જરાય ન બોલશો ત્રાંસું,તમને ફૂલ ગમે કે આંસુ?

ટેબલ ટેનિસની ફાઇનલ સ્પર્ધામાં ત્રીજા રાઉન્ડનો છેલ્લો પોઇન્ટ પશ્મિનાએ મેળવ્યો એ સાથે જ ત્યાં હાજર હતા એ તમામ દર્શકો ઝૂમી ઊઠ્યા. પશ્મિના પાઠક યુનિવર્સિટી પ્લેયર હતી. છેલ્લાં ત્રણ વરસથી એ જ ચેમ્પિયન બનતી આવી હતી. આ વરસે એનો મુકાબલો ગાંધીનગરની રેશમા જોડે હતો. રેશમા ઊભરતી ખેલાડી હતી, પણ એનો અનુભવ કાચો પડ્યો. પશ્મિનાના હોશની સામે રેશમાનું જોશ હારી ગયું. પશ્મિનાને સૌથી પહેલા અભિનંદન રેશમાએ આપ્યાં. પછી બંને સ્પર્ધકોએ રેફરીની સાથે હાથ મિલાવ્યા અને પછી પશ્મિના પ્રેક્ષકવૃંદ તરફ વળી.

 

પરસેવાના બુંદ ઝામેલો ગોરો-ગોરો ચહેરો, પોનીમાં બંધાયેલા વાળ, ભર્યાં-ભર્યાં સૌંદર્યને ઢાંકતું સફેદ ટી-શર્ટ અને એક હાથરૂમાલમાંથી સીવી કાઢ્યું હોય એવું લાલ રંગનું ટૂંકું સ્કર્ટ. એમાંથી નીકળતા બે ગોરા-ગોરા ઘાટીલા પગ. પશ્મિના સુંદર હતી, ટેબલ-ટેનિસ રમતી ત્યારે વધારે સુંદર લાગતી હતી. એના ચાહકોમાં છોકરીઓ પણ એટલી જ હતી, જેટલા છોકરાઓ હતા. ફરક માત્ર આટલો હતો, પશ્મિના જ્યારે છટાદાર રીતે રમી રહી હોય ત્યારે કોલેજની છોકરીઓની નજર એની રમત તરફ રહેતી હતી અને છોકરાઓની નજર જ્યાં હોવી જોઇએ ત્યાં રહેતી હતી.

 

એમાં પણ બે યુવાનો તો પશ્મિનાની પાછળ પાગલ હતા. એક હતો પાર્થેશ અને બીજો પર્જન્ય. પાર્થેશ ચબરાક અને બોલકો હતો, પર્જન્ય શાંત, ગંભીર હતો. જેવી પશ્મિના પ્રેક્ષકવૃંદ તરફ વળી, એવો જ પાર્થેશ એની સામે દોડી ગયો. ‘કોંગ્રેચ્યુલેશન્સ!’ કહીને એના હાથમાં ગુલાબનું ફૂલ મૂકી દીધું. પછી આજના યુવાનોની જેમ ફિલ્મી ઢબે એને ‘હગ’ કરી લીધું. આજકાલ આવી ફેશન ચાલી છે. જે છોકરી સામાન્ય સંજોગોમાં એની સાથે ભણતા યુવાનના પડછાયાથી પણ પાંચ પગલાં છેટે રહેતી હોય, એ છોકરીને ‘હગ’ કરવાને બહાને એનું સ્પર્શસુખ પામી શકાય છે.

 

આવા યુવાનોની એક વાત નોંધપાત્ર છે, એ લોકો ક્યારેય મોટી ઉંમરની કે કદરૂપી યુવતીઓને ‘હગ’ કરવાની ભૂલ સપનામાંયે નથી કરતા હોતા. પશ્મિનાને ‘હગ’ કરીને પાર્થેશ ધન્ય થઇ ગયો. એણે ગર્વિષ્ઠ નજરે પાછળ ઊભેલા ટોળા તરફ જોયું. બધાંની આંખોમાં ઇષૉ જ ઇષૉ હતી, એક માત્ર પર્જન્યના અપવાદને બાદ કરતાં! પર્જન્યની આંખોમાં ફક્ત નજીકથી જ જોઇ શકાય તેવી ભીનાશ હતી. મેચ જોવા આવેલાં તમામ છોકરા-છોકરીઓએ પશ્મિનાને અભિનંદન આપ્યા, પણ મેદાન તો મારી ગયો એકલો પાર્થેશ. પશ્મિના ક્યાંય સુધી એણે આપેલું ગુલાબનું ફૂલ સૂંઘતી રહી અને બધાની સાથે વાતો કરતી રહી. છેક છેલ્લે એની નજર પર્જન્યની ઉપર પડી.

 

‘અરે, પર્જન્ય! તારી આંખોમાં આંસુ?! તું રડે છે કે શું? હું જીતી ગઇ એનાથી તું દુ:ખી તો નથી ને?’‘એવું તે હોતું હશે? તું જીતે એના માટે તો મેં ભગવાનને કેટલી બધી પ્રાર્થના કરી છે! આ આંસુ થોડાંક તારી જીતની ખુશીનાં છે અને થોડાંક…’‘થોડાંક શેનાં છે? કહી નાખને! અટકી કેમ ગયો?’‘સાચું કહું, પશ્મિના? આ ત્રણ સેટની મેચ જીતવામાં તને જે તકલીફ પડી ને… એ મારાથી…’ પર્જન્ય નીચું જોઇ ગયો, ‘હું તારું દુ:ખ જોઇ નથી શકતો.’ પર્જન્યની વાતે વાતાવરણ જરાક ગંભીર બનાવી દીધું.

 

પાર્થેશે પશ્મિનાનો હાથ પકડી લીધો, ‘ચાલ, પશ્મિ! આ બોચિયાને તો આવી આદત પડી ગઇ છે, ફુલાવેલા ફુગ્ગામાં ટાંકણી ભોંકવાની એને ટેવ છે. યસ, ઇટ વોઝ અ ટફ મેચ. હું સ્વીકારું છું કે રેશમાએ સારી ‘ફાઇટ’ આપી, પણ છેવટે જીત તો તારી જ થઇ છે ને! ઇઝન્ટ ઇટ એન ઇનફ રીઝન ટુ સેલિબ્રેટ? ચાલો, આપણે વિજયની ઉજવણી કરીએ.’ પશ્મિનાએ કપડાં ચેન્જ કરી લીધાં, અને એ પછી દસેક છોકરીઓ અને પાંચ-સાત છોકરાઓ ત્યાંથી સીધા ‘પિંક રોઝ’ રેસ્ટોરાંમાં ઉજવણી માટે ઊપડી ગયાં. બાકી રહી ગયો પર્જન્ય. એને કોઇએ કહ્યું જ નહીં કે તું પણ ચાલ સાથે. પર્જન્ય મૂર્ખ હતો, એને સમજાયું નહીં કે જગતમાં ફૂલ જીતે છે અને આંસુ હારે છે.

 

રોજ સવારે સાત વાગે કોલેજ શરૂ થતી હતી. છોકરાઓ લગભગ સવા છ વાગ્યાથી કોલેજના મુખ્ય દરવાજા પાસે પોતાની ‘પોઝિશન’ લઇ લેતા હતા. એક-એક ઇંચની જગ્યા માટે ધિંગાણુ ખેલાઇ જાય તેવી હાલત હતી. સૌથી મોકાની જગ્યા પાર્થેશની હતી. સાથે એના ચમચાઓનું ટોળું હોય. ‘ગુરુ! તું કમાલ કરે છે. તે દિવસે પશ્મિના ટેબલ ટેનિસમાં જીતી ગઇ ત્યારે એને ગુલાબનું ફૂલ આપીને તો તે ગજબ કરી નાખ્યો. સાલા, તારી ખોપડીમાં આવો અફલાતૂન આઇડિયા આવે છે ક્યાંથી?’ એક ચમચાએ જાણવા માગ્યું.

 

‘એ વિચાર અફલાતૂન છે, પણ મારો નથી. મેં ક્યાંક વાંચ્યું હતું કે જ્યાં આપણે ન બોલી શકીએ ત્યાં ફૂલોને બોલવા દો. લેટ ધી ફ્લાવર્સ સ્પીક. આ એક એવો જાદુ છે, જે ક્યારેય નિષ્ફળ જતો નથી. જો ખાતરી કરવી હોય તો અત્યારે ફરીથી સાબિત કરી આપું…’ પાર્થેશ આટલું બોલીને અટકી ગયો, સામેની દિશામાં જોઇ રહ્યો. કોલેજના ઝાંપામાંથી શબનમી કાયા લઇને સુગંધની રાજકુંવરી પશ્મિના આવી રહી હતી. પાર્થેશે આજુબાજુમાં જોયું. ગુલાબ કે મોગરાના છોડ ક્યાંય દેખાયા નહીં. બાજુમાં કરેણનું ઝાડ ઊભું હતું. પાર્થેશે તરત જ કરેણનું એક પીળું ફૂલ તોડી લીધું. જેવી પશ્મિના એની નજીકથી પસાર થઇ ગઇ કે તરત પાર્થેશે ફૂલ એની સામે ધરી દીધું. પશ્મિના ખુશ થઇ ગઇ, ‘ઓહ, પાર્થેશ! સો નાઇસ ઓફ યુ.’

 

‘એમાં શું થઇ ગયું? તું તો ઉપવનને પાત્ર છે, આ તો એક જ પુષ્પ છે. જિંદગીમાં જો તક મળશે તો મઘમઘતાં ગુલાબોનો આખો બગીચો તને નજરાણામાં આપી દઇશ.’એ આખો દિવસ પશ્મિના કરેણનું પીળું ફૂલ માથાના વાળમાં ખોસીને ફરતી રહી. પર્જન્ય ઉદાસ બનીને જોતો રહ્યો, એકાદવાર પશ્મિનાએ એની સામે જોઇને પૂછ્યુંયે ખરું, ‘અરે, પર્જન્ય, તારી આંખોમાં આંસુ? કોઇ તકલીફ તો નથી ને તને?’ પર્જન્ય વધારે રડી પડ્યો. આ વખતે તો પશ્મિના જ ચાલી ગઇ. રોતલ મિત્ર કોને ગમે? પર્જન્ય ભોળો હતો, એને ખબર ન હતી કે અહીં માત્ર પુષ્પોની જ જીત થાય છે અને અશ્રુનો પરાભવ.

 

યુનિવર્સિટીની છેલ્લી પરીક્ષાનું પરિણામ જાહેર થયું. પશ્મિનાએ રંગ રાખી દીધો. એણે સાબિત કરી આપ્યું કે એ માત્ર સ્પોર્ટ્સમાં જ નહીં, સ્ટડીમાં પણ ચેમ્પિયન છે. જેટલા ગોલ્ડમેડલ્સ અપાતા હતા, એ તમામ પશ્મિના મેળવી ગઇ, પણ પશ્મિનાનું દિલ મેળવી ગયો પાર્થેશ. સુવર્ણચંદ્રક પ્રદાન સમારંભ સમાપ્ત થયો કે તરત જ પાર્થેશ મંચ ઉપર ધસી ગયો. એક ફૂલ નહીં, પણ એકસો ગુલાબોનો મઘમઘતો ‘બૂકે’ લઇને. ખાસ્સી પાંચેક મિનિટ સુધી ‘હગ’ કરવાને બહાને એ પશ્મિનાને વળગી પડ્યો. એની પાછળ જ પર્જન્ય ઊભો હતો, ભીની આંખ લઇને.

 

પશ્મિનાને આશ્ચર્ય થયું, ‘પર્જન્ય, આજે પણ તું રડે છે?’‘આ આંસુ ખુશીનાં છે, સાથે એક વિચાર મારા મનમાં એ પણ આવે છે કે આવું જવલંત પરિણામ પ્રાપ્ત કરવા માટે તારે કેટલી મહેનત કરવી પડી હશે? કેટલી રાતોના ઉજાગરા વેઠવા પડ્યા હશે? આવું વિચારીને હું જરાક લાગણીભીનો થઇ ગયો…’પાર્થેશ ખીજાઇ ઊઠ્યો, ‘ચાલ, પશ્મિ! જો અહીં અડધી મિનિટ પણ વધારે ઊભી રહીશ, તો આ રોતલને જોઇને તું પણ રડવા માંડીશ. ધીસ ઇઝ એ ટાઇમ ફોર બિગ સેલિબ્રેશન… લેટ અસ મૂવ!’ ફરી વાર ફૂલો જીત્યાં, આંસુ હારી ગયાં.

