એવા પણ છે પ્રેમી અધૂરા, વાતોમાં જે શૂરા પૂરા, શિર દેવામાં આનાકાની, દિલ દેવાની તાલાવેલી.

‘સ્વજન! પ્લીઝ, પરીક્ષા સાવ પાસે આવી રહી છે. તું મને અડપલાં ના કર. વાંચવા દે.’ બાવીસ વર્ષની ખૂબસૂરત કોલેજકન્યા શર્મી શેઠે એવી મોહક અદાથી ગરદન ઝટકાવીને અને મોટી કાળી આંખોમાં સાચા પ્રેમની જગ્યાએ બનાવટી ગુસ્સો ભરીને પોતાના પ્રેમીને ઠપકાભર્યું ફરમાન સંભળાવી દીધું કે સ્વજન એને જોતો જ રહી ગયો.

શર્મીએ ફરી પાછો એને ટપાર્યો, ‘આમ આંખો ફાડી ફાડીને મારી સામે શું જૉઇ રહ્યો છો? તારું કામ કર ને!’

સ્વજને આંખમાંથી શરારત અને હોઠો પરથી બદમાશી ટપકાવી, ‘મારું કામ જ તો કરી રહ્યો છું.’ ‘કામ? મને જોવાનું?!’

‘હા, શર્મી. તારા જેવી ખૂબસૂરત પ્રેમિકાને તાકી રહેવા કરતાં વધારે ખૂબસૂરત કામ બીજું એક પણ નથી.’ સ્વજન આટલું બોલતાંમાં તો ખુરશીમાંથી ભો થઈને બેડ ઉપર આવી ગયો. દસ ફીટની દૂરી મિટાવીને દસ સેન્ટિમીટર જેટલો નિકટ આવી ગયો, પછી પ્રેમિકાનાં ખુલ્લા, કાળા, રેશમી, ઘટાદાર વાળમાં હાથ ફેરવીને બબડી ગયો, ‘શર્મી, ડાર્લિંગ! ભગવાનનો આભાર માન કે હું માત્ર તારા ભરપૂર સૌંદર્યથી છલકાતાં આ શરીર સામે માત્ર જોઇને જ બેસી રહું છું. દાદ આપ મારા સંયમને કે હું આનાથી આગળ નથી વધતો. બાકી આ સગવડીયું એકાંત, આ મારી નાખે એવું રૂપ અને તારો બનાવટી વિરોધ, તારી સુંદરતાના સમ, શર્મી, જો તું મારી બનવાની છે એવો વિશ્વાસ ન હોત તો… તો… હું આ ક્ષણે કંઇક કરી બેસત.’

‘શું કરી બેસત?’

‘બળાત્કાર.’ અને બીજી જ ક્ષણે સ્વજન પોતાના બહેકી ગયેલા મનને ચાબૂક મારીને શર્મીથી દૂર હટી ગયો. શર્મીએ પણ અનુભવ્યું કે જે ટળી ગઇ એ પળ પ્રલયની પળ હતી. એનાં ગોરા-ગોરા ગાલ ઉપર અથડાતો સ્વજનનો ઉરછવાસ ખતરાની ઘંટી સંભળાવી ગયો હતો કે તારા રૂપની પ્રતિમા ખંડીત થતાં થતાં સહેજમાં જ બચી ગઇ છે. માનવામાં ન આવે એવું આ દૃશ્ય છે, કાન ઉપરથી વિશ્વાસ ઊઠી જાય તેવો આ સંવાદ છે અને શર્મીનું સ્ફોટક સૌંદર્ય જો તમે જોયું હોય તો પછી પચાવવો મુશ્કેલ પડે તેવો સ્વજનનો સંયમ છે અને છતાં પણ આ દૃશ્ય, આ સંવાદ અને આ સંયમ એક પૂરેપૂરી સત્ય ઘટનાનાં અંગભૂત પરિમાણો છે.

