‘ઓહ, ગોડ! ભારે થઈ!’

‘ઓહ, ગોડ! ભારે થઈ!’ ચાલુ ઓપરેશને ડૉ. પટેલના મુખમાંથી આ ચિંતાજનક શબ્દો સરી પડ્યા. ઓપરેશન થિયેટરમાં ઉપસ્થિત એનેસ્થેટિસ્ટ ખુદ ખળભળી ગયા. ડૉ. પટેલના સહાયક ડૉક્ટર, સાધનો પૂરાં પાડનારી નર્સ, સાફસૂફી માટે ઊભેલી આયાતમામ ચોંકી ગયાં. શસ્ત્રક્રિયા ચાલુ હોય અને મુખ્ય ડૉક્ટર જ જો આવું બોલે, તો એનો અર્થ શો થાય એ કહેવાની ખાસ જરૂર નથી એવું હું સમજું છું.
‘શું થયું, ડૉ. પટેલ?’ એનેસ્થેટિસ્ટે બેબાકળા સ્વરે પૂછ્યું. એમની બેચેનીનું કારણ જુદું હતું. ડૉ. પટેલના મોઢામાંથી ‘ભારે થઈ!’ શબ્દો સાંભળ્યા, એ સાથે જ એમણે પહેલું કામ પેશન્ટની પલ્સ, બ્લડપ્રેશર, હૃદયની ગતિ, શ્વાસોચ્છ્વાસ વગેરે ચકાસી લેવાનું કરી લીધું. બધું જ બરાબર હતું, ઠીકઠાક હતું. એ પછી તરત જ એમણે એક બારીક નજર ઓપરેશનના વિસ્તાર ઉપર ફેંકી લીધી. સમરાંગણમાં સંપૂર્ણ શાંતિ છવાયેલી હતી. મતલબ કે દર્દીનું ઉઘાડું, ચિરાયેલું પેટ રક્તસ્ત્રાવનું રેડ સિગ્નલ દર્શાવતું ન હતું. ગર્ભાશય, આંતરડા, મૂત્રાશય અન્ય તમામ અંગો યથાવત્ હતાં. જ્યાં જરૂરી હતી એટલી જ કાપકૂપ થયેલી હતી. અને એ પણ હવે સીવાઈ ચૂકી હતી. ઓપરેશન પૂર્ણતાને આરે હતું. બસ, પેટરૂપી પેટીનું ઢાંકણ બંધ કરવાની જ વાર હતી.
‘શું થયું, સર?’ સહાયક ડૉક્ટરે પણ પૂછી નાખ્યું.
‘નિડલ તૂટી ગઈ!’ ડૉ. પટેલે જવાબ આપ્યો, ‘હોલ્ડરમાં દોરા સાથે જોડાયેલો અડધો ભાગ બચ્યો છે, બીજો અડધો હિસ્સો ભાંગીને પેટમાં ગરક થઈ ગયો છે. ક્યાંય દેખાતો નથી.’
ત્રીસપાંત્રીસ વર્ષ પૂર્વેની વાત છે. એ જમાનામાં ટાંકા લેવા માટેની સાધનસામગ્રી આજના જેવી અત્યાધુનિક ન હતી. સોયની ગુણવત્તા પણ અત્યારના જેટલી સારી ન હતી. જો કે મૂળભૂત રીતે જ ટાંકા લેવાની અર્ધચંદ્રાકાર સોય એટલી પાતળી હોય છે કે એ ગમે તેનાથી ગમે ત્યારે તૂટી જઈ શકે છે, ત્યારે પણ અને અત્યારે પણ.
પણ મોટી ઉપાધી એ વાતની હતી કે નિડલનો ભાંગેલો ટુકડો પેટની ગુહામાં ગુમ હતો. અડાબીડ જંગલમાં ઘાસનું તણખલું શોધવું સહેલું છે, પણ જીવતા માણસના પેટમાંથી સોયનો નાનો ટુકડો શોધવો એ અતિશય દુષ્કર કાર્ય છે. નાનું આંતરડું, મોટું આંતરડું, ગર્ભાશય, ઓમેન્ટમ નામનો ચરબીયુક્ત ભાગ, મૂત્રાશય, ફેલોપિઅન નળીઓ, નાનાંમોટાં લોહીનાં ખાબોચિયાં અને આ બધાં કરતાં ચડી જાય એવો ઘડિયાળનો કાંટો. સમયની ટીકટીક તમને ખોવાયેલી ચીજ શોધવા માટે પૂરતી મોકળાશ પણ ન આપે. દર્દીને આપેલ એનેસ્થેસિયાની અસર પૂરી થવામાં હોય. દસ મિનિટ કરતાં વધુ સમય બગાડો તો દર્દી ભાનમાં આવી જાય. મોટું ઑપરેશન હોય એટલે દોઢબે કલાક તો નીકળી જ ગયા હોય.
ડૉ. પટેલ જાણે પ્લેન છૂટવાનું હોય અને ટિકિટ શોધતા હોય એમ સોય માટે ફાંફાં મારવાં માંડ્યાં. પણ સોયને જાણે ધરતી ખાઈ ગઈ કે પછી આસમાન ગળી ગયું એ વાતની ખબર જ ન પડી. વીસ મિનિટ પસાર થઈ ગઈ.
એનેસ્થેટિસ્ટે તાકીદ કરી, ‘પેશન્ટ ઇન્ડ એબાઉટ ટુ કમ આઉટ ઑફ ધી ઇફેક્ટ ઑફ એનેસ્થેસિયા. કાં તો પેટની દીવાલના ટાંકા ચાલુ કરી દો, કાં પછી મારે વધુ એનેસ્થેસિયા આપવું પડશે.’
બીજો વિકલ્પ જોખમી હતો. અને સોય જડ્યા વગર જ પેટ બંધ કરી દેવું એ પણ ચિંતા કરાવે એવું હતું. ડૉ. પટેલે દર્દીનો વિચાર કરીને ઓપરેશન પૂરંુ કરી દીધું. સોયનો ટુકડો દર્દીને ભવિષ્યમાં નુકસાન કરી શકે, તો જોયું જશે. એટલા ખાતર દર્દીનો વર્તમાન જોખમમાં મૂકી શકાય નહીં.
પણ એ રાત્રે ડૉ. પટેલને ઊંઘ ન આવી. શું થશે, ભવિષ્યમાં કંઈક કોમ્પ્લિકેશન થશે ત્યારે જો દર્દી કે એનાં સગાંને સાચી વાતની જાણ થશે તો એ લોકો શું કરશે? ઝઘડવા આવશે? કોર્ટમાં કેસ કરશે? પૈસાનું વળતર માગશે?
બીજે દિવસે એમણે અમદાવાદના અને ભારતના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડૉ. નાડકર્ણી સાહેબ (હવે સ્વર્ગસ્થ)ની સલાહ લીધી. સાહેેબે એમની રાજવી શૈલીમાં કહી નાખ્યું, ‘ઇસ મેં ડરને કી ક્યા જરૂરત હૈ? તૂ પેશન્ટ કો સાફસાફ બતા દે કિ તેરે પેટ મેં સૂઈ ટૂટ ગઈ હૈ. કોઈ પ્રોબ્લેમ નહીં હોગા. અૌર અગર તકલીફ પૈદા હુઈ, તો મેરે પાસ આ જાના. દૂસરા ઓપરેશન કર કે મૈં ઉસે નિકાલ દૂંગા.’
ડૉ. પટેલ નાડકર્ણી સાહેબના જ શિષ્ય હતા. એ પોતે પણ વરિષ્ઠ અને અનુભવી હતા. વધુમાં અમદાવાદની પ્રજાની માનસિકતાથી માહિતગાર પણ હતા. નાડકર્ણી સાહેબની સલાહ એમને પૂરેપૂરી જોખમી લાગી. એટલે એમણે ડૉ. બેન્કર (હવે તો એ પણ સદ્ગત)ની સલાહ પૂછી.
ડૉ. આર. એન. બેન્કરે તબીબી નીતિમત્તા અને વ્યવહારુ બુદ્ધિમત્તાનો સમન્વય કરીને રસ્તો સુઝાડ્યો, ‘તમે એક કામ કરો. નાડકર્ણી સાહેબની જ વાત જરા અલગ શૈલીમાં રજૂ કરો. આપણી જે ભૂલ થઈ છે એનાથી દર્દીને અજાણ્યા રાખવામાં કોઈનુંયે હિત નથી સમાયું. પણ જે તથ્ય છે એને જરાક ફેરવીને કહેવાથી તમે પણ આફતમાંથી બચી જશો.’
‘એવા ઉપાયની તો હું શોધમાં છું. મારે શું કહેવાનું છે?’ ડૉ. પટેલે પૂછ્યું. અને ડૉ. બેન્કરે એમના અનુભવના ભાથામાંથી એક અસરદાર તીર બહાર કાઢ્યું.
‘જો, ભાઈ! તારી પત્નીનાં ઓપરેશનને આજે આઠ દિવસ થઈ ગયા છે. ગઈ કાલે એના ટાંકા કાઢી નાખ્યા છે. સારા છે. એ ખોરાક લઈ શકે છે. હરીફરી શકે છે, ઝાડોપેશાબ કરી શકે છે. આવતી કાલે એને ઘરે લઈ જવામાં કશો વાંધો નથી.’ ડૉ. પટેલે દર્દીના ધણીને બોલાવીને વાતની શરૂઆત કરી.
‘સાહેબ, ખાસ કશી વાતનું ધ્યાન રાખવા જેવું…?’
‘હા, એક વાત છે.’ ડૉ. પટેલ આ જ ક્ષણની રાહ જોઈને બેઠા હતા, ‘એક વાત તારે સમજવા જેવી છે. તારી ઘરવાળીના ઓપરેશન વખતે એના પેટની અંદર એક જગ્યાએથી વધુ પડતું બ્લીડિંગ થતું હતું. એને બંધ કરવા માટે અમે એક નાનકડી, સ્ટેઇનલેસ સ્ટીલની ‘ક્લિપ’ લગાડી આપી છે. આમ તો એ ક્લિપને કારણે કશું થશે નહીં. પણ કદાચ છે ને તે ભવિષ્યમાં પેટમાં એ ચૂભે, તો દુઃખાવો થઈ શકે. જો એવું થાય તો મારી પાસે આવી જજે. હું નાનકડો ચીરો મૂકીને એ કાઢી આપીશ. પૈસાની ચિંતા ન કરીશ.’
આટલી જ વાત. એ પણ સાવ હળવાશથી કહેવાયેલી. તત્ત્વતઃ આમાં કશું ખોટું પણ ન હતું. મોટા ભાગના કિસ્સાઓમાં સોયનો આવો નાનો ટુકડો કશી જ તકલીફ પેદા નથી કરતો હોતો. જિંદગી આખી ક્યાંક ખૂણામાં પડ્યો રહે છે. એટલે દર્દી અને એનાં સગાંને સો ટકા સત્ય કહીને બિવરાવી મારવાનો કશો અર્થ નથી હોતો. અને અંતે જે કરવાનું છે એ તો ડૉક્ટરે જ કરવાનું હોય છે. તો પછી દર્દીના માનસિક સ્વાસ્થ્ય ખાતર સત્ય સાથે થોડુંક અડપલું કરવામાં કયો મોટો નૈતિક અપરાધ છે?
આ કિસ્સામાં પણ બધું ધાર્યા મુજબ જ બન્યું. ઓપરેશનના ત્રણ મહિના પૂરા થયા પછી એ બાઈ અને એનો ઘરવાળો ડૉ. પટેલ સાહેબ પાસે આવ્યા.
‘સાહેબ, થોડું થોડું દુખે છે.’
‘દાખલ થઈ જાવ. કાલે સવારે જ તમારંુ પેટ ખોલીને તમારો ‘દુખાવો’ કાઢી આપું છું.’ ડૉ. પટેલે સલાહ આપી. દર્દીના પેટનો એક્સરે પાડીને ગુમ શુદા, ફરાર, ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ એવી એ સોયનો ખુફિયા અડ્ડો ડૉક્ટરે શોધી કાઢ્યો. પછી બીજા દિવસની સવારે નાનકડું ઓપરેશન કરીને એ ટુકડો દૂર કરી નાખ્યો.
મહત્ત્વની વાત એ છે કે આ બીજાવારના ઓપરેશન માટે ડૉ. પટેલે દર્દી પાસેથી ચાર્જ પેટે એક પૈસો પણ ન લીધો. સોય તૂટે એમાં ડૉક્ટરનો કશો વાંક નથી હોતો. પણ તો પછી દર્દીનો પણ ક્યાં કંઈ વાંકગુનો હોય છે? કિસ્મત આડું ફાટે ત્યારે દર્દીએ શારીરિક દ્રષ્ટિએ સહન કરવું પડે અને ડૉક્ટરે પૈસા જતા કરવા પડે.
આ એ જમાનાની વાત છે જ્યારે આવી કોમ્પ્લિકેશનની ઘડીએ વરિષ્ઠ ડૉક્ટરો પોતાનાં અને દર્દીનાં તમામ હિતોનો વિચાર કરીને કુશળતાપૂર્વકનો નિર્ણય લેતા હતા. એટલે જ કદાચ ગ્રાહકસુરક્ષા ધારાની એ વખતે જરૂરત નહોતી જણાવી.

શીર્ષક પંક્તિ ઃ યશવંત ઠક્કર

Advertisements

યાદને તારી વિસરવા એક ભવ ઓછો પડે,આ અગનજવાળાને ઠરવા એક ભવ ઓછો પડે

‘મારું નામ ચંદ્રેશ અને આ મારી પત્નીનું નામ ચંદ્રિકા અને આ એની ફાઇલ.’ આટલું કહીને ચાલીસેક વર્ષના એ મધ્યમવર્ગીય પુરુષો પ્લાસ્ટિક બેગમાંથી એક દળદાર ફાઇલ બહાર કાઢી, મારા ટેબલ ઉપર મૂકી દીધી.ફાઇલ જોતા પહેલાં હું એ પતિ-પત્નીને જોઇ રહ્યો. બંને દુ:ખી દેખાતા હતા, પણ બીમાર નહીં. શેની હશે આ ફાઇલ?‘ચંદ્રેશભાઇ, મને તમારા પત્નીનો કેસ પેપર તૈયાર કરવા દો. હું પૂછું તે સવાલોના જવાબો આપો. પછી શારીરિક તપાસ કરીને એમની બીમારીનું નિદાન કરવા દો. આ બધું કરતાં પહેલાં એમની ફાઇલ જોવાથી તો મારું નિદાન પ્રભાવિત થઇ જશે. મારા મગજમાં કેટલાંક પૂર્વગ્રહો ઘૂસી જશે.’

 

‘સમજું છું, સાહેબ! પણ એટલા બધા ડોક્ટરોને મળી ચૂક્યા છીએ કે હવે પૂર્વગ્રહો અમારા દિમાગમાં ઘૂસી ગયા છે. તમારે કેસની વિગતો જાણવી છે ને? લો, ટૂંકમાં જણાવી દઉં, અમારે સંતાનમાં એક દીકરો છે. બાર વરસનો. એ પછી મારી પત્નીને ગર્ભ રહ્યો નથી. અમારે બીજું બાળક જોઇએ છે. આ ફાઇલમાં રિપોર્ટ્સ અને સારવારના કાગળોનો ખડકલો છે. સારા સારા ડોક્ટરોની ક્લિનિકોના ઊંબરા ઘસી નાખ્યા. લેબોરેટરી અને સારવાર પાછળ પાકિટ, ખિસ્સાં અને બેન્ક એકાઉન્ટ ખાલી કરી નાખ્યા. ડોક્ટરોના ખોબા ખણખણતા રૂપિયાઓથી છલકાવી દીધા, પણ અમારો ખોળો હજુ પણ ખાલીનો ખાલી જ રહ્યો છે. તમારી પાસે એક જ વિનંતી લઇને આવ્યા છીએ, કાં સંતાન થાય એવી સારવાર આપો, કાં તો નથી થવાનું એવું ભવિષ્ય વાંચી આપો!’