 

*** *** ***

 

એ રાત્રે છુટા પડ્યા પછી પશ્મિનાને અકસ્માત થયો. પાર્થેશને તો ચોવીસ કલાક પછી જાણ થઇ. એ હાથમાં ‘બૂકે’ લઇને હોસ્પિટલના આઇ.સી.યુ.માં પહોંચી ગયો. પશ્મિનાને ‘બૂકે’ આપીને બોલ્યો, ‘ગેટ વેલ સૂન.’ પશ્મિનાએ ફિક્કું હસીને પૂછ્યું, ‘છેક અત્યારે આવ્યો, પાર્થેશ? આ પર્જન્ય તો રાતભર મારી પથારીની બાજુમાં બેસીને રડતો રહ્યો છે. ડોક્ટર જે કંઇ મંગાવે તેના માટે દોડતો રહ્યો છે. આજે મને સમજાયું કે ફૂલો માત્ર ખુશાલીના સાથીદાર હોય છે, તમારા કપરા સમયમાં તો માત્ર આંસુઓ જ સહારો આપી જાણે છે.’ આટલું કહીને પશ્મિનાએ પર્જન્યનો હાથ પોતાના હાથમાં પકડી લીધો. પહેલીવાર આંસુઓ ખીલી ઊઠ્યાં અને ફૂલો રડી પડ્યાં.

 

(શીર્ષક પંક્તિ: ડૉ. દક્ષેશ ઠાકર)

 

Advertisements

ખૂબ ઊંડો છે કૂવો, ખૂબ ઊંડા તળ હવે…

લકઝરી બસે અમદાવાદ છોડ્યું તે પહેલાં જ ખંજન ખીમાણીએ પોપચાં ઢાળી દીધાં. બારીના ટેકે માથું ગોઠવ્યું ને ભૂતકાળના ટેકે વિચારોને ગોઠવ્યા. ત્રીસ વર્ષ પહેલાં છુટી પડી ગયેલી પ્રેમિકાએ એના દિમાગનો કબજો લઇ લીધો. આમ તો એ રોજ જ યાદ આવ્યા કરતી હતી, પણ આજે વધારે સાંભરી આવી, કારણ કે વરસો પછી ખંજન આજે ભુજ જઇ રહ્યા હતા. ભુજમાં જ એમની ખામોશી પહેલીવાર મળી હતી અને ભુજથી જ એ એને ખોઇ બેઠા હતા.

‘ભાઇ, આ તમારું અમદાવાદ તો ભારે મોટું! શહેરમાંથી બહાર નીકળવામાં જ કલાક લાગી જાય…’ કોઇ એને જ ઉદ્દેશીને બોલતું હોય એવું લાગ્યું, એટલે ખંજન ખીમાણીએ પોપચાંની બારીઓ અડધી-પડધી ઉઘાડી. જોયું તો બાજુમાં કો’ક દાધારંગો આદમી બેઠો હતો. આવા માણસો વાતોડિયા પણ બહુ હોય. ન જાણ, ન પીછાણ, તોયે વાતો કર્યા જ કરે. ખંજનને આવા લોકોનો બહુ બહોળો અનુભવ હતો.

બસની મુસાફરીઓ બહુ કરી હતી! એણે ખાસ ભાવ ન આપ્યો. માથું હલાવીને ‘હોંકારો’ ભણી દીધો. પાછી આંખો વાસી દીધી. પ્રેમિકાનું એક જબરું સુખ હોય છે. આમ ભલે જિંદગીમાંથી અર્દશ્ય થઇ ગઇ હોય, આંખો ફાડી-ફાડીને એને શોધ્યા કરો તોયે જડે નહીં, પણ જેવી આંખો બંધ કરો કે તરત હાજર થઇ જાય! ખામોશી પણ થઇ ગઇ. એવી ને એવી જ, જેવી એંસીની સાલમાં એને જોઇ હતી.

‘તું ક્યાં ચાલી ગઇ હતી, ખામોશી? આટલાં વર્ષોમાં ક્યારેય ફોન પણ ન કર્યો! પરણી ગઇ છે? તારા વરનું નામ શું છે? છોકરાં-છૈયાં કેટલાં?’ ખંજને મોઢાની મશીનગનમાંથી સવાલોની ગોળીઓ વરસાવી દીધી. ખામોશીએ જવાબ આપવા માટે હોઠ ઉઘાડ્યા. ખંજન ખીમાણી ખળભળી ગયા. પરવાળા જેવા હોઠમાંથી આવો પથ્થરિયો અવાજ?! ‘આ બારી સહેજ ઉઘાડી રાખો ને?’ ખંજને ફટાક દઇને આંખો ખોલી નાખી, જોયું તો ખામોશી ખામોશ હતી અને સામેની સીટ ઉપર બેઠેલો બારદાન પૂછતો હતો, ‘આ બારી થોડીક અમથી… ઝાઝી નહીં… મને શું છે કે બંધ બારીએ ગૂંગળામણ થઇ આવે છે…’

ખંજનને આવું કહી નાખવાની જોરદાર ઇચ્છા થઇ આવી,‘ મને તમારો અવાજ સાંભળીને ગૂંગળામણ થઇ આવે છે.’ પણ એ બોલ્યા નહીં. અને અડધી બારી ખોલી નાખી. ફરી આંખનાં ઢાંકણ બંધ થયાં ને દિમાગનાં કમાડ ખૂલી ગયાં. ખંજન ખીમાણી પચાસમાંથી પળવારમાં વીસ વર્ષના બની ગયા. ભુજની કોલેજના મેદાનમાં ઊભા રહી ગયા. સામે જ ઊભી હતી ખામોશી. હસતી, શરમાતી, પવનમાં ઊડી જતા દુપટ્ટાને ફરી પાછો છાતી ઉપર ગોઠવતી અને થોડી-થોડી વારે વિના કારણ માથાના વાળમાં ખોસેલા ગુલાબના ફૂલને સરખું કરવાનો પ્રયત્ન કરતી ખામોશી.

‘કેટલા માકર્સ આવ્યા, ખંજન?’ પૂછીને એણે દુપટ્ટો સરખો કર્યો.‘અઠ્યાસી ટકા. તારે…?’‘પાંસઠ ટકા. અમે કંઇ તારી જેટલી મહેનત નહોતી કરી.’‘માકર્સ માત્ર મહેનત કરવાથી નથી આવતા, એના માટે બુદ્ધિ હોવી પણ જરૂરી છે.’ ‘સારું! તો પછી અમારા જેવી ઠોઠ છોકરીના પ્રેમમાં શા માટે પડ્યા?’‘પ્રેમમાં પડવા માટે છોકરીનું દિમાગ ન જોવાય, એ માટે તો છોકરીનું રૂપ અને ફિગર…’‘યુ શટ અપ! છોકરાઓની આ જ તકલીફ છે, એ લોકો ક્યારેય ચામડીની સપાટીથી ઊંડે ન તો જઇ શકે છે, ન જોઇ શકે છે!’ ખામોશીએ ગુલાબ ઉપર હાથ અડકાડી લીધો.

‘અને છોકરીઓની તકલીફ એ છે કે તમે લોકો ગમે તેવી હળવી વાતને પણ ગંભીરતામાં પલટાવી નાખો છો! કેવો મજાનો મૂડ હતો! પળવારમાં બગાડી નાખ્યો! ચાલ, હવે કંઇક સુંદર રોમેન્ટિક વાત કર!’ ખામોશી શરમાઇ ગઇ, ‘એક વાર આપણાં લગ્ન થઇ જવા દે, પછી તો આખી જિંદગી રોમાન્સ જ રોમાન્સ હશે..તું તો મોટો ભણેશરી છે ને! એટલે મોટો સાહેબ બની જવાનો!’ ખામોશી બંધ આંખે ભવિષ્યનું ર્દશ્ય વર્ણવી રહી હતી, ‘હું તારા માટે ભાવતાં ભોજન બનાવીને રોજ બપોરે તારી રાહ જોતી રહીશ.

તું ઓફિસેથી આવે, એ પછી આપણે સાથે જમીશું. એક થાળીમાં જ…’‘અચ્છા! ચાલ, મને એ કહે કે તું કઇ-કઇ વાનગી રાંધીશ મારા માટે?’ ખંજન ખીમાણીએ પૂછી તો નાખ્યું, પણ પછી જે જવાબ સાંભળવા મળ્યો એનાથી એ ચોંકી ગયો. સવાલ પુછાયો હતો પોયણી જેવી પ્રેમિકાને, પણ જવાબ મળ્યો કાળમીંઢ ખડક ઉપર વીંઝાતા હથોડા તરફથી! ‘ઊના-ઊના બાજરાના રોટલા ને રિંગણનું ભડથું! લ્યો, હવે ઊતરો હેઠા! ચોટીલા આવ્યું. બસ આંહી કેડે અડધો કલાક ઊભી રે’શે! ચોટીલાના ઓળો-રોટલા એક વાર ખાશો પછી જિંદગીભર નંઇ ભૂલો!’ઝટકા સાથે આંખો ઊઘડી ગઇ.

સામે પેલો અણઘડ ઊભો હતો. ખિખિયાટા કરતો, કાનમાં આંગળી નાખીને કારણ વગર ફેરવતો, ભૂખ ન લાગી હોય તો પણ ભોજન માટે આગ્રહ કરતો!ખંજન ખીમાણીથી હવે ન રહેવાયું. એ તપી ગયા, ‘ભાઇ, મેં તમારો કંઇ ગુનો કર્યો છે? તમારા પૈસા ઉછીના લઇને પાછા નથી વાળ્યા? તમે રસ્તે ચાલતાં જતાં’તાં ને મેં બે પગ વચ્ચે સ્કૂટર ઘુસાડી દીધું છે? નહીં ને? તો પછી ક્યારના શું કામ મારી ખેધે પડી ગયા છો? તમે જોતા નથી હું આંખ બંધ કરીને…?’ પેલો ડઘાઇ ગયો.

એના ચહેરા ઉપર માફીની માગણી ઊભરી આવી, ‘ભ’ઇ સાબ, મને શું ખબર કે તમે થાક્યા હશો ને તમને ઊંઘ આવતી હશે! મારા મનમાં એમ કે બસમાં જ્યાં લગી સાથે છીએ ત્યાં સુધી આપણે બધાંય એક માળાનાં પંખી કે’વાઇએ. તમને કંટાળો ન આવે એટલા હારુ હું તો વાતો કરતો’તો. હવે પછી જો એકેય શબ્દ બોલું તો ફટ કે’જો!’ એ તો રિંગણાનો ઓળો ને બાજરાનો રોટલો ખાવા માટે બસમાંથી ઊતરી ગયો, પણ ખંજનનો ભોજનથાળ ઊંધો વાળતો ગયો. મોટાભાગની બસ ભોજન માટે ખાલી થઇ ગઇ હતી.

ખંજન એકલો આસમાનમાં પથરાયેલા આથમતા સૂરજનાં ઉદાસ કિરણોને તાકતો બેસી રહ્યો. ખૂબ કોશિશો કરી, અનેક મથામણો કરી, પણ તૂટેલું ર્દશ્ય ફરી પાછું ન સંધાયું તે ન જ સંધાયું. વાંકાનેર ગયું, મોરબી ગયું ને ભચાઉ પણ ગયું. હવે ઊંઘ નહોતી આવતી અને ખામોશી પણ નહોતી આવતી. સામે બેઠેલા અડબંગ આદમીએ વિચારોની આખી રંગોળી વીખી નાખી હતી. ખંજન ખીમાણી દાંત ભીંસીને એની સામે જોઇ રહ્યા, હોઠ ભીંસીને બેઠા રહ્યા.

