એક માણસ હારવાનો વારતાનાં અંતમાં, હું દિલાસો આપવાનો વારતાનાં અંતમાં.

બપોરનો સમય હતો. ટેલિફોન આવ્યો, ‘હાય! ડો. ઠાકર!’ મેં પૂછ્યું, હા, તમે કોણ?’ ‘દાયકાઓ પછી આપણે વાત કરી રહ્યા છીએ. આપણે સાથે કામ કરેલું છે. આઇ એમ ઓલ્સો એ ડોકટર.’ હું ધંધે લાગી ગયો. દાયકાઓ પહેલાં કોઇ ડોકટર જૉ મારી સાથે હોય તો નક્કી એ મારી સાથે ભણતો હોવો જૉઇએ. પણ તો પછી એ મને એક વચનમાં સંબોધેને? મારા તમામ કલાસમેટ્સ મને’શરદ’કહીને બોલાવે છે. જયારે આ માણસ મને માનવાચક શબ્દોથી સંબોધી રહ્યો હતો.’થોડો-ઘણો અણસાર આપો. કયાંથી બોલો છો?’

મેં પૂછ્યું. ‘સાઉથ આફ્રિકાના શહેર જૉહાનિસબર્ગથી બોલું છું.’ એણે કહ્યું એ શહેરમાં મારો એક પણ મિત્ર રહેતો ન હતો. જૉ રહેતો હોય તો મને એ વાતની ખબર ન હતી. મેં તરત કહી દીધું, ‘મહેરબાની કરીને તમારું નામ જણાવી દો!’ ‘આઇ એમ ડો. પોપટ’ ‘ઓછામાં ઓછા વીસ પોપટને હું ઓળખું છું. એમાંના પાંચ તો ડોકટર છે.’ ‘હું વિક્રમ પોપટ છું. હવે ઓળખ્યો?’ ‘હા, હવે ઓળખ્યો. પૂરેપૂરો ઓળખ્યો.’ મેં જવાબ આપ્યો. પછી અમે વાતે વળગ્યા.

વિક્રમને હું ચક્રમ કહીને બોલાવતો હતો. અલબત્ત, એની ગેરહાજરીમાં. જૉ એ સાંભળી જાય તો મારી વિરુદ્ધ કોર્ટ કેસ ઠોકી દે. આ મજાક નથી, હકીકત છે. વિક્રમ બુદ્ધિશાળી અવશ્ય હતો, પણ એની બુદ્ધિ કોરી હતી. એ બુદ્ધિમાં લાગણીની ભીનાશ કે દુનિયાદારીના સ્પર્શ જેવું સહેજ પણ ન હતું. રોજ-બ-રોજની જિંદગીમાં પણ એ ઇન્ડિયન પીનલ કોડને વચમાં ઘસડી લાવતો. એક દિવસ હોસ્ટેલમાં એના રૂમની બહાર બારી પાસે કોઇ કૂતરું મરી ગયું.

સફાઇ કામદારને પોપટે જાણ કરી. એની દરેક ગતિવિધી લેખિતમાં જ હોય. કૂતરું ચોવીસ કલાક સુધી ત્યાંનું ત્યાં જ રહ્યું વિક્રમ પોપટે ધમકીપત્ર તૈયાર કર્યો, ‘મરેલા કૂતરાની દુર્ગંધથી મારું માથું ફાટી જાય છે. હું વાંચી શકતો નથી, જમી શકતો નથી, ઊઘી શકતો નથી. મારા માનસિક, શારીરિક અને શૈક્ષણિક નુકસાન માટે જવાબદાર કોણ? સફાઇ કામદાર! નગરપાલિકા? હોસ્ટેલના ગૃહપતિ? કે પછી કોલેજના ડીન?

આ પત્ર દ્વારા હું આપને વિદિત કરું છું કે જવાબદાર વ્યકિતને શોધીને દિવસ ત્રણમાં જૉ એને સજા કરવામાં નહીં આવે, તો હું અદાલતમાં જઇશ. આવી ગંભીર લાપરવાહી બદલ નોકરીમાંથી હકાલપટ્ટી સિવાયની અન્ય કોઇ સજા મને મંજૂર નથી. જૉ મને અદાલતમાં જવાની ફરજ પાડવામાં આવશે તો હું મને પહોંચેલા ત્રાસ અને મને થયેલા નુકસાનના વળતર પેટે રૂપિયા દસ લાખની માગણી પણ કરીશ.’ એ જમાનામાં ઝેરોક્ષ મશીનો કયાં હતા?

ચક્રમ પોપટે છ કાર્બન નકલો કાઢી. રેકટર, ડીન, સુપ્રિન્ટેન્ડન્ટ, મેયર અને કલેકટરને હાથોહાથ આપી આવ્યો. એક નકલ સફાઇ કામદારને પણ પકડાવી દીધી. આખું કેમ્પસ હલબલી ગયું.ડીન ઉપર ફોનનો વરસાદ. ડીન સાહેબ ગુસ્સાથી રાતાપીળા. સફાઇ કામદાર સમડીની ઝડપે ધસી આવ્યો અને બાઝની ત્વરાથી કૂતરાનું મડદું ઊઠાવી ગયો. બે-ત્રણ જીવતા કૂતરાને પણ પોપટના રૂમ પાસેથી ખદેડતો ગયો.

ડીન સાહેબે ગુસ્સાને દાબેલો રાખીને વિક્રમ પોપટને સમજાવ્યો,’ગાંડા, આવું તે કરાતું હશે? આવડી અમથી વાતમાં મેયર અને કલેકટર સુધી દોડી જવાતું હશે? અને અદાલતમાં કેસ કરવાની ધમકી…?’ ‘સર, મને પહોંચતા ત્રાસ બદલ અદાલતના ઊબરે જવાનો મારો બંધારણીય હક્ક છે. તમને ખબર છે? આ તમે જે મને સમજાવી રહ્યા છો તે પણ કાયદા વિરુદ્ધની વાત છે.’ જે ઝડપે કૂતરું અદ્રશ્ય થયું હતું, એ જ ઝડપે ડીન સાહેબ પણ અદ્રશ્ય થઇ ગયા. આ હતો અમારો મિત્ર વિક્રમ ઉર્ફે ચક્રમ પોપટ. વિક્રમ પોપટની આ જ તાસીર હતી, જિંદગી વિશેનો અભિગમ હતો, પોતાના અધિકારો બાબતની સભાનતા હતી.

ફરિયાદ, કેસ, વળતર, નુકસાનીનો દાવો, જલદ અને ત્વરિત પગલા, ન્યાય અને સસ્પેન્ડ, એનો શબ્દકોષ આટલા જ શબ્દોનો બનેલો હતો.એક દિવસ મેં એને સમજાવવાની કોશિશ કરી,’તું આવું શા માટે કરે છે? વાત-વાતમાં લખાપટ્ટી! અદાલતમાં દોડી જવાની ધમકી! ત્યાં તને ન્યાય મળી જવાનો છે? આપણી કોર્ટોમાં લાખો કેસોનો ભરાવો થયેલો છે એ વાતની તને ખબર છે ને? જે કામ નાની વિનંતીથી થઇ શકતું હોય એના