 

હું સમજી ગયો, આ પતિ-પત્ની આર્થિક, શારીરિક અને માનસિક એમ ત્રણેય રીતે ભાંગી પડેલા હતા. મારે બીજું કંઇ કરવાનું ન હતું, જો શક્ય હોય તો એમના સ્વપ્નમહેલની જર્જરિત દીવાલને મજબૂત આધાર આપી દેવાનો હતો અને નહીંતર એને આખરી ધક્કો મારી આપવાનો હતો.

 

મેં ફાઇલ હાથમાં લીધી. પંદરેક મિનિટના ફાઇલ-વાંચનથી હું એટલું સમજી શક્યો કે અમદાવાદના આઠેક ગાયનેકોલોજિસ્ટ્સના અધ્યતન વંધ્યત્વ કેન્દ્રોના આંટાફેરા અને એમની સાથે સંલગ્ન ખર્ચાળ લેબોરેટરઝિના ચક્કરો ખાઇ-ખાઇને આ પતિ-પત્નીએ બેથી અઢી લાખ રૂપિયાનું પાણી કરી નાખ્યું હતું.

 

આકાશમાંથી વરસતું પાણી તો સારું કે તેનાથી અનાજ ઊગે! આ ફાઇલમાંથી ટપકતા ખર્ચાઓના પાણીમાંથી તો સળગતા અંગારા જેવી નિરાશા અને ખરતી રાખ જેવો નકાર વરસતો હતો.‘સોરી, ચંદ્રેશભાઇ! તમારા પત્ની ફરી વાર મા બની શકે તેવી કોઇ શક્યતા નથી. હવે એમની એક પૈસાનીયે સારવાર કરાવશો નહીં.’

 

મારા કન્સલ્ટિંગ રૂમમાં સન્નાટો છવાઇ ગયો. ચંદ્રેશભાઇ અને ચંદ્રિકાબહેન કદાચ આ આગાહી સાંભળવાની માનસિક તૈયારી સાથે આવ્યા હતા, તો પણ પળ-બે-પળ પછી એમની આંખો વરસવા માંડી.‘એમાં તમે આટલા બધા દુ:ખી શા માટે થઇ જાવ છો?’ મેં એમને આશ્ચાસન આપવાના આશયથી કહ્યું, ‘તમારે એક દીકરો તો છે ને! બાર વરસનો! ભગવાન એને સો વરસનો કરશે! આ મોંઘવારીમાં આમ પણ બીજું સંતાન આજકાલ કોને પરવડે છે?!’

 

ચંદ્રિકાબહેન અત્યાર સુધી ખામોશ હતા, હવે પહેલી વાર એમણે મોં ઊઘાડ્યું, ‘હા, સાહેબ! અમારે એક દીકરો છે. બાર વરસનો વિલય. પણ એનું મૃત્યુ નજીકમાં છે. એનો રોગ અસાધ્ય છે અને મોત નિશ્વિત. ગમે ત્યારે અમે ફરી પાછા બાળક-વિહોણા બની જવાના છીએ. વિલયને અમે સાથે લઇને આવ્યા છીએ. એને બહાર બેસડ્યો છે. તમે હા પાડો તો એને અંદર લઇ આવીએ. એની બીમારીની ફાઇલ પણ અમે સાથે લાવ્યા છીએ. તમને વાંધો ન હોય તો…’

 

***

 

ચંદ્રેશભાઇ બહાર જઇને એક નાની વ્હીલચેરમાં બેઠેલા એમના લાડકવાયાને લઇ આવ્યા. બાર વરસનો વિલય. ગોરું-ગોરું ઘાટીલું મોં. મોટી હસતી આંખો. એનો શારીરિક વિકાસ પહેલી નજરે નોર્મલ લાગે. પણ એના બંને પગ સાવ પાતળા અને અશકત છે એવું દેખાઇ આવે. એણે મારી સામે જોઇને બંને હથેળીઓ ભેગી કરી, ‘નમસ્તે, અંકલ!’

 

હું શું આશીર્વાદ આપું? શરદ હોવા છતાં એને હું કહી શકતો નહતો: શતમ્ જીવ શરદ:! એનો દેહ કહી આપતો હતો કે એની બીમારી શી હોઇ શકે! ફાઇલનાં પૃષ્ઠોએ મારી ધારણાની પુષ્ટિ કરી આપી.

 

ઘણું બધું ફાઇલ બોલતી હતી, જે ખૂટતું હતું એ ચંદ્રેશભાઇ કહી રહ્યા હતા. ‘ચાર-પાંચ વરસનો થયો ત્યાં સુધીનો વિલય સાવ નોર્મલ હતો. શાળાએ પણ જતો હતો. ઘરે આવીને પડોશીઓના છોકરાઓ સાથે રમતો પણ હતો. શરીર એવું ભરાયેલું હતું કે જોનારની નજર લાગી જાય! અચાનક એક દિવસ એના બંને પગમાં સોજા આવ્યા. બાકીના શરીર કરતાં પગ જાડા દેખાવા લાગ્યા. ઊઠતી વખતે એણે બે હાથ વડે ગોઠણનો ટેકો લેવો પડે. પછી હાથ કેડ ઉપર મૂકવા પડે.

 

પગ જાડા થયા, પણ મજબૂત નહીં. ડોક્ટરને બતાવ્યું ત્યારે ખબર પડી કે અમારા દીકરાને લાખોમાં એક એવો વ્યાધિ લાગુ પડ્યો છે…’ આ વ્યાધિનું નામ ડુશેન્સ મસ્કયુલર ડસ્ટિ્રોફી. આ રોગ એવો છે જેની કોઇ સારવાર નથી. બાળકના શરીરના એક પછી એક સ્નાયુઓ ગળતા જાય. પગથી શરૂ થયેલું આ ગળતર ધીમે ધીમે ઉપર ચડતું જાય, પછી એક સમય એવો આવે કે એને શ્ચાસ લેવામાં તકલીફ પડવા માંડે અને પંદરથી વીસ વરસનો થતાં સુધીમાં એ મૃત્યુ પામે.

 

‘ચંદ્રેશભાઇ, આ રોગ તો તમારા બીજા બાળકોમાં પણ ઊતરી શકે છે. સારું છે કે ચંદ્રિકાબહેનને બીજું સંતાન થઇ શકે તેમ નથી.’ મેં વિલયનું નિદાન જાણ્યા પછી કહ્યું.‘સાહેબ, એ જે હોય તે! પણ અમારે એક બાળક તો જોઇએ જ. વિલયના ગયા પછી અમે જીવી નહીં શકીએ. તમે ગમે તે કરો, પણ…’

 

ચંદ્રેશભાઇના બોલવામાં આજીજી હતી અને ચંદ્રિકાબહેનના મૌનમાં આશા. મેં એમને એક ધારણા બહારનો તેમ છતાં વાસ્તવિક રસ્તો સૂઝાડ્યો, બાળક દત્તક લેવાનો! આમ કરવાથી એક કાંકરે ત્રણ પક્ષીઓ જીવી જવાના હતા, એક ત્યજી દેવાયેલા બાળકને મા-બાપ મળવાના હતા. એક ઝૂરતાં મા-બાપને તંદુરસ્ત બાળક મળવાનું હતું અને ગમે તે ક્ષણે મૃત્યુનો શિકાર બનવાની દિશામાં ધસી રહેલા વિલયને એક જીવતું રમકડું મળી જવાનું હતું. મેં સલાહ આપી, એ દંપતીએ હસતાં મુખે અને છલકતી આંખે સ્વીકારી લીધી.

 

***

 

મેં દિશાસૂચન કર્યું અને ઈશ્ચરે સહાય કરી. એક સંસ્થામાંથી ચંદ્રિકાબહેન અને ચંદ્રેશભાઇને છ માસનો દીકરો મળી ગયો. નામ મેં જ પાડી આપ્યું, ‘જે આથમી જવાનો છે તે વિલય છે, જે કાયમ માટે તમારી સાથે હશે એ નિત્ય હશે.’બીજા છ-સાત મહિના પછી એ બંને મને મળવા આવ્યા. એમની એક-એક આંખમાં ઉદાસી હતી, એક-એક આંખમાં સંતોષ અને સાથે તેર મહિનાનો નિત્ય હતો.ચંદ્રેશભાઇ સજળ આંખે કહી રહ્યા, ‘પંદર દિવસ પહેલાં જ વિલય મૃત્યુ પામ્યો.

 

આ છ મહિના એની જિંદગીનો શ્રેષ્ઠ સમય બની રહ્યા. નિત્યના આગમન પહેલાં એ મોટા ભાગનો સમય ટી.વી. જોવામાં કાઢતો હતો. પણ નિત્ય આવ્યા પછી એણે ટી.વી. જોવાનું બંધ કરી દીધું. બંને ભાઇઓએ ખૂબ મોજ-મસ્તી કરી લીધી. વિલયની ઇચ્છા ગાડીમાં બેસીને ઘૂમવાની હતી. મેં મારુતિ ફ્રન્ટી ગાડી ખરીદી. અમે ચારેય જણાં નાસિક-ત્રયંબકેશ્ચર-શીરડી જઇ આવ્યા. આખું સૌરાષ્ટ્ર ફરી વળ્યા. ખૂબ મજા કરી. ગયા મહિને અમે નિત્યની પહેલી વર્ષગાંઠ ઊજવી. વિલય ગયો, પણ પૂરો સંતોષ લઇને ગયો. ડોક્ટર સાહેબ, તમારો આભાર માનવા આવ્યા છીએ.’ ‘આભાર પછી માનજો! પહેલાં એ કહો કે વર્ષગાંઠની પાર્ટીમાં મને કેમ ન બોલાવ્યો?’

 

‘સાહેબ, ઇચ્છા તો બહુ હતી, પણ તમે કંઇ અમારા જેવા સાધારણ માણસોના ઘરે થોડા આવો? પણ તમારા માટે આ નાનકડી ભેટ લાવ્યા છીએ.’ ચંદ્રેશભાઇએ એક નાનકડું ગિફ્ટ-બોક્સ મારા હાથમાં મૂકર્યું. અંદરથી એક ટેબલ ઘડિયાળ નીકળી પડી. બંધ હતી. સેલ સાથે જ હતા. મેં સેલ નાખ્યા. કાંટા સરકવા માંડ્યા. મેં નિત્ય સામે જોયું. એ હાથ-પગ ઊછાળીને ધમાલ કરી રહ્યો હતો. મને લાગ્યું કે વિલયના અવસાનથી બંધ પડેલી એ પરિવારની ઘડિયાળના કાંટા પણ નિત્ય નામની બેટરીથી ફરીથી ચાલતા થઇ ગયા હતા.‘

(શીર્ષક પંક્તિ: મુસાફિર પાલનપુરી)