પેલો અડબંગ પણ ખંજનની નારાજગી હવે સમજી ગયો હતો. છેક ભચાઉ સુધી એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિના એ બસી રહ્યો. ભચાઉ છોડીને બસ ભુજના રસ્તે આગળ વધી, ત્યારે એણે શર્ટના ખિસ્સામાંથી સેલફોન બહાર કાઢ્યો. કોઇની સાથે મોટેથી વાતો કરવા લાગ્યો, ‘રવજીકાકા, હું દુર્લભજી બોલું છું. અમારી બસ લગભગ અડધા કલાક પછી ભુજ આવી પહોંચશે. તમે લેવા માટે આવવાના ને? ના, ખામોશીબે’નને ન મોકલતા. ઠંડી વધારે છે અને મોડુંયે થયું છે. ભલેને ગાડીમાં આવવાનું હોય, પણ બે’નને ન મોકલશો. તમે જ આવજો.

લ્યો ત્યારે, ફોન મૂકું છું…’ખંજન ખીમાણી ટટ્ટાર થઇ ગયા. ખામોશી? અને રવજીકાકા? આ તો એ જ! એનો અર્થ એ થયો કે એ હજુ સુધી કુંવારી જ છે અને પિયરમાં જ…? મારે જ આટલાં વરસોમાં ક્યારેય ભુજ આવવાનું નથી બન્યું એટલે એની ભાળ ન મળી. કદાચ એના પપ્પાએ ઘર બદલી નાખ્યું હશે. પણ સામે બેઠેલો અડબંગ મારી ખામોશીને કાર લઇને બસ અડ્ડાપર આવવાની મનાઇ શા માટે કરે છે?! એને ચીસ પાડીને કહેવાનું મન થઇ ગયું, ‘હે ભાઇ! હે મહાપુરુષ! તારી મુઢ્ઢીઓ સાચાં મોતીઓથી ભરી દઉં, તું પાછો ફોન લગાડ! રવજીકાકાને કહી દે કે સાથે મારી ખામોશીને પણ લેતા આવે. જિંદગીમાં એક વાર એને…’ પણ એની સામે જુએ તો કંઇક વાત થાય ને? બસ દોડતી રહી, દોડતી રહી, દોડતી જ રહી!

(શીર્ષક પંક્તિ : ગિરીશ પરમાર)

રણમાં ખીલ્યું ગુલાબ, ડૉ. શરદ ઠાકર

પૂછો નહીં પરિચય ઓ દોસ્તો! અમારો, આદર કરો!

નામ લખો, સાહેબ! અનુત્તરા વરદાન ત્રિવેદી. મારી વાઇફ છે. નવમો મહિનો બેસી ગયો છે. ડિલીવરી તમારા હાથે કરાવવાની છે. નામ રજીસ્ટર કરાવવા આવ્યાં છીએ.’દર્દીઓ આવ્યા છે અને આવતાં રહેશે, પણ આટલી મુદ્દાસર રજુઆત કરનારા માણસો બહુ ઓછા મળે છે. વરદાન એની આ ખાસિયતના કારણે મને યાદ રહી ગયો છે, નહીંતર આટલી વિગત જાણવા માટે મારે બીજા દર્દીને ઓછામાં ઓછા પાંચ પ્રશ્નો પૂછવા પડે છે.

કેસ પેપરમાં નામ ટપકાવતાં મેં વિચાર્યું કે નામ બંનેનાં સુંદર છે, અનુત્તરા અને વરદાન. પછી એ પહેલીવારના પંદરેક મિનિટના કન્સલ્ટિંગ સમયમાં મને ખાત્રી થઇ કે નામ કરતાં પણ વધારે સુંદર તો એ બે જણાં પોતે છે. અનુત્તરા એ ઈશ્વરનું એવું રૂપાળું સર્જન હતી જેનો માનવજાત પાસે કોઇ ઉત્તર ન હોઇ શકે. અને વરદાન તો સાક્ષાત્ પ્રભુના વરદ હસ્તે નારીજાતિ માટે અપાયેલું શ્રેષ્ઠ વરદાન હતું.

વરદાનનું વર્તન શ્રેષ્ઠ હતું. અનુત્તરા અને એનાં પેટમાં ઊછરી રહેલા ગર્ભ વિશે પૂછવા જેવું બધું જ એ એક કાગળમાં લખીને આવ્યો હતો. ‘મારી પત્નીનું બ્લડપ્રેશર કેટલું છે? હિમોગ્લોબીન ઓછું તો નથી ને? ડિલીવરી નોર્મલ રીતે થશે કે સિઝેરીઅન દ્વારા એ મહત્વનું નથી, પણ બંને જીવો સલામત તો રહેશે ને? પ્રસૂતિ વખતે કઇ કઇ કોમ્પ્લિકેશન્સ થઇ શકે? અને એ તમામ સ્થિતિઓને પહોંચી વળવાની સુવિધા તમારા નર્સિંગ હોમમાં છે કે નહીં? અમારું બાળક જન્મે ત્યારે બાળકોના નિષ્ણાત ડોક્ટર હાજર હશે કે નહીં? ડિલીવરી તમે જાતે કરાવશો કે સ્ટાફ-નર્સ દ્વારા?’ આવા બધાં જ સવાલો એણે પૂછી લીધા.

વરદાનની પૂછપરછ કરવાની શૈલીમાં ક્યાંય ચાંપલાશ, વાયડાઇ, ઉદ્ધતાઇ કે આછકલાઇ વરતાતાં ન હતાં, હતી માત્ર પત્ની માટેની ચીવટ, નિસબત, ચિંતા, કાળજી અને શિક્ષિત પતિ તરીકેની સભાનતા. મેં એના બધા જ સવાલોના શાંતિથી સંતોષદાયક જવાબો આપ્યા. એણે ખિસ્સામાંથી પાકિટ કાઢયું, મારી ફી ચૂકવી, મારો આભાર માન્યો અને અનુત્તરાનાં ખભા પર હાથ મૂકીને ‘લેડીઝ ફર્સ્ટ’ એવું બોલ્યા વગર જવા માટે એનાથી આગળ કરી દીધી.

‘મિ.વરદાન’ મારાથી કહ્યા વિના ન રહેવાયું. એ પાછળની તરફ ફર્યો, ‘યસ, સર!’મેં મારા મનની વાત કહી નાખી, ‘મારે તમને અભિનંદન આપવા છે. બે વાત માટે.’‘આપી દો, સાહેબ!’‘મને જે પહેલી વાત ગમી તે એ કે તમે જે કંઇ ધંધો, નોકરી કે વ્યવસાય કરતા હશો, એમાંથી સમય કાઢીને તમારા પત્ની માટે, તમારા પત્નીની સાથે આવ્યા છો. બાકી મોટા ભાગના પુરુષો તો પોતાની પત્નીઓને એમની મમ્મીઓ કે સાસુઓની સાથે જ મોકલી દેતા હોય છે.

એ જુનવાણી ડોશીઓ એટલી બધી અવૈજ્ઞાનિક અને જડવાદી હોય છે કે આધુનિક તબીબી વિજ્ઞાનની તમામ સલાહોને પડીકીમાં બાંધીને ફાકીની જેમ ગળી જાય છે. અને પછી શરૂ થઇ જાય છે દેશી ઓસડિયાં, ડોશીવૈદાના પ્રયોગો અને અંધશ્રદ્ધાની ભરમારો. આ દેશમાં જન્મેલી દરેક સ્ત્રી ચાલીસી વટાવ્યા પછી પોતાની જાતને સૌથી મોટી ગાયનેકોલોજિસ્ટ માનવા લાગે છે. તમારા જેવા ભણેલા-ગણેલા પતિઓ પોતાની પત્નીને આધુનિક પ્રસૂતિવિજ્ઞાનનો મહત્તમ લાભ અપાવી શકે છે. તમારી આ ચેષ્ટા મને ગમી.’

‘થેન્કયુ, સર! અને બીજી વાત…?’‘યસ! બીજી વાત! તમે પૂછવા જેવા લાખ સવાલો પૂછ્યા, પણ એક સવાલ ન પૂછ્યો, મારા નર્સિંગ હોમમાં નોર્મલ ડિલીવરી અને સિઝેરિયનનું બિલ કેટલું આવે છે તે તમે ન પૂછ્યું.’

‘એ ક્યારેય નહીં પૂછું, સર! દરેક ડોક્ટરને એની મહેનત, કાળજી અને હોંશિયારીનું વળતર માગવાનો અધિકાર હોય છે. અને પહેલેથી પૂછવામાં અને ન પૂછવામાં એકાદ-બે હજાર રૂપિયાથી વધુ મોટો ફરક નથી પડતો એ હું જાણું છું. અને સૌથી મોટી વાત, મારી પત્નીનાં આવનારાં બાળકનું મૂલ્ય મારે મન કરોડો રૂપિયા કરતાંયે વધારે છે, તમે એટલી ફી તો નથી માગવાના ને, સર?’

બંને ગયા, મને દિવસભર ચાલે એટલી પ્રસન્નતા આપીને ગયાં. એ પછી અનુત્તરા માંડ એક-બે વાર ‘ચેક-અપ’ માટે આવી હશે, ત્યાં તો એની સુવાવડનો સમય ભરાઇ ગયો. એક દિવસ વહેલી સવારે એ પ્રસૂતિ-પીડા સાથે નર્સિંગ હોમમાં આવી, ત્યારે ભગવાન સવિતાનારાયણ હજુ તો પૂર્વ દિશામાં ગુલાલ છાંટતાં, સાત અશ્વોની બગી ઉપર સવાર થઇને ક્ષિતજિ ઉપર ડોકિયું કરી રહ્યાં હતાં. રોજ સાડા નવે જાગનારો હું છ વાગ્યે આંખો ચોળતો ઊઠી ગયો અને નીચે દોડી આવ્યો.

વરદાન મોંઘા બ્રાન્ડેડ નાઇટ ડ્રેસમાં સજ્જ હતો. મને સમજાઇ ગયું કે પત્નીની ચીસ સાંભળીને આ પુરુષ કપડાં બદલવા પૂરતોયે રોકાયો ન હતો. ‘મિ.વરદાન, આવા કથોરા સમયે સુવાવડી બાઇની સાથે મોટા ભાગે તો મા, સાસુ કે ભાભી, નણંદ જ આવતાં હોય છે. આમાંનું કોઇ ન હોય તો પડોશણો આવે છે. પતિદેવો તો છેક બાળક જન્મે ત્યારે પેંડા વહેંચવા માટે આવતા હોય છે.

મને લાગે છે કે તમારા ઘરમાં મહિલા-જગતનું એક પણ પાત્ર હાજર નહીં હોય, એટલા માટે જ તમે…’વરદાને સ્વસ્થતાપૂર્વક જાણકારી આપી, ‘મારા ઘરમાં અત્યારે મારી મા, મારી ત્રણ જુવાન બહેનો, અનુત્તરાની મમ્મી અને એની ભાભી હાજર છે. પણ એ બધાંની જરૂર તો બાળકના જન્મ પછી પડશે. અત્યારે તો મારા જેવા જવાબદાર પુરુષની હાજરી મહત્વની ગણાય. માટે હું આવ્યો છું.’ મેં કહ્યું, ‘તારી વાત મને ગમી. તને શાબાશી આપવી પડે તેવી આ ત્રીજી વાત છે.’

પછી તો ઉપરા-છાપરી સારી-સારી ઘટનાઓ બનતી રહી અને શાબાશીની સંખ્યાઓ પણ વધતી ગઇ. બપોરે બારેક વાગ્યે અનુત્તરાની ચીસો સાંભળીને વરદાન મારી પાસે દોડી આવ્યો, ‘સાહેબ, મને લાગે છે કે અનુત્તરાનું દર્દ હવે હદ વટાવી રહ્યું છે, તમે સિઝેરીયન કરી નાખો!’‘મને હાલમાં એની જરૂર લાગતી નથી. અનુત્તરાનું દર્દ હદ નથી વટાવી ગયું, પણ એની સહનશક્તિની હદ આવી ગઇ છે. આપણે એક-દોઢ કલાક સુધી રાહ જોઇએ. પછી ઓપરેશનનો વિચાર કરીશું.’

બરાબર દોઢ વાગ્યે અનુત્તરાએ દીકરીને જન્મ આપ્યો. નવજાત બાળકીનું રડવાનું શરૂ થયું અને ‘નવજાત’ મમ્મીની ચીસો બંધ થઇ ગઇ. હું ટાંકા લેવાનું પતાવીને બહાર નીકળ્યો ત્યારે વરદાન મારી સામે આઇસક્રીમનો કપ લઇને ઊભો હતો.હું હસ્યો, ‘દીકરો જન્મે તો પેંડા અને દીકરી જન્મે તો જલેબી એવું તો આજ સુધી જોતો આવ્યો છું, પણ આ આઇસક્રીમ…?’‘આઇસક્રીમ તો તમારો થાક ઉતારવા માટે છે, સર! બાકી પેંડા તો કિલોગ્રામના નહીં, પણ મણનાં ભારમાં વહેંચવાના છે.