સ્વજન બહારગામથી આવીને અમદાવાદની કોલેજમાં એમ.એસ.સી. કરતો ઉરચ મઘ્યમવર્ગીય મા-બાપનો દીકરો હતો. તોફાની હતો, મઝાકિયો હતો અને ધમાલ કર્યા વિના એક મિનિટ પણ એ રહી શકતો ન હતો. શર્મી એની સાથે એના જ વર્ગમાં ભણતી રૂપાંગના હતી. આમ તો આખી કોલેજના તમામ યુવાનો શર્મીનાં રૂપ પાછળ પાગલ હતા, પણ એ બધાં કટાક્ષ, કોમેન્ટ કે કામુક ઇશારાથી એક ડગલું પણ આગળ વધી શકયા ન હતા.

સ્વજન પહેલો એવો છોકરો નીકળ્યો જે સીધો જ શર્મીની સામે જઇને ઊભો રહી ગયો અને હિંમતપૂર્વક બોલી ગયો, ‘શર્મી, હું તને કંઇક કહેવા માગુ છું.’

‘શું?’ શર્મીના ગોરા ગાલો ગુસ્સાથી તમતમી ઊઠયા. ‘બસ, એ જ કે તું ખૂબ જ સુંદર છે અને મને ગમી ગઇ છે. મને ખબર પણ નથી કે કયારે હું તને ચાહવા લાગ્યો છું. જો તું ના પાડીશ તો હું આ કોલેજ છોડીને ચાલ્યો જઇશ. અને ચાલ્યો જઇશ તારી જિંદગીમાંથી પણ. લગ્ન કરીશ તો તારી સાથે, નહીંતર આવતા ભવની વાટ જોઇશ. તારે શો નિર્ણય કરવો એ તારી સમસ્યા છે, તને ચાહવી એ મારો અધિકાર છે. હું તને બે દિવસનો સમય આપું છું. જો તારો ઉત્તર ‘ના’માં હશે, તો ત્રીજા દિવસે હું…’

શર્મીના કુંવારા દેહમાં ઝણઝણાટી પ્રસરી ગઇ. ઉત્તેજનાને કારણે એનાં અંગેઅંગમાં કંપન આવી ગયું. એ ઝડપથી બોલી ગઇ, ‘સ્વજન, મારો જવાબ સાંભળવા માટે બે દિવસ સુધી રાહ જોવાની જરૂર નથી.’

‘અરછા?! તો શો જવાબ છે તારો?’

‘તારે કોલેજ છોડીને બીજે કયાંક જવાનું નથી.’ શર્મી શરમાઇને ચાલી ગઇ, પણ એનો જવાબ ફેંસલો બનીને ફાંસીના ગાળિયા સુધી જઇ પહોંચેલી મોહબ્બતના ગુનેગારને નિર્દોષ છોડાવી ગયો. પછી શરૂ થયો મુલાકાતોનો સિલસિલો. બોયઝ હોસ્ટેલમાં તો છોકરીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ હતો. એટલે સ્વજને હોસ્ટેલ છોડી દીધી. એક સારા વિસ્તારમાં નાનકડો રૂમ ભાડે રાખી લીધો.

શર્મીએ મમ્મી-પપ્પાને મોઘમ રીતે પોતાનાં પ્રેમી વિશે જાણકારી આપી દીધી. એના પપ્પાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, ‘‘શર્મી, બેટા! એક વાત યાદ રાખજે, તમારા માટે આ દિવસો અભ્યાસના છે, કારકિર્દી ઘડવાના છે. સ્વજનને કહેજે કે એ કોઇ જેવી તેવી યુવતીની સાથે લાગણીથી નથી બંધાયો, શર્મી જેવી સર્વશ્રેષ્ઠ પત્નીનાં પતિ બનવા માટે એણે પોતે પણ સર્વશ્રેષ્ઠ બનવું પડશે. એમાં જો એ નિષ્ફળ રહ્યો, તો એ કારકિર્દીની સાથે સાથે કામિની પણ ગુમાવશે.’ શર્મીએ પિતાની ચેતવણી પ્રેમીના કાનમાં નગારું પીટતી હોય એવા બુલંદ સ્વરમાં સંભળાવી દીધી. સ્વજને દયામણો ચહેરો કરીને વિનંતી કરી, ‘તું એક કામ ન કરે? મારી સાથે વાંચવા માટે રૂમ ઉપર ન આવી શકે? હું એકલો પડું છું ત્યારે તને યાદ કરી કરીને હિજરાયા કરું છું. વાંચવામાં મારું ઘ્યાન જ નથી રહેતું.’

શર્મી શરૂઆતમાં તો ભડકી ગઇ, પણ પછી એને સ્વજનની હાલત ઉપર દયા આવી ગઇ, ‘ઠીક છે. હું આવતી કાલથી રોજ રાત્રે તારી સાથે વાંચવા માટે આવીશ. મમ્મી પપ્પા પાસે ગલ્ર્સ હોસ્ટેલનું કે બહેનપણીનાં ઘરનું બહાનું કાઢવું પડશે, પણ એ હું ‘મેનેજ’ કરી લઇશ. પણ તારે એક વાતનું ‘પ્રોમિસ’ આપવું પડશે.’

‘વચન આપ્યું, બસ? હવે એ કહે કે કઇ વાતનું?’ સ્વજનની સરળતા જોઇને શર્મી હસી પડી, ‘આપણે આખી રાત એક જ ઓરડામાં સાથે બેસીને માત્ર વાંચીશું જ! મને મળેલી આઝાદી અને તને મળેલી તકનો કોઇ દુરુપયોગ નહી થાય એ વાતનું તારે વચન આપવું પડશે.’

સ્વજનને આ બાબતમાં કયાં કશું જ બોલવાપણું રહ્યું હતું! વચન એ આપી ચૂકયો હતો અને આપેલા વચનને નિભાવવા માટે એનામાં સજજતા પણ હતી અને સજજનતા પણ. પ્રથમ રાત્રિથી જ સ્વજનને સમજાઇ ગયું છે કે આવું વચન આપવું સરળ છે, પણ નિભાવવું કઠણ. રૂપમેદાનનું યુદ્ધ રણમેદાનના યુદ્ધ કરતાં વધારે અઘરું છે. શર્મી તો પથારીમાં બેસીને પગ લાંબા કરીને એકીબેઠકે બે-ત્રણ કલાક સુધી વાંચી નાખતી, પણ એનાં અર્ધપારદર્શક ગાઉનમાંથી ‘ઓવરફલો’ થતાં સમૃદ્ધ અંગોને જોઇને સ્વજનની હાલત બગડી જતી હતી. એ ભાગ્યે જ કંઇ વાંચી શકતો હતો. વળી વળીને એની નજર સામે સૂતેલાં મબલખ રૂપનાં ઢગલા તરફ મંડરાયા કરતી. અનેકવાર એ ઊભો થઇને શર્મીની સાવ નિકટ જઇ પહોંચતો અને પછી અપાયેલા વચનના મારથી અને ભારથી ચગદાઇને એ પાછો ફરી જતો હતો.

એક મહિના પછી પરીક્ષાઓ આવી અને બે મહિના પછી પરિણામ. શર્મી યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે પાસ થઇ હતી અને સ્વજન..? સ્વજન પરીખ નપાસ જાહેર થયો હતો.

પરિણામ બહાર પડયું એ દિવસે સાંજે જ શર્મીએ સ્વજનને રોકડું પરખાવી દીધું, ‘સોરી, સ્વજન! આપણા રસ્તા હવે જુદા પડે છે. મારા જેવી યુવતી તારા જેવા નાકામ યુવાન માટે સરજાણી નથી. તારું ભવિષ્ય હું કલ્પી શકું છું. આપણાં લગ્ન માટે હવે તો મારા ડેડી પણ હા નહીં પાડે અને હું પણ.’

શર્મી હંસલીની જેમ પાંખો ફફડાવતી ઊડી ગઇ, સ્વજન લાલ આંખોમાં આંસુની ખારાશ ભેળવીને કારકિર્દીના આસમાનમાં વેરાતી પોતાના સ્વપ્નોની રાખને જોતો રહ્યો.

ઁઁઁ

દસ વર્ષ પછીની ઘટના છે. તમે એને અકસ્માત પણ કહી શકો. સાંજનો સમય હતો. શર્મી, એનો પતિ માર્મિક અને પાંચ વર્ષનો પુત્ર ઋત્વિજ શોપિંગ કરવા માટે એક મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ફરી રહ્યા હતા, ત્યાં અચાનક શર્મીની નજરે એક જાણીતો ચહેરો અથડાઇ ગયો. શર્મીના હોઠ પરથી આશ્ચર્ય સરી પડયું, ‘કોણ, સ્વજન તો નહીં?!’

‘અરે, શર્મી? તું? તું અહીં કયાંથી?’ સ્વજન પણ આશ્ચર્યમાં ડૂબી ગયો.

શર્મીની આંખોમાં અભિમાન ઉપસી આવ્યું, ‘હું તો અહીં જ છું ને! છેલ્લાં આઠ વર્ષથી હું મુંબઇમાં જ છું. મારા હસબન્ડ બહુ જ મહત્ત્વાકાંક્ષી છે અને તેજસ્વી પણ. એમણે માઇક્રોબાયોલોજીમાં પી.એચ.ડી. કરેલ છે. દસ વર્ષમાં છ તો જોબ બદલી છે. અને દર વખતે પગારમાં છલાંગ મારી છે. હમણાં બે દિવસ પહેલાં જ તેઓ ‘માઇક્રોબ્ઝ’ રિસર્ચ કંપનીમાં એક લાખના માસિક પગારથી જડાયા છે. અને આ મારો દીકરો. ઋત્વિજ. એ પણ એના પપ્પા જેવો જ જિનિઅસ છે.’ શર્મીની આંખોમાં ગર્વ છલકાતો હતો. એ દીકરાની સામે જોઇને બોલી, ‘બેટા, મામાને ‘નમસ્તે’ કરો!’

‘મામા’ શબ્દ સાંભળીને સ્વજન આંચકો ખાઇ ગયો. એની એક સમયની પ્રેમિકા એને પોતાનાં બાળકનો ‘મામો’ બનાવી રહી હતી?! સ્વજન અવશ્ય ચક્કર ખાઇને ઢળી પડયો હોત, પણ બરાબર યોગ્ય સમયે આવી પહોંચેલા શર્મીનાં પતિએ એને સાચવી લીધો, ‘અરે! સર, તમે? શર્મી, તું આમને ઓળખે છે? આ મિ.સ્વજન પરીખ છે. મારી નવી જોબના માલિક. શું બિઝનેસ જમાવ્યો છે એમણે! વાર્ષિક બારસો કરોડનું તો ટર્ન ઓવર છે! હી ઇઝ એ જિનિઅસ, શર્મી!’ માર્મિક અહોભાવ યુકત શબ્દોમાં ‘સર’ના વખાણ કરી રહ્યો હતો. અને ચક્કર હવે શર્મીને આવી રહ્યા હતા.

(સત્ય ઘટના) (શીર્ષક પંકિત : શૂન્ય પાલનપુરી)

6 Responses

  1. મસ્ત. હવે હું ૧૨૦૦ કરોડનો બિઝનેશ ક્યારે કરીશ 😉

  2. That is call story.
    Hats off Dr. Sharad…

Leave a comment