સ્રોત: દિવ્યભાસ્કર

ચોતરફથી તર-બતર આખું જગત વરસાદમાં, ને છતાં બન્ને રહ્યાં કોરાં સતત વરસાદમાં

ડોક્ટર સાહેબ, મારિયાને સમજાવો, એ દૂધ નથી પીતી.’ એલને કહ્યું. હું ચમક્યો. મેં સામે બેઠેલી યુવતી તરફ જોયું. એ મારિયા હતી, ગર્ભવતી હતી, પણ ફિક્કી અને ચીમળાયેલી લાગતી હતી. એલન એનો પતિ હતો, એટલે એનું ચિંતાતુર હોવું સ્વાભાવિક હતું.‘બહેન, તમારે દૂધ તો પીવું જ જોઇએ. અમે ડોક્ટરો તો આખા દિવસમાં અડધાથી પોણા લીટર દૂધની સલાહ આપતા હોઇએ છીએ, પણ મને લાગે છે કે તમને દૂધ ભાવતું નહીં હોય. તો ઓછામાં ઓછું એક ગ્લાસ સવારે અને એક ગ્લાસ રાત્રે એટલું તો તમારે પીવું જ જોઇએ. પછી જેવી તમારી મરજી!’ હું દવાઓનું પ્રસ્કિ્રીપ્શન લખતાં લખતાં બોલતો રહ્યો.
‘આમાં એની મરજી ન ચાલે, ડોક્ટર!’ એલનના અવાજમાં સખ્તાઇ હતી, ‘તમારી સલાહ એટલે પથ્થર ઉપરની લકીર. આજ રાતથી જ એનો અમલ શરૂ.’હું રાજી થયો. પત્નીની આટલી ચિંતા કરે તેવા પતિઓ આ ઘોર કિળયુગમાં છે કેટલા? એલનની પૂછપરછ અનંત હતી, ‘મારિયાએ શું શું ખાવું જોઇએ એ વિશે પણ યોગ્ય સલાહ આપી દેશો, ડોક્ટર?’
મેં વાનગીઓની અને એના પ્રમાણની સંપૂર્ણ યાદી પીરસી દીધી. એ લોકો ક્રિશ્વિયન હતા, માટે નિરામિષ વાનગીઓ વિશે પણ ચર્ચા કરી લીધી. એલને મારિયા સામે જોયું, ‘સાંભળે છે ને? ડોક્ટરે શું કહ્યું? કાલથી રોજ સવારે નાસ્તામાં એક બોઇલ્ડ એગ, બપોરે ફીશ અને રોજ સાંજે લીવર સુપ લેવાનું શરૂ કરી દેજે! આટલું ફરજિયાત છે.’
મારા કાનમાં ક્યાંક કશુંક ખૂંચ્યું. એલનના અવાજમાં સખ્તાઇ હતી. જો નર્યો પ્રેમ હોત તો મને વધારે ગમ્યું હોત. પણ આ તો આદેશનો ક્યારેક સૂર હતો. પછી તરત જ મેં સમાધાન મેળવી લીધું, ‘હશે! આ પત્નીઓ પણ ક્યારેક જિદ્દી બની જતી હોય છે. એમાં પણ ખાવા-પીવાની વાતમાં તો ખાસ. એવા સમયે એની સાથે મૃદુતાપૂર્ણ વાણી-વ્યવહાર કારગત ન પણ નીવડે. નાનાં બાળક સાથે જેમ કડક થવું પડે છે એમ જ સગભૉ પત્ની સાથે પણ સખ્તાઇ દાખવવી પડે. આખરે તો આ બધું એનાં પોતાનાં ભલા માટે જ છે ને!’
મેં પ્રિસ્ક્રિપ્શન મારિયાની દિશામાં ધર્યું. એલને વચ્ચેથી ઝપટ મારીને કાગળ આંચકી લીધો, ‘એ બધું મને સમજાવો, ડોક્ટર! મારિયા દવાની બાબતમાં મહાચોર છે. કઇ દવા-ગોળી દિવસમાં ક્યારે અને કેટલી આપવાની છે એ મને સમજાવી દો! પછી હું છું અને એ છે!’ મેં કાનમાં આંગળી નાખીને ખૂંચતા શબ્દો ખંખેરી નાખ્યા. પછી દવાઓ વિશેની સૂચના આપવાનો પ્રારંભ કર્યો, ‘આ કેપ્સૂલ રોજ દિવસમાં એક વાર લેવાની છે.’
‘એમ નહીં, ડોક્ટર, એ લેવાનો સમય જણાવો!’
‘આમ તો ગમે ત્યારે લઇ શકો છો, પણ ભૂલી ન જવાય એ માટે રોજ બપોરે લંચ પછી…’
‘એમ નહીં, ડોક્ટર! ચોક્કસ સમય જણાવો! મારિયા બપોરનું ભોજન બાર વાગ્યે લે છે.’
‘તો કેપ્સૂલ સાડા બારે ગળવી.’ મારા અવાજમાં આછી અમથી ચીડ ભળવા લાગી હતી. આ પુરુષ હવે પતિ મટીને નાસાનો વૈજ્ઞાનિક પુરવાર થઇ રહ્યો હતો. દવાની બાબતમાં પણ સેકન્ડના સોમા ભાગ જેટલી ચોકસાઇ જાળવી રહ્યો હતો. પણ ત્યાં જ મારા મને મને ટપાર્યો, ‘હોય! જો એલન આટલી ચીકાશ ન દાખવે તો આ મારિયા કદાચ નવા મહિનામાં નવ કેપ્સૂલ પણ ન ગળે. આખરે તો એલન જે કંઇ કરે છે તે મારિયાનાં ભલા માટે જ કરે છે ને!’
પૂરા નવા મહિના સુધી આ ક્રમ ચાલુ રહ્યો. અંતે એ દિવસ આવી પહોંચ્યો, જેની પ્રત્યેક સ્ત્રીને પ્રતીક્ષા હોય છે. સવારે પાંચ વાગ્યે એલન મારિયાને લઇને આવી પહોંચ્યો. મેં ‘ચેકઅપ’ કરીને કહ્યું, ‘લેબર પેઇન્સની શરૂઆત થઇ ગઇ છે, પણ સુવાવડને હજુ વાર છે. કદાચ એકાદ દિવસ નીકળી જાય. તમે થોડાં કલાકો માટે ચાહો તો ઘરે પાછા જઇ શકો છો. દર્દ વધે ત્યારે…’
‘એમ નહીં, ડોક્ટર! તમે મારિયાને ‘એડમિટ’ કરી જ દો! ભલે બે દિવસ વધારે રહેવું પડે. ઘરે જઇને એણે શું ધાડ મારવાની છે? જે તકલીફ પડશે એ મને પડશે ને! હું બે-ચાર ધક્કા ખાઇ લઇશ, પણ મારિયા અહીં તમારા ઓબ્ઝર્વેશનમાં રહે એ બહેતર છે.’
મને શો વાંધો હોઇ શકે? મારિયા પણ ફિક્કું હસીને ખામોશ થઇ ગઇ. મેં એને નર્સિંગ હોમમાં દાખલ કરી દીધી. એ આખો દિવસ તો એમ જ પસાર થઇ ગયો. મધરાત પછી દર્દની તીવ્રતા વધવા લાગી.
મેં એની તપાસ કરી, બધું બરાબર હતું. પ્રસૂતિનો પ્રથમ તબક્કો યોગ્ય ગતિમાં આગળ ધપી રહ્યો હતો. પણ મારિયાની સહનશક્તિ અન્ય પ્રસૂતાઓની સરખામણીએ જરાક કમ હતી. એ થોડી થોડી વારે ચીસો પાડી રહી હતી. એલન લેબર રૂમની બહાર જ વા‹ચમેનની પેઠે આંટા મારી રહ્યો હતો. પત્નીની દર્દભરી ચીસોએ એને હુલાવી મૂક્યો, ‘ડોક્ટર, મારાથી આ ચીસો સહન નહીં થાય, તમે મારિયાનું સિઝેરિઅન કરી નાખો!’
‘સિઝેરિઅન શા માટે? તબીબી દ્રષ્ટિએ મને એ માટેનું કોઇ કારણ દેખાતું નથી…’
‘એમ નહીં, ડોક્ટર! તમે મારિયાને વિજ્ઞાનની નજરે જુઓ છો, જ્યારે હું એક પતિની નજરે જોઇ રહ્યો છું. મારાથી મારિયાની પીડા સહન નથી થતી.’
હવે હું જરાક કડક થયો, ‘હું સિઝેરિઅન ત્યારે જ કરું છું જ્યારે ડોક્ટર તરીકે એમ કરવાનું મને યોગ્ય લાગે. અને રહી વાત સહન કરવાની, તો એક વાત સમજી લો, મિ. એલન! સહનશક્તિ પ્રસૂતાની તપાસવી પડે, એનાં પતિની નહીં! મારા મતે મારિયાની ચીસો માપસર જ છે, બીજી સ્ત્રીઓ પણ પ્રસૂતિની પીડા વધે ત્યારે આવી જ ચીસો પાડતી હોય છે. યુ જસ્ટ શટ અપ એન્ડ સીટ આઉટસાઇડ! જો મને સિઝેરિઅન કરવા જેવું લાગશે તો હું તમને બોલાવી લઇશ, તમારે સંમતપિત્રકમાં સહી કરી આપવાની…’
છેક ચાર વાગ્યે મારિયાની વેદનાનો અંત આવ્યો. સુંદર અને તંદુરસ્ત બાબાનો જન્મ થયો. સુવાવડ સાવ સામાન્ય રીતે સંપન્ન થઇ ગઇ. સિઝેરિઅન કરવાની આવશ્યકતા ઊભી ન થઇ. એલન પણ હવે ખુશ હતો, ‘થેન્ક યુ, ડોક્ટર! અમને વિજ્ઞાનની વાતમાં ખબર ન પડે. અમે તો ભાવનાઓના પ્રવાહમાં વહી જઇએ. પણ ખૂબ સારું કામ કર્યું. સિઝેરિઅન ટળી ગયું!’
એલનની આ જ નિસ્બત, આ કાળજી, આવી જ લાગણી એ પછી પણ જારી રહ્યાં. સાંજે હું વોર્ડમાં સૂતેલી મારિયાને જોવા માટે ગયો, ત્યારે ખુશ થઇ ગયો. મારિયાના ખાટલાની બાજુના ટેબલ ઉપર પચરંગી ફૂલોનો ગુચ્છ પડેલો હતો. મેં પૂછ્યું, ‘વાહ! એક પ્રેમાળ પતિ તરફથી પત્નીને અપાયેલી સુગંધી ભેટ છે ને?’
‘એમ નહીં, ડોક્ટર!’ એલને એની રાબેતા મુજબની શૈલીમાં શરૂઆત કરી, ‘ભેટ-બેટ તો ઠીક છે, પણ મેં આ ફ્લાવર્સ અહીં એટલા માટે મૂક્યા છે, જેથી મારિયાનું મન પ્રસન્ન રહે. મેં એને કડક સૂચના આપી દીધી છે કે એ જ્યારે પણ પથારીમાં બેઠી થાય કે ઊભી થવા જાય, ત્યારે સૌથી પહેલી નજર આ ફૂલો ઉપર ફેંકે! આઇ એમ વેરી સ્ટ્રીકટ એબાઉટ ધિસ!’
કડક સૂચના! મારા કાનમાં આ શબ્દો વાગ્યા. આંખોમાં છવાયેલા પુષ્પોના રંગો અને શ્ચાસમાં પ્રવેશેલી સુગંધ ઓસરી ગયા. પણ મેં વિચાર્યું કે ગમે તેવું હોય, એક વાત નિશ્વિત હતી કે એલન મારિયાને ખૂબ ખૂબ પ્રેમ કરતો હતો. આટલો પ્રેમ કરનાર પતિદેવો જગતમાં છે ક્યાં?
મારિયાને રજા આપી એ સાથે જ એક પ્રકરણ પૂરું થઇ ગયું. મારિયા ભૂલાઇ ગઇ, એલન પણ ભૂલાઇ ગયો, જે યાદ રહી ગયો એ એલનનો એની પત્ની માટેનો પ્રેમ.
* * *
અચાનક ક્યાંકથી સમાચાર મળ્યા: એલનનું મોત થઇ ગયું! એક માર્ગ અકસ્માતમાં એની મોટરબાઇક ખાત્રજ ચોકડી પાસે એક ટ્રકની જોડે ટકરાઇ ગઇ. બાઇક ભૂક્કો બની ગઇ અને એલન ભૂતપૂર્વ બની ગયો. હું ‘અપસેટ’ હતો. મને એક શિસ્તપ્રિય પુરુષની જિંદગી સમય કરતાં વહેલી આથમી જવાનો અફસોસ હતો અને એક પત્નીનાં નોંધારા બની જવાનો આઘાત પણ હતો. મારે મારિયાને દિલાસો પાઠવવો હતો, પણ દુભૉગ્યે મારી પાસે ન તો એના ઘરનું સરનામું હતું કે ન એનો ટેલિફોન નંબર.
એકાદ મહિના પછી મને એમ કરવાનો મોકો મળી ગયો. મારિયા પોતે જ સામે ચાલીને મને મળવા માટે આવી પહોંચી. મળવા માટે નહોતી આવી, પણ નાની સરખી ગાયનેક શિકાયત લઇને આવી હતી. મેં ખરખરો કર્યો, ‘બે’ન, મેં તમારા પતિ વિશેના સમાચાર જાણ્યા, મને ખૂબ દુ:ખ થયું. તમારી એણે જે કાળજી લીધી હતી તે આજે પણ મને યાદ છે…’ મારિયા ફિક્કું હસી પડી, ‘તમે સાચા છો, ડોક્ટર! તમારી રીતે તમે સાવ સાચા છો. એલન મારી ખૂબ કાળજી લેતા હતા, પણ હું એની સાથે ખુશ નહોતી. એક સ્ત્રી માટે ‘સુખી હોવું’ અને ‘ખુશ હોવું’ એ બેય ચીજોની વચ્ચે તફાવત હોય છે.
મને સુખી કરવાની લાહ્યમાં એલન હદ કરતાં વધારે સખ્ત અને શિસ્તબદ્ધ બની જતા હતા. ભલે એ બધું મારા ભલા માટે હતું, પણ…!’ આટલું બોલ્યાં પછી એણે મારી સામે વેધક નજરે જોયું, ‘તમે જાણો છો કે એક શિક્ષક પોતાના વિદ્યાર્થીઓના ભલા માટે જ બધું કરતો હોય છે, પણ જ્યારે એ વાત્સલ્યભાવ છોડીને સખ્તાઇ ઉપર ઊતરી આવે છે, ત્યારે ક્યારેય વિદ્યાર્થીઓ એને ચાહી નથી શકતા! બસ, એટલું સમજી લો સર, કે એલન મારા માટે પ્રેમાળ પતિ નહતા, પણ એક કડક શિક્ષક હતા.’ મેં એક રૂટીન પ્રક્રિયા પ્રમાણે મારિયાને વજનકાંટા ઉપર ઊભી રાખી. પતિના અવસાન પછીના એક મહિનામાં એનું વજન બે કિ.ગ્રા. વધ્યું હતું. હવે આ બાબત મારા માટે ન તો આશ્ચર્યજનક હતી, ન આઘાતજનક!
(શીર્ષક પંક્તિ: હેમેન શાહ)

સાંજ પડતા સાંભરે તે અવસરોના સમ તને, આવ પાછી, આપણી આ ઉંમરોના સમ તને

રવિ સાથે છ જ મહિનાનું લગ્નજીવન વિતાવીને શૈલુ પાછી પોતાનાં મા-બાપના ઘરે આવી ગઇ. ઘરનાં ઉંબરા પરથી જ એલાન કરી દીધું, ‘હવે હું સાસરે નથી જવાની. જો મને દબાણ કરશો તો હું આત્મહત્યા કરી નાખીશ.’ એનાં પપ્પા-મમ્મીને જબરદસ્ત આઘાત લાગ્યો, પણ તેઓ ચૂપ રહ્યાં.

આ સમય સાચવી લેવા જેવો હતો. અત્યારે જો ડહાપણ ડહોળવા બેસીએ તો બાજી બગડી જાય. પપ્પાએ હેતાળ આવકાર આપીને દીકરીને ઘરમાં લીધી, ‘આવ, બેટા, આવ! આ તારું જ ઘર છે. અમે તને વળાવી હતી, ઘરમાંથી કાઢી મૂકી નહોતી. હું તને એટલુંય નહીં પૂછું કે ત્યાં તને શું દુ:ખ હતું. આ તો ઠીક છે કે તું ચાલી આવી, નહીંતર મને ખબર પડી હોત કે મારી શૈલુને સાસરીમાં સોય જેટલુંય દુ:ખ છે તો હું જ સામે ચાલીને તને તેડી જાત!’

મમ્મીએ તો શૈલુને બાથમાં જ લઇ લીધી, ‘દીકરી, અમે એમ માનીશું કે તું પિયરમાં થોડાક દિવસ રહેવા માટે આવી છો. બે મહિના, ચાર મહિના, છ મહિના તારે જ્યાં સુધી રહેવું હોય ત્યાં લગી અમે તને રાખવા માટે તૈયાર છીએ. જમાઇ સામે ચાલીને તને લેવા માટે ન આવે ત્યાં સુધી તારે અહીંથી જવાનું જ નથી.’

‘મમ્મી!’ શૈલુએ હાથમાંની બેગ જમીન પર મૂકતાં માની ભૂલ સુધારી, ‘તારો જમાઇ ગુલાંટિયાં ખાતો-ખાતો આવે કે તારાં વેવાઇ-વેવણ પગમાં પડતાં આવે, હું પાછી નથી જવાની એટલે નથી જવાની. તને ભારે પડતી લાગું ત્યારે મને કહી દેજે. હું એકલી રહીને જીવી શકું એટલું તો કમાઇ લઇશ.’ વાત પૂરી થઇ ગઇ.

સમજાવટની સીમારેખા સમાપ્ત થઇ ગઇ. બે-ચાર દિવસ થયા ત્યાં વેવાઇનો ફોન આવ્યો, ‘સુભાષભાઇ, કેમ છો? હું રમેશચંદ્ર બોલું છું. ફોન એટલા માટે કર્યો છે કે તમારી દીકરી સાવ તણખલા જેવી વાતમાં રિસાઇને અહીંથી ચાલી ગઇ છે. બે-ચાર દિવસ અમે જાણી જોઇને પસાર થઇ જવા દીધા. હવે જો એનું મન શાંત પડ્યું હોય અને તમે હા પાડતાં હો અમે જાતે આવીને અમારી વહુને તેડી જઇએ.

શૈલુના પપ્પા સુભાષભાઇએ ગાળિયો પોતાના ગળામાંથી કાઢી નાખ્યો, ‘વેવાઇ, આ મામલામાં હું વચ્ચે પડવા નથી માગતો. મારી દીકરી સામે જ બેઠી છે. હું રિસીવર એને આપું છું. તમે એની સાથે જ વાત કરો.’

શૈલુએ રિસીવર હાથમાં લેતાવેંત ગોળીબાર શરૂ કર્યો, ‘કયા મોંઢે મને લેવા આવવાની વાત કરો છો? હું તો તમારા ઘરમાં આવેલી જ હતી ને? તમને સાચવતાં ન આવડ્યું. હવે પછી તમારી ડાયરીમાંથી આ ટેલિફોન નંબર જ છેકી નાખજો. ગુડ બાય!’

સાસરીમાં ખળભળાટ મચી ગયો. રવિ પણ ગુસ્સામાં હતો. આવી પત્નીની સાથે આખો જન્મારો જાય જ કેવી રીતે? નાના-મોટા વિવાદો કે ઝઘડાઓ કોના ઘરમાં નથી હોતા? અને છ મહિનામાં પડી પડીને શૈલુનાં શિર પર કેટલું કેટલું દુ:ખ તૂટી પડ્યું હશે!