દીકરી જન્મી છે માટે જલેબી વહેંચી એવું જો મારી દીકરીને મોટી થયાં પછી ખબર પડે તો એનાં બાપ વિશે એ શું ધારે?’મને પછી ખબર પડી કે દીકરીનાં જન્મનાં સમયે જ વરદાને ત્યાં ઊભેલા તમામ મનુષ્યજીવોને આઇસક્રીમ ખવડાવવા માટે જ પૂરા બારસો રૂપિયા ખર્ચી નાખ્યા હતા. એમાં બીજા દર્દીઓના સગાંઓને પણ બાકાત રાખ્યા ન હતા. બીજા દિવસે વળી બીજી વાત જાણવા મળી, નર્સિંગ હોમમાં કામ કરતી દરેક કર્મચારી સ્ત્રીને એણે પાંચસો એક રૂપિયા વધામણી પેટે આપ્યા હતા. આટલો ખર્ચો તો ‘અમદાવાદી’ પુરુષો બિલ પેટે ડોક્ટરને પણ નથી ચૂકવતા…!! સૌથી આશ્ચર્ય આપનારી વાત છેક સાતમા દિવસે જાણવા મળી.

રજા લઇને ઘરે ગયેલી અનુત્તરા ફોલો-અપ માટે આવી ત્યારે એણે મને કહ્યું, ‘સર, એક ખાનગી વાત કહું? આ દીકરી વરદાનની નથી! મારા દગાબાજ પ્રેમીનું આ બીજ છે. એ બદમાશ મને ગર્ભવતી બનાવીને અદ્રશ્ય થઇ ગયો, ત્યારે મને સાતમો મહિનો જતો હતો. હું આપઘાત કરવા માટે ટ્રેનના પાટા ઉપર સૂઇ ગઇ હતી, ત્યાંથી આ ઈશ્વરનો અવતાર મને લઇ આવ્યો. મને નવી જિંદગી આપી, માનભર્યું સ્થાન આપ્યું, મારા સેંથામાં, કપાળમાં અને જીવતરમાં સિંદૂરી રંગ ભરી દીધો. આવા પુરુષને શાબાશીઓ તમે શું આપવાના, સાહેબ! શાબાશી તો હું એને આપું છું, દિન-પ્રતિદિન, હર કલાકે, ક્ષણે-ક્ષણે હું મારા વર ઉપર વહાલ બનીને વરસતી રહું છું. અને હવે અમે મા-દીકરી બંને વરસીશું. જગતમાં બધી જાતના પુરુષો મળે છે, પણ પારકા બગીચાનું ફૂલ પોતાના દાંપત્યના દીવાનખંડની ફૂલદાનીમાં સજાવીને મૂકે એવો મર્દ જવલ્લે જ મળે છે. મારો વરદાન તો ઇશ્વરે આપેલું વરદાન છે.’-

(શીર્ષક પંક્તિ: મુસાફિર પાલનપુરી)

drsharadthaker@yahoo.com

‘ઓહ, ગોડ! ભારે થઈ!’

‘ઓહ, ગોડ! ભારે થઈ!’ ચાલુ ઓપરેશને ડૉ. પટેલના મુખમાંથી આ ચિંતાજનક શબ્દો સરી પડ્યા. ઓપરેશન થિયેટરમાં ઉપસ્થિત એનેસ્થેટિસ્ટ ખુદ ખળભળી ગયા. ડૉ. પટેલના સહાયક ડૉક્ટર, સાધનો પૂરાં પાડનારી નર્સ, સાફસૂફી માટે ઊભેલી આયાતમામ ચોંકી ગયાં. શસ્ત્રક્રિયા ચાલુ હોય અને મુખ્ય ડૉક્ટર જ જો આવું બોલે, તો એનો અર્થ શો થાય એ કહેવાની ખાસ જરૂર નથી એવું હું સમજું છું.
‘શું થયું, ડૉ. પટેલ?’ એનેસ્થેટિસ્ટે બેબાકળા સ્વરે પૂછ્યું. એમની બેચેનીનું કારણ જુદું હતું. ડૉ. પટેલના મોઢામાંથી ‘ભારે થઈ!’ શબ્દો સાંભળ્યા, એ સાથે જ એમણે પહેલું કામ પેશન્ટની પલ્સ, બ્લડપ્રેશર, હૃદયની ગતિ, શ્વાસોચ્છ્વાસ વગેરે ચકાસી લેવાનું કરી લીધું. બધું જ બરાબર હતું, ઠીકઠાક હતું. એ પછી તરત જ એમણે એક બારીક નજર ઓપરેશનના વિસ્તાર ઉપર ફેંકી લીધી. સમરાંગણમાં સંપૂર્ણ શાંતિ છવાયેલી હતી. મતલબ કે દર્દીનું ઉઘાડું, ચિરાયેલું પેટ રક્તસ્ત્રાવનું રેડ સિગ્નલ દર્શાવતું ન હતું. ગર્ભાશય, આંતરડા, મૂત્રાશય અન્ય તમામ અંગો યથાવત્ હતાં. જ્યાં જરૂરી હતી એટલી જ કાપકૂપ થયેલી હતી. અને એ પણ હવે સીવાઈ ચૂકી હતી. ઓપરેશન પૂર્ણતાને આરે હતું. બસ, પેટરૂપી પેટીનું ઢાંકણ બંધ કરવાની જ વાર હતી.
‘શું થયું, સર?’ સહાયક ડૉક્ટરે પણ પૂછી નાખ્યું.
‘નિડલ તૂટી ગઈ!’ ડૉ. પટેલે જવાબ આપ્યો, ‘હોલ્ડરમાં દોરા સાથે જોડાયેલો અડધો ભાગ બચ્યો છે, બીજો અડધો હિસ્સો ભાંગીને પેટમાં ગરક થઈ ગયો છે. ક્યાંય દેખાતો નથી.’
ત્રીસપાંત્રીસ વર્ષ પૂર્વેની વાત છે. એ જમાનામાં ટાંકા લેવા માટેની સાધનસામગ્રી આજના જેવી અત્યાધુનિક ન હતી. સોયની ગુણવત્તા પણ અત્યારના જેટલી સારી ન હતી. જો કે મૂળભૂત રીતે જ ટાંકા લેવાની અર્ધચંદ્રાકાર સોય એટલી પાતળી હોય છે કે એ ગમે તેનાથી ગમે ત્યારે તૂટી જઈ શકે છે, ત્યારે પણ અને અત્યારે પણ.
પણ મોટી ઉપાધી એ વાતની હતી કે નિડલનો ભાંગેલો ટુકડો પેટની ગુહામાં ગુમ હતો. અડાબીડ જંગલમાં ઘાસનું તણખલું શોધવું સહેલું છે, પણ જીવતા માણસના પેટમાંથી સોયનો નાનો ટુકડો શોધવો એ અતિશય દુષ્કર કાર્ય છે. નાનું આંતરડું, મોટું આંતરડું, ગર્ભાશય, ઓમેન્ટમ નામનો ચરબીયુક્ત ભાગ, મૂત્રાશય, ફેલોપિઅન નળીઓ, નાનાંમોટાં લોહીનાં ખાબોચિયાં અને આ બધાં કરતાં ચડી જાય એવો ઘડિયાળનો કાંટો. સમયની ટીકટીક તમને ખોવાયેલી ચીજ શોધવા માટે પૂરતી મોકળાશ પણ ન આપે. દર્દીને આપેલ એનેસ્થેસિયાની અસર પૂરી થવામાં હોય. દસ મિનિટ કરતાં વધુ સમય બગાડો તો દર્દી ભાનમાં આવી જાય. મોટું ઑપરેશન હોય એટલે દોઢબે કલાક તો નીકળી જ ગયા હોય.
ડૉ. પટેલ જાણે પ્લેન છૂટવાનું હોય અને ટિકિટ શોધતા હોય એમ સોય માટે ફાંફાં મારવાં માંડ્યાં. પણ સોયને જાણે ધરતી ખાઈ ગઈ કે પછી આસમાન ગળી ગયું એ વાતની ખબર જ ન પડી. વીસ મિનિટ પસાર થઈ ગઈ.
એનેસ્થેટિસ્ટે તાકીદ કરી, ‘પેશન્ટ ઇન્ડ એબાઉટ ટુ કમ આઉટ ઑફ ધી ઇફેક્ટ ઑફ એનેસ્થેસિયા. કાં તો પેટની દીવાલના ટાંકા ચાલુ કરી દો, કાં પછી મારે વધુ એનેસ્થેસિયા આપવું પડશે.’
બીજો વિકલ્પ જોખમી હતો. અને સોય જડ્યા વગર જ પેટ બંધ કરી દેવું એ પણ ચિંતા કરાવે એવું હતું. ડૉ. પટેલે દર્દીનો વિચાર કરીને ઓપરેશન પૂરંુ કરી દીધું. સોયનો ટુકડો દર્દીને ભવિષ્યમાં નુકસાન કરી શકે, તો જોયું જશે. એટલા ખાતર દર્દીનો વર્તમાન જોખમમાં મૂકી શકાય નહીં.
પણ એ રાત્રે ડૉ. પટેલને ઊંઘ ન આવી. શું થશે, ભવિષ્યમાં કંઈક કોમ્પ્લિકેશન થશે ત્યારે જો દર્દી કે એનાં સગાંને સાચી વાતની જાણ થશે તો એ લોકો શું કરશે? ઝઘડવા આવશે? કોર્ટમાં કેસ કરશે? પૈસાનું વળતર માગશે?
બીજે દિવસે એમણે અમદાવાદના અને ભારતના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડૉ. નાડકર્ણી સાહેબ (હવે સ્વર્ગસ્થ)ની સલાહ લીધી. સાહેેબે એમની રાજવી શૈલીમાં કહી નાખ્યું, ‘ઇસ મેં ડરને કી ક્યા જરૂરત હૈ? તૂ પેશન્ટ કો સાફસાફ બતા દે કિ તેરે પેટ મેં સૂઈ ટૂટ ગઈ હૈ. કોઈ પ્રોબ્લેમ નહીં હોગા. અૌર અગર તકલીફ પૈદા હુઈ, તો મેરે પાસ આ જાના. દૂસરા ઓપરેશન કર કે મૈં ઉસે નિકાલ દૂંગા.’
ડૉ. પટેલ નાડકર્ણી સાહેબના જ શિષ્ય હતા. એ પોતે પણ વરિષ્ઠ અને અનુભવી હતા. વધુમાં અમદાવાદની પ્રજાની માનસિકતાથી માહિતગાર પણ હતા. નાડકર્ણી સાહેબની સલાહ એમને પૂરેપૂરી જોખમી લાગી. એટલે એમણે ડૉ. બેન્કર (હવે તો એ પણ સદ્ગત)ની સલાહ પૂછી.
ડૉ. આર. એન. બેન્કરે તબીબી નીતિમત્તા અને વ્યવહારુ બુદ્ધિમત્તાનો સમન્વય કરીને રસ્તો સુઝાડ્યો, ‘તમે એક કામ કરો. નાડકર્ણી સાહેબની જ વાત જરા અલગ શૈલીમાં રજૂ કરો. આપણી જે ભૂલ થઈ છે એનાથી દર્દીને અજાણ્યા રાખવામાં કોઈનુંયે હિત નથી સમાયું. પણ જે તથ્ય છે એને જરાક ફેરવીને કહેવાથી તમે પણ આફતમાંથી બચી જશો.’
‘એવા ઉપાયની તો હું શોધમાં છું. મારે શું કહેવાનું છે?’ ડૉ. પટેલે પૂછ્યું. અને ડૉ. બેન્કરે એમના અનુભવના ભાથામાંથી એક અસરદાર તીર બહાર કાઢ્યું.
‘જો, ભાઈ! તારી પત્નીનાં ઓપરેશનને આજે આઠ દિવસ થઈ ગયા છે. ગઈ કાલે એના ટાંકા કાઢી નાખ્યા છે. સારા છે. એ ખોરાક લઈ શકે છે. હરીફરી શકે છે, ઝાડોપેશાબ કરી શકે છે. આવતી કાલે એને ઘરે લઈ જવામાં કશો વાંધો નથી.’ ડૉ. પટેલે દર્દીના ધણીને બોલાવીને વાતની શરૂઆત કરી.
‘સાહેબ, ખાસ કશી વાતનું ધ્યાન રાખવા જેવું…?’
‘હા, એક વાત છે.’ ડૉ. પટેલ આ જ ક્ષણની રાહ જોઈને બેઠા હતા, ‘એક વાત તારે સમજવા જેવી છે. તારી ઘરવાળીના ઓપરેશન વખતે એના પેટની અંદર એક જગ્યાએથી વધુ પડતું બ્લીડિંગ થતું હતું. એને બંધ કરવા માટે અમે એક નાનકડી, સ્ટેઇનલેસ સ્ટીલની ‘ક્લિપ’ લગાડી આપી છે. આમ તો એ ક્લિપને કારણે કશું થશે નહીં. પણ કદાચ છે ને તે ભવિષ્યમાં પેટમાં એ ચૂભે, તો દુઃખાવો થઈ શકે. જો એવું થાય તો મારી પાસે આવી જજે. હું નાનકડો ચીરો મૂકીને એ કાઢી આપીશ. પૈસાની ચિંતા ન કરીશ.’
આટલી જ વાત. એ પણ સાવ હળવાશથી કહેવાયેલી. તત્ત્વતઃ આમાં કશું ખોટું પણ ન હતું. મોટા ભાગના કિસ્સાઓમાં સોયનો આવો નાનો ટુકડો કશી જ તકલીફ પેદા નથી કરતો હોતો. જિંદગી આખી ક્યાંક ખૂણામાં પડ્યો રહે છે. એટલે દર્દી અને એનાં સગાંને સો ટકા સત્ય કહીને બિવરાવી મારવાનો કશો અર્થ નથી હોતો. અને અંતે જે કરવાનું છે એ તો ડૉક્ટરે જ કરવાનું હોય છે. તો પછી દર્દીના માનસિક સ્વાસ્થ્ય ખાતર સત્ય સાથે થોડુંક અડપલું કરવામાં કયો મોટો નૈતિક અપરાધ છે?
આ કિસ્સામાં પણ બધું ધાર્યા મુજબ જ બન્યું. ઓપરેશનના ત્રણ મહિના પૂરા થયા પછી એ બાઈ અને એનો ઘરવાળો ડૉ. પટેલ સાહેબ પાસે આવ્યા.
‘સાહેબ, થોડું થોડું દુખે છે.’
‘દાખલ થઈ જાવ. કાલે સવારે જ તમારંુ પેટ ખોલીને તમારો ‘દુખાવો’ કાઢી આપું છું.’ ડૉ. પટેલે સલાહ આપી. દર્દીના પેટનો એક્સરે પાડીને ગુમ શુદા, ફરાર, ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ એવી એ સોયનો ખુફિયા અડ્ડો ડૉક્ટરે શોધી કાઢ્યો. પછી બીજા દિવસની સવારે નાનકડું ઓપરેશન કરીને એ ટુકડો દૂર કરી નાખ્યો.
મહત્ત્વની વાત એ છે કે આ બીજાવારના ઓપરેશન માટે ડૉ. પટેલે દર્દી પાસેથી ચાર્જ પેટે એક પૈસો પણ ન લીધો. સોય તૂટે એમાં ડૉક્ટરનો કશો વાંક નથી હોતો. પણ તો પછી દર્દીનો પણ ક્યાં કંઈ વાંકગુનો હોય છે? કિસ્મત આડું ફાટે ત્યારે દર્દીએ શારીરિક દ્રષ્ટિએ સહન કરવું પડે અને ડૉક્ટરે પૈસા જતા કરવા પડે.
આ એ જમાનાની વાત છે જ્યારે આવી કોમ્પ્લિકેશનની ઘડીએ વરિષ્ઠ ડૉક્ટરો પોતાનાં અને દર્દીનાં તમામ હિતોનો વિચાર કરીને કુશળતાપૂર્વકનો નિર્ણય લેતા હતા. એટલે જ કદાચ ગ્રાહકસુરક્ષા ધારાની એ વખતે જરૂરત નહોતી જણાવી.

શીર્ષક પંક્તિ ઃ યશવંત ઠક્કર

યાદને તારી વિસરવા એક ભવ ઓછો પડે,આ અગનજવાળાને ઠરવા એક ભવ ઓછો પડે

‘મારું નામ ચંદ્રેશ અને આ મારી પત્નીનું નામ ચંદ્રિકા અને આ એની ફાઇલ.’ આટલું કહીને ચાલીસેક વર્ષના એ મધ્યમવર્ગીય પુરુષો પ્લાસ્ટિક બેગમાંથી એક દળદાર ફાઇલ બહાર કાઢી, મારા ટેબલ ઉપર મૂકી દીધી.ફાઇલ જોતા પહેલાં હું એ પતિ-પત્નીને જોઇ રહ્યો. બંને દુ:ખી દેખાતા હતા, પણ બીમાર નહીં. શેની હશે આ ફાઇલ?‘ચંદ્રેશભાઇ, મને તમારા પત્નીનો કેસ પેપર તૈયાર કરવા દો. હું પૂછું તે સવાલોના જવાબો આપો. પછી શારીરિક તપાસ કરીને એમની બીમારીનું નિદાન કરવા દો. આ બધું કરતાં પહેલાં એમની ફાઇલ જોવાથી તો મારું નિદાન પ્રભાવિત થઇ જશે. મારા મગજમાં કેટલાંક પૂર્વગ્રહો ઘૂસી જશે.’

 

‘સમજું છું, સાહેબ! પણ એટલા બધા ડોક્ટરોને મળી ચૂક્યા છીએ કે હવે પૂર્વગ્રહો અમારા દિમાગમાં ઘૂસી ગયા છે. તમારે કેસની વિગતો જાણવી છે ને? લો, ટૂંકમાં જણાવી દઉં, અમારે સંતાનમાં એક દીકરો છે. બાર વરસનો. એ પછી મારી પત્નીને ગર્ભ રહ્યો નથી. અમારે બીજું બાળક જોઇએ છે. આ ફાઇલમાં રિપોર્ટ્સ અને સારવારના કાગળોનો ખડકલો છે. સારા સારા ડોક્ટરોની ક્લિનિકોના ઊંબરા ઘસી નાખ્યા. લેબોરેટરી અને સારવાર પાછળ પાકિટ, ખિસ્સાં અને બેન્ક એકાઉન્ટ ખાલી કરી નાખ્યા. ડોક્ટરોના ખોબા ખણખણતા રૂપિયાઓથી છલકાવી દીધા, પણ અમારો ખોળો હજુ પણ ખાલીનો ખાલી જ રહ્યો છે. તમારી પાસે એક જ વિનંતી લઇને આવ્યા છીએ, કાં સંતાન થાય એવી સારવાર આપો, કાં તો નથી થવાનું એવું ભવિષ્ય વાંચી આપો!’

 

હું સમજી ગયો, આ પતિ-પત્ની આર્થિક, શારીરિક અને માનસિક એમ ત્રણેય રીતે ભાંગી પડેલા હતા. મારે બીજું કંઇ કરવાનું ન હતું, જો શક્ય હોય તો એમના સ્વપ્નમહેલની જર્જરિત દીવાલને મજબૂત આધાર આપી દેવાનો હતો અને નહીંતર એને આખરી ધક્કો મારી આપવાનો હતો.

 

મેં ફાઇલ હાથમાં લીધી. પંદરેક મિનિટના ફાઇલ-વાંચનથી હું એટલું સમજી શક્યો કે અમદાવાદના આઠેક ગાયનેકોલોજિસ્ટ્સના અધ્યતન વંધ્યત્વ કેન્દ્રોના આંટાફેરા અને એમની સાથે સંલગ્ન ખર્ચાળ લેબોરેટરઝિના ચક્કરો ખાઇ-ખાઇને આ પતિ-પત્નીએ બેથી અઢી લાખ રૂપિયાનું પાણી કરી નાખ્યું હતું.

 

આકાશમાંથી વરસતું પાણી તો સારું કે તેનાથી અનાજ ઊગે! આ ફાઇલમાંથી ટપકતા ખર્ચાઓના પાણીમાંથી તો સળગતા અંગારા જેવી નિરાશા અને ખરતી રાખ જેવો નકાર વરસતો હતો.‘સોરી, ચંદ્રેશભાઇ! તમારા પત્ની ફરી વાર મા બની શકે તેવી કોઇ શક્યતા નથી. હવે એમની એક પૈસાનીયે સારવાર કરાવશો નહીં.’

 

મારા કન્સલ્ટિંગ રૂમમાં સન્નાટો છવાઇ ગયો. ચંદ્રેશભાઇ અને ચંદ્રિકાબહેન કદાચ આ આગાહી સાંભળવાની માનસિક તૈયારી સાથે આવ્યા હતા, તો પણ પળ-બે-પળ પછી એમની આંખો વરસવા માંડી.‘એમાં તમે આટલા બધા દુ:ખી શા માટે થઇ જાવ છો?’ મેં એમને આશ્ચાસન આપવાના આશયથી કહ્યું, ‘તમારે એક દીકરો તો છે ને! બાર વરસનો! ભગવાન એને સો વરસનો કરશે! આ મોંઘવારીમાં આમ પણ બીજું સંતાન આજકાલ કોને પરવડે છે?!’

 

ચંદ્રિકાબહેન અત્યાર સુધી ખામોશ હતા, હવે પહેલી વાર એમણે મોં ઊઘાડ્યું, ‘હા, સાહેબ! અમારે એક દીકરો છે. બાર વરસનો વિલય. પણ એનું મૃત્યુ નજીકમાં છે. એનો રોગ અસાધ્ય છે અને મોત નિશ્વિત. ગમે ત્યારે અમે ફરી પાછા બાળક-વિહોણા બની જવાના છીએ. વિલયને અમે સાથે લઇને આવ્યા છીએ. એને બહાર બેસડ્યો છે. તમે હા પાડો તો એને અંદર લઇ આવીએ. એની બીમારીની ફાઇલ પણ અમે સાથે લાવ્યા છીએ. તમને વાંધો ન હોય તો…’

 

***

 

ચંદ્રેશભાઇ બહાર જઇને એક નાની વ્હીલચેરમાં બેઠેલા એમના લાડકવાયાને લઇ આવ્યા. બાર વરસનો વિલય. ગોરું-ગોરું ઘાટીલું મોં. મોટી હસતી આંખો. એનો શારીરિક વિકાસ પહેલી નજરે નોર્મલ લાગે. પણ એના બંને પગ સાવ પાતળા અને અશકત છે એવું દેખાઇ આવે. એણે મારી સામે જોઇને બંને હથેળીઓ ભેગી કરી, ‘નમસ્તે, અંકલ!’

 

હું શું આશીર્વાદ આપું? શરદ હોવા છતાં એને હું કહી શકતો નહતો: શતમ્ જીવ શરદ:! એનો દેહ કહી આપતો હતો કે એની બીમારી શી હોઇ શકે! ફાઇલનાં પૃષ્ઠોએ મારી ધારણાની પુષ્ટિ કરી આપી.

 

ઘણું બધું ફાઇલ બોલતી હતી, જે ખૂટતું હતું એ ચંદ્રેશભાઇ કહી રહ્યા હતા. ‘ચાર-પાંચ વરસનો થયો ત્યાં સુધીનો વિલય સાવ નોર્મલ હતો. શાળાએ પણ જતો હતો. ઘરે આવીને પડોશીઓના છોકરાઓ સાથે રમતો પણ હતો. શરીર એવું ભરાયેલું હતું કે જોનારની નજર લાગી જાય! અચાનક એક દિવસ એના બંને પગમાં સોજા આવ્યા. બાકીના શરીર કરતાં પગ જાડા દેખાવા લાગ્યા. ઊઠતી વખતે એણે બે હાથ વડે ગોઠણનો ટેકો લેવો પડે. પછી હાથ કેડ ઉપર મૂકવા પડે.

 

પગ જાડા થયા, પણ મજબૂત નહીં. ડોક્ટરને બતાવ્યું ત્યારે ખબર પડી કે અમારા દીકરાને લાખોમાં એક એવો વ્યાધિ લાગુ પડ્યો છે…’ આ વ્યાધિનું નામ ડુશેન્સ મસ્કયુલર ડસ્ટિ્રોફી. આ રોગ એવો છે જેની કોઇ સારવાર નથી. બાળકના શરીરના એક પછી એક સ્નાયુઓ ગળતા જાય. પગથી શરૂ થયેલું આ ગળતર ધીમે ધીમે ઉપર ચડતું જાય, પછી એક સમય એવો આવે કે એને શ્ચાસ લેવામાં તકલીફ પડવા માંડે અને પંદરથી વીસ વરસનો થતાં સુધીમાં એ મૃત્યુ પામે.

 

‘ચંદ્રેશભાઇ, આ રોગ તો તમારા બીજા બાળકોમાં પણ ઊતરી શકે છે. સારું છે કે ચંદ્રિકાબહેનને બીજું સંતાન થઇ શકે તેમ નથી.’ મેં વિલયનું નિદાન જાણ્યા પછી કહ્યું.‘સાહેબ, એ જે હોય તે! પણ અમારે એક બાળક તો જોઇએ જ. વિલયના ગયા પછી અમે જીવી નહીં શકીએ. તમે ગમે તે કરો, પણ…’

 

ચંદ્રેશભાઇના બોલવામાં આજીજી હતી અને ચંદ્રિકાબહેનના મૌનમાં આશા. મેં એમને એક ધારણા બહારનો તેમ છતાં વાસ્તવિક રસ્તો સૂઝાડ્યો, બાળક દત્તક લેવાનો! આમ કરવાથી એક કાંકરે ત્રણ પક્ષીઓ જીવી જવાના હતા, એક ત્યજી દેવાયેલા બાળકને મા-બાપ મળવાના હતા. એક ઝૂરતાં મા-બાપને તંદુરસ્ત બાળક મળવાનું હતું અને ગમે તે ક્ષણે મૃત્યુનો શિકાર બનવાની દિશામાં ધસી રહેલા વિલયને એક જીવતું રમકડું મળી જવાનું હતું. મેં સલાહ આપી, એ દંપતીએ હસતાં મુખે અને છલકતી આંખે સ્વીકારી લીધી.

 

***

 

મેં દિશાસૂચન કર્યું અને ઈશ્ચરે સહાય કરી. એક સંસ્થામાંથી ચંદ્રિકાબહેન અને ચંદ્રેશભાઇને છ માસનો દીકરો મળી ગયો. નામ મેં જ પાડી આપ્યું, ‘જે આથમી જવાનો છે તે વિલય છે, જે કાયમ માટે તમારી સાથે હશે એ નિત્ય હશે.’બીજા છ-સાત મહિના પછી એ બંને મને મળવા આવ્યા. એમની એક-એક આંખમાં ઉદાસી હતી, એક-એક આંખમાં સંતોષ અને સાથે તેર મહિનાનો નિત્ય હતો.ચંદ્રેશભાઇ સજળ આંખે કહી રહ્યા, ‘પંદર દિવસ પહેલાં જ વિલય મૃત્યુ પામ્યો.

 

આ છ મહિના એની જિંદગીનો શ્રેષ્ઠ સમય બની રહ્યા. નિત્યના આગમન પહેલાં એ મોટા ભાગનો સમય ટી.વી. જોવામાં કાઢતો હતો. પણ નિત્ય આવ્યા પછી એણે ટી.વી. જોવાનું બંધ કરી દીધું. બંને ભાઇઓએ ખૂબ મોજ-મસ્તી કરી લીધી. વિલયની ઇચ્છા ગાડીમાં બેસીને ઘૂમવાની હતી. મેં મારુતિ ફ્રન્ટી ગાડી ખરીદી. અમે ચારેય જણાં નાસિક-ત્રયંબકેશ્ચર-શીરડી જઇ આવ્યા. આખું સૌરાષ્ટ્ર ફરી વળ્યા. ખૂબ મજા કરી. ગયા મહિને અમે નિત્યની પહેલી વર્ષગાંઠ ઊજવી. વિલય ગયો, પણ પૂરો સંતોષ લઇને ગયો. ડોક્ટર સાહેબ, તમારો આભાર માનવા આવ્યા છીએ.’ ‘આભાર પછી માનજો! પહેલાં એ કહો કે વર્ષગાંઠની પાર્ટીમાં મને કેમ ન બોલાવ્યો?’

 

‘સાહેબ, ઇચ્છા તો બહુ હતી, પણ તમે કંઇ અમારા જેવા સાધારણ માણસોના ઘરે થોડા આવો? પણ તમારા માટે આ નાનકડી ભેટ લાવ્યા છીએ.’ ચંદ્રેશભાઇએ એક નાનકડું ગિફ્ટ-બોક્સ મારા હાથમાં મૂકર્યું. અંદરથી એક ટેબલ ઘડિયાળ નીકળી પડી. બંધ હતી. સેલ સાથે જ હતા. મેં સેલ નાખ્યા. કાંટા સરકવા માંડ્યા. મેં નિત્ય સામે જોયું. એ હાથ-પગ ઊછાળીને ધમાલ કરી રહ્યો હતો. મને લાગ્યું કે વિલયના અવસાનથી બંધ પડેલી એ પરિવારની ઘડિયાળના કાંટા પણ નિત્ય નામની બેટરીથી ફરીથી ચાલતા થઇ ગયા હતા.‘

(શીર્ષક પંક્તિ: મુસાફિર પાલનપુરી)

સ્રોત: દિવ્યભાસ્કર

ચોતરફથી તર-બતર આખું જગત વરસાદમાં, ને છતાં બન્ને રહ્યાં કોરાં સતત વરસાદમાં

ડોક્ટર સાહેબ, મારિયાને સમજાવો, એ દૂધ નથી પીતી.’ એલને કહ્યું. હું ચમક્યો. મેં સામે બેઠેલી યુવતી તરફ જોયું. એ મારિયા હતી, ગર્ભવતી હતી, પણ ફિક્કી અને ચીમળાયેલી લાગતી હતી. એલન એનો પતિ હતો, એટલે એનું ચિંતાતુર હોવું સ્વાભાવિક હતું.‘બહેન, તમારે દૂધ તો પીવું જ જોઇએ. અમે ડોક્ટરો તો આખા દિવસમાં અડધાથી પોણા લીટર દૂધની સલાહ આપતા હોઇએ છીએ, પણ મને લાગે છે કે તમને દૂધ ભાવતું નહીં હોય. તો ઓછામાં ઓછું એક ગ્લાસ સવારે અને એક ગ્લાસ રાત્રે એટલું તો તમારે પીવું જ જોઇએ. પછી જેવી તમારી મરજી!’ હું દવાઓનું પ્રસ્કિ્રીપ્શન લખતાં લખતાં બોલતો રહ્યો.
‘આમાં એની મરજી ન ચાલે, ડોક્ટર!’ એલનના અવાજમાં સખ્તાઇ હતી, ‘તમારી સલાહ એટલે પથ્થર ઉપરની લકીર. આજ રાતથી જ એનો અમલ શરૂ.’હું રાજી થયો. પત્નીની આટલી ચિંતા કરે તેવા પતિઓ આ ઘોર કિળયુગમાં છે કેટલા? એલનની પૂછપરછ અનંત હતી, ‘મારિયાએ શું શું ખાવું જોઇએ એ વિશે પણ યોગ્ય સલાહ આપી દેશો, ડોક્ટર?’
મેં વાનગીઓની અને એના પ્રમાણની સંપૂર્ણ યાદી પીરસી દીધી. એ લોકો ક્રિશ્વિયન હતા, માટે નિરામિષ વાનગીઓ વિશે પણ ચર્ચા કરી લીધી. એલને મારિયા સામે જોયું, ‘સાંભળે છે ને? ડોક્ટરે શું કહ્યું? કાલથી રોજ સવારે નાસ્તામાં એક બોઇલ્ડ એગ, બપોરે ફીશ અને રોજ સાંજે લીવર સુપ લેવાનું શરૂ કરી દેજે! આટલું ફરજિયાત છે.’
મારા કાનમાં ક્યાંક કશુંક ખૂંચ્યું. એલનના અવાજમાં સખ્તાઇ હતી. જો નર્યો પ્રેમ હોત તો મને વધારે ગમ્યું હોત. પણ આ તો આદેશનો ક્યારેક સૂર હતો. પછી તરત જ મેં સમાધાન મેળવી લીધું, ‘હશે! આ પત્નીઓ પણ ક્યારેક જિદ્દી બની જતી હોય છે. એમાં પણ ખાવા-પીવાની વાતમાં તો ખાસ. એવા સમયે એની સાથે મૃદુતાપૂર્ણ વાણી-વ્યવહાર કારગત ન પણ નીવડે. નાનાં બાળક સાથે જેમ કડક થવું પડે છે એમ જ સગભૉ પત્ની સાથે પણ સખ્તાઇ દાખવવી પડે. આખરે તો આ બધું એનાં પોતાનાં ભલા માટે જ છે ને!’
મેં પ્રિસ્ક્રિપ્શન મારિયાની દિશામાં ધર્યું. એલને વચ્ચેથી ઝપટ મારીને કાગળ આંચકી લીધો, ‘એ બધું મને સમજાવો, ડોક્ટર! મારિયા દવાની બાબતમાં મહાચોર છે. કઇ દવા-ગોળી દિવસમાં ક્યારે અને કેટલી આપવાની છે એ મને સમજાવી દો! પછી હું છું અને એ છે!’ મેં કાનમાં આંગળી નાખીને ખૂંચતા શબ્દો ખંખેરી નાખ્યા. પછી દવાઓ વિશેની સૂચના આપવાનો પ્રારંભ કર્યો, ‘આ કેપ્સૂલ રોજ દિવસમાં એક વાર લેવાની છે.’
‘એમ નહીં, ડોક્ટર, એ લેવાનો સમય જણાવો!’
‘આમ તો ગમે ત્યારે લઇ શકો છો, પણ ભૂલી ન જવાય એ માટે રોજ બપોરે લંચ પછી…’
‘એમ નહીં, ડોક્ટર! ચોક્કસ સમય જણાવો! મારિયા બપોરનું ભોજન બાર વાગ્યે લે છે.’
‘તો કેપ્સૂલ સાડા બારે ગળવી.’ મારા અવાજમાં આછી અમથી ચીડ ભળવા લાગી હતી. આ પુરુષ હવે પતિ મટીને નાસાનો વૈજ્ઞાનિક પુરવાર થઇ રહ્યો હતો. દવાની બાબતમાં પણ સેકન્ડના સોમા ભાગ જેટલી ચોકસાઇ જાળવી રહ્યો હતો. પણ ત્યાં જ મારા મને મને ટપાર્યો, ‘હોય! જો એલન આટલી ચીકાશ ન દાખવે તો આ મારિયા કદાચ નવા મહિનામાં નવ કેપ્સૂલ પણ ન ગળે. આખરે તો એલન જે કંઇ કરે છે તે મારિયાનાં ભલા માટે જ કરે છે ને!’
પૂરા નવા મહિના સુધી આ ક્રમ ચાલુ રહ્યો. અંતે એ દિવસ આવી પહોંચ્યો, જેની પ્રત્યેક સ્ત્રીને પ્રતીક્ષા હોય છે. સવારે પાંચ વાગ્યે એલન મારિયાને લઇને આવી પહોંચ્યો. મેં ‘ચેકઅપ’ કરીને કહ્યું, ‘લેબર પેઇન્સની શરૂઆત થઇ ગઇ છે, પણ સુવાવડને હજુ વાર છે. કદાચ એકાદ દિવસ નીકળી જાય. તમે થોડાં કલાકો માટે ચાહો તો ઘરે પાછા જઇ શકો છો. દર્દ વધે ત્યારે…’
‘એમ નહીં, ડોક્ટર! તમે મારિયાને ‘એડમિટ’ કરી જ દો! ભલે બે દિવસ વધારે રહેવું પડે. ઘરે જઇને એણે શું ધાડ મારવાની છે? જે તકલીફ પડશે એ મને પડશે ને! હું બે-ચાર ધક્કા ખાઇ લઇશ, પણ મારિયા અહીં તમારા ઓબ્ઝર્વેશનમાં રહે એ બહેતર છે.’
મને શો વાંધો હોઇ શકે? મારિયા પણ ફિક્કું હસીને ખામોશ થઇ ગઇ. મેં એને નર્સિંગ હોમમાં દાખલ કરી દીધી. એ આખો દિવસ તો એમ જ પસાર થઇ ગયો. મધરાત પછી દર્દની તીવ્રતા વધવા લાગી.
મેં એની તપાસ કરી, બધું બરાબર હતું. પ્રસૂતિનો પ્રથમ તબક્કો યોગ્ય ગતિમાં આગળ ધપી રહ્યો હતો. પણ મારિયાની સહનશક્તિ અન્ય પ્રસૂતાઓની સરખામણીએ જરાક કમ હતી. એ થોડી થોડી વારે ચીસો પાડી રહી હતી. એલન લેબર રૂમની બહાર જ વા‹ચમેનની પેઠે આંટા મારી રહ્યો હતો. પત્નીની દર્દભરી ચીસોએ એને હુલાવી મૂક્યો, ‘ડોક્ટર, મારાથી આ ચીસો સહન નહીં થાય, તમે મારિયાનું સિઝેરિઅન કરી નાખો!’
‘સિઝેરિઅન શા માટે? તબીબી દ્રષ્ટિએ મને એ માટેનું કોઇ કારણ દેખાતું નથી…’
‘એમ નહીં, ડોક્ટર! તમે મારિયાને વિજ્ઞાનની નજરે જુઓ છો, જ્યારે હું એક પતિની નજરે જોઇ રહ્યો છું. મારાથી મારિયાની પીડા સહન નથી થતી.’
હવે હું જરાક કડક થયો, ‘હું સિઝેરિઅન ત્યારે જ કરું છું જ્યારે ડોક્ટર તરીકે એમ કરવાનું મને યોગ્ય લાગે. અને રહી વાત સહન કરવાની, તો એક વાત સમજી લો, મિ. એલન! સહનશક્તિ પ્રસૂતાની તપાસવી પડે, એનાં પતિની નહીં! મારા મતે મારિયાની ચીસો માપસર જ છે, બીજી સ્ત્રીઓ પણ પ્રસૂતિની પીડા વધે ત્યારે આવી જ ચીસો પાડતી હોય છે. યુ જસ્ટ શટ અપ એન્ડ સીટ આઉટસાઇડ! જો મને સિઝેરિઅન કરવા જેવું લાગશે તો હું તમને બોલાવી લઇશ, તમારે સંમતપિત્રકમાં સહી કરી આપવાની…’
છેક ચાર વાગ્યે મારિયાની વેદનાનો અંત આવ્યો. સુંદર અને તંદુરસ્ત બાબાનો જન્મ થયો. સુવાવડ સાવ સામાન્ય રીતે સંપન્ન થઇ ગઇ. સિઝેરિઅન કરવાની આવશ્યકતા ઊભી ન થઇ. એલન પણ હવે ખુશ હતો, ‘થેન્ક યુ, ડોક્ટર! અમને વિજ્ઞાનની વાતમાં ખબર ન પડે. અમે તો ભાવનાઓના પ્રવાહમાં વહી જઇએ. પણ ખૂબ સારું કામ કર્યું. સિઝેરિઅન ટળી ગયું!’
એલનની આ જ નિસ્બત, આ કાળજી, આવી જ લાગણી એ પછી પણ જારી રહ્યાં. સાંજે હું વોર્ડમાં સૂતેલી મારિયાને જોવા માટે ગયો, ત્યારે ખુશ થઇ ગયો. મારિયાના ખાટલાની બાજુના ટેબલ ઉપર પચરંગી ફૂલોનો ગુચ્છ પડેલો હતો. મેં પૂછ્યું, ‘વાહ! એક પ્રેમાળ પતિ તરફથી પત્નીને અપાયેલી સુગંધી ભેટ છે ને?’
‘એમ નહીં, ડોક્ટર!’ એલને એની રાબેતા મુજબની શૈલીમાં શરૂઆત કરી, ‘ભેટ-બેટ તો ઠીક છે, પણ મેં આ ફ્લાવર્સ અહીં એટલા માટે મૂક્યા છે, જેથી મારિયાનું મન પ્રસન્ન રહે. મેં એને કડક સૂચના આપી દીધી છે કે એ જ્યારે પણ પથારીમાં બેઠી થાય કે ઊભી થવા જાય, ત્યારે સૌથી પહેલી નજર આ ફૂલો ઉપર ફેંકે! આઇ એમ વેરી સ્ટ્રીકટ એબાઉટ ધિસ!’
કડક સૂચના! મારા કાનમાં આ શબ્દો વાગ્યા. આંખોમાં છવાયેલા પુષ્પોના રંગો અને શ્ચાસમાં પ્રવેશેલી સુગંધ ઓસરી ગયા. પણ મેં વિચાર્યું કે ગમે તેવું હોય, એક વાત નિશ્વિત હતી કે એલન મારિયાને ખૂબ ખૂબ પ્રેમ કરતો હતો. આટલો પ્રેમ કરનાર પતિદેવો જગતમાં છે ક્યાં?
મારિયાને રજા આપી એ સાથે જ એક પ્રકરણ પૂરું થઇ ગયું. મારિયા ભૂલાઇ ગઇ, એલન પણ ભૂલાઇ ગયો, જે યાદ રહી ગયો એ એલનનો એની પત્ની માટેનો પ્રેમ.
* * *
અચાનક ક્યાંકથી સમાચાર મળ્યા: એલનનું મોત થઇ ગયું! એક માર્ગ અકસ્માતમાં એની મોટરબાઇક ખાત્રજ ચોકડી પાસે એક ટ્રકની જોડે ટકરાઇ ગઇ. બાઇક ભૂક્કો બની ગઇ અને એલન ભૂતપૂર્વ બની ગયો. હું ‘અપસેટ’ હતો. મને એક શિસ્તપ્રિય પુરુષની જિંદગી સમય કરતાં વહેલી આથમી જવાનો અફસોસ હતો અને એક પત્નીનાં નોંધારા બની જવાનો આઘાત પણ હતો. મારે મારિયાને દિલાસો પાઠવવો હતો, પણ દુભૉગ્યે મારી પાસે ન તો એના ઘરનું સરનામું હતું કે ન એનો ટેલિફોન નંબર.
એકાદ મહિના પછી મને એમ કરવાનો મોકો મળી ગયો. મારિયા પોતે જ સામે ચાલીને મને મળવા માટે આવી પહોંચી. મળવા માટે નહોતી આવી, પણ નાની સરખી ગાયનેક શિકાયત લઇને આવી હતી. મેં ખરખરો કર્યો, ‘બે’ન, મેં તમારા પતિ વિશેના સમાચાર જાણ્યા, મને ખૂબ દુ:ખ થયું. તમારી એણે જે કાળજી લીધી હતી તે આજે પણ મને યાદ છે…’ મારિયા ફિક્કું હસી પડી, ‘તમે સાચા છો, ડોક્ટર! તમારી રીતે તમે સાવ સાચા છો. એલન મારી ખૂબ કાળજી લેતા હતા, પણ હું એની સાથે ખુશ નહોતી. એક સ્ત્રી માટે ‘સુખી હોવું’ અને ‘ખુશ હોવું’ એ બેય ચીજોની વચ્ચે તફાવત હોય છે.
મને સુખી કરવાની લાહ્યમાં એલન હદ કરતાં વધારે સખ્ત અને શિસ્તબદ્ધ બની જતા હતા. ભલે એ બધું મારા ભલા માટે હતું, પણ…!’ આટલું બોલ્યાં પછી એણે મારી સામે વેધક નજરે જોયું, ‘તમે જાણો છો કે એક શિક્ષક પોતાના વિદ્યાર્થીઓના ભલા માટે જ બધું કરતો હોય છે, પણ જ્યારે એ વાત્સલ્યભાવ છોડીને સખ્તાઇ ઉપર ઊતરી આવે છે, ત્યારે ક્યારેય વિદ્યાર્થીઓ એને ચાહી નથી શકતા! બસ, એટલું સમજી લો સર, કે એલન મારા માટે પ્રેમાળ પતિ નહતા, પણ એક કડક શિક્ષક હતા.’ મેં એક રૂટીન પ્રક્રિયા પ્રમાણે મારિયાને વજનકાંટા ઉપર ઊભી રાખી. પતિના અવસાન પછીના એક મહિનામાં એનું વજન બે કિ.ગ્રા. વધ્યું હતું. હવે આ બાબત મારા માટે ન તો આશ્ચર્યજનક હતી, ન આઘાતજનક!
(શીર્ષક પંક્તિ: હેમેન શાહ)

‘બેફામ’ મોં જોવાને આવ્યા છે, કે જ્યારે આખી દુનિયાથી અજાણી થઇ ગઇ આંખો

શિયાળાની રાત. બે વાગ્યા હશે. હું સરકારી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં રાત્રી-ફરજ ઉપર હતો. ત્યાં અચાનક ફોન ગર્જી ઊઠ્યો. જૂના જમાનાનું સરકારી ડબલું હતું, વાગતું ત્યારે તોપ જેવો અવાજ પેદા કરતું હતું. હું મજાકમાં મિત્રોને કહેતો કે જે વૈજ્ઞાનિકે ટેલિફોનની શોધ કરી હશે અને પહેલું ઈન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું હશે તે આ જ હોવું જોઇએ.

હું ડોક્ટર્સ રૂમના ઊંચા તોતિંગ લોખંડના પલંગ ઉપર ધાબળામાં ગોટમોટ ઢબૂરાઇને સૂતો હતો. એમાંથી જમણો હાથ બહાર કાઢીને લંબાવ્યો. રિસિવર ઊઠાવ્યું. સામેના છેડા ઉપર ડો.. ભરતભાઇ હતા, મારા મેડિકલ ઓફિસર. ‘ડો.. ઠાકર, એક રિકવેસ્ટ છે’, ડો.. ભરતભાઇનો અવાજ ધ્રૂજતો હતો. કદાચ ઠંડીના કારણે હશે એવું મેં વિચાર્યું. પણ મને નવાઇ એ વાતની લાગી કે એ ક્ષણે ડો.. ભરતભાઇ મને ‘વિનંતી’ કરી રહ્યા હતા! સામાન્યપણે એ માણસની વાતચીતમાં ‘આદેશ’ સમાયેલો રહેતો, એને બદલે વિનંતી? જરૂર દાળમાં કોકમ ઉપરાંત પણ બીજું કશુંક કાળું હોવું જોઇએ.

‘યસ, સર! હુકમ ફરમાવો!’ મેં એક નવા-સવા તાલીમાર્થી ડોક્ટરને શોભે તેવો પ્રતિસાદ આપ્યો. સાહેબ પીગળીને પ્રવાહીનો રેલો થઇ ગયા, ‘નહીં, નહીં, ડો.. ઠાકર! તમે હુકમ-બુકમની વાત છોડો! આ વિનંતી છે, એકદમ સાચી વિનંતી.’‘ભલે, તો વિનંતી ફરમાવો!’ મેં ઝાઝી દલીલ ન કરી, કારણ કે એમનો અવાજ વધુ કંપવા લાગ્યો હતો. એમની વિનંતી જેન્યુઇન હતી, જામકંડોરણાના શુદ્ધ દેશી ઘીના જેવી નિર્ભેળ અને દાણાદાર. ‘ડો.. ઠાકર, તમારે સ્મશાનમાં જવાનું છે…’ હવે હું કંપી ઊઠ્યો, ‘સાહેબ, મારો કંઇ વાંક-ગુનો? મને હજુ ત્રેવીસમું જ ચાલે છે અને મારી ઇચ્છા પૂરા સો વરસ જીવતા રહેવાની છે.’

‘તમે અત્યારે મજાક ન કરો, દોસ્ત! હું તમને સ્મશાનમાં વિઝિટ ઉપર જવાનું કહી રહ્યો છું. ત્યાં જઇને તમારે એક લાશની…’ મારી કંપારી વધી રહી હતી. બે તો વાગી ચૂક્યા હતા. હું સ્મશાને પહોંચું ત્યાં સુધીમાં લગભગ અઢી થઇ ગયા હોય. શિયાળાની હાડ ઠારી દેતી ઠંડી, ડરાવી મૂકતું અંધારું, કૂતરાં અને શિયાળવાના રડવાના અવાજો, ચિતા ઉપર સૂવાડેલી લાશ અને..? આપણે સ્મશાન સુધી જઇએ તે પહેલાં પાછું હોસ્પિટલ તરફ આવવું જરૂરી છે. આ ધ્રૂજતા ડો.. ભરતભાઇને બદલે અસલ ભરતભાઇને મળવું જરૂરી છે.

ભરતભાઇ આમ મોજીલા માણસ.

ઉંમર આશરે ત્રીસથી પાંત્રીસની વચ્ચેની, પણ માથાના વાળમાં ચાંદીના સફેદ તાર આવવાની શરૂઆત થઇ ગયેલી. એટલે લાગે પિસ્તાલીસના. અમે ક્યારેક સૂચન કરી બેસીએ, ‘સાહેબ, હેર ડાય કરાવતા હો તો?’ ડો.. ભરતભાઇ છાતી બહાર કાઢીને જવાબ આપતા, ‘મને એવા લોકોની પરવા નથી જેઓ મારા માથાના ચાર-પાંચ સફેદ વાળ જોઇને મારી ઉંમરનો અંદાજ કાઢે. હું તો ડોક્ટર છું. નિદાનનો માણસ. જેમ દર્દીઓ મારી પાસેથી એમની બીમારીનો સચોટ નિદાનની અપેક્ષા રાખે છે, તે જ રીતે હું પણ લોકો પાસેથી સંપૂર્ણ નિદાનની આશા રાખું છું.’ ‘સામાન્ય લોકો અને નિદાન?’

‘હા, આ દુનિયા એક વિરાટ દવાખાનું છે અને માણસ માત્ર એમાં જીવતો ડોક્ટર છે. નિદાનનું કૌશલ્ય દરેકની પાસે હોવું જોઇએ. એ આવડત આવે છે બારીક નિરીક્ષણમાંથી અને ધારદાર નજરમાંથી. જે માણસને મારા ધોળા વાળ દેખાશે અને મારા ચહેરા પરની તંગ ચામડી નહીં દેખાય? મારા હાથના ફડકતા બાઇસેપ્સ નહીં દેખાય? મારી ચશ્માં વગરની આંખોમાંથી બહાર પડતી લેસર જેવી તેજ નજર નહીં કળાય? આ શર્ટના ઉપલા બે ખુલ્લા બટન વચ્ચેની જગ્યામાંથી બહાર ધસી આવવા મથતાં મારા પેકટોરાલિસ મસલ્સ નહીં દેખાય? આ ટટ્ટાર ગરદન, અક્કડ મસ્તક અને આકાશને ચૂંબતી ખુમારી નહીં દેખાય?’

અમે ચૂપ થઇ જતાં હતા. ડો.. ભરતભાઇ સાચા હતા. એ ડોક્ટર હોવા છતાં એક અજાયબીભર્યા ‘કેરેકટર’ હતા. કાયમ એમના શર્ટના બે બટન ખુલ્લા રહેતા હતા. એમનું સ્ટેથોસ્કોપ વપરાશમાં ન હોય ત્યારે કી-ચેઇનની જેમ એમના હાથમાં ઘૂમતો રહેતો હતો. વોર્ડમાં રાઉન્ડ લેવા નીકળતા ત્યારે હંમેશાં બૂટ પહેરેલો એક પગ દર્દીના ખાટલા ઉપર ટેક્વીને જ દર્દીની ખબર પૂછતા હતા.

એકવાર આર.એમ.ઓ. સાહેબે એમને ટકોર કરી હતી, ‘ડો.. ભરતભાઇ, વી શૂડ હેવ સમથિંગ લાઇક બેડ-સાઇડ મેનર્સ! તમે…’

‘સમજી ગયો. કોઇએ ચાડી ફૂંકી દીધી લાગે છે. તમને મારા કપડાં પહેરવાની શૈલી, દર્દીઓ તપાસવાની પદ્ધતિ, મારી વાતચીતની રીતભાત સાથે નિસ્બત છે ને? હેલ વિથ ઇટ, સર! મારા દર્દીઓને મારી નિદાન કરવાની આવડત સાથે નિસ્બત છે. એટલે તો બીજા ડોક્ટરો કરતાં મારી પાસે વધારે દર્દીઓની ભીડ જામે છે.’

હું એ વખતે સાવ સૂકલકડી અને એકવડીયા બાંધાનો હતો. મને તો એ કાયમ ‘છોકરા’ કહીને જ સંબોધતા હતા. ‘એઇ છોકરા, જા ને! જરા મેલ મેડિકલ વોર્ડમાં સાત નંબરના ખાટલા ઉપર જે દર્દી છે એને તપાસી આવ ને! એને ફરી પાછો તાવ ચડ્યો છે. પેરાસિટામોલ અને એન્ટિબાયોટિક આપી દેજે!’

‘પણ આ કોલબુકમાં તો લખેલું છે કે દર્દીને તાવની સાથે ધ્રૂજારી પણ છે. કલોરોક્વિનની જરૂર નહીં પડે?’ હું પૂછી લેતો. ‘ના, નહીં પડે!’ ડો.. ભરતભાઇ ખુલ્લી છાતી ઉપર હાથની મુઢ્ઢી પછાડીને જવાબ આપતા, ‘એ ઠંડી મેલેરિયાના તાવવાળી ‘રાઇગર’ નથી, પણ વાઇરલ ઇન્ફેકશનવાળી ‘ચિલ્સ’ છે. એ પેશન્ટનું નિદાન મેં કર્યું છે. એમાં મીનમેખ હોય જ નહીં.’ આવા ભરતભાઇ અત્યારે પોતે ધ્રૂજી રહ્યા હતા. આત્મવિશ્વાસનો એવરેસ્ટ ઢળી પડ્યો હતો અને ખુમારીનો દરિયો સૂકાઇ ગયો હતો. અત્યારે તેઓ મને છોકરાને બદલે ‘ડો.. ઠાકર’ કહીને ‘આદેશ’ને બદલે ‘વિનંતી’ સંભળાવી રહ્યા હતા. અને હું દલીલ કરી રહ્યો હતો, ‘પણ સાહેબ, સ્મશાનમાં તો લાશ હોય, દર્દી ન હોય. ત્યાં મારે તપાસ કોની કરવાની છે?’

સાહેબના દાંત કકડી ઊઠ્યા, ‘ભાઇ, તમે અત્યારે એ બધી લપ છોડો! હું ભયંકર તકલીફમાં મૂકાઇ ગયો છું. તમારી જેમ આજે મારી પણ નાઇટ ડ્યૂટી છે. તમે ઇન્ડોરમાં છો, હું કેઝયુઅલ્ટીમાં છું. હમણાં બે-અઢી કલાક પહેલાં એક પેશન્ટને લઇને કેટલાંક સગાંઓ આવ્યા હતા. મેં તપાસીને નિદાન કર્યું કે, ‘હી ઇઝ ડેડ!’ દર્દીનું મૃત્યુ થઇ ચૂકેલું છે. એ લોકો પોસ્ટ મોર્ટમની બીકે કેસપેપર કઢાવ્યા વગર જ મૃતદેહને લઇને રવાના થઇ ગયા. ઘરે જઇને નનામી બાંધીને રોકકળ કરતાં એને સ્મશાનમાં લઇ ગયા. હમણાં મારા ઉપર કોઇનો ફોન આવ્યો- ‘ચિતા ઉપર સૂવાડેલી લાશ એનો જમણો હાથ ઊંચો કર્યો છે, મતલબ કે દર્દી હજુ જીવે છે.

ડોક્ટર! તમે અત્યારે ને અત્યારે સ્મશાનમાં આવો અને પેશન્ટને તપાસીને જાહેર કરો કે…’ ‘તો જઇ આવો ને, સાહેબ! એમાં કઇ મોટી વાત છે?’ મેં કહ્યું. સાહેબ નવેસરથી ધ્રૂજી ઊઠ્યાં, ‘અરે, ભઇલા! તમને કંઇ ભાન છે? જો હું આવા કપરા સમયે ત્યાં જાઉં તો… એ લોકો જડભરત માણસો છે. પેલાની લાશને નીચે ઊતારીને મને ચિતા ઉપર સૂવડાવી દે એવા છે. કદાચ પેલી લાશ જીવતી નીકળે તો મારે લાશ બની જવું પડે.’

‘અચ્છા! તો તમારી યોજના મને ફસાવી દેવાની છે!’‘ના, મારા બાપ! એવું નથી. વાત એમ છે કે એમનો ગુસ્સો મારા વિશે છે. મને જોઇને ટોળું ભડકી ઊઠે, પણ કોઇ ત્રાહિત ડોક્ટરની સાથે તેઓ એવું વર્તન નહીં કરે. તમે સ્મશાનમાં જઇને સાચી વાત શું છે તે જાણી લો. પછી જરૂર પડશે તો હું પોલીસરક્ષણ સાથે આવી જઇશ. આ જવાબદારી મારી છે, હું એમાંથી છટકવા નથી માગતો, પણ કારણ વિના હું લટકવા પણ નથી માગતો. પ્લીઝ, ડો.. ઠાકર…તમે…’

બેપરવા પહાડ એક રજકણને વિનવી રહ્યો હતો, રજકણની શી વિસાત કે એ ના પડી શકે? હું નીકળી પડ્યો. હોસ્પિટલની એમ્બ્યુલન્સ વેનમાં બેસીને સ્મશાનમાં પહોંચ્યો. જોયું તો વાતાવરણ સાચ્ચે જ ડરામણું હતું. ચિતા આસપાસ સો-એક પુરુષો હાથમાં લાકડી અને આંખોમાં ખુન્નસ સાથે ઊભા હતા. હું પૂરી તૈયારી સાથે ગયો હતો. સૌથી પહેલું કામ મેં લાશના દીકરાઓને ઠંડા પાડવાનું કર્યું, ‘તમારો આક્રોશ તદ્દન વાજબી છે. પણ મને તમારા પિતાશ્રીને તપાસી લેવા દો!

હું વાહન લઇને આવ્યો છું. જો એમના દેહમાં જરાપણ જીવ બચ્યો હશે તો આપણે એમને પાછા લઇ જઇશું. હોસ્પિટલના તમામ ચૌદ ડોક્ટરો ભેગા મળીને એમને શ્રેષ્ઠ સારવાર આપીશું. પણ સૌથી પહેલાં મને એમના દેહનું ચેક-અપ કરી લેવા દો!’ ટોળુ હટી ગયું. મેં લાશની પલ્સ પકડી. ગેરહાજર હતી. છાતી ઉપર સ્ટેથોસ્કોપ મૂકર્યું. હૃદય ખામોશ હતું. હાથમાંની ટોર્ચ સળગાવીને એનો પ્રકાશ આંખના પોપચા ઊઘાડીને કીકીઓમાં ફેંકયો. નિર્જીવ આંખોની કીકીઓ વિસ્ફારિત અને સ્થિર હતી.

હવે મેં રંગ બદલ્યો, મિજાજ બદલ્યો, અવાજ બદલ્યો. પૂછ્યું, ‘કોણ કહેતું હતું કે લાશે હાથ ઊંચો કર્યો? તમારા પિતાજીના મૃત્યુને ત્રણેક કલાક થવા આવ્યા છે. કદાચ લાકડાના ભારને લીધે હાથ જરાક હલ્યો હશે. એના કારણે ડોક્ટરને દોષ આપવો યોગ્ય નથી. આમાં તો તમારી ઉપર પોલીસકેસ થઇ શકે…’ નરમ પડી ગયેલા ટોળાએ માથાભારે બની ગયેલા મને માંડ માંડ શાંત પાડ્યો. હું પણ જાણે એમનું માન રાખતો હોઉં એમ મોટું મન કરીને પાછો વળી ગયો. હોસ્પિટલમાં ડો.. ભરતભાઇનો શ્ચાસ જાણે અંતિમ ચરણમાં ચાલી રહ્યો હતો. મને જોઇને પૂછવા લાગ્યા, ‘શું થયું, ડો.. ઠાકર?’

‘થાય શું? બધું સારી રીતે પતી ગયું. આ એક એવો કેસ હતો જ્યાં સાચા નિદાન કરતાં પણ સારા વર્તનની વધારે જરૂર હતી!’

(શીર્ષક પંક્તિ: ‘બેફામ’)