલી જ હતી, જેટલા છોકરાઓ હતા. ફરક માત્ર આટલો હતો, પશ્મિના જ્યારે છટાદાર રીતે રમી રહી હોય ત્યારે કોલેજની છોકરીઓની નજર એની રમત તરફ રહેતી હતી અને છોકરાઓની નજર જ્યાં હોવી જોઇએ ત્યાં રહેતી હતી.

 

એમાં પણ બે યુવાનો તો પશ્મિનાની પાછળ પાગલ હતા. એક હતો પાર્થેશ અને બીજો પર્જન્ય. પાર્થેશ ચબરાક અને બોલકો હતો, પર્જન્ય શાંત, ગંભીર હતો. જેવી પશ્મિના પ્રેક્ષકવૃંદ તરફ વળી, એવો જ પાર્થેશ એની સામે દોડી ગયો. ‘કોંગ્રેચ્યુલેશન્સ!’ કહીને એના હાથમાં ગુલાબનું ફૂલ મૂકી દીધું. પછી આજના યુવાનોની જેમ ફિલ્મી ઢબે એને ‘હગ’ કરી લીધું. આજકાલ આવી ફેશન ચાલી છે. જે છોકરી સામાન્ય સંજોગોમાં એની સાથે ભણતા યુવાનના પડછાયાથી પણ પાંચ પગલાં છેટે રહેતી હોય, એ છોકરીને ‘હગ’ કરવાને બહાને એનું સ્પર્શસુખ પામી શકાય છે.

 

આવા યુવાનોની એક વાત નોંધપાત્ર છે, એ લોકો ક્યારેય મોટી ઉંમરની કે કદરૂપી યુવતીઓને ‘હગ’ કરવાની ભૂલ સપનામાંયે નથી કરતા હોતા. પશ્મિનાને ‘હગ’ કરીને પાર્થેશ ધન્ય થઇ ગયો. એણે ગર્વિષ્ઠ નજરે પાછળ ઊભેલા ટોળા તરફ જોયું. બધાંની આંખોમાં ઇષૉ જ ઇષૉ હતી, એક માત્ર પર્જન્યના અપવાદને બાદ કરતાં! પર્જન્યની આંખોમાં ફક્ત નજીકથી જ જોઇ શકાય તેવી ભીનાશ હતી. મેચ જોવા આવેલાં તમામ છોકરા-છોકરીઓએ પશ્મિનાને અભિનંદન આપ્યા, પણ મેદાન તો મારી ગયો એકલો પાર્થેશ. પશ્મિના ક્યાંય સુધી એણે આપેલું ગુલાબનું ફૂલ સૂંઘતી રહી અને બધાની સાથે વાતો કરતી રહી. છેક છેલ્લે એની નજર પર્જન્યની ઉપર પડી.

 

‘અરે, પર્જન્ય! તારી આંખોમાં આંસુ?! તું રડે છે કે શું? હું જીતી ગઇ એનાથી તું દુ:ખી તો નથી ને?’‘એવું તે હોતું હશે? તું જીતે એના માટે તો મેં ભગવાનને કેટલી બધી પ્રાર્થના કરી છે! આ આંસુ થોડાંક તારી જીતની ખુશીનાં છે અને થોડાંક…’‘થોડાંક શેનાં છે? કહી નાખને! અટકી કેમ ગયો?’‘સાચું કહું, પશ્મિના? આ ત્રણ સેટની મેચ જીતવામાં તને જે તકલીફ પડી ને… એ મારાથી…’ પર્જન્ય નીચું જોઇ ગયો, ‘હું તારું દુ:ખ જોઇ નથી શકતો.’ પર્જન્યની વાતે વાતાવરણ જરાક ગંભીર બનાવી દીધું.

 

પાર્થેશે પશ્મિનાનો હાથ પકડી લીધો, ‘ચાલ, પશ્મિ! આ બોચિયાને તો આવી આદત પડી ગઇ છે, ફુલાવેલા ફુગ્ગામાં ટાંકણી ભોંકવાની એને ટેવ છે. યસ, ઇટ વોઝ અ ટફ મેચ. હું સ્વીકારું છું કે રેશમાએ સારી ‘ફાઇટ’ આપી, પણ છેવટે જીત તો તારી જ થઇ છે ને! ઇઝન્ટ ઇટ એન ઇનફ રીઝન ટુ સેલિબ્રેટ? ચાલો, આપણે વિજયની ઉજવણી કરીએ.’ પશ્મિનાએ કપડાં ચેન્જ કરી લીધાં, અને એ પછી દસેક છોકરીઓ અને પાંચ-સાત છોકરાઓ ત્યાંથી સીધા ‘પિંક રોઝ’ રેસ્ટોરાંમાં ઉજવણી માટે ઊપડી ગયાં. બાકી રહી ગયો પર્જન્ય. એને કોઇએ કહ્યું જ નહીં કે તું પણ ચાલ સાથે. પર્જન્ય મૂર્ખ હતો, એને સમજાયું નહીં કે જગતમાં ફૂલ જીતે છે અને આંસુ હારે છે.

 

રોજ સવારે સાત વાગે કોલેજ શરૂ થતી હતી. છોકરાઓ લગભગ સવા છ વાગ્યાથી કોલેજના મુખ્ય દરવાજા પાસે પોતાની ‘પોઝિશન’ લઇ લેતા હતા. એક-એક ઇંચની જગ્યા માટે ધિંગાણુ ખેલાઇ જાય તેવી હાલત હતી. સૌથી મોકાની જગ્યા પાર્થેશની હતી. સાથે એના ચમચાઓનું ટોળું હોય. ‘ગુરુ! તું કમાલ કરે છે. તે દિવસે પશ્મિના ટેબલ ટેનિસમાં જીતી ગઇ ત્યારે એને ગુલાબનું ફૂલ આપીને તો તે ગજબ કરી નાખ્યો. સાલા, તારી ખોપડીમાં આવો અફલાતૂન આઇડિયા આવે છે ક્યાંથી?’ એક ચમચાએ જાણવા માગ્યું.

 

‘એ વિચાર અફલાતૂન છે, પણ મારો નથી. મેં ક્યાંક વાંચ્યું હતું કે જ્યાં આપણે ન બોલી શકીએ ત્યાં ફૂલોને બોલવા દો. લેટ ધી ફ્લાવર્સ સ્પીક. આ એક એવો જાદુ છે, જે ક્યારેય નિષ્ફળ જતો નથી. જો ખાતરી કરવી હોય તો અત્યારે ફરીથી સાબિત કરી આપું…’ પાર્થેશ આટલું બોલીને અટકી ગયો, સામેની દિશામાં જોઇ રહ્યો. કોલેજના ઝાંપામાંથી શબનમી કાયા લઇને સુગંધની રાજકુંવરી પશ્મિના આવી રહી હતી. પાર્થેશે આજુબાજુમાં જોયું. ગુલાબ કે મોગરાના છોડ ક્યાંય દેખાયા નહીં. બાજુમાં કરેણનું ઝાડ ઊભું હતું. પાર્થેશે તરત જ કરેણનું એક પીળું ફૂલ તોડી લીધું. જેવી પશ્મિના એની નજીકથી પસાર થઇ ગઇ કે તરત પાર્થેશે ફૂલ એની સામે ધરી દીધું. પશ્મિના ખુશ થઇ ગઇ, ‘ઓહ, પાર્થેશ! સો નાઇસ ઓફ યુ.’

 

‘એમાં શું થઇ ગયું? તું તો ઉપવનને પાત્ર છે, આ તો એક જ પુષ્પ છે. જિંદગીમાં જો તક મળશે તો મઘમઘતાં ગુલાબોનો આખો બગીચો તને નજરાણામાં આપી દઇશ.’એ આખો દિવસ પશ્મિના કરેણનું પીળું ફૂલ માથાના વાળમાં ખોસીને ફરતી રહી. પર્જન્ય ઉદાસ બનીને જોતો રહ્યો, એકાદવાર પશ્મિનાએ એની સામે જોઇને પૂછ્યુંયે ખરું, ‘અરે, પર્જન્ય, તારી આંખોમાં આંસુ? કોઇ તકલીફ તો નથી ને તને?’ પર્જન્ય વધારે રડી પડ્યો. આ વખતે તો પશ્મિના જ ચાલી ગઇ. રોતલ મિત્ર કોને ગમે? પર્જન્ય ભોળો હતો, એને ખબર ન હતી કે અહીં માત્ર પુષ્પોની જ જીત થાય છે અને અશ્રુનો પરાભવ.

 

યુનિવર્સિટીની છેલ્લી પરીક્ષાનું પરિણામ જાહેર થયું. પશ્મિનાએ રંગ રાખી દીધો. એણે સાબિત કરી આપ્યું કે એ માત્ર સ્પોર્ટ્સમાં જ નહીં, સ્ટડીમાં પણ ચેમ્પિયન છે. જેટલા ગોલ્ડમેડલ્સ અપાતા હતા, એ તમામ પશ્મિના મેળવી ગઇ, પણ પશ્મિનાનું દિલ મેળવી ગયો પાર્થેશ. સુવર્ણચંદ્રક પ્રદાન સમારંભ સમાપ્ત થયો કે તરત જ પાર્થેશ મંચ ઉપર ધસી ગયો. એક ફૂલ નહીં, પણ એકસો ગુલાબોનો મઘમઘતો ‘બૂકે’ લઇને. ખાસ્સી પાંચેક મિનિટ સુધી ‘હગ’ કરવાને બહાને એ પશ્મિનાને વળગી પડ્યો. એની પાછળ જ પર્જન્ય ઊભો હતો, ભીની આંખ લઇને.

 

પશ્મિનાને આશ્ચર્ય થયું, ‘પર્જન્ય, આજે પણ તું રડે છે?’‘આ આંસુ ખુશીનાં છે, સાથે એક વિચાર મારા મનમાં એ પણ આવે છે કે આવું જવલંત પરિણામ પ્રાપ્ત કરવા માટે તારે કેટલી મહેનત કરવી પડી હશે? કેટલી રાતોના ઉજાગરા વેઠવા પડ્યા હશે? આવું વિચારીને હું જરાક લાગણીભીનો થઇ ગયો…’પાર્થેશ ખીજાઇ ઊઠ્યો, ‘ચાલ, પશ્મિ! જો અહીં અડધી મિનિટ પણ વધારે ઊભી રહીશ, તો આ રોતલને જોઇને તું પણ રડવા માંડીશ. ધીસ ઇઝ એ ટાઇમ ફોર બિગ સેલિબ્રેશન… લેટ અસ મૂવ!’ ફરી વાર ફૂલો જીત્યાં, આંસુ હારી ગયાં.

 

*** *** ***

 

એ રાત્રે છુટા પડ્યા પછી પશ્મિનાને અકસ્માત થયો. પાર્થેશને તો ચોવીસ કલાક પછી જાણ થઇ. એ હાથમાં ‘બૂકે’ લઇને હોસ્પિટલના આઇ.સી.યુ.માં પહોંચી ગયો. પશ્મિનાને ‘બૂકે’ આપીને બોલ્યો, ‘ગેટ વેલ સૂન.’ પશ્મિનાએ ફિક્કું હસીને પૂછ્યું, ‘છેક અત્યારે આવ્યો, પાર્થેશ? આ પર્જન્ય તો રાતભર મારી પથારીની બાજુમાં બેસીને રડતો રહ્યો છે. ડોક્ટર જે કંઇ મંગાવે તેના માટે દોડતો રહ્યો છે. આજે મને સમજાયું કે ફૂલો માત્ર ખુશાલીના સાથીદાર હોય છે, તમારા કપરા સમયમાં તો માત્ર આંસુઓ જ સહારો આપી જાણે છે.’ આટલું કહીને પશ્મિનાએ પર્જન્યનો હાથ પોતાના હાથમાં પકડી લીધો. પહેલીવાર આંસુઓ ખીલી ઊઠ્યાં અને ફૂલો રડી પડ્યાં.

 

(શીર્ષક પંક્તિ: ડૉ. દક્ષેશ ઠાકર)

 

સમયની ખરી ચાલ બાબત ખબર ક્યાં!

હું જ્યારે ડૉ.ભટ્ટના નિવાસસ્થાને ગયો, ત્યારે ઘરમાં જબરદસ્ત ધમાલ મચી હતી. ઘરની હાલત દેશની સંસદ જેવી બની ગઇ હતી. મેં રાડારાડનું કારણ પૂછ્યું. જવાબ મળ્યો કે ડૉ.ભટ્ટનો રૂમાલ જડતો ન હતો.ડૉ.ભટ્ટ આમ બધી બાબતે ડોક્ટર જેવા જ હતા, પણ ભૂલવાની વાતે પ્રોફેસરની જેવા હતા.‘મારે, યાર, અત્યારે બહાર જવું છે અને મારો હાથરૂમાલ જડતો નથી.’ ડૉ.ભટ્ટ ગાંડાની જેમ ઘરમાં ઘૂમી વળ્યા હતા. ટાલવાળા માથા ઉપર જે કંઇ બે-ચાર વાળ હતા તે પણ રૂમાલની ચિંતામાં એન્ટેનાની જેમ ઊભા થઇ ગયા હતા.

મેં સૂચન કર્યું, ‘એક રૂમાલ ખોવાયો હોય તો બીજો લઇ લો ને! ઘરમાં એક જ રૂમાલ રાખો છો?’ આવું કહેવાનો મને અધિકાર હતો, મારે એમના પરિવાર સાથે એવી ઘરવટ હતી.‘રૂમાલ તો એક ડઝન રાખું છું, પણ મારે આ શર્ટ-પેન્ટ સાથે મેચ થાય તેવો બ્રાઉન રંગનો હેન્કી જોઇએ છે. મારી પાસે છે પણ ખરો. ભગવાન જાણે ક્યાં ગૂમ થઇ ગયો? આ વસુ મારી કોઇ વસ્તુનું ધ્યાન રાખતી નથી!’ ડૉ.ભટ્ટના ગુસ્સાનું મિસાઇલ હવે પત્નીની દિશામાં તકાયું.

‘આ વસુ જ તમારી દરેક ચીજવસ્તુનું ધ્યાન રાખે છે.’ આવું બોલતાં, મલકાતાં, હાથમાં પતિને જોઇતો હતો એ રૂમાલ લઇને આવતાં ડૉ.ભટ્ટના ધર્મપત્ની ડ્રોઇંગરૂમમાં પ્રવેશ્યાં. પતિના હાથમાં રૂમાલ મૂક્યો.

‘થેન્કયુ! થેન્કયુ! ક્યાંથી જડ્યો?’ ડૉ. ભટ્ટે પૂછ્યું.

‘તમારા બૂટની અંદરથી.’

‘પણ બૂટમાં તો મોજાં હોવા જોઇએ!’

‘મોજાં તમારા રૂમાલવાળા કબાટના ડ્રોઅરમાં છે. લો, એ પણ લઇ આવી છું, નહીંતર બે મિનિટ પછી એને શોધવાની કસરત ચાલુ થઇ જાત!’ વસુબહેને બ્રાઉન રંગના મોજાંની જોડ પતિના હાથમાં મૂકી.

‘થેન્કયુ, વસુ! તું ન હોત તો આજે મારું શું થાત?’

‘આજની વાત છોડો, આખી જિંદગીની વાત કરો! તમારી નાની-નાની દરેક ચીજનું ધ્યાન હું જ તો રાખું છું! સાવ ભાન વગરના છો! રામ જાણે કેવી રીતે ડોક્ટર બની ગયા?!’ આવું બોલતી વખતે વસુબહેનના ચહેરા ઉપર પતિની કાળજી લેતી ભારતીય નારીનું અભિમાન ઝલકતું હતું અને આંખોમાં સુખી દાંપત્યનો સંતોષ મલકતો હતો.

વરસો થઇ ગયા આ ઘટનાને. નોકરીના સ્થળે હું એકલો જ રહેતો હતો. પત્ની અમદાવાદમાં હજુ ભણતી હતી. મારા કામમાંથી પરવારું કે તરત જ હું ડૉ. ભટ્ટના નિવાસસ્થાને જઇ પહોંચતો હતો. સાંજની ચા અમે સાથે માણતા હતા. રાત્રે ટીફિન જમવા પૂરતો હું મારા ઘરે જઉં અને તરત પાછો આવી જઉં. પછી મોડી રાત સુધી પત્તા ટીચતાં અને ગપ્પા મારતાં અમે બેસી રહીએ. મારી ભેંકાર જુવાનીના એ સમયને સંગાથના શોરગૂલથી ભરી દેવાનું પવિત્ર કાર્ય ડૉ.ભટ્ટ અને એમના પત્ની વસુબહેને પાર પાડ્યું હતું.

પતિ-પત્ની વચ્ચે ગજબનો પ્રેમ હતો, સુમેળ હતો, એકમેકને સમજવાની અને ગમા-અણગમા પારખવાની શક્તિ હતી. એમનું દાંપત્ય નર્યું ગળપણનું બનેલું મિષ્ટાન્ન ન હતું, પણ બધાં જ સ્વાદો ધરાવતી ચટપટી વાનગી જેવું હતું. ખરી મજા ડૉ.ભટ્ટના ભૂલકણાં સ્વભાવને કારણે આવતી હતી. તે દિવસે રૂમાલ ખોવાયો હતો, તો થોડાંક દિવસો પછી એમના ચશ્માં અર્દશ્ય થઇ ગયા!‘મારા ચશ્માં ક્યાં છે?’ ચશ્માં ક્યાં છે?’ ડૉ.ભટ્ટે ઘર માથે લીધું.

‘ચશ્માં તમારા નાક પર તો છે!’ વસુબહેને પતિનું ધ્યાન દોર્યું.‘આ તો દૂરનું જોવાના ચશ્માં છે, હું વાંચવા માટેના શોધું છું. તું આમ બાધાની જેમ મારી સામે ઊભી રહીને દલીલો ન કર! મને ચશ્માં શોધવામાં મદદ કર!’ ડૉ.ભટ્ટની ઘાંટાઘાંટ સાંભળીને વસુબહેને ઘરનો ખૂણેખૂણો ફેંદી નાખ્યો. છેવટે ચશ્માં જડ્યા ખરાં!‘થેન્કયુ, વસુ! થેન્કયુ! ચશ્માં ક્યાંથી મળ્યા?’ ડૉ.ભટ્ટના જીવમાં જીવ આવ્યો.

પણ વસુબહેનના જવાબથી પાછો જીવ ઊડી ગયો, ‘તમારા ટોઇલેટમાં ફ્લશની ટેંક ઉપર પડ્યા હતા!’‘ત્યાં કોણ મૂકી આવ્યું હશે?’ ‘તમે! બીજું કોણ લેટ્રીનમાં તમારા ચશ્માં પહેરીને જાય? તમને ટેવ છે ત્યાં બેઠાં-બેઠાં સવારનું છાપું વાંચવાની! હું તમારી આદતો જાણું છું માટે મેં ત્યાં તપાસ કરી. નહીંતર…’ અધૂરા વાક્યમાં જેટલાં ટપકાં હતા એના કરતાં વસુબહેનની આંખોમાં પતિની નાની-નાની વાતનું ધ્યાન રાખવાનું અભિમાન વધારે સમાયેલું હતું.

અમારો સથવારો લગભગ એક-દોઢ વરસનો રહ્યો. ખૂબ મજાઓ માણી, પણ સૌથી વધારે સાતત્યપૂર્ણ ઘટનાઓ આ ચીજવસ્તુઓ ખોવાઇ જવાની અને પાછી જડી જવાની બનતી રહી. દરેક વસ્તુ વસુબહેન જ ખોળી આપતાં. કારની ચાવી કચરાટોપલીમાંથી મળી આવે. ભટ્ટ સાહેબનો કોટ માળીયા પરથી જડી આવે. એક વાર સાહેબનું ટી-શર્ટ ખોવાયું હતું. ખૂબ શોધ્યું પણ ન જ મળ્યું. એ દિવસે ડૉ.ભટ્ટ શરીરના ઉપરના ભાગે એ ટી-શર્ટ સિવાય બીજું કશું જ પહેરવાના મૂડમાં ન હતા.

પણ ટી-શર્ટ એના માલિક કરતાંયે વધારે હઠીલું નીકળ્યું. બે મહિના પછી વસુબહેન જ્યારે તેલનો ડબ્બો લૂછવા માટે કપડાંનો ગાભો શોધતાં હતાં, ત્યારે મસોતાંના ઢગલા વચ્ચે પતિદેવનું ગૂમ થયેલું ટી-શર્ટ મળી આવ્યું. એ પણ ગાભા જેવું જ બની ગયું હતું. પણ ડૉ.ભટ્ટે જીદ પૂરી કરવા ખાતર એક વાર તો એ ગાભો પણ પહેરી નાખ્યો! પત્ની સામે જોઇને પૂછ્યું યે ખરું, ‘શું વિચારે છે? તારો પતિ કેવો હેન્ડસમ દેખાય છે એવું ને?’

‘ના, હું તો એવું વિચારતી હતી કે જો તમને હું ન મળી હોત તો તમારું શું થાત? ચશ્માં, પેન, બૂટ-મોજાં, હાથરૂમાલ અને પહેરવાના કપડાં આ બધું ખોઇને સાવ નડીંગ-ધડીંગ ફરતાં હોત! હું છું ત્યારે તમારી નાની-નાની દરેક વાતનું ધ્યાન રાખું છું.’ આવું બોલતાં વસુબહેનની આંખોમાં ચમકતાં સંતોષ અને મોં ઉપર લિંપાયેલી ગૌરવની લાગણીમાં ડૉ.ભટ્ટની સંમતિ પણ ભળેલી હતી અને મારી સાક્ષી પણ!એ પછી અમે છુટા પડ્યાં.

***

તાજેતરમાં મારે બહારગામ જવાનું બન્યું. એક જાણીતા શહેરમાં જાહેર સમારંભમાં મને વકતવ્ય આપવા માટે બોલાવવામાં આવ્યો હતો. અમદાવાદથી કારમાં જવાનું હતું. સમારંભનો સમય સવારના નવ વાગ્યાનો હતો. વહેલાં ઊઠીને પાંચ કલાકનો પ્રવાસ કરીને નિધૉરીત સમયે પહોંચવાનું શક્ય ન હતું. માટે આયોજકોએ રસ્તો કાઢ્યો, ‘તમે અમદાવાદથી સાંજે નીકળીને આગલા દિવસે રાતે જ આવી જાવ! સવારે બહુ વહેલા ઊઠવાની ચિંતા નહીં રહે! હોટલમાં તમારા માટે રૂમ બૂક કરાવી લઇશું.’ હું પહોંચી ગયો. હોટલના રજિસ્ટરમાં સહી કરતી વખતે ઉપર નીચેના ખાનાઓ ઉપર સહજપણે મેં નજર ફેરવી લીધી.

એક નામ વાંચીને હું ઊછળી પડ્યો. મારી તદ્દન બાજુના રૂમમાં ડૉ.ભટ્ટ અને શ્રીમતી ભટ્ટ ઊતરેલા હતા! કેટલાં બધાં વરસો પછી આ મિત્ર દંપતીને મળી શકાશે એ વિચારમાત્રથી હું રોમાંચિત થઇ ઊઠ્યો. મારા રૂમાં બેગ મૂકી ન મૂકી અને હું પડોશમાં દોડી ગયો. બેલ વગાડી. બારણું એક રૂપાળી યુવતીએ ઊઘાડ્યું. હું ડઘાઇ ગયો. અંદર પથારીમાં ડૉ.ભટ્ટ બેઠેલા હતા. યુવતી પારદર્શક ગાઉનમાં જેટલી ઢંકાતી હતી એના કરતાં વધુ તો છતી થતી હતી.

‘સોરી, ભટ્ટસાહેબ! આટલાં લાંબા સમય પછી તમને મળવાના જોશમાં મને લાગે છે કે મેં તમને ખોટા સમયે ખલેલ પહોંચાડી! રજિસ્ટરમાં મેં શ્રીમાન ભટ્ટ વાંચ્યું એટલે મને થયું કે વસુબહેન…’ડૉ.ભટ્ટ મારી પાસે દોડી આવ્યા, ‘નેવર માઇન્ડ, શરદભાઇ! જાણેઅજાણ્યે તમે મારી ખાનગી જિંદગી જોઇ લીધી. આ ઉત્કંઠા છે. બે વરસથી મારે ત્યાં નર્સ છે. અમે….યુસી…! પણ એક વિનંતી છે…આ વાત ખાનગી રાખજો. વસુને ખબર નથી….’ ડૉ.ભટ્ટ ખોવા જેવું ખોઇ નાખતા હતા,પણ શોધવા જેવું એમણે શોધી લીધું હતું! મને દયા આવી ગઇ વસુબહેન પર! એ બિચારી ભોળી ભારતીય ધર્મપત્ની એનાં પતિની દરેક નાની-નાની વાત પર નજર રાખતી રહી. એમાં આવડી મોટી વાત સાવ જ એનાં ધ્યાન બહાર નીકળી ગઇ!‘

(સત્ય ઘટના)

(શીર્ષક પંક્તિ: ડૉ.કેતન કારીયા)

રંગત ગુલાલની તું પણ છે એક ચીજ ખરેખર કમાલની

ગર્લ્સ હોસ્ટેલના રેકટર સુ.શ્રી. એ. એમ. પટેલના સત્તાવાર નિવાસસ્થાનનો લેન્ડલાઇનવાળો ફોન રણકી ઊઠ્યો. મેડમે દીવાલ ઉપરની ઘડિયાળમાં જોયું. રાત્રિના દસ વાગ્યા હતા. ‘અત્યારે કોણ હશે?’ એવું બબડીને, ચિડાઇને એમણે ફોન રિસીવ કર્યો, ‘હેલ્લો! કોણ?’‘હેલ્લો, ગુડ મોર્નિંગ, મેમ, હું…’ સામેથી કોઇ પુરુષ સ્વર સંભળાયો.

મેડમે એનું વાક્ય કાપી નાખ્યું, ‘ગુડ મોર્નિંગ નહીં, ગુડ ઇવનિંગ કહો! અત્યારે રાતના દસ વાગ્યા છે, સવારના નહીં.’‘ઓહ, આઇ એમ સો સોરી, મેમ! હું અમેરિકાના ઓહાયોથી બોલી રહ્યો છું એટલે મને ખ્યાલ ન રહ્યો કે ત્યાં ઇન્ડિયામાં અત્યારે… એની વે, આપણે મોર્નિંગ-ઇવનિંગના ઝઘડામાં નથી પડવું, એકલું ‘ગુડ’ તો ચાલશે ને?’‘ચલાવી લઇશ.’ જાણે ઉપકાર કરતાં હોય એમ મેડમે હસી લીધું.

પછી પૂછી લીધું, ‘કોની સાથે વાત કરવી છે?’‘લહર સાથે. લહર પટેલ. રૂમ નંબર દસ.’ સામેના છેડાએ પૂરી માહિતી આપી દીધી. મેડમે તરત જ છાત્રાલયમાં કામ કરતી મંગુબાઇને આદેશ આપ્યો, ‘દસ નંબરવાળી છોકરીને બોલાવી આવ! કે’જે કે એના માટે ફોન છે.’ પછી બબડ્યાં, ‘આવડી અમથી અંગૂઠા જેવડી છોકરીને અમેરિકાથી ફોન આવવા માંડ્યા! જુવાન થશે ત્યાં સુધીમાં તો ભગવાન જાણે શું થશે!’ રિસીવર એમણે બાજુ પર મૂકી દીધું.

લહર આવી. દસેક મિનિટ વાત કરી, પછી ફોન પૂરો કર્યો. જ્યાં એ જવા માટે ઊભી થઇ, તરત જ મેડમે એને પૂછી લીધું, ‘કોનો ફોન હતો?’‘મારા મોટાભાઇનો, મેડમ! એ અમેરિકામાં રહે છે.’ લહરના બોલવામાં ભાઇ પ્રત્યેનો આદર અને અમેરિકા પ્રત્યેનો અહોભાવ જોઇ, વાંચી અને સાંભળી શકાતો હતો.સાચી બનેલી ઘટના છે. ખેડા જિલ્લાના ખૂબ જાણીતા શહેરની ગર્લ્સ હોસ્ટેલની આ વાત છે. છાત્રાલય માત્ર છોકરીઓ માટેનું હતું. એમાં રહેતી છોકરીઓની ઉંમર તેરથી સત્તર વર્ષની વચ્ચેની હતી. આજુબાજુનાં ગામડાઓમાં રહેતી કિશોરીઓ હાઇસ્કૂલમાં ભણતી હતી અને આ છાત્રાલયમાં રહેતી હતી.

રેકટર તરીકે સ્વાભાવિક રીતે જ પીઢ અને કડક શિસ્ત ધરાવતી મહિલા જ ચાલી શકે. આ રેકટર મેડમ ઉંમરની બાબતમાં બહુ મોટાં ન હતાં. માંડ પચીસેકનાં હશે, પણ મિજાજના બહુ કડક હતાં. ઉપરાંત તે કુંવારાં હતાં, એટલે ગર્લ્સ હોસ્ટેલમાં પતિના નામે પણ કોઇ પુરુષનો પ્રવેશ થવાનો ન હતો.લહર તો એના ભાઇની સાથે વાત કરીને ચાલી ગઇ, પણ મેડમ એમ કંઇ એની વાત સાચી માનીને થોડાં બેસી રહે? એમણે બીજા દિવસે બીજી છોકરીઓને આડકતરી રીતે પૂછી લીધું, ‘આ લહર તારી બહેનપણી છે, નહીં? એ સારા ઘરની છોકરી લાગે છે.’

જેને પૂછે તે આવો જ જવાબ આપે, ‘હા, મેડમ! લહર બહુ સારી ને સંસ્કારી છોકરી છે. એનાં મા-બાપ અત્યાર સુધી એટલાં બધાં પૈસાદાર ન હતાં, પણ લહરનો મોટોભાઇ અમેરિકા ગયો ત્યારથી એમની આર્થિક સ્થિતિ…’મેડમને જે જાણવું હતું તે જાણવા મળી ગયું. તો એ વાત સાચી કે લહર ઉપર આવતો ફોન-કોલ એના મોટાભાઇનો જ છે.અમેરિકાથી આવતા ફોન-કોલ્સનો સિલસિલો જારી રહ્યો. પણ મેડમને ફરિયાદ એ વાતની હતી કે લહરના મોટાભાઇનો ફોન હંમેશાં રાતના દસ-સાડા દસ વાગ્યે જ આવતો હતો. મેડમે પોતાની નારાજગી એકાદ વાર લહર સમક્ષ જાહેર પણ કરી દીધી, ‘તારા ભાઇને કહે ને કે જરાક વહેલા કોલ કરે!’
લહરે રોકડું પરખાવી દીધું, ‘સોરી, મેડમ! બોર્ડ ઉપર લખેલો નિયમ તો રાતના બાર વાગ્યા સુધી ફોન કરવાની છુટ આપે છે.

તમારે આપણા સમયનો વિચાર કરતાં પહેલાં અમેરિકાની ઘડિયાળની ફિકર પણ કરવી જોઇએ.’મેડમ ત્યારે તો ચૂપ થઇ ગયાં, પણ એ પછીના પહેલા ફોન વખતે આ જ ફરિયાદ લહરના મોટાભાઇ આગળ કર્યા વિના ન રહ્યાં, ‘જુઓ, મિ…! આ એક ગર્લ્સ હોસ્ટેલ છે અને અહીંના કેટલાક નિયમો છે જેનું પાલન કરવાનું ફરજિયાત છે.’મોટોભાઇ જબરો નીકળ્યો, ‘પણ હું ક્યાં તમારી હોસ્ટેલમાં રહું છું? અને હું ક્યાં ગર્લ છું?’‘એમ નહીં!’ મેડમ ઝૂંઝલાઇ ઊઠ્યાં, ‘તમારી બહેન તો છોકરી છે ને? એ તો અમારી હોસ્ટેલમાં રહે છે ને? તમે દર વખતે આમ મોડી રાતે એને ડિસ્ટર્બ કરો તે યોગ્ય નથી.’

‘તમને લહરે કહ્યું કે મારા ફોનથી એ ડિસ્ટર્બ થાય છે?’‘ના, એવું નથી, પણ…’ મેડમ મૂંઝાઇ ગયાં.‘તો કેવું છે એની મને ખબર છે. તમે સાફ-સાફ એમ કેમ નથી કહેતાં કે હું ફોન કરું છું એનાથી લહરને બદલે તમને ખલેલ પહોંચે છે?’‘હા, મને ખલેલ પહોંચે છે. આટલી મોડી રાતે તે કંઇ…?’‘જસ્ટ એ મિનિટ! દસ વાગવા એ કંઇ આટલી મોડી રાત ન ગણાય! મને લાગે છે કે તમને ઉજાગરાની આદત નથી!’

‘તમને બહુ આદત લાગે છે ઉજાગરાઓ કરવાની!’‘આદત? અરે, મેમ! હું તો ઘુવડ છું ઘુવડ! હું જ્યારે પી. પી. પટેલ છાત્રાલયમાં રહીને ભણતો હતો ત્યારે રાત વાંચવામાં ખેંચી કાઢતો હતો.’‘પી. પી. પટેલ છાત્રાલય? તમે કઇ કોલેજમાં ભણતા હતા?’‘કે. કે. સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ!’‘તમારું નામ?’‘ત્યાં હતો ત્યાં સુધી આકાશ પટેલ હતો, અમેરિકામાં આવીને અક્કી બની ગયો છું. પણ તમે આ બધું શા માટે પૂછી રહ્યાં છો?’‘મારું નામ અક્ષરા છે. આ નામની કોઇ છોકરી યાદ આવે છે?’

‘કોણ, માણેકલાલ પટેલની છોકરી?! ભાદરણથી આવતી હતી તે? તું મને એવું પૂછે છે કે અક્ષરા યાદ છે કે નહીં? જો તું એ જ અક્ષરા હોય તો મારો જવાબ છે: હું તને ભૂલવા માટેના એક માત્ર ઉદ્દેશ્યથી તો ભારત છોડીને ભાગ્યો છું અને છતાં આજ સુધી તને ભૂલી શક્યો નથી. મને યાદ છે કે તું પરીક્ષાના દિવસોમાં પણ મોડી રાત સુધી જાગીને વાંચી શકતી ન હતી…’

‘હા, અને તું મને રોજ કહેતો હતો કે દરેક મા-બાપે પોતાની દીકરીને ઉજાગરો કરવાની ટેવ પાડવી જોઇએ.’‘તદ્દન સાચું. આપણા દેશમાં છોકરીઓ વ્રત રાખે છે ત્યારે જે જાગરણ કરે છે એની પાછળનું છુપું કારણ મને તો આ જ લાગે છે. દીકરી સાસરે જાય એ પછી મોડી રાત સુધી ઘરનું કામ ચાલતું હોય અને એ પછી જો વર રસીકડો મળ્યો હોય તો બાકીની રાત…’‘બસ! બસ! પહેલાં મારા પ્રશ્નનો જવાબ આપ! જો તું મને પ્રેમ કરતો હતો, તો એ વખતે કહ્યું કેમ નહીં?’‘હિંમત ન હતી. આકાશ પાસે પ્રેમિકા હતી, પણ હિંમત ન હતી, અક્કી પાસે હિંમત છે, ત્યારે પ્રેમિકા નથી.’

‘ના, એવું નથી, આકાશ! આ ક્ષણે તારી પાસે બેય ચીજ હાજર છે. પણ સમય બહુ ઓછો છે. હું લહરને મેસેજ મોકલાવું ને તે આવે ત્યાં સુધીમાં તું જે કહેવું હોય તે કહી શકે છે.’‘એ તો છેલ્લે કહેવાનો જ છું, પહેલાં મારી શરત સાંભળી લે! હું જાગેડુ માણસ છું. ઘુવડની જેમ રાત આખી જાગું છું. તારે પણ આખી રાત જાગવાની ટેવ પાડવી પડશે. બોલ, શરત કબૂલ છે?’‘હા, શરત પણ કબૂલ છે અને શાદી પણ કબૂલ!’ અક્ષરાના ગાલ આટલું બોલતાંમાં તો લાલ-લાલ થઇ ગયા. એ જ ક્ષણે ત્યાં પહોંચી ચૂકેલી લહરે આ જોયુંયે ખરું અને છેલ્લા શબ્દો સાંભળ્યા પણ ખરા! એણે પૂછ્યું, ‘મેડમ, કોનો ફોન છે?’ મેડમે જવાબ આપ્યો, ‘એમનો!’

(શીર્ષક પંક્તિ: મુસાફિર પાલનપુરી)

રાત ટૂંકી વેશ ઝાઝા છે હજી બધાંયે ઝખ્મો તાજા છે

હું અફઘાનિસ્તાન જવાનું વિચારી રહ્યો છું.’ ડૉ. ત્રિવેદી સાહેબે કહ્યું.‘પ્રયોજન?’ મેં પૂછ્યું.‘ઓસામા-બિન-લાદેનને તપાસવા માટે.’ સાહેબે જવાબ આપ્યો. હું જોઇ રહ્યો, એમના ચહેરા ઉપર એની એ જ સૌમ્યતા હતી, સ્મિતમાં કાયમી કરુણા હતી અને આંખોમાં બાળસહજ નિર્દોષતા હતી અને આવા અત્યંત જાણીતા વિશ્વના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીને પોતે એક ડોક્ટરની હેસિયતથી તપાસવા માટે જવાના છે એ વાતનો લવલેશ અહંકાર તો ક્યાંય કળાતો ન હતો.

કેટલાં વર્ષ થયા હશે આ ઘટનાને? યાદ છે, એ ૨૦૦૦નું વર્ષ હતું. અમદાવાદની વિશ્વપ્રસિદ્ધ કિડની ઇન્સ્ટિટ્યૂટના નિયામક ડૉ. એચ.એલ.ત્રિવેદી સાહેબનો ફોન આવ્યો હતો. એમના અવાજમાં ગંભીરતા હતી, ચિંતા હતી અને થોડુંક ન સમજાય તેવું રહસ્ય હતું.’

મેં કહી દીધું, ‘હું આવું છું, આજે બપોરે સાડા ત્રણ વાગ્યે તમારી ઓફિસમાં પહોંચું છું.’હું નિધૉરીત સમયે પહોંચી ગયો. કોરિડોરમાં જ એક મહિલા કર્મચારી મળી ગયાં. ‘ત્રિવેદી સાહેબને મળવા આવ્યા છો?’ એમણે પૂછ્યું. પછી મારી ‘હા’ સાંભળીને એ ગંભીર થઇ ગયા, ‘સાહેબને સમજાવો કે આવી ભૂલ ન કરે. કદાચ સર તમારું કહેવું માનશે.’ઓફિસની બહારની રૂમમાં સાહેબના પી.એ. નલિનીબહેન મળ્યાં, ‘તમને ખબર પડી ગઇ?’‘કઇ વાતની?’ મેં સામે પૂછ્યું.

નલિનીબહેન ભારે ચબરાક છે, એમના જેવાં નિષ્ઠાવાન અને વફાદાર પી.એ. કદાચ ભારતના વડાપ્રધાન પાસે પણ નહીં હોય. એમણે તરત વાતને વાળી લીધી, ‘વાત જે હશે તે! પણ સાહેબ તમને તો કહેશે જ. તમે એમને વારજો!’હું ઓફિસમાં પ્રવેશ્યો. વિશાળ ઓફિસમાં ટેબલની પેલી બાજુએ ચંદ્રકો, પ્રમાણપત્રો અને સન્માનોના ભંડાર વચ્ચે સૂટ-બૂટ પહેરેલા સેવાધારી સંત બેઠા હતા. કોમ્પ્યુટરની સામે ડૉ. અરુણાબહેન વણીકર હાજર હતા. કવિમિત્ર માધવ રામાનુજ પણ મળી ગયા. થોડીક પ્રેમભરી વાતો થઇ. ચા-કોફી પીવાઇ ગઇ. પછી મેં કહ્યું, ‘સાહેબ, મારે આપની સાથે એક-બે ખાનગી વાતો ‘શેર’ કરવી છે. કેન વી હેવ પ્રાઇવસી?’ત્રિવેદી સાહેબ ઊભા થઇ ગયા, ‘લેટ અસ મૂવ ટુ ધી એડજોઇનિંગ રૂમ.’ હું એમની પાછળ દોરવાયો. હવે એકાંત હતું અને અમારી વાતો હતી.

મારે જે કહેવાનું હતું તે કહી દીધું. સાહેબ પણ સંસ્થાને લગતી કોઇ ગંભીર વાતના મુદ્દે ચિંતિત હતા. એમણે પણ પોતાની વેદના ઠાલવી દીધી. પછી મેં વાતનું વહેણ બદલ્યું, ‘બીજું શું ચાલે છે, સાહેબ? હમણાં ઇન્ડિયામાં જ છો કે પરદેશની કોન્ફરન્સમાં હાજરી આપવા માટે જવાના છો?’‘હું અફઘાનિસ્તાન જવાનું વિચારી રહ્યો છું.’‘પ્રયોજન?’‘ઓસામા-બિન-લાદેનને તપાસવા માટે.’ સાહેબના ઉત્તર વિસ્ફોટથી ઓરડામાં સન્નાટો પ્રસરી ગયો. મને થોડો ઘણો ઇશારો મળી ચૂક્યો હતો, તેમ છતાં ત્રિવેદી સાહેબ પાસેથી આધારભૂત માહિતી જાણી એના કારણે હું ખળભળી ગયો.

***

આ ઘટનાની છ મહિના પહેલાંની એક ઘટના મને યાદ આવી ગઇ. પાકિસ્તાનનો એક જુવાન. બંને કિડની ખરાબ થઇ ગઇ હતી. પ્રત્યારોપણ કરાવવું જરૂરી હતું. પણ પાકિસ્તાનના ડોક્ટરોની કાબેલિયત ઉપર ખુદ પાકિસ્તાનીઓને જ વિશ્વાસ નથી. એ દર્દીના સગાંઓએ ડૉ. ત્રિવેદી સાહેબનો સંપર્ક સાધ્યો. સાહેબે લીલી ઝંડી ફરકાવી આપી. એ પાકિસ્તાની પરિવાર અમદાવાદ આવ્યો, ઓપરેશન કરાવ્યું અને આભારથી ઝૂકેલું મસ્તક લઇને પરત ગયો.

અગિયાર વર્ષ પહેલાં આ ઘટના મેં ‘ડોક્ટરની ડાયરી’માં લખી અને ગુજરાતના દયાળુ, ઉદાર અને સાચા અર્થમાં ધર્મસહિષ્ણુ વાંચકોએ પત્રો લખીને તથા ફોન કરીને આ ઘટનાને વધાવી લીધી અને પછી એક ફોન આવ્યો. ઇન્ડિયન આર્મીનો કોઇ નિવૃત્ત સૈનિક બોલી રહ્યો હતો, ‘ઠાકર સાહેબ, તમે ડોક્ટરો આવી માનવતાની વાતોથી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છો. બંધ કરો આવી મૂર્ખામી! હું ૧૯૬૫નો જંગ લડી ચૂકેલો સોલ્જર છું. સામી છાતીએ પાકિસ્તાનીઓ સામે જીવ સટોસટની બાજી રમ્યો છું.

કરાંચીના દીવાઓ જોઇ શકાય એ હદ સુધી આપણું લશ્કર શત્રુઓની ભૂમિ ઉપર પ્રવેશી ગયું હતું. છેલ્લી ક્ષણે ભાગતા શત્રુએ એક બોમ્બ ફેંક્યો, જે મારા જમણા પગ પાસે જ ફાટ્યો. હું બેભાન બની ગયો. જ્યારે હોશમાં આવ્યો ત્યારે હું આર્મી હોસ્પિટલમાં પડ્યો હતો. મેં ડોક્ટર સાહેબને પૂછ્યું, ‘મેરા પૈર કહાં હૈ?’ એમનો જવાબ હતો, ‘પાકિસ્તાન મેં.’ ઠાકર સાહેબ, તમને હું આક્રોશભર્યો સવાલ પૂછું છું- ‘છેલ્લા પચાસ વરસના ઈતિહાસમાં માત્ર એક જ દાખલો એવો બતાવો જેમાં કોઇ ભારતવાસી માટે કોઇ પાકિસ્તાનીએ સારું કામ કર્યું હોય! પછી એ ગમે તે ક્ષેત્રનું હશે તો પણ ચાલશે.

મહેરબાની કરીને તમે લોકો આ રાક્ષસો પ્રત્યે દયા બતાવવાનું બંધ કરો! આ માનવતાની સેવા નથી, પણ દાનવતાની સેવા છે. તમે પાકિસ્તાનના એક અસૂરને નવી જિંદગી આપીને ખુશ થાવ છો, પણ તમારા પોતાના દેશના એક અપંગ સૈનિકનો પગ પાકિસ્તાનથી પાછો લાવી શકો છો? તમારી હિપોક્રેટિક ઓથનું રટણ મારી સામે ન કરશો, પ્લીઝ! જ્યારે હિપોક્રેટિસે એ પવિત્ર પ્રતિજ્ઞાની રચના કરી હશે, ત્યારે આ પૃથ્વી પર પાકિસ્તાન નામનો અપવિત્ર દેશ જન્મ્યો નહીં હોય!’ આટલું બોલીને એ દેશભક્ત રડી પડ્યો.

***

ડૉ. ત્રિવેદી સાહેબને અફઘાનિસ્તાનમાં જવાનું આમંત્રણ મળ્યું એ વિશેની ઘટના પણ સૌ પ્રથમ મેં જ ‘ડોક્ટરની ડાયરી’માં આલેખી હતી. થોડાક દિવસ પછી આ જ ‘સ્ટોરી’ દેશના અગ્રણી અંગ્રેજી અખબારે પ્રથમ પાને ચમકાવી. ઇન્ટરનેશનલ મૂલ્ય ધરાવતી કોઇ વાત મૂળ ગુજરાતી મીડિયામાંથી અંગ્રેજી મીડિયામાં જાય એવી આ દુર્લભ ઘટના માટે મને તામસી ગર્વ તો ન થયો, પણ સાત્વિક ગૌરવ અવશ્ય અનુભવાયું.

અને અત્યારે હું ત્રિવેદીસાહેબની સાથે હતો, સામે હતો. બહાર જેટલા લોકો મને મળ્યા, એ તમામના ચહેરાઓ ઉપર ચિંતાના વાદળો ઘેરાયેલા હતા. સાહેબના નિકટના વર્તુળમાંથી એક મિત્રે મારા કાનમાં ફૂંક મારી દીધી હતી કે બહેન પણ ચિંતિત છે. બહેન એટલે સાહેબના ધર્મપત્ની.

મેં ગોળો ગબડાવ્યો. જિંદગીમાં પહેલીવાર ડૉ. ત્રિવેદી સાહેબ સમક્ષ અર્ધસત્ય ઉચ્ચાર્યું, ‘સર, મારી પાસે ખૂફીયા જાણકારી છે, તમે લાદેનની સારવાર માટે કંદહાર જવાના છો એ વાત સી.આઇ.એ. સુધી પહોંચી ગઇ છે. અમેરિકા નથી ઇચ્છતું કે વિશ્વનો કોઇ પણ ડોક્ટર એના પ્રથમ ક્રમાંકના શત્રુને સારવાર આપીને સાજો કરે! તમે માનવતાની દુહાઇ આપશો એ વાત હું જાણું છું પણ તમે એક વાત નથી જાણતા. અમેરિકા તમને લઇ જતા વિમાનને હવામાં જ તોડી પાડશે. ન રહેગા બાંસ, ન બજેગી બાંસૂરી! અમેરિકાએ નિર્ણય લઇ લીધો છે, હવે તમારે લેવાનો છે.’

ડૉ. ત્રિવેદી સાહેબ વ્યથિત થઇ ઊઠ્યા, ‘આવું બની શકે, શરદ? અમેરિકા એક ડોક્ટરને માનવતા ખાતર કોઇ દર્દીની સારવાર કરતાં અટકાવી શકે? જે હોય તે, પણ લાદેનનું જે થવું હોય તે થાય, જો હું જ નહીં રહું તો મારા ભારતના લાખો દર્દીઓનું શું થશે?’

મેં રોપેલું વિચારબીજ પછી તો અન્ય લોકોની માવજતને કારણે વિકસીને છોડ બની ગયું. ત્રિવેદી સાહેબે કંદહાર જવાનો વિચાર માંડી વાળ્યો. જોકે, એનો સંપૂર્ણ યશ હું હરગીઝ નહીં લઉં. મહાન માણસોના મનને સમજવામાં કોણ સફળ થયું છે?’ આવું ભવભૂતિ કહી ગયા છે. મેં મારા દર્દીમાં ક્યારેય જાતિ કે ધર્મ જોયા નથી. ત્રિવેદી સાહેબ તો દેશને પણ ધ્યાનમાં લેતા નથી. આ ઘટનામાં જે આક્રોશ છે તે શત્રુ દેશ માટેનો છે અને એ એક સૈનિકનો છે.

(શીર્ષક પંક્તિ: ગિરીશ પરમાર)

તપ્ત રણને ચાહવાનું પૂછ મા કારણ મને

રોહિતભાઇ એમના ફ્લેટની બાલ્કનીમાંથી પડી ગયા અને પડતાં વેંત મરી ગયા. ‘અમરજ્યોતિ ફ્લેટ્સ’ના તમામ રહીશોમાં અરેરાટી વ્યાપી ગઇ. હજુ તો નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પથ્થરની ફર્શ પર રોહિતભાઇની લોહી-તરબોળ લાશ પડી હતી, ત્યાં જ ગણગણાટ ચાલુ થઇ ગયો.‘બોસ, તમને શું લાગે છે?’ ત્રીજા માળે રહેતા બેન્ક કર્મચારી ત્રિવેદીએ મોઢામાં પાનનો ડૂચો ભર્યો હોય એવી હાલતમાં જે રીતે બોલી શકાય એ રીતે પૂછી નાખ્યું.

બીજા માળવાળો દેસાઇ બગડ્યો, ‘એમાં લાગવા જેવું શું છે બીજું? રોહિતભાઇ ઊકલી ગ્યા છે, બસ, ખેલ ખતમ પૈસા હજમ!’‘એ મરી ગયા છે એ તો સ્પષ્ટ વાત છે. હું એ વિશે નથી પૂછતો. હું તો એમ પૂછું છું કે તમને શું લાગે છે, આ અકસ્માત હશે કે આત્મહત્યા?’સાઇરન વગાડતી એમ્બ્યુલન્સ આવી, ચીસો પાડતી પોલીસવેન પણ આવી પહોંચી. ત્યાં સુધીમાં આજુબાજુના કુલ મળીને બે હજાર માણસોની ભીડ જમા થઇ ગઇ હતી. જેટલી જીભ હતી, એટલી વાતો હતી. મૃત્યુ એક જ હતું, પણ એનાં કારણો અનેક હતાં. સત્ય એક, પણ અફવાઓ અનેક હતી.

આત્મહત્યાવાળી વાતમાં સૌને રસ પડ્યો. હવે સવાલ માત્ર એનું કારણ શોધવાનો જ બાકી રહેતો હતો. ‘મને લાગે છે કે મરનારને ડિપ્રેશન હતું. સંતાનમાં એક પણ દીકરો ન હતો, માત્ર ચાર દીકરીઓ જ હતી. એ ઘણી વાર કે’તા હતા કે આના કરતાં તો મોત સારું!’ પંડ્યા પાંચ સોસાયટી જેટલો દૂર રહેતો હતો અને જિંદગીમાં એક પણ વાર રોહિતભાઇની સાથે એણે વાત કરી ન હતી, પણ ક્યાંકથી આ ચાર દીકરીઓવાળી માહિતી એના કાને પડી ગઇ હશે એના જોર પર એણે પાક્કી બાતમી જાહેર કરી દીધી.

‘એવું નહોતું. હકીકત એ છે કે રોહિતભાઇને ક્રિકેટનો સટ્ટો રમવાની કુટેવ હતી. આ વર્લ્ડકપમાં વીસ લાખનું ફુલેકું ફરી ગયું. મહિને માંડ વીસ હજાર રૂપરડી કમાતો કલાર્ક વીસ લાખનું દેવું ભરે કેવી રીતે? એક જ છલાંગમાં બાપડો છુટી ગયો!’ આ જયંતીભાઇનો તર્ક હતો. કોઇ વળી રોહિતભાઇના લગ્નેતર લફરાની વાત લઇ આવ્યું, તો કોઇએ મરનારની પત્ની રમાબે’નના આડા સંબંધની થિયરી રજૂ કરી, પણ લાખ વાતની એક વાત એ હતી કે રોહિતભાઇ દામાણી હવે મૃત્યુ પામ્યા હતા અને સ્વર્ગસ્થ પોતાની પાછળ એક પત્ની અને ચાર-ચાર દીકરીઓને વિલાપ કરતાં છોડી ગયા હતા.

રોહિતભાઇને ચાર દીકરીઓ હતી અને ચારેય પ્રાણથી અધિક પ્યારી હતી. યોગાનુયોગ ચારેય કન્યાઓનાં નામ પણ કન્યા રાશિ પરથી જ પાડવામાં આવ્યાં હતાં. સૌથી મોટી પુણ્યા, પછી પવિત્રા, ત્રીજી પાવની અને ચોથી પંચમી. પુણ્યા એકવીસ વર્ષની હતી અને સૌથી નાની પંચમી પંદર વર્ષની.રમાબે’ન ખાસ ભણેલાં ન હતાં, એટલે રોહિતભાઇના અવસાન પછી જે દોડધામ કરવાની આવી એ પુણ્યાના ખભા પર આવી પડી.

શરૂઆત પોલીસખાતાથી થઇ. પી.આઇ. સોલંકીએ બાલ્કનીનો કબજો સંભાળી લીધો. ખૂણામાં એક ખાલી કાચની બોટલ પડેલી હતી. પોલીસખાતામાં પંદર વર્ષથી કામ કરતા હતા એટલે પંદર ફીટ દૂરથી જ તેઓ બોટલને ઓળખી ગયા.‘હંમ્…! તો આ ખાસ પ્રકારનો એક્સિડેન્ટ હતો! એમ કેમ નથી કહેતાં કે રોહિતભાઇ સાત-આઠ પેગ વ્હિસ્કી ચડાવીને પછી ‘આઉટ’ થઇ ગયા હતા! એટલે જ બેલેન્સ ગુમાવીને બાલ્કનીમાંથી નીચે પડી ગયા.’‘ના, સાહેબ! એ તો ક્યારેય દારૂને અડકતાયે નહોતા, આ બાટલી તો સાતમા માળે રહેતા ગફુરભાઇના ઘરેથી હું લઇ આવી’તી. ખાલી બાટલીમાં એસિડ ભરવા માટે!’ રમાબે’ન આટલું બોલતામાં તો રડમસ થઇ ગયાં.

‘એ બધું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થઇ જશે! હવાલદાર, વ્હિસ્કીની બોટલ જપ્ત કરો!’ સોલંકી સાહેબે એમની ફરજ પૂરી કરી.આમાં સૌથી મોટી તકલીફ એ ઊભી થઇ ગઇ કે રોહિતભાઇએ અકસ્માતનો વીમો ઉતરાવેલો હતો એની ચુકવણી ઘાંચમાં પડી ગઇ. ઇન્શ્યોરન્સ કંપનીએ લેખિતમાં જવાબ પાઠવી દીધો, ‘અમારા કલાયન્ટનું મૃત્યુ કેવી રીતે થયું છે તે સ્પષ્ટ થતું નથી. જો શરાબ ઢીંચીને એમણે શારીરિક સમતોલન ગુમાવ્યું હોય તો અમારી વીમા કંપની આ દુર્ઘટનાને અકસ્માત ગણવાનો ઇન્કાર કરે છે. અમે આને બેદરકારીથી નિપજેલું મૃત્યુ ગણીએ છીએ. માટે સ્વર્ગસ્થ એક પણ પૈસાનું વળતર મેળવવા માટે હક્કદાર બનતા નથી.’

*** *** ***

ઉપવન નાણાવટી જાણીતા વીમા દલાલ હતા. યુવાન હતા અને સોહામણા વ્યક્તિત્વના સ્વામી હતા. સામે બેઠેલી નવી નક્કોર કલાયન્ટને ઉદ્દેશીને એમણે પૂછ્યું, ‘બોલો, શા માટે મારી પાસે આવવું પડ્યું છે?’‘મારા પપ્પાનો વીમો પાકે છે, તેમ છતાં કલેઇમ પાસ થતો નથી.’ એકવીસ વર્ષની પુણ્યાએ ટુકડે-ટુકડે આખી વાત રજૂ કરી.અમદાવાદથી દોઢસો કિલોમીટર દૂર આવેલું શહેર હતું. ઉપવને રોહિતભાઇની આખી ફાઇલ તૈયાર કરી દીધી. એ અઠવાડિયે ત્રણેક વાર કલાયન્ટના ઘરની મુલાકાત લીધી.

ચાર વાર પુણ્યાને પોતાની ઓફિસમાં બોલાવી. એકાદ વાર એને લઇને પોલીસ સ્ટેશને પણ જઇ આવ્યો. પુણ્યા પાસે ફરી-ફરીને પૂછવા જેવો એક જ સવાલ હતો, ‘પપ્પાના એક્સિડન્ટનો કલેઇમ ક્યારે મંજૂર થશે?’ઉપવન એને વીમાની આંટી-ઘૂંટીઓ સમજાવતો, ‘બહેન, તમે એક વાત સમજી લો! આ આખી બાજી પેલા પી.આઇ. એ બગાડી નાખી. બાકી બધું સપાટ રસ્તા જેવું સરળ હતું. એક વાર વીમા કંપનીના મગજમાં શંકાનું બીજ રોપાઇ જાય, એ પછી કલેઇમ ક્યારેય મંજૂર ન થાય.’

‘પણ તમે કંઇક કરો ને!’ પુણ્યા રડમસ અવાજે વિનંતી કરી બેસતી. પપ્પાના અવસાનનો તાજો-તાજો શોક, બગલાની પાંખ જેવા સફેદ સલવાર-કમીઝ અને રડવાને કારણે લાલ બની ગયેલી આંખોને કારણે પુણ્યા વધારે આકર્ષક બની ગઇ હતી. ઉપવન એના ગયા પછી બબડી ઊઠતો, ‘પુણ્યા, તારા પપ્પાનો કલેઇમ તો પાસ થવાનો હશે ત્યારે થશે, પણ એ પહેલાં મારો તારી ઉપરનો કલેઇમ મંજૂર કરવાનો છે. એના માટે મારે જાત-જાતના દાવપેચ રમતા રહેવું પડશે.’

સૌથી પહેલું કામ ઉપવને પુણ્યાને ‘બહેન’ કહીને સંબોધતો હતો તે બંધ કરવાનું કર્યું. બીજા પગથિયે એ ‘તમે’ ને બદલે ‘તું’ ઉપર આવી ગયો. પછી એક દિવસ એણે પુણ્યાને કહી દીધું, ‘અમારી મુખ્ય ઓફિસ અમદાવાદમાં આવેલી છે. આવતા મંગળવારે મારે ત્યાં જવું પડશે. સાથે તારે પણ આવવું પડશે. તારી સહીની ગમે ત્યાં જરૂર પડે!’સહવાસ બહુ મહત્વની ચીજ છે. ગાઢ સહવાસ બે વિજાતીય વ્યક્તિઓને ધાર્યા કરતાં અલ્પ સમયમાં ધાર્યા કરતાં વધારે નિકટ લાવી મૂકે છે.

ઉપવન અને પુણ્યા પણ એકમેકની ખૂબ નજીક આવી ગયાં. ઉપવનની કારમાં અમદાવાદ જવું-પાછા આવવું, હાઇ-વે પરની હોટલમાં સાથે ભોજન કરવું, અજાણ્યા શહેરમાં ઉપવનના સહારે બધી ઓફિસોમાં ફરવું! આ બધાને કારણે પુણ્યાના મનમાં એવો ખ્યાલ બંધાતો ગયો કે જો આ પુરુષ એની પડખે ઊભો ન રહ્યો હોત તો આ બધું પાર ન પડી શક્યું હોત!ઉપવને ક્યાંક પૈસા વેર્યા, ક્યાંક પોતાના સંબંધોને વટાવ્યા, છેવટે છ મહિનાની દોડધામના અંતે પુણ્યાનું કામ કરી આપ્યું. છેલ્લી સફરમાં હાઇ-વે પરની હોટલના એક રૂમમાં ઉપવને ચાર-પાંચ કલાક આરામ કરવાના બહાને પુણ્યાને કાયમ માટે પોતાની બનાવી દીધી.

ઘરે આવીને ઉપવને રમાબહેનને સમાચાર આપ્યા, ‘વીમો પાકી ગયો છે!! કલેઇમ પાસ થઇ ગયો છે!’રમાબે’ન એ વખતે રાજી તો થયાં, પણ પછી જીવનભર રડતાં રહ્યાં. ઉપવનના બગીચામાં પહેલેથી જ પત્ની નામનું ફૂલ તો ખીલેલું જ હતું, પુણ્યા અત્યારે એના ઉપવસ્ત્ર તરીકે જિંદગી ગુજારી રહી છે.

એ સમયની વાત છે કે ના થયાં મારા તમે,નહીં તો…!

પાંદડી પત્રકારત્વની વિદ્યાર્થિની હતી. કોલેજમાંથી છુટીને હમણાં જ ઘરે આવી હતી. ત્યાં પડોશમાંથી એક નાનો છોકરો દોડતો એના ફ્લેટમાં ધસી આવ્યો, ‘દીદી! દીદી! તમને ચાર નંબરવાળા રમુ આન્ટી બોલાવે છે. જલદી આવો! આન્ટીએ કે’વડાવ્યું છે કે તમારે પાણી પીવાયે રોકાવાનું નથી!’ પાંદડીને નવાઇ લાગી. એ ખરું કે રમુ આન્ટી પોતાને ઓળખતાં હતાં, પણ એમની વચ્ચે એવો ખાસ કોઇ ઘરોબો ન હતો અને હોય પણ ક્યાંથી? પોતે તો જૂનાગઢ જિલ્લાના વેરાવળમાં જન્મી અને ઊછરી હતી.

મમ્મી-પપ્પા અત્યારે પણ વેરાવળમાં જ રહેતાં હતાં. આ તો જનૉલિઝમના અભ્યાસ માટે પોતે અમદાવાદમાં આવી હતી. અને બીજી બે છોકરીઓની સાથે આ ફ્લેટમાં રહેતી હતી. પડોશીઓ જોડે ‘હાય-હેલ્લો’નો સંબંધ હતો, સ્મિતની આપ-લેનો વહેવાર હતો અને ક્યારેક નાની-નાની વાતમાં મદદરૂપ થવાની તત્પરતા હતી.

આમ જ બે-ચાર વાર પાંદડી ચાર નંબરના ફ્લેટમાં જઇ આવી હતી. રમુ આન્ટી એટલે રમાબહેન. સાઠથી મોટાં અને પાંસઠથી નાનાં. આ એમની ઉંમર હશે. ઘઉંથી ઘેરાં અને અડદ કરતાં ઊજળાં. આ એમનો વાન. કોયલ કરતાં કર્કશ અને કાગડાથી સહેજ સારો એવો એમનો અવાજ. કપડાં પહેરવાની છટા, ઘરકામની સૂઝબૂઝ, રહેન-સહેન અને વાણી-વર્તનમાં પણ એવું જ. ઉત્તમ કરતાં સહેજ ઊતરતાં અને કનિષ્ઠ કરતાં સહેજ ચડિયાતાં. ટૂંકમાં વ્યક્તિત્વ નામની પરીક્ષામાં ફિફ્ટી-ફિફ્ટી પર્સન્ટ માકર્સ સાથે પાસ જાહેર થયેલાં એક સરેરાશ, સંસ્કારી મહિલા. પાંદડી એમના ઘરે જતી ત્યારે આન્ટી કરતાં વધારે મજા એને યજ્ઞેશ અંકલ જોડે આવતી હતી.

યજ્ઞેશભાઇ નિવૃત્ત પ્રોફેસર હતા. હાલમાં લગભગ સિત્તેર વર્ષના હશે. એમની વાતો દુનિયાના દરેક વિષયને સ્પર્શ કરી શકતી હતી.‘અંકલ, યુ આર જિનિયસ! તમે ટેનિસ વિશે પણ જાણો છો, તમને સચિન અને સેહવાગ વચ્ચેના તફાવતની પણ ખબર છે, તમે અલ-કાયદા વિશે એક આખો દિવસ બોલી શકો છો, તમને ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનો આઠમો શ્લોક પણ કંઠસ્થ હોઇ શકે છે અને તમને કાલિદાસના મહાકાવ્યોમાં નિરુપાયેલા શૃંગારરસની પણ જાણ છે.

અંકલ, તમે અદભૂત છો!’ એક વાર પાંદડી યજ્ઞેશભાઇની બહુશ્રુતતા જોઇને આ પ્રમાણે બોલી ગઇ હતી. જવાબમાં યજ્ઞેશ અંકલ પથારીમાં આડા પડ્યા હતા, એમાંથી બેઠા થઇ ગયા. રસોડા તરફ જોઇને મજાકિયા અંદાજમાં બૂમ મારી, ‘રમાગૌરી! સાંભળો છો કે? જરા અહીં આવજો તો…!’લોટવાળા હાથ સાથે રમુ આન્ટી ડ્રોઇંગરૂમમાં આવ્યાં, ‘શું છે?’

યજ્ઞેશ અંકલે આંખોમાં તોફાની ચમક ભરીને કહ્યું, ‘સાંભળો ને! આ છોકરી શું કહી રહી છે?’ પછી પાંદડી તરફ જોઇને હસ્યા, ‘બેટા, તું હમણાં જે કંઇ બોલી ગઇ એ આખી કેસેટ રી-વાઇન્ડ કરીને ફરીથી ‘પ્લે’ કરી બતાવને! તું મારા વિશે એક-બે મુલાકાતમાં જેટલું જાણી શકી છે એટલું તારી આન્ટીને ચાલીસ વર્ષના લગ્નજીવન પછીયે નથી સમજી શકાયું.’

રમુ આન્ટીએ મીઠો છણકો કર્યો, ‘હવે રહેવા દો! એમ ને એમ કંઇ જોયા-જાણ્યા વગર મેં તમારી સાથે લગ્ન કર્યા હશે કંઇ?! જો પાંદડી, તને કહી દઉં છું. પુરુષ જુવાન હોય કે ઘરડો, એને જુવાન છોકરીઓ પાસેથી વખાણ સાંભળવા બહુ ગમતાં હોય છે. તારા અંકલ પણ આમાંથી બાકાત નથી.’ આવા મધુરા દાંપત્યની સુગંધ પાંદડીની સ્મૃતિમાં રમી રહી હતી, ત્યાં જ આ અચાનક રમુ આન્ટીનું કહેણ આવ્યું.

પાંદડી ખરેખર પાણી પીવા પૂરતીયે ઊભી ન રહી. દોડી ગઇ. ફ્લેટનું વાતાવરણ ગંભીર હતું. યજ્ઞેશભાઇ જિંદગીનો પ્રવાસ પૂરો કરીને મૃત્યુની મંજિલે પહોંચી રહ્યા હતા. છેલ્લું ડગલું જ બાકી હતું. શ્વાસની ધમણ છેક પગથિયા ઉપરથી સંભળાતી હતી. નસકોરાં ફૂલી ગયાં હતાં. આંખો ફાટવાની તૈયારીમાં હતી. નજર કોઇકને શોધતી હતી. પાંદડી પ્રવેશી અને નજરની શોધ પૂરી થઇ.

યજ્ઞેશભાઇએ હાથના ઇશારાથી પાંદડીને પાસે બોલાવી, એના હાથમાં એક બંધ પરબીડિયું મૂક્યું અને જાણે પાંદડીના આવવાની જ રાહ જોતા હોય તેમ યજ્ઞેશભાઇએ પ્રાણ ત્યાગી દીધા. એક હળવો આંચકો, કૃશ કાયાનું પછડાવું અને પછી એક સાત દાયકાની નવલકથાનું સમાપ્ત થઇ જવું. ઓરડો રમુ આન્ટીના મરણપોકથી ઊભરાઇ ગયો. એ ગુરુવાર હતો.

ઘરે આવીને પાંદડીએ પરબીડિયું ખોલ્યું. અંદર ટૂંકું પણ મુદ્દાસરનું લખાણ હતું. ‘પ્રિય દીકરી પાંદડી, હું જાણું છું કે મારો અંત નજીકમાં છે. મને એનો ભય નથી. વાસ્તવમાં છેલ્લા ચાર દાયકાથી હું મૃત્યુ નામની આ મુક્તિની પ્રતીક્ષા કરતો જીવી રહ્યો છું. તું વેરાવળની છો ને? મારો ભૂતકાળ પણ વેરાવળની એક વ્યક્તિ સાથે જોડાયેલો છે. વધુ કંઇ નથી લખતો. તને એક પારકી થાપણ સોંપતો જાઉં છું. બે-ચાર દિવસમાં જ રમા તને એક તાળાબંધ પેટી આપી જશે. એની ચાવી આ પરબીડિયામાં જ છે. આ પેટી તારે વેરાવળમાં એક ચોક્કસ સરનામે એક ખાસ વ્યક્તિને પહોંચાડી દેવાની છે.

તને જો ઇચ્છા થાય તો તાળું ખોલીને તું પેટીનો સામાન તપાસી શકે છે. મહેરબાની કરીને રમાને એ બધું બતાવીશ નહીં. બાપડી રમા ભલે મારી દ્વિતીય ક્રમની પસંદગી હતી, પણ મેં એને ચાલીસ વર્ષ લગી હથેળીમાં સાચવી છે. મર્યા પછી પણ હું એના હૃદયને દુ:ખ પહોંચાડવા નથી ઇચ્છતો. તારી આ આંગડિયા સર્વિસના બદલામાં હું તને શું આપું? પાંદડી, આ જન્મમાં તો સમય નથી બચ્યો, પણ જો તું હા પાડશે તો આવતા જન્મે હું તારો પપ્પા થઇને તને રોજની એક લાખ ચૂમીઓનો અભિષેક કરીને…’

છેલ્લું વાક્ય શબ્દોને બદલે આંસુઓથી પૂરું થયું હતું. પાંદડી પણ રડી પડી. અગિયારમું, બારમું પતી ગયા પછી રમુ આન્ટી પેટી આપી ગયાં. કદાચ યજ્ઞેશભાઇએ એમને અગાઉથી સૂચના આપી દીધી હશે. મોડી રાત્રે રૂમપાર્ટનર ઊંઘી ગઇ એ પછી પાંદડીએ પેટીનું તાળું ઉઘાડ્યું. અંદરનો સરંજામ જોઇને એ ચકરાઇ ગઇ. એક પ્લાસ્ટિકની કોથળીમાં ત્રીસ-પાંત્રીસ પત્રોનું બંડલ હતું. એક જૂની, જરી ગયેલી સાડી હતી.

એક કી-ચેઇન, બે પેનો, એક ન વપરાયેલી અત્તરની નાની શીશી અને એક લંબચોરસ કાચની ફ્રેમમાં બંધ ખૂબસૂરત યુવતીની તસવીર હતી. પાંદડી આટલા ઉપરથી જ સમજી ગઇ કે આ પેટીમાં તો યજ્ઞેશ અંકલનો કણસતો ભૂતકાળ સચવાયેલો હતો. સામાન્ય સંજોગોમાં પાંદડીએ પત્રોમાં લખાયેલા એક અક્ષર પણ વાંચવાની કોશિશ ન કરી હોત, પણ યજ્ઞેશ અંકલે એને બા-કાયદા પરવાનગી આપી હતી માટે એણે પત્રોનું બંડલ હાથમાં લીધું.

વેરાવળની કોઇ યુવતી હતી. અનુપમા નામ હતું. છબી કહી આપતી હતી કે નામ કેટલું યોગ્ય હતું. સાડા ચાર દાયકા પૂર્વે લખાયેલા પત્રો હતા. અનુ લખતી હતી: ‘પ્રિયતમ, તમારા વગર હું જીવી નહીં શકું. ક્યારે જાન જોડીને આવો છો?’ પછી બીજો પત્ર. બીજો સાર: ‘તમે તમારા ઘરમાં વાત કરી? મેં તો મારી બાને કહી દીધું. બા રાજી થઇ, પણ બાપુ ના પાડશે એવું એણે કહ્યું. આપણું શું થશે?’ ત્રીજો, ચોથો, પાંચમો પત્ર: ‘અરેરે! આવું તો કંઇ હોતું હશે? બાપુ કહે છે કે આઠમી પેઢીએ આપણે સગાં થતાં હતાં, માટે સગક્ષેત્રી કહેવાઇએ.

આપણાં લગ્ન થઇ જ ન શકે. હું શું કરું? ઝેર ખાઇ લઉં કે સમુદ્રમાં સમાઇ જાઉં?’ પત્રોનો સિલસિલો હતો. ચિંતા, આઘાત, વિલાપ, સમાધાન અને છેલ્લે જિંદગીની ખલનાયકી સાથે સમાધાન: ‘હવે આપણે ક્યારેય નહીં મળીએ. તમે બીજા કોઇની સાથે પરણી જજો. મને ભૂલી જજો. મારા તમામ પત્રો બાળી નાખજો. આપણે સાથે જોયેલી ફિલ્મોની ટિકિટોનાં અડધિયાં મેં સાચવી રાખ્યાં છે. એ અડધા કટકામાં આખી જિંદગી પૂરી કરી નાખીશ… તમારી અનુપમા.’

પાંદડી આ બધું જોતી ગઇ ને રોતી રહી. શનિ-રવિની રજાઓમાં વેરાવળ ગઇ. અંકલે આપેલા સરનામે ગઇ તો એક પડોશણે સમાચાર આપ્યા, ‘કોનું કામ છે? અનુબે’નનું? એ તો પંદરેક દિવસ પહેલાં જ ગુજરી ગયાં. ગુરુવારે! આખી જિંદગી એ કુંવારાં જ રહ્યાં. એમનો એક ભત્રીજો મુંબઇમાં છે એણે એક પેટી અમને આપેલી છે. અનુબે’ન મરતી વખતે કહેતાં ગયાં છે કે અમદાવાદના એક સરનામે એ પહોંચાડવાની છે… અને પાંદડી ફરી એક વાર રડી પડી. આ વખતે વધારે જોરથી… અને પુરજોશથી!’

(સત્ય ઘટના, શીર્ષક પંક્તિ : ‘અસદ’ સૈયદ)