આખરે લગ્નજીવન એ સમાધાનનું જ બીજું નામ હોય છે. તદ્દન અજાણ્યા કુટુંબમાં ભિન્ન સંસ્કારો વચ્ચે ઊછરેલાં પુરુષ અને સ્ત્રી જ્યારે અચાનક એક છત નીચે જીવવા લાગે ત્યારે અનુકૂળ થવામાં થોડોક સમય તો લાગે જ ને! પણ શૈલુ તો છ જ મહિનામાં ઘર છોડીને ચાલી ગઇ. આવી પત્નીને પાછી બોલાવીને પણ ફાયદો શો?

પુત્રવધૂના હાથે અપમાનિત થયેલા રમેશભાઇએ કહી દીધું, ‘હું ફરીવાર ક્યારેય એને ફોન નહીં કરું. હું તો મારા રવિને બીજી વાર ઘોડે ચડાવીને જંપીશ.’ પંદર દિવસ પછી રવિની મમ્મી રમાબહેને હિંમત કરી. વેવાઇના ઘરનો ફોન લગાડ્યો.

આ વખતે વહુએ એમની જોડે વાત પણ ન કરી. વેવાણે-વેવાણ સામસામે ટકરાયાં. શૈલુનાં મમ્મી સુરેખાબહેને રમાબહેનને સાત-સાત મણની ગાળો ચોપડાવી દીધી. પંદર દિવસ પહેલાં જે પ્રતિજ્ઞા રમેશભાઇએ લીધેલી એ જ પ્રતિજ્ઞા હવે રમાબહેને જાહેર કરી દીધી, ‘વકીલની નોટિસ મોકલાવો. મારે આ ઘરમાં એનો ટાંટિયો ન જોઇએ. મારો દીકરો રાજાનો કુંવર છે. એના માટે શૈલુને ટક્કર મારે એવી બીજી કન્યા લઇ આવીશ.’

મહિના પછી રવિએ ફોન કર્યો. એના પણ એ જ હાલ થયા. રાજાનો કુંવર ચપરાસી બની ગયો. પ્રતિજ્ઞા પાક્કી થતી ગઇ. બે મહિનામાં તો ‘રવિની પત્ની રિસામણે બેઠી છે’ એ વાત એસ.એમ.એસ.માં ફરતા જોકની પેઠે આખી જ્ઞાતિમાં ફેલાઇ ગઇ.

વાટાઘાટો અને સમજાવટનો સિલસિલો શરૂ થઇ ગયો. રવિના મામા મોહનલાલ એક શુભ દિવસે રવિની સાસરીમાં જઇ ચડ્યા. પૂછ્યું, ‘શૈલુ બેટા! તમને તકલીફ શી છે એટલું જણાવો તો એનો ઉપાય થાય.’

શૈલુ બેટાએ વડચકું ભરી લીધું, ‘કેટલી તકલીફો ગણાવું તમને? એક વાત હોય તો ઉપાય થાય, આખું કપડું ફાટે ત્યારે થીગડાં ક્યાં મારશો? ને કેટલાં મારશો?’ પછી વાંધા-વચકાની યાદી રજૂ કરી દીધી. ‘મને નોકરી કરવા નથી દેતા. હુંયે રવિની જેટલું જ ભણી છું. મારી વિદ્યા શું મારે પાણીમાં વહાવી દેવાની?

બેય ટંકની રસોઇ મારે જ રાંધવી પડે છે. રસોઇવાળી બાઇ લાવવી હતી તો દીકરાને પરણાવ્યો શા માટે? બપોરે મને અડધો કલાક આડે પડખે થવાનુંયે સુખ નથી મળતું. ઢગલો એક કપડાંને મારે જ ઇસ્ત્રી કરવી પડે છે.’ જેટલાં કામ હતાં, એટલી ફરિયાદો હતો.

મોહનમામા પાસે એક પણ વાતનો જવાબ ન હતો. સિવાય કે વિનંતી, ‘એક વાર તમે પાછાં આવી જાવ, ધીમે ધીમે બધું થાળે પડી જશે.’ ‘થાળે તો પડશે ત્યારે પડશે, અત્યારે તો થાળીઓ પડી ચૂકી છે. ચૂપચાપ જમી લો અને પછી માનભેર સિધાવો.

મહેમાન બનીને આવેલા છો એટલે વધારે કંઇ નથી કહેતી…’ મોહનલાલ મોહનથાળ જેવા બનીને પધાર્યા હતા, વાસી રોટલા જેવા બનીને પાછા ફર્યા.

પંદર દિવસ પછી રવિના ફુવા ફુલશંકર મેદાનમાં ઊતર્યા. એમનું નસીબ તો મોહનમામા કરતાં પણ ખરાબ સાબિત થયું. રવિના કાકા કનુકાકાની આખી ન્યાતમાં ધાક જામેલી હતી. પણ કનુકાકાનાય ભૂંડા હાલ થઇ ગયા.

હવે રવિના પપ્પા સમજી ગયા : ‘શૈલુ પાછી આવે તે વાતમાં માલ નથી. પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ.’ અહીં પાર્થ એટલે વકીલ, બાણ એટલે છૂટાછેડાની નોટિસ અને યુદ્ધ એટલે અદાલતી કાર્યવાહી. નિર્ણય લેવાઇ ગયો. કાલે સવારે ઊઠીને પહેલું કામ વકીલને મળવાનું નક્કી થઇ ગયું.

પણ દરેક સવારની આડે એક રાત હોય છે. રવિ આખીયે રાત ઊંઘી ન શક્યો. એણે પોતાની જાતને કેટલાક પ્રશ્નો પૂછ્યા : ‘શૈલુ મને ગમે છે કે નહીં? એની સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય મારા માટે યોગ્ય હશે કે નહીં? એનાં વગર બીજી સ્ત્રી સાથે લગ્ન કરીને હું સુખી થઇ શકીશ એવું મને લાગે છે કે નહીં? શૈલુને હું ખરેખર ભૂલી શકીશ ખરો?’

પોતાનું કાઢેલું પ્રશ્નપેપર રવિએ જાતે જ લખ્યું અને જાતે જ તપાસ્યું. સોમાંથી સો માર્ક્સ આવ્યા. દરેક સવાલનો એક જ જવાબ હતો. રાત્રે ત્રણ વાગ્યે એણે પ્રેમપત્ર લખવાનું શરૂ કર્યું. પરોઢના પાંચ વાગ્યા સુધી લખતો રહ્યો, લખતો ગયો.

પત્રનો સાર કંઇક આવો હતો : ‘મારી અને માત્ર મારી શૈલુ, મારાં બધાં જ સગાંઓનું માનવું છે કે તું પાછી નહીં આવે. વાંધો નહીં. તું ન જ આવતી. હું તને મારા પ્રત્યેના ધિક્કારમાંથી પાછી નહીં વાળી શકું. પણ એટલું યાદ રાખજે કે તું પણ મને તારા પ્રત્યેના પ્રેમમાંથી પાછો નહીં વાળી શકે.

જિંદગીના આખરી શ્વાસ સુધી હું મારી શૈલુને જ પ્રેમ કરતો રહીશ. અને મૃત્યુ પછી પણ એ જ કામ ચાલુ રહેશે. આપણા ધર્મમાં ચોર્યાશી લાખ જન્મોની વાત આવે છે. આ એક ફેરો કોરો જાય તોયે શું? પ્રવાસ લાંબો છે, આશા અનંત છે અને ધીરજ અખૂટ છે.

તું ભલેને લાખ વાર પાણી મૂક કે પાછી નહીં આવે! હું કરોડ વાર તને કહીશ કે તું આવીશ જ. નદીના પ્રવાહમાં પડેલો પથ્થર પણ ભીનો થાય છે, તું તો શૈલુ છે. ક્યારેક તો ભીંજાઇશ જ. મને ખાતરી છે.’

એક પત્ર. બીજા દિવસે બીજો અને ત્રીજા દિવસે ત્રીજો પત્ર. સિલસિલો ચાલુ થઇ ગયો. પપ્પા રમેશભાઇને આ વાતની ખબર પડી. એમણે રવિને ખખડાવ્યો, ‘શા માટે તિજોરી ખાલી કરવા બેઠો છે? પોસ્ટલ ડિપાર્ટમેન્ટની દયા આવતી હોય તો પાંચસો ને એક રૂપિયાનું દાન જાહેર કર! આમ રોજ-રોજ એક એક પત્ર લખીને શા માટે પૈસાનું પાણી કરી રહ્યો છે?’

રવિએ કોઇની વાત ન માની, માત્ર પોતાના દિલની વાત માની લીધી. મહિનો ગયો. બે, ત્રણ, ચાર મહિના પસાર થઇ ગયા. શૈલુનાં સરનામે પ્રેમપત્રોનો અવિરત હુમલો જારી રહ્યો. શરૂઆતના પત્રો શૈલુએ ફોડ્યા પણ નહીં, પછી ઉત્સુકતાને વશ થઇને ખોલ્યા. પછી એ લખાણને બદલે લાગણી વાંચવા માંડી.

છ મહિના પછી હાલત એવી થઇ ગઇ કે ઘડિયાળના કાંટે એ ટપાલીના આગમનની વાટ જોવા માંડી. રવિના પત્રો હવે શૈલુ માટે આદત બની ગયા. કોઇ પણ સ્ત્રીને છેવટે પુરુષ પાસેથી શું જોઇતું હોય છે?! માત્ર પ્રેમ જ ને? તો એ વસ્તુ રવિ કરતાં વધારે બીજું કોણ આપી શકવાનું હતું!

શૈલુ પીગળી ગઇ, ‘પપ્પા, હું મારા સાસરે જવા માગું છું.’ એક દિવસ એણે એલાન કરી દીધું. એનાં પપ્પા-મમ્મીને તો આ નિર્ણય સામે વાંધો જ શા માટે હોય? છતાં એમણે દીકરીને સમજાવવા માટે નિકટનાં સગાંવહાલાંઓને ભેગાં કર્યા.

શૈલુના મામા મુકુન્દમામાએ મમરો મૂકયો, ‘ભાણી, એ લોકોને એમ લાગશે કે તું થાકી ગઇ. હજુ વરસ તો પૂરું થવા દે!’ ફાલ્ગુન ફુવાએ લાલચ આપી જોઇ, ‘શૈલુ, તારા માટે રવિ કરતાંયે વધુ હેન્ડસમ છોકરો હું શોધી કાઢીશ. ભૂલી જા એને!’

કિરીટકાકાએ કાયદો યાદ કરાવ્યો, ‘બેટી, તું એક અવાજ કર! હું એ બદમાશોને દહેજના કાયદામાં ફસાવીને જેલની અંદર ફિટ કરાવી દઉ! સમજે છે શું આપણને?’

જવાબમાં શૈલુ ઊભી થઇને બારી પાસે ગઇ. આષાઢનો પ્રથમ દિવસ હતો ને મોસમનો પહેલો વરસાદ પડવો શરૂ થયો હતો. રસ્તા પરના લોકોને વરસાદ ભીંજવતો હતો અને બારી પાસે ઊભેલી શૈલુને એના વરનો સાદ ભીંજવી રહ્યો હતો.

એ શરમાઇ રહી હતી અને એની હાલત જોઇને એનાં પરિવારજનો હસી રહ્યાં હતાં. છેવટે એણે આટલું જ કહ્યું, ‘હું ન જાઉ તો શું કરું? હું વધારે ખેંચીશ તો પપ્પાના ઘરમાં પત્રો સાચવવાની જગ્યા નહીં બચે!’

(શિર્ષક પંક્તિ: આકાશ ઠક્કર)

સ્રોત દિવ્યભાસ્કર

રવિ સાથે છ જ મહિનાનું લગ્નજીવન વિતાવીને શૈલુ પાછી પોતાનાં મા-બાપના ઘરે આવી ગઇ. ઘરનાં ઉંબરા પરથી જ એલાન કરી દીધું, ‘હવે હું સાસરે નથી જવાની. જો મને દબાણ કરશો તો હું આત્મહત્યા કરી નાખીશ.’ એનાં પપ્પા-મમ્મીને જબરદસ્ત આઘાત લાગ્યો, પણ તેઓ ચૂપ રહ્યાં.

આ સમય સાચવી લેવા જેવો હતો. અત્યારે જો ડહાપણ ડહોળવા બેસીએ તો બાજી બગડી જાય. પપ્પાએ હેતાળ આવકાર આપીને દીકરીને ઘરમાં લીધી, ‘આવ, બેટા, આવ! આ તારું જ ઘર છે. અમે તને વળાવી હતી, ઘરમાંથી કાઢી મૂકી નહોતી. હું તને એટલુંય નહીં પૂછું કે ત્યાં તને શું દુ:ખ હતું. આ તો ઠીક છે કે તું ચાલી આવી, નહીંતર મને ખબર પડી હોત કે મારી શૈલુને સાસરીમાં સોય જેટલુંય દુ:ખ છે તો હું જ સામે ચાલીને તને તેડી જાત!’

મમ્મીએ તો શૈલુને બાથમાં જ લઇ લીધી, ‘દીકરી, અમે એમ માનીશું કે તું પિયરમાં થોડાક દિવસ રહેવા માટે આવી છો. બે મહિના, ચાર મહિના, છ મહિના તારે જ્યાં સુધી રહેવું હોય ત્યાં લગી અમે તને રાખવા માટે તૈયાર છીએ. જમાઇ સામે ચાલીને તને લેવા માટે ન આવે ત્યાં સુધી તારે અહીંથી જવાનું જ નથી.’

‘મમ્મી!’ શૈલુએ હાથમાંની બેગ જમીન પર મૂકતાં માની ભૂલ સુધારી, ‘તારો જમાઇ ગુલાંટિયાં ખાતો-ખાતો આવે કે તારાં વેવાઇ-વેવણ પગમાં પડતાં આવે, હું પાછી નથી જવાની એટલે નથી જવાની. તને ભારે પડતી લાગું ત્યારે મને કહી દેજે. હું એકલી રહીને જીવી શકું એટલું તો કમાઇ લઇશ.’ વાત પૂરી થઇ ગઇ.

સમજાવટની સીમારેખા સમાપ્ત થઇ ગઇ. બે-ચાર દિવસ થયા ત્યાં વેવાઇનો ફોન આવ્યો, ‘સુભાષભાઇ, કેમ છો? હું રમેશચંદ્ર બોલું છું. ફોન એટલા માટે કર્યો છે કે તમારી દીકરી સાવ તણખલા જેવી વાતમાં રિસાઇને અહીંથી ચાલી ગઇ છે. બે-ચાર દિવસ અમે જાણી જોઇને પસાર થઇ જવા દીધા. હવે જો એનું મન શાંત પડ્યું હોય અને તમે હા પાડતાં હો અમે જાતે આવીને અમારી વહુને તેડી જઇએ.

શૈલુના પપ્પા સુભાષભાઇએ ગાળિયો પોતાના ગળામાંથી કાઢી નાખ્યો, ‘વેવાઇ, આ મામલામાં હું વચ્ચે પડવા નથી માગતો. મારી દીકરી સામે જ બેઠી છે. હું રિસીવર એને આપું છું. તમે એની સાથે જ વાત કરો.’

શૈલુએ રિસીવર હાથમાં લેતાવેંત ગોળીબાર શરૂ કર્યો, ‘કયા મોંઢે મને લેવા આવવાની વાત કરો છો? હું તો તમારા ઘરમાં આવેલી જ હતી ને? તમને સાચવતાં ન આવડ્યું. હવે પછી તમારી ડાયરીમાંથી આ ટેલિફોન નંબર જ છેકી નાખજો. ગુડ બાય!’

સાસરીમાં ખળભળાટ મચી ગયો. રવિ પણ ગુસ્સામાં હતો. આવી પત્નીની સાથે આખો જન્મારો જાય જ કેવી રીતે? નાના-મોટા વિવાદો કે ઝઘડાઓ કોના ઘરમાં નથી હોતા? અને છ મહિનામાં પડી પડીને શૈલુનાં શિર પર કેટલું કેટલું દુ:ખ તૂટી પડ્યું હશે!

આખરે લગ્નજીવન એ સમાધાનનું જ બીજું નામ હોય છે. તદ્દન અજાણ્યા કુટુંબમાં ભિન્ન સંસ્કારો વચ્ચે ઊછરેલાં પુરુષ અને સ્ત્રી જ્યારે અચાનક એક છત નીચે જીવવા લાગે ત્યારે અનુકૂળ થવામાં થોડોક સમય તો લાગે જ ને! પણ શૈલુ તો છ જ મહિનામાં ઘર છોડીને ચાલી ગઇ. આવી પત્નીને પાછી બોલાવીને પણ ફાયદો શો?

પુત્રવધૂના હાથે અપમાનિત થયેલા રમેશભાઇએ કહી દીધું, ‘હું ફરીવાર ક્યારેય એને ફોન નહીં કરું. હું તો મારા રવિને બીજી વાર ઘોડે ચડાવીને જંપીશ.’ પંદર દિવસ પછી રવિની મમ્મી રમાબહેને હિંમત કરી. વેવાઇના ઘરનો ફોન લગાડ્યો.

આ વખતે વહુએ એમની જોડે વાત પણ ન કરી. વેવાણે-વેવાણ સામસામે ટકરાયાં. શૈલુનાં મમ્મી સુરેખાબહેને રમાબહેનને સાત-સાત મણની ગાળો ચોપડાવી દીધી. પંદર દિવસ પહેલાં જે પ્રતિજ્ઞા રમેશભાઇએ લીધેલી એ જ પ્રતિજ્ઞા હવે રમાબહેને જાહેર કરી દીધી, ‘વકીલની નોટિસ મોકલાવો. મારે આ ઘરમાં એનો ટાંટિયો ન જોઇએ. મારો દીકરો રાજાનો કુંવર છે. એના માટે શૈલુને ટક્કર મારે એવી બીજી કન્યા લઇ આવીશ.’

મહિના પછી રવિએ ફોન કર્યો. એના પણ એ જ હાલ થયા. રાજાનો કુંવર ચપરાસી બની ગયો. પ્રતિજ્ઞા પાક્કી થતી ગઇ. બે મહિનામાં તો ‘રવિની પત્ની રિસામણે બેઠી છે’ એ વાત એસ.એમ.એસ.માં ફરતા જોકની પેઠે આખી જ્ઞાતિમાં ફેલાઇ ગઇ.

વાટાઘાટો અને સમજાવટનો સિલસિલો શરૂ થઇ ગયો. રવિના મામા મોહનલાલ એક શુભ દિવસે રવિની સાસરીમાં જઇ ચડ્યા. પૂછ્યું, ‘શૈલુ બેટા! તમને તકલીફ શી છે એટલું જણાવો તો એનો ઉપાય થાય.’

શૈલુ બેટાએ વડચકું ભરી લીધું, ‘કેટલી તકલીફો ગણાવું તમને? એક વાત હોય તો ઉપાય થાય, આખું કપડું ફાટે ત્યારે થીગડાં ક્યાં મારશો? ને કેટલાં મારશો?’ પછી વાંધા-વચકાની યાદી રજૂ કરી દીધી. ‘મને નોકરી કરવા નથી દેતા. હુંયે રવિની જેટલું જ ભણી છું. મારી વિદ્યા શું મારે પાણીમાં વહાવી દેવાની?

બેય ટંકની રસોઇ મારે જ રાંધવી પડે છે. રસોઇવાળી બાઇ લાવવી હતી તો દીકરાને પરણાવ્યો શા માટે? બપોરે મને અડધો કલાક આડે પડખે થવાનુંયે સુખ નથી મળતું. ઢગલો એક કપડાંને મારે જ ઇસ્ત્રી કરવી પડે છે.’ જેટલાં કામ હતાં, એટલી ફરિયાદો હતો.

મોહનમામા પાસે એક પણ વાતનો જવાબ ન હતો. સિવાય કે વિનંતી, ‘એક વાર તમે પાછાં આવી જાવ, ધીમે ધીમે બધું થાળે પડી જશે.’ ‘થાળે તો પડશે ત્યારે પડશે, અત્યારે તો થાળીઓ પડી ચૂકી છે. ચૂપચાપ જમી લો અને પછી માનભેર સિધાવો.

મહેમાન બનીને આવેલા છો એટલે વધારે કંઇ નથી કહેતી…’ મોહનલાલ મોહનથાળ જેવા બનીને પધાર્યા હતા, વાસી રોટલા જેવા બનીને પાછા ફર્યા.

પંદર દિવસ પછી રવિના ફુવા ફુલશંકર મેદાનમાં ઊતર્યા. એમનું નસીબ તો મોહનમામા કરતાં પણ ખરાબ સાબિત થયું. રવિના કાકા કનુકાકાની આખી ન્યાતમાં ધાક જામેલી હતી. પણ કનુકાકાનાય ભૂંડા હાલ થઇ ગયા.

હવે રવિના પપ્પા સમજી ગયા : ‘શૈલુ પાછી આવે તે વાતમાં માલ નથી. પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ.’ અહીં પાર્થ એટલે વકીલ, બાણ એટલે છૂટાછેડાની નોટિસ અને યુદ્ધ એટલે અદાલતી કાર્યવાહી. નિર્ણય લેવાઇ ગયો. કાલે સવારે ઊઠીને પહેલું કામ વકીલને મળવાનું નક્કી થઇ ગયું.

પણ દરેક સવારની આડે એક રાત હોય છે. રવિ આખીયે રાત ઊંઘી ન શક્યો. એણે પોતાની જાતને કેટલાક પ્રશ્નો પૂછ્યા : ‘શૈલુ મને ગમે છે કે નહીં? એની સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય મારા માટે યોગ્ય હશે કે નહીં? એનાં વગર બીજી સ્ત્રી સાથે લગ્ન કરીને હું સુખી થઇ શકીશ એવું મને લાગે છે કે નહીં? શૈલુને હું ખરેખર ભૂલી શકીશ ખરો?’

પોતાનું કાઢેલું પ્રશ્નપેપર રવિએ જાતે જ લખ્યું અને જાતે જ તપાસ્યું. સોમાંથી સો માર્ક્સ આવ્યા. દરેક સવાલનો એક જ જવાબ હતો. રાત્રે ત્રણ વાગ્યે એણે પ્રેમપત્ર લખવાનું શરૂ કર્યું. પરોઢના પાંચ વાગ્યા સુધી લખતો રહ્યો, લખતો ગયો.

પત્રનો સાર કંઇક આવો હતો : ‘મારી અને માત્ર મારી શૈલુ, મારાં બધાં જ સગાંઓનું માનવું છે કે તું પાછી નહીં આવે. વાંધો નહીં. તું ન જ આવતી. હું તને મારા પ્રત્યેના ધિક્કારમાંથી પાછી નહીં વાળી શકું. પણ એટલું યાદ રાખજે કે તું પણ મને તારા પ્રત્યેના પ્રેમમાંથી પાછો નહીં વાળી શકે.

જિંદગીના આખરી શ્વાસ સુધી હું મારી શૈલુને જ પ્રેમ કરતો રહીશ. અને મૃત્યુ પછી પણ એ જ કામ ચાલુ રહેશે. આપણા ધર્મમાં ચોર્યાશી લાખ જન્મોની વાત આવે છે. આ એક ફેરો કોરો જાય તોયે શું? પ્રવાસ લાંબો છે, આશા અનંત છે અને ધીરજ અખૂટ છે.

તું ભલેને લાખ વાર પાણી મૂક કે પાછી નહીં આવે! હું કરોડ વાર તને કહીશ કે તું આવીશ જ. નદીના પ્રવાહમાં પડેલો પથ્થર પણ ભીનો થાય છે, તું તો શૈલુ છે. ક્યારેક તો ભીંજાઇશ જ. મને ખાતરી છે.’

એક પત્ર. બીજા દિવસે બીજો અને ત્રીજા દિવસે ત્રીજો પત્ર. સિલસિલો ચાલુ થઇ ગયો. પપ્પા રમેશભાઇને આ વાતની ખબર પડી. એમણે રવિને ખખડાવ્યો, ‘શા માટે તિજોરી ખાલી કરવા બેઠો છે? પોસ્ટલ ડિપાર્ટમેન્ટની દયા આવતી હોય તો પાંચસો ને એક રૂપિયાનું દાન જાહેર કર! આમ રોજ-રોજ એક એક પત્ર લખીને શા માટે પૈસાનું પાણી કરી રહ્યો છે?’

રવિએ કોઇની વાત ન માની, માત્ર પોતાના દિલની વાત માની લીધી. મહિનો ગયો. બે, ત્રણ, ચાર મહિના પસાર થઇ ગયા. શૈલુનાં સરનામે પ્રેમપત્રોનો અવિરત હુમલો જારી રહ્યો. શરૂઆતના પત્રો શૈલુએ ફોડ્યા પણ નહીં, પછી ઉત્સુકતાને વશ થઇને ખોલ્યા. પછી એ લખાણને બદલે લાગણી વાંચવા માંડી.

છ મહિના પછી હાલત એવી થઇ ગઇ કે ઘડિયાળના કાંટે એ ટપાલીના આગમનની વાટ જોવા માંડી. રવિના પત્રો હવે શૈલુ માટે આદત બની ગયા. કોઇ પણ સ્ત્રીને છેવટે પુરુષ પાસેથી શું જોઇતું હોય છે?! માત્ર પ્રેમ જ ને? તો એ વસ્તુ રવિ કરતાં વધારે બીજું કોણ આપી શકવાનું હતું!

શૈલુ પીગળી ગઇ, ‘પપ્પા, હું મારા સાસરે જવા માગું છું.’ એક દિવસ એણે એલાન કરી દીધું. એનાં પપ્પા-મમ્મીને તો આ નિર્ણય સામે વાંધો જ શા માટે હોય? છતાં એમણે દીકરીને સમજાવવા માટે નિકટનાં સગાંવહાલાંઓને ભેગાં કર્યા.

શૈલુના મામા મુકુન્દમામાએ મમરો મૂકયો, ‘ભાણી, એ લોકોને એમ લાગશે કે તું થાકી ગઇ. હજુ વરસ તો પૂરું થવા દે!’ ફાલ્ગુન ફુવાએ લાલચ આપી જોઇ, ‘શૈલુ, તારા માટે રવિ કરતાંયે વધુ હેન્ડસમ છોકરો હું શોધી કાઢીશ. ભૂલી જા એને!’

કિરીટકાકાએ કાયદો યાદ કરાવ્યો, ‘બેટી, તું એક અવાજ કર! હું એ બદમાશોને દહેજના કાયદામાં ફસાવીને જેલની અંદર ફિટ કરાવી દઉ! સમજે છે શું આપણને?’

જવાબમાં શૈલુ ઊભી થઇને બારી પાસે ગઇ. આષાઢનો પ્રથમ દિવસ હતો ને મોસમનો પહેલો વરસાદ પડવો શરૂ થયો હતો. રસ્તા પરના લોકોને વરસાદ ભીંજવતો હતો અને બારી પાસે ઊભેલી શૈલુને એના વરનો સાદ ભીંજવી રહ્યો હતો.

એ શરમાઇ રહી હતી અને એની હાલત જોઇને એનાં પરિવારજનો હસી રહ્યાં હતાં. છેવટે એણે આટલું જ કહ્યું, ‘હું ન જાઉ તો શું કરું? હું વધારે ખેંચીશ તો પપ્પાના ઘરમાં પત્રો સાચવવાની જગ્યા નહીં બચે!’

(શિર્ષક પંક્તિ: આકાશ ઠક્કર)

ઉપરના પહેરવેશો પરથી તમને ભક્ત લાગે, ત્વચાના તળમાં ઊતરો તો ઘણા આસક્ત લાગે

‘ઓહ્ માય ગુડનેસ!’ મેં જયારે ઓફિસમાં પગ મૂકયો ત્યારે મારા કાને આ શબ્દો પડયા. હું ચક્તિ થઇ ગયો. આ શબ્દો આની પહેલાં પણ મેં અનેકવાર સાંભળ્યા હતા, પણ ડો.. તરલીકા મેડમનાં ઘાટીલા મોંમાંથી જયારે એ જ શબ્દો બહાર પડતાં હતાં ત્યારે એનો અર્થ પણ સ્ફૂટ થઇ જતો હતો.

ડો. તરલીકાબહેન સ્વયં તો સુંદર હતાં જ, એમનો અવાજ પણ સુંદર હતો. ચોક્કસપણે કહેવું હોય તો એમ કહેવાય કે મેડમનો અવાજ જાજરમાન હતો. આટલો સત્તાવાહી, સ્પષ્ટ અને સુરેખ અવાજ મેં એમની પહેલાં અને એમનાં પછી બીજી કોઇ લેડી ડોક્ટરનો સાંભળ્યો નથી.

હું બારણાંમાં જ થંભી ગયો. મેડમ કોઇ દર્દીને ખખડાવી રહ્યાં હતાં, ‘ઓહ્ માય ગુડનેસ! યુ હેવ ફેઇલ્ડ ટુ ટર્ન અર્પ બિફોર મી ફોર અ ફોલો-અપ એકઝામિનેશન! ડુ યુ નો? યુ હેવ અનડન ઓલ ધી ગુડ વર્ક ધેટ આઇ હેવ ઇમ્પાર્ટેડ ઓન યુ બાય ડુઇંગ યોર ઓપરેશન! યુ બ્લડી, રસ્ટીક, નેટીવ પીપલ ઓફ ધીસ કન્ટ્રી…’ મેડમનું વાકય કેટલી મિનિટ્સ બાદ પૂરું થયું હોત એની ધારણા હું ન કરી શકયો. પણ તેઓ અટકી ગયાં. અચાનક એમની નજર મારી ઉપર પડી.

‘યસ..! ડો.. ઠાકર..! વ્હોટ મેઇડ યુ કમ હિયર એટ ધીસ અનયુઝવલ અવર?’ મેડમે આગવી અદાથી પૂછ્યું. હું ભયંકર ગડમથલમાં હતો : મેડમનું અંગ્રેજી સારું હતું? કે અંગ્રેજી બોલવાની એમની છટા સારી હતી? હું પોતે અંગ્રેજી માઘ્યમમાં દસેક વર્ષ ભણીને આવ્યો હતો.

મારું શબ્દભંડોળ મારા તમામ સાથીદારો કરતાં વિશાળ અને સમૃદ્ધ હતું. પણ આ શબ્દકોશ તરૂ મેડમનાં કમાનાકાર હોઠો વરચેથી બહાર ટપકતો હતો ત્યારે શબ્દકોશ મટીને રત્નકોશ શા માટે બની જતો હતો?! મેં જવાબ ન આપ્યો, એટલે મેડમે ફરીથી પૂછ્યું, ‘એનીથિંગ પર્સનલ, પ્રાઇવેટ ઓર સિક્રેટ?’

હું વશીકરણમાંથી માંડ-માંડ બહાર નીકળ્યો, ‘એબ્સોલ્યુટલી નોટ, મેડમ! મને મોટા સાહેબે મોકલ્યો છે. એવી સૂચના સાથે કે આ હોસ્પિટલ છોડતાં પહેલાં મારે થોડોક સમય તમારી સાથે કામ કરવું. જે બાબતો બીજા ડોક્ટરો પાસેથી શીખવા ન મળે એ મને તમારી પાસેથી મળી શકશે.’ ‘અને એમનું માનવું તદ્દન સાચું છે. પ્લીઝ, કમ ઇન.’ મેડમે મને આવકાર આપ્યો.

સામે પડેલી ખુરશીમાં બેસાડયો. આમ તો એ મને ચહેરા અને નામથી ઓળખતા જ હતા, પણ આજથી હું એમનાં વિભાગમાં કામ કરવાનો હતો. મોટા સાહેબની ઇચ્છા પૂરી કરવા માટે ડો.. તરલીકા મેડમે પ્રથમ દિવસની પ્રથમ ક્ષણથી જ મને કેટલીક વ્યવહારુ વાતો શીખવવા માંડી, ‘જુઓ, આ દર્દી! કેટલાં બેદરકાર છે આપણાં લોકો! આજથી બે મહિના પહેલાં મેં એનાં ગર્ભાશયનું ઓપરેશન કર્યું હતું. રજા આપતી વખતે સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી હતી કે સાત દિવસ પછી ચેક-અપ માટે પાછા આવવું. એને બદલે આજે બે મહિના પછી આવી છે. લુક એટ હર કન્ડિશન.’

મેડમ ગુજરાતીમાં બોલતાં હતાં ત્યારે પણ એટલાં જ પ્રભાવશાળી લાગતાં હતાં. પણ ગુજરાતીમાં તેઓ ભાગ્યે જ બોલતાં હતાં. આ તો વાચકો સમજી શકે એટલા માટે વચ્ચે-વચ્ચે મેં કયાંક-કયાંક એમની જીભ ઉપર ગુજરાતી શબ્દો મૂકયા છે. બાકી મેડમ કોઇ અસલી અંગ્રેજ કરતાં પણ વધારે અંગ્રેજીપ્રિય હતાં.

‘ઓહ્ માય ગુડનેસ!’ એ એમનો તકિયાકલામ હતો. ‘ડો.. ઠાકર, તમારે આ વાત શીખવાની છે. આપણાં દેશની પ્રજા ભોટ, જડ, ગોબરી અને કોઇ પણ જાતના ભાન વગરની છે. તમે ગમે તેટલું સુંદર ઓપરેશન કરી આપો, પણ આ ગામડિયા લોકો એનું પરિણામ બગાડી નાખે.’

તરૂ મેડમે ‘ગામડિયા’ શબ્દ ઉચ્ચાર્યો, ત્યારે જ છેક મારું ઘ્યાન ગયું કે પેશન્ટ તરીકે આવેલી સ્ત્રી તો ગ્રામીણ, અભણ અને વનવાસી જનજાતિની હતી. એ બાપડીને આપણાં ગુજરાતી શબ્દો પણ સમજાતાં ન હોય, ત્યાં તરૂ મેડમનાં બ્રિટિશ ઇંગ્લિશમાં એ શું સમજવાની હતી? કદાચ આ ભૂલ પણ એનાથી એ જ કારણે થઇ હશે કેમ કે સાત દિવસ પછી ‘ચેકઅપ’ માટે આવવાની સૂચના પણ મેડમે એને છટાદાર અંગ્રેજીમાં જ આપી હશે.

હું વિચારી રાો કે આમાંથી મારે શું શીખવાનું હતું? આ ગમાર દેશના જંગલી દર્દીઓએ ડો.. તરલીકા મેડમનું અંગ્રેજી ડિકશન સમજી લેવું જોઇએ? કે પછી ભારતના ડોક્ટરોએ જે-તે પ્રદેશની સ્થાનિક, તળપદી, જાનપદી બોલીમાં દર્દીને સમજાવવા જેટલી આદત કેળવી લેવી જોઇએ?

ડો..તરલીકા મેડમ સુંદર હતાં, તેમ છતાં કુંવારા હતાં. એક દિવસ તેઓ સારા મૂડમાં હતાં. ઓ.પી.ડી. સમાપ્ત થઇ ગઇ હતી. મેં કેન્ટીનમાંથી મારા માટે ચા મગાવી. પૂછ્યું, ‘મેડમ, તમે પણ પીશો ને?’

‘ચા? ઓહ્ માય ગુડનેસ! ચા તો દેશી લોકો પીવે! આઇ ઓલ્વેયઝ ટેક કોફી, યુ નો! આપણાં જેવા સુશિિક્ષત અને સભ્ય લોકોએ ચા ન પીવી જોઇએ. કોફીનો કપ હાથમાં પકડવામાં એક જાતની ગુરુતા છે, ચારુતા છે, ખાસ પ્રકારની અલગતા છે. તમારે મારી પાસેથી આ ટેવ પણ શીખવા જેવી છે.’

એ શિખામણ આજ સુધી હું અપનાવી શકયો નથી. કોફી પીવામાં ગુરુતા, ચારુતા કે અલગતા વગેરે વગેરે ભલે હોય, પણ ચા પીવામાં જે ટેસડો છે એ કયાંથી લાવવો? હું ત્યારે તો કંઇ બોલ્યો નહીં, પણ આજે બોલું છું: ‘આઇ હેટ કોફી.’ જો તે સમયે આ શબ્દો હું બોલી ગયો હોત તો મેડમે અવશ્ય આવું કહ્યું હોત : ‘માય ગુડનેસ!’

યાદ આવ્યું, હું એમ કહેતો હતો કે એ દિવસે તરૂ મેડમ સારા મૂડમાં હતાં. મેં પૂછી નાખ્યું, ‘મેડમ, એક સવાલ પૂછું? આ ઉમરે પણ તમે આટલાં સુંદર લાગો છો. જાજરમાન દેખાવ છો. તો પછી તમે લગ્ન શા માટે ન કર્યા? તમને પ્રેમ કરતો હોય તેવો કોઇ પુરુષ તમને ન જડયો? કે પછી યુવાનીમાં પણ તમે આવાં જ કડક સ્વભાવનાં હતાં?’

‘માય ગુડનેસ! તમારી હિંમતને હું દાદ આપું છું. તદ્દન જુનિયર હોવા છતાં તમારી મેડમને તમે આવો પર્સનલ સવાલ પૂછી શકો છો? વેલ, ટુ બી ફ્રેન્ક… હું જયારે ભણતી હતી ત્યારે મારાં વ્યકિતત્વ પાછળ પાગલ થનારાઓની સંખ્યા કેલ્કયુટર વડે ગણવી પડે એવી મોટી હતી.’ ‘એમાંથી એક પણ તમને પસંદ ન પડ્યો?’

‘નો, ધે વેર ઓલ ડવાર્ફસ! બધાં જ વહેંતિયાઓ હતા. હું શારીરિક ઊંચાઇની વાત નથી કરતી, હું માનસિક ઊચાઇની વાત કરી રહું છું. એ વખતના તમામ ગોલ્ડ મેડલ્સ મારા હિસ્સામાં જ પડતા હતા. દેખાવમાં, ચપળતામાં, વેશપરીધાનની છટામાં, વકતત્વ કળામાં, ઇંગ્લિશ ઉચ્ચારોમાં બધામાં હું જ મોખરે રહેતી હતી.

photoમારે સમાધાન કઇ બાબતમાં કરવું? એ પણ લગ્ન જેવી ફાલતુ ચીજ માટે? નો! નેવર! આઇ એમ હેપ્પીલી અનમેરીડ! મને તો તમે પણ મારી જેવા જ વર્સેટાઇલ દેખાઇ રહ્યાં છો. મારી સલાહ માનશો? ડોન્ટ મેક એ કોમ્પ્રોમાઇઝ ફોર મેરેજ. રિમેઇન અનમેરીડ! મારી પાસેથી કંઇક તો શીખો!’ મેડમે મારી સામે તીક્ષ્ણ નજરે જોઇને વજનદાર શબ્દોમાં કહ્યું. હું ચૂપ રહ્યો. જો બોલ્યો હોત તો હું આવું બોલી ગયો હોત, ‘સોરી, મેડમ! આઇ એમ ઓલ રેડી એન્ગેજડ! મેં છોકરી પસંદ કરી લીધી છે અને ડિસેમ્બરમાં હું વાજાં વગડાવવાનો છું.’

એક દિવસ અમે ઓપરેશન થિયેટરમાં હતા. તરૂ મેડમ સિઝેરિયન કરતાં હતાં. એમણે માત્ર દસ જ મિનિટમાં ઓપરેશન પૂરું કરી નાખ્યું. પછી મારી સામે જોઇને બોલ્યા, ‘મારી પાસેથી તમારે ‘ઝડપ’ નામનો ગુણ પણ શીખવા જેવો છે. મારા દર્દીઓ કયારેય ઓપરેશન ટેબલ પર દસ-બાર મિનિટ્સથી વધારે પડી રહેતાં નથી.’

એમની આ સલાહ મને એ વખતે ખૂબ આંજી ગઇ, પણ પછી મેં જોયું કે ઓપરેશન બહુ ઝડપથી પૂરું કરી નાખવાની લાહ્યમાં મેડમ દર્દીનાં સ્વાસ્થ્ય બાબતે ઘણી બધી બાંધછોડ કરતાં હતાં. પરિણામે દર્દીઓ ટેબલ ઉપર ભલે દસ જ મિનિટ, પણ પથારીમાં એક મહિનો પડયા રહેતા. જાત-જાતની કોમ્પ્લીકેશનો ભોગવતા.

એ બધું જે હોય તે પણ પૂરી હોસ્પિટલમાં ડો..તરલીકા મેડમની આભા પ્રસરી ચૂકેલી હતી. અનુભવ પછી મને લાગ્યું કે એમની આ આભા માટે મુખ્યત્વે એમનો દેખાવ અને અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ જ જવાબદાર હતા. એ સિવાય એક તબીબમાં દર્દીઓ માટે જે માનવીય ગુણો હોવા જોઇએ એમનો મેડમમાં અભાવ હતો.

એક દિવસની વાત છે. અમે ઓપરેશન થિયેટરમાં હતાં. મેડમે ઓપરેશન પૂરું કર્યું. ત્યાં એમનાં પ્રાઇવેટ નર્સિંગ હોમમાંથી ફોન આવ્યો, ‘મેડમ, એક ડિલિવરી કેસ આવ્યો છે. જલદી આવો!’ મેડમે મારી સામે જોયું, ‘ડો.. ઠાકર, મારે આ જ મિનિટે નીકળવું પડશે. તમે ઓપરેટેડ પેશન્ટ્સની સંભાળ લેવામાં કચાશ ન રાખશો. યુ નો? સર્વિસ ટુ મેનકાઇન્ડ ઇઝ સર્વિસ ટુ ગોડ!’ ડો.. તરલીકા આવેશમાં આવી ગયાં. ધેરા આસમાની રંગની સાડીના પાલવનો છેડો એમણે ખોળાની જેમ વાળીને હાથમાં પકડેલો હતો. અચાનક તેઓ વાત કરતાં-કરતાં બંને હાથે કશુંક સમજાવવા ગયાં. છેડો છૂટી ગયો.. અને એ સાથે ખોળામાંથી કંઇક નીચે સરી પડયું!

મેં જોયું તો જમીન ઉપર ક્રોમિટ કેટગટ અને વાઇક્રીલનો ઢગલો પડેલો હતો. આ બંને શબ્દો વાચકો માટે અજાણ્યા છે, પણ જગતના તમામ ડોક્ટરો જાણે છે કે આ બે ચીજો શું છે! કોઇ પણ ઓપરેશનમાં ટાંકા લેવા માટે વપરાશમાં લેવાતા ખાસ પ્રકારના દોરાઓ જે સુતરના નથી હોતા, પણ ચોક્કસ માવજત આપીને બનાવાતા હોય છે એ સુચર મટિરિયલ્સ તરૂ મેડમના પાલવની કેદમાંથી રીહા થઇને ફર્શ ઉપર સરકી પડયું હતું.

એ ક્ષણે મને લાગેલો આઘાત હું આજ સુધી ભૂલી શકયો નથી. આટલાં મેઘાવી લેડી ડોક્ટર, એ પણ પાછાં કુંવારાં, પોતાની સુફિયાણી વાતોથી જગતને આંજી મૂકનાર, જેમની ખૂબ સારી ખાનગી પ્રેકિટસ હોવા છતાં કોનાં માટે આવી સો-બસો રૂપિયા જેવી ચીજની ચોરી કરતાં હશે? એ પણ સાર્વજનિક હોસ્પિટલના સ્ટોકમાંથી?

ગરીબોનો કોળિયો ઝૂંટવી જનારા શિક્ષિત બદમાશોએ જ દેશની આ હાલત કરી છે. મારાથી બોલાઇ ગયું, ‘માય ગુડનેસ! મેડમ, તમારી પાસેથી આ બાબત પણ મારે શીખવાની છે કે શું?’

(શીર્ષક પંક્તિ : હિતેન આનંદપરા)

સ્રોત દિવ્યભાસ્કર

‘જરા ફૂલોની ખુશબૂને ટટોળો તો ખબર પડશે,વસંતો છે પરંતુ વાયરા વનવાસ જેવા છે.

સાત કરોડ રૂપિયાની જમીન અને સાડા ત્રણ કરોડનું બાંધકામ. પાંત્રીસ વર્ષની ઊર્જા બંગલાની બાલકનીમાં ઊભી ઊભી વિચારી રહી હતી : ‘આ બાલકની જ આશરે દસ-બાર લાખ રૂપિયામાં બની હશે.’ એને પોતાનાં પિતાનું મકાન યાદ આવી ગયું.

શિક્ષક પિતાએ બાર હજારમાં ખરીદ્યું હતું. તેર બાય આઠનો એક રૂમ અને ઉંદરના દર જેવડું રસોડું. રૂમ પણ પાછો ઓલ-ઇન-વન જેવો. સવારના પહોરમાં પિતાજીનો પ્રાર્થનાખંડ. બપોરના સમયે ઊર્જા અને એનાં નાના ભાઇ માટેનો સ્ટડીરૂમ. સાંજે પિતાજી એમાં જ બેસીને વિદ્યાર્થીઓને ટ્યૂશન ભણાવે. રાત્રે બેડરૂમ.

‘અત્યારે તો આ બંગલાનો નાનામાં નાનો બાથરૂમ પણ પપ્પાના પૂરા ઘર કરતાં મોટો છે.’ ઊર્જાનાં રૂપાળા ચહેરા ઉપર થોડો ગર્વ અને ઝાઝેરો સંતોષ ઊભરી આવ્યા. પછી એણે કાંડા ઉપર પહેરેલી છવ્વીસ લાખ રૂપિયાની હીરાજડિત રિસ્ટવોચ તરફ જોયું, ‘હવે અર્થ આવવો જોઇએ.

સાડા સાત વાગ્યા છે. સાડા આઠ વાગ્યે હોટલ તાજમાં ડિનર માટેનું ટેબલ બુક કરાવેલું છે. આજે મેરેજ એનિવર્સરી ખરી ને! આજે પહેલી વાર બીજા કોઇને ઇન્વાઇટ કર્યા નથી. બસ, માત્ર બે જ જણાં. હું અને મારો અર્થ.’

અર્થનું નામ યાદ કરતાં જ ઊર્જા લજવાઇ ગઇ, ‘જબરો રોમેન્ટિક પુરુષ છે અર્થ! જોકે અત્યારના અર્થ પાસે રોમાન્સ માટેનો સમય જ નથી, બાકી યુવાનીમાં એની તોલે કોઇ ન આવે. પ્રેમિકાનું દિલ જીતવા માટે એની પાસે કેટલા બધા રસ્તાઓ હતા!’

આમ જુઓ તો અર્થ અને ઊર્જા છેક નાનાં હતા ત્યારથી સાથે જ રમીને મોટા થયા હતા. અર્થના પપ્પાની આર્થિક હાલત પણ ઊર્જાના પપ્પાની હાલત જેવી જ હતી. એમનું તો પોતાની માલિકીનું મકાન પણ ન હતું. ભાડાંની ખોલીમાં રહેતાં હતા.

પડોશી હોવાના નાતે એક વાર તેઓ ઊર્જાનાં પપ્પાને વિનંતી કરવા માટે આવ્યા હતા, ‘વિનુભાઇ, સાહેબ, મારો દીકરો આમ તો ચબરાક છે, પણ ભણવામાં ઘ્યાન નથી આપતો. શાળામાં પણ આખો દિવસ ધીંગામસ્તી કરે છે. તમે જો રોજ એકાદ કલાક એને ભણાવો તો એની જિંદગી સુધરી જાય.’

‘એમાં મને શો વાંધો હોય? રોજ મારા ઘરે છથી આઠ વાગ્યા સુધીમાં પંદરેક વિદ્યાર્થીઓ ટ્યૂશન માટે આવે છે. તમારો અર્થ એમાં બેસવા માંડે એનાથી રૂડું શું?’

‘પણ મારી પાસે તમારી ટ્યૂશન ફીના પૈસા નથી એટલે હું અચકાઉ છું.’ અર્થના પપ્પા મનસુખભાઇનો મૂંઝાયેલો ચહેરો જોઇને વિનાયક માસ્તર ખડખડાટ હસી પડ્યા. મનુભાઇ પૂછી બેઠા, ‘કેમ હસ્યા, માસ્તર?’

‘હસું નહીં તો બીજું શું કરું? ભાઇ, તમે આટલા વર્ષોથી મારી સામે રહો છો. તમને એટલીયે ખબર નથી કે હું કોઇ પણ વિદ્યાર્થી પાસેથી વિદ્યાદાનનો એક પણ પૈસો લેતો નથી. ઠીક છે, આમ મોઢું ફાડીને મારી સામે જોયા કરવાની જરૂર નથી. અર્થને આજથી જ મારે ત્યાં મોકલવાનું શરૂ કરી દો! વાર્ષિક પરીક્ષા આડે માંડ અઢી મહિના જ રહ્યા છે.’

અને એ અઢી મહિના જેટલા અલ્પ સમયમાં એક આદર્શ શિક્ષકે પોતાનાં તોફાની વિદ્યાર્થીને મહત્વ જ્ઞાન અર્પી દીધું, જેનો ચમત્કારિક ફેરફાર એની માર્કશીટમાં દેખાયો. પંચાવન ટકાની સરેરાશ ધરાવતો અર્થ જિંદગીમાં પ્રથમવાર પંચ્યાસી ટકા લઇ આવ્યો.

એ સાંજે અર્થ શેરીમાં રમતો હતો, ત્યારે શાક લેવા માટે નીકળેલી ઊર્જાને જોઇને એણે ઇશારો કર્યો. વળાંક પાસેના એકાંતમાં પહેલીવાર પંદર વર્ષના અર્થે ચૌદ વર્ષની ઊર્જાને એક નાનકડી ભેટ આપી, ‘લે! આ તારા માટે છે.’

‘શું છે?’ ઊર્જાએ કાગળનું પેકેટ હાથમાં લેતાં પૂછ્યું.

‘હાથરૂમાલ છે.’

‘પપ્પાને આપવા માટેની ટ્યૂશન ફી છે?’ ઊર્જાની આંખોમાં તોફાન ઊમટ્યું.

‘એટલા બધા પૈસા તો ક્યાંથી લાવું? આ તો લાંચ છે. આવતા વર્ષે પણ મફતમાં ટ્યૂશન લેવા માટે પપ્પાને રાજી કરવા માટે એમની દીકરીને અપાતી લાંચ.’ ‘લાંચમાં માત્ર આટલું જ? એક સાદો, સસ્તો હાથરૂમાલ?’

‘જો ખોવાઇ જશે તો રૂમાલ હશે… અને જો સચવાઇ રહેશે તો એને વહાલ સમજજે!’ આટલું બોલીને અર્થ સડસડાટ ચાલ્યો ગયો હતો. ઊર્જા ક્યાંય સુધી વહાલના પડીકાને મુઠ્ઠીમાં પકડીને ઊભી રહી હતી. એની મુગ્ધ આંખોમાં શરમની સુર્ખી અંજાઇ ગઇ હતી.

આજે એ ઘટનાને બે દાયકા ઉપરાંતનો સમય થઇ ગયો. હજુ સુધી ઊર્જાએ એ રૂમાલ સાચવી રાખ્યો છે અને આંખોની એ સુર્ખી પણ.

એ પછીનાં વર્ષે અર્થે પૂરા બાર મહિના ભણવામાં ઘ્યાન આપ્યું. એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં નેવું ટકા માર્ક્સ લઇ આવ્યો. ફરી એકવાર બંને જણાં એકાંતમાં મળ્યા. અર્થે ઊર્જાને એક સસ્તી પેન ભેટમાં આપી.

ઊર્જા હસી, ‘આ પણ લાંચ છે કે શું? આવતાં વર્ષના ટ્યૂશન માટે.’ ‘ના.’ અર્થ પણ હસ્યો, ‘મને ખબર છે કે મનુકાકા એસ.એસ.સી. સુધીના જ ટ્યૂશન રાખે છે.’

‘તો આ પેન શા માટે?’

‘જો એ લખવા માટે વપરાશે તો પેન છે એમ માનજે… અને જો કાયમ માટે સચવાશે તો સમજી લેજે કે એ પેન નહીં પણ પ્રેમ છે.’ અને અર્થ સડસડાટ ચાલ્યો ગયો હતો, આ વખતે સહેજ વધુ સમજણી થયેલી પ્રેમિકાનાં ગાલ ઉપર લજ્જાનો લાલઘૂમ સિંદુરિયો રંગ છાંટીને. આજે પણ ઊર્જા પાસે પેલી પેન છે અને પેલો રંગ પણ.

અર્થ કારકિર્દીની બાબતમાં બહુ ચતુર સાબિત થયો. સારા માર્કસ આવ્યા હોવા છતાં કોલેજમાં એણે ‘એ’ ગ્રૂપ લીધું. પછી એન્જિનિયિંરગમાં પ્રવેશ મેળવ્યો અને એક હોશિયાર સિવિલ એન્જિનિયર બનીને બહાર પડ્યો.

ધંધાની મેરેથોન રેસમાં જોડાયા પછી અર્થના જીવનનો એક જ મકસદ રહ્યો : અર્થ ઉપાર્જનનો.દસ વર્ષમાં તો એણે ધમાકો બોલાવી દીધો. જૂનાં શહેરનો નવો વિકાસ એના હાથે થવા માંડ્યો. લાખો રૂપિયાની કમિંતના ફ્લેટ્સ, કરોડોની કમિંતના બંગલાઓ અને અબજો રૂપિયાની જમીનો એના નામે થવા લાગી.

કામિયાબી જ્યારે કોઇના કદમ ચુમે છે ત્યારે સૌથી પહેલો ભોગ એ વ્યક્તિની અંગત જિંદગીનો લેતી હોય છે. અર્થ પણ એના વ્યવસાયમાં ખોવાઇ ગયો. ઊર્જા માટે સગવડ, સુવિધા અને ભૌતિક સુખોના કારણો વધતા ગયા, પણ એનો પતિ વધુ ને વધુ દૂર થતો ગયો.

‘અર્થ, હવે બહુ થયું. આપણને જોઇતું હતું એના કરતાં હજારગણું ઐશ્વર્ય મળી ગયું, હવે થોડુંક કામ ઓછું કરી નાખો. શહેરના બીજા બિલ્ડરોને પણ થોડી ઘણી કમાણી કરવા દો!’ એક દિવસ મોડી રાતે ઘરે આવેલા પતિને શાંતિપૂર્વક સમજાવવાની ઊર્જાએ કોશિશ કરી.

‘નો! નેવર! ઊર્જા, તું તો જાણે છે કે મેં કેટલી કારમી ગરીબી જોયેલી છે. પૈસો શું ચીજ છે એ માત્ર ગરીબ માણસ જ કહી શકે છે. મારી પાસે ભણવાના પૈસા ન હતા. બે જોડી ફાટેલા કપડાં ઉપર હું આખું વર્ષ ખેંચી કાઢતો હતો.

મને ક્યારેય ક્રિકેટ રમવા માટેનું બેટ નથી મળ્યું, પગમાં પહેરવા માટેના બૂટ નથી મળ્યા, એન્જિનિયર બન્યો ત્યાં સુધી કાંડા ઘડિયાળનો વૈભવ મેં નથી માણ્યો. સવારે ચા સાથે નાસ્તો પણ હોય છે એ વાત મેં મિત્રો દ્વારા સાંભળી હતી.

એક-એક રૂપિયા માટે હું જિંદગીના પચીસ વર્ષ સુધી ઝૂરતો રહ્યો છું. હવે પછીના પચીસ વર્ષ મારે રૂપિયાને મારી તિજોરીમાં બંધ કરી દઇને એવો જ ઝુરાપો આપવો છે જે મેં અનુભવ્યો છે. મારી અડધી જિંદગીની ગરીબીના ગાલ ઉપર મારે બાકીના વર્ષોમાં સમૃદ્ધિનો સણસણતો તમાચો મારવો છે. આ મારી માનસિકતા છે, ઊર્જા! તને એ નહીં સમજાય.’

‘કેમ ન સમજાય? ગરીબ તું એકલો થોડો હતો? ગરીબ અમે પણ હતા. પણ મારા પપ્પાને ગરીબીનું ગૌરવ હતું, શરમ ન હતી. એમણે ધાર્યું હોત તો ટ્યૂશનમાંથી પૈસા રળીને અમને સુખ આપી શક્યા હોત. પણ એમને સ્વૈચ્છિક ગરીબી પસંદ હતી.

એક વાત કહું, અર્થ? ગરીબ મા-બાપના ઘરમાં જન્મેલા સંતાનો બે અલગ-અલગ માનસિકતા સાથે મોટા થાય છે. કેટલાંકને લક્ષ્મી સિવાય બીજું કશું જ દેખાતું નથી અને કેટલાંકને મબલખ ધન કમાવામાં ક્યારેય રસ પડતો નથી.

એક જ ચાલીમાં રહેતાં બે દરિદ્ર પરિવારોમાં જન્મેલાં આપણે બંને આ સામસામેના બે અંતિમ છેડાઓ પર બેઠેલાં પ્રતિનિધિઓ છીએ. માટે જ હું તને વિનંતી કરું છું કે – હવે પૈસા પાછળની આ આંધળી દોટ છોડી દે થોડોક સમય મારા માટે પણ કાઢ!’

આ છેલ્લું વાક્ય ઘણી બધી રીતે અર્થસભર હતું. દસ વર્ષનાં લગ્નજીવન દરમિયાન ઊર્જા નામની વેલી ઉપર સંતાન નામની એક કળી પણ ખીલી ન હતી. ગાયનેકોલોજીસ્ટનું કહેવું હતું, ‘તમારામાં કશી જ ખામી નથી. તમારા પતિનો રિપોર્ટ બહુ ખરાબ છે.’

વધુ પૂછપરછ કરી ત્યારે ડોક્ટરે ફોડ પાડ્યો હતો, ‘પુરુષના ખરાબ રિપોર્ટ માટે અનેક પરિબળો જવાબદાર હોઇ શકે છે. પણ તમારા પતિના કિસ્સામાં એમની વધારે પડતી વ્યસ્તતા અને ધંધાનું માનસિક દબાણ જ જવાબદાર છે એવું હું ખાતરીપૂર્વક કહી શકું છું.’

જે સૂચના ડોક્ટરે આપી હતી એ જ વાત વિનંતીના સ્વરૂપે ઊર્જા કહી રહી હતી, ‘થોડોક સમય મારા માટે પણ કાઢ!’

આજે પાંત્રીસમા વર્ષે પણ ઊર્જાની કાયા નછોરવી હતી. ક્યારેક એ એકાંતમાં બેસીને દાયકાઓ પહેલાં ભેટમાં અપાયેલો હાથરૂમાલ અને પેન કબાટના ખાનામાંથી બહાર કાઢીને પંપાળી લેતી અને જૂના પ્રેમની લાશ ઉપર અફસોસના બે અશ્રુબિંદુ ખેરવી લેતી.

આખરે આજે એ દિવસ આવ્યો હતો જેની ઊર્જાને પ્રતીક્ષા હતી. અર્થ પણ એની ઇચ્છા આગળ શરણે થયો હતો. લગ્નની વર્ષગાંઠ નિમિત્તે બે જણાં એકલાં ‘હોટલ તાજ’ માં ડિનર ઉપર જવાના હતા. ઊર્જા સમીસાંજથી બાલ્કનીમાં ઊભી રહી ગઇ હતી. સાત વાગ્યા, સાડા સાત, પછી આઠ અને પછી નવ.

દૂરથી ગાડીના આવવાનો ઘ્વનિ સંભળાયો. ઊર્જાની છાતી આનંદથી છલકાઇ ઊઠી. નવી નક્કોર ગાડી હતી. બંગલાની અંદર એને પાર્ક કર્યા પછી ગાડીમાંથી ડ્રાઇવર બહાર આવ્યો. ઊર્જા તો ક્યારનીયે દોડીને નીચે ઊતરી આવી હતી.

‘સાહેબ ક્યાં?’ એણે પૂછ્યું. જવાબમાં ડ્રાઇવરે ચાવી ધરી દીધી, ‘બે’ન, સાહેબ આજે બિલ્ડર એસોસિયેશનના પ્રેસિડેન્ટ બન્યા છે. મોડી રાત સુધી સાહેબ પાર્ટીમાં હશે. તમે જમી લેજો. અને હા, સાહેબે આ ગાડી મોકલાવી છે. પેટીપેક સ્કોડા કાર છે. તમને ગિફ્ટ આપવા માટે…’ ડ્રાઇવર ગોખાવેલું બોલીને ચાલતો થયો.

ઊર્જા રડી પડી. અનાયાસ એના મનમાંથી વાક્યો જન્મ્યા, ‘આ મોંઘી કાર ભેટ ન હોઇ શકે, અર્થ! ભેટ તો સાવ સસ્તી હોવી જોઇએ. સસ્તી છતાં મૂલ્યવાન. કિંમતી હોય એ તો લાંચ હોય છે. આ ચાર પૈડાં ઉપર દોડતો વૈભવ જો વપરાશે તો વાહન હશે અને જો ટકરાશે તો કાટમાળ!’

(શીર્ષક પંક્તિ : ખલીલ ધનતેજવી)

સ્રોત દિવ્યભાસ્કર

વાત જો ગમતી નથી તો સાંભળવી નથી આ કાન માત્ર કાન છે, કોઇની થૂંકદાની નથી

લાભશંકર શાસ્ત્રીએ ત્રીજી વાર ટીપણું વાંચ્યું. આઠમી વાર આંખો બંધ કરી. વીસમી વાર વેઢા ગણ્યા. છેલ્લા અડધા કલાકની અંદર નવ્વાણુમી વાર નિ:સાસો નાખ્યો. પછી માથું હલાવીને આખા બ્રહ્માંડમાં સંભળાય એટલા મોટેથી નાદ ઉચ્ચાર્યો, ‘હરી ઓ…મ્..! હરી ઓ…મ્..!’

એમના સિવાય એ ઓરડામાં બીજા છ જણાં હાજર હતા. બધાંની મીટ લાભશંકર શાસ્ત્રીની ઉપર ખોડાયેલી હતી. શાસ્ત્રીજી ખાલી આટલું બોલ્યા, ‘તમારે લગ્ન કરવા જ છે ને? તો કરો, હું આડી જીભ નહીં ઘાલું.’

શાસ્ત્રીજીની સામે બે જૂથમાં ત્રણ-ત્રણ વ્યક્તિઓ બેઠેલી હતી. જમણી તરફ છોકરી અને એનાં મમ્મી-પપ્પા હતાં, ડાબી તરફ છોકરો એના મમ્મી-પપ્પાની સાથે બેઠો હતો. છોકરાનું નામ તપોવન ભટ્ટ હતું અને છોકરીનું નામ હતું ટ્રેસી ક્રિશ્વિયન.

છોકરાના પપ્પા મયંકભાઇએ મૌન તોડ્યું, ‘શાસ્ત્રીજી, લગ્ન તો કરવાના જ છે. એ માટે તો તમારું માર્ગદર્શન મેળવવા આવ્યા છીએ. આડી નહીં તો ઊભી, પણ જીભ તો તમારે ઘાલવી જ પડશે. છોકરા-છોકરીનાં જન્માક્ષરો મળતાં ન હોય તો ખુલાસો કરો, તમારી પાસે એનુંય નિવારણ તો હશે જ ને?’

એક વિષાદપૂર્ણ નજર સામે પડેલા ટીપણા તરફ અને બાજુમાં પડેલા બે જન્માક્ષરો તરફ જોઇ લીધું. પછી આંખો ઉઘાડી નાખી, ‘લાભશંકર શાસ્ત્રી ત્રિકાળજ્ઞાની ખરો, પણ ત્રિકાળ-નિયંતા નથી જ નથી. હું ભૂતકાળને વાંચી શકું છું, પણ એને ભૂંસી શકતો નથી અને ભવિષ્યના કાગળ પર લખાયેલા લેખ ઉકેલી શકું છું, પણ એને બદલી શકતો નથી.

જો આ બંને જાતકો મા-બાપની સંમતિથી ગોઠવાયેલા લગ્ન કરવા ઇચ્છતા હોત તો મારી સલાહ કંઇક જુદી જ હોત. પણ એ બંને તો પ્રેમમાં પડીને, એકબીજાંની સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધા પછી માત્ર ઔપચારિકતા ખાતર મારી પાસે જન્માક્ષરો વંચાવવા આવ્યા છે. જ્યાં મારા વચનનું વજન ન હોય ત્યાં શબ્દોને થૂંકવાનું મને પસંદ નથી. જાવ, મારા આશીર્વાદ છે : કુર્યાત સદા મંગલમ્ ‘

શાસ્ત્રીજીએ પાછા હોઠ સીવી લીધા. સામે બેઠેલા બંને જૂથો મૂંઝવણમાં પડી ગયા. આ શાસ્ત્રીજીએ તો ભારે કરી નાખી! શહેરભરમાં શાસ્ત્રીજીની ભારે મોટી પ્રતિષ્ઠા હતી એટલે એમની સાથે તોછડું વર્તન કરી શકાય તેમ ન હતું. ઉપરાંત મયંકભાઇ એ વાત જાણતા હતા કે લાભશંકર શાસ્ત્રીની આ ખાસિયત હતી, ટૂંકા ટૂંકા વાક્યો બોલવાની.

એમનું ભવિષ્યકથન સચોટ હતું, અફર હતું, પણ એ ક્યારેય એકી ઝાટકે જ હોય તે બધું કહી દેતા નહીં. નાનાં-નાનાં વાક્યોની બનેલી અધૂરી રેખાઓને જોડીને તમારે એક સંપૂર્ણ ચિત્ર બનાવી લેવું પડે. અત્યારે પણ શાસ્ત્રીજી એવું જ કરી રહ્યા હતા.

ટ્રેસીનાં પપ્પા ડેનિયલભાઇ જરા ઊંચા અવાજમાં બોલી ગયા, ‘જે હોય તે ખુલ્લે ખુલ્લું બોલી નાખો, શાસ્ત્રીજી! લગ્ન તો પાક્કાં જ છે અને અમારામાં તો જન્માક્ષર જોવાનો રિવાજ જ નથી હોતો. પણ મયંકભાઇ આવા બધામાં ખૂબ માને છે એટલે અમે પણ પછી ના ન પાડી. તમે ભલે ને ગમે તે કહો, અમારા ઉપર કશી જ અસર નહીં થાય. માટે જે હોય તે બોલી નાખો!’

ડેનિયલભાઇની વાત સાવ સાચી હતી. એ લોકો ખ્રિસ્તી હતા. લાભશંકર શાસ્ત્રીને જન્માક્ષર ને કુંડળીના મેચીંગનો સ્કોર એ બધાં સાથે એમને શું સંબંધ?! જોકે ટ્રેસી અને તપોવન પ્રેમમાં પડ્યા એ વાત સાથે પણ એમને નિસબત ન હતી. આ તો બે જુવાન હૈયાઓનો ખેલ હતો, જે પાછળથી મા-બાપોની અદાલતમાં દાખલ થયો હતો.

છોકરો બ્રાહ્મણ હતો અને છોકરી ખ્રિસ્તી. એટલે વડીલો તરફથી વિરોધ થવો તદ્દન સ્વાભાવિક હતો. પણ આખરે ટ્રેસીની મક્કમતા અને તપોવનની જીદ આગળ ચારેય વડીલોએ નમતું જોખવું જ પડ્યું. ડેનિયલ અને માર્થા સામે ચાલીને છોકરાવાળા પક્ષ પાસે જવાનું વિચારતા જ હતા, ત્યાં તો મયંકભાઇ અને મીનાબહેન એમના ઘરે જઇ પહોંચ્યા.

આવતા ડિસેમ્બરમાં જ શુભ મુહૂર્ત જોવડાવીને બંને ધર્મની બેવડી વિધિ અનુસાર લગ્ન ઊજવવાનું નક્કી પણ થઇ ગયું. વાત-વાતમાં મયંકભાઇએ સહેજ અમથો વસવસો વ્યક્ત કરી નાખ્યો, ‘અમે તો જન્માક્ષરો મેળવવામાં ખૂબ વિશ્વાસ ધરાવીએ પણ હવે…’

ડેનિયલભાઇએ તરત જ ભાવિ વેવાઇનો બોલ ઝીલી લીધો, ‘અમે ભલે એમાં ન માનતા હોઇએ, પણ જો તમને શ્રદ્ધા હોય તો ભલે જન્માક્ષરો મેળવો! અમને શો વાંધો હોય?’ મયંકભાઇનો ચહેરો ખીલી ઊઠ્યો. એમણે ટ્રેસીનાં જન્માક્ષર માગ્યા.

ડેનિયલભાઇ હસી પડ્યા, અમારી પાસે ફક્ત ટ્રેસીની જન્મતારીખ અને જન્મનો સમય છે. તમે એના આધારે જન્મકુંડળી બનાવડાવી લો તો અમને વાંધો નથી.’ કુંડળી તૈયાર કરાવી. ફળાદેશ કઢાવ્યું.

પછી ટ્રેસી અને તપોવન બંનેની કુંડળીઓ લઇને શહેરના જાણીતા ને માનીતા ભવિષ્યવંતા લાભશંકર શાસ્ત્રીના શરણમાં પહોંચી ગયા, ‘શાસ્ત્રીજી, આ પ્રેમલગ્નનો મામલો છે. અમારે તો માત્ર આશીર્વાદ જ આપી દેવાના છે. એના માર્ગમાં કોઇ નાનો-મોટો અવરોધ તો નથી દેખાતો ને? જો એવું કંઇ લાગતું હોય તો એને દૂર કરાવવા માટે જરૂરી વિધિ…’

ડેનિયલભાઇએ જ્યારે શાસ્ત્રીને ઉશ્કેર્યા, ત્યારે એમની પાસે સ્પષ્ટતા કરવા સિવાય અન્ય કોઇ વિકલ્પ રહ્યો નહીં. ‘ભયંકર!!’ શાસ્ત્રીજીએ વિશાળ નેત્રોને વધુ વિશાળ કર્યા, ‘ભયંકર અનર્થ સર્જાવાનો યોગ મને સાફ-સાફ દેખાઇ રહ્યો છે.’

મયંકભાઇ ગભરાઇ ગયા, પણ ડેનિયલભાઇ હસવા માંડ્યા. બોલ્યા, ‘ભયંકર અનર્થમાં થઇ-થઇને શું થવાનું છે એ કહો ને! વરઘોડાના સમયે સળગતું રોકેટ વેવાઇના પેન્ટમાં ઘૂસી જવાનું છે?’ બધાં હસી પડ્યા, પણ ન હસ્યા લાભશંકર શાસ્ત્રી, ‘સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે લગ્નના માત્ર બે જ મહિનાની અંદર…’

‘બે મહિનાની અંદર? શું થવાનું છે?’

‘આ કન્યારત્નનું મત્યુ થઇ જશે. આ બે કુંડળીઓનો મેળાપ કરતાં એવું કારમું ભાવિ…’ શાસ્ત્રીજી જાણે સામેની દીવાલ ઉપર લખાયેલું અદ્રશ્ય લખાણ વાંચતા હોય એમ બોલ્યે જતા હતા અને ઓરડામાં હાજર છ વ્યક્તિઓમાં જુદી જુદી પ્રતિક્રિયાઓ ઊઠી રહી હતી.

મયંકભાઇ જે અત્યાર સુધી સખત તણાવમાં દેખાતા હતા એમને જરાક ‘હાશ’ વરતાઇ રહી હતી. એમના પત્ની મીનાબહેને બાજુમાં બેઠેલા દીકરા સામે જોઇને જરાક હસી દીધું. મનમાં બબડ્યા પણ ખરાં, ‘હાશ! મારા તપોવનના માથા પર તો મોતની ઘાત નથી ને!’

તપોવન પ્રેમિકાનાં મોતની કલ્પના માત્રથી હાલક ડોલક થઇ ઊઠ્યો. પણ સૌથી ધેરા પ્રત્યાઘાતો સામેના જૂથમાંથી ઊઠ્યા. ડેનિયલભાઇના મોં ઉપરથી હાસ્ય ઊડી ગયું. માર્થાબહેન રડમસ થઇ ગયાં. ટ્રેસીની આંખોમાં યમરાજાનો પાડો જોઇ લીધો હોય એવો ભય ડોકાવા માંડ્યો.

‘શાસ્ત્રીજી.’ ડેનિયલભાઇએ મુદ્દાનો પ્રશ્ન પૂછી નાખ્યો, ‘તમારું ભવિષ્યકથન જો ખોટું સાબિત થયું તો..?’

શાસ્ત્રીજી હસ્યા, ‘તો શું? હું ખોટો પડીશ તો સૌથી વધારે આનંદ મને થશે.’ પછી ગંભીર થઇને ઉમેર્યું, ‘પણ જિંદગીમાં ક્યારેય હું ખોટો પડ્યો નથી.’ બધાં ઊભા થઇને બહાર નીકળ્યા. ડેનિયલભાઇની શકલ-સૂરત બદલાઇ ચૂકી હતી, ‘માફ કરજો, મયંકભાઇ! આ લગ્ન નહીં થઇ શકે. હું મારી દીકરીનાં જીવનું જોખમ ન લઇ શકું.’

તપોવને થોડી-ઘણી દલીલો કરી જોઇ, પરંતુ એ જેને ચાહતો હતો એનાં મૃત્યુની આગાહી સાંભળીને એ પણ ભાંગી પડ્યો હતો. ન થઇ શકેલા વેવાઇ-વેવાણોએ ક્ષમાયાચના કરી લીધી. તપોવન-ટ્રેસીએ છેલ્લી વાર એકબીજાને સ્નેહભરી નજરે નિહાળી લીધાં. પછી સૌ પોત-પોતાના ઘર તરફ ચાલ્યા ગયા.

ટ્રેસી એક ખ્રિસ્તી છોકરા સાથે પરણી ગઇ. તપોવને પણ મમ્મી-પપ્પાએ પસંદ કરેલી યુવતી સાથે સંસાર વસાવી લીધો.

પ્રેમ-વિચ્છેદનો જખમ સમયના મલમથી રુઝાઇ ગયો. આજે તો એ ઘટનાને વર્ષો નહીં પણ દાયકાઓ થઇ ગયા છે. વડીલો હવે સ્વર્ગવાસી બની ગયા છે અને તપોવન અને ટ્રેસી પોતાનાં જીવનસાથીઓ સહિત હવે વડીલોની પંગતમાં બેસી ચૂક્યા છે.

તપોવનનો દીકરો યુવાન થઇ ગયો. એ પણ એક વિધર્મી યુવતીનાં પ્રેમમાં પડ્યો છે. નસરીન રૂપાળી છે, આધુનિક છે અને ભણેલી છે. તપોવનનો દીકરો તથાગત બે વરસથી એને જાણે છે અને ચાહે છે.

છોકરાં નથી જ માનવાનાં એ વાતની ખાતરી થયા પછી તપોવને વાત મૂકી, ‘દીકરા, લગ્ન ભલે કર, પણ નસરીનની જન્મતારીખ અને જન્મનો સમય જાણતો આવજે. એ લોકોમાં ભલે જન્માક્ષર ને કુંડળીની પ્રથા ન હોય, પણ આપણે તો એમાં માનીએ છીએ.’

તથાગત બીજા જ દિવસે બેય વિગતો જાણી લાવ્યો. એ લઇને તપોવનભાઇ જન્માક્ષર -બનાવી આપનાર એક વયોવૃદ્ધ જાણકાર પાસે ગયા.

જાણકારે હસીને આવકાર આપ્યો, ‘પધારો, જજમાન! તમે તો સ્વર્ગસ્થ મયંકભાઇ ભટ્ટના સુપુત્ર છો ને? તમારાં લગ્ન સમયે પેલી કન્યાની જન્મકુંડળી મેં જ બનાવી આપી હતી. પેલી ખ્રિસ્તી છોકરીની. તમારો દીકરો પણ વિધર્મી કન્યાનાં પ્રેમમાં પડ્યો છે?

સમજી ગયો, જજમાન! તમે પણ તમારા પિતાશ્રીની જેમ… હા, હા! સમજી ગયો. કન્યાની બનાવટી કુંડળી એવી ભયંકર બનાવી આપું કે ગમે તેવો શાસ્ત્રી પણ આ લગ્નને મંજૂરી ન આપે. મયંકભાઇએ મને ખાસ વિનંતી કરી હતી અને દક્ષિણા પણ સારી એવી આપી હતી…’

પેલો બોલ્યે જતો હતો, પણ તપોવનભાઇ ક્યાં સાંભળતા હતા? એ તો પચીસ વરસ પહેલાંના એ દિવસોમાં પહોંચી ગયા હતા, જ્યારે હૃદયમાં તાજા ઊઘડેલા ગુલાબની ખુશ્બૂ હતી અને ઉપર ટ્રેસીનાં સાચા પ્યારનો હળવો સ્પર્શ હતો.

પિતા મયંકભાઇની વિધર્મી યુવતી માટેની નારાજગી, જન્માક્ષર બનાવી આપનાર આ લેભાગુની બદમાશી અને પોતાની હથેળીમાંથી એકાએક ભૂંસાઇ ગયેલું એક ખૂબસૂરત નામ! તપોવનભાઇની છાતીમાંથી કાળી ચીસ જેવો ચિત્કાર ઊઠ્યો, ‘જાલીમ છે આ દુનિયા! રણમાં ગુલાબ ખીલે એ પહેલાં જ અહીંની ગરમ-ગરમ રેતી એને મુરઝાવી નાખે છે.’

(સત્ય ઘટના : બધાં જ પાત્રો હયાત છે.)

(શીર્ષક પંક્તિ : હેમેન શાહ)

સ્રોત દિવ્યભાસ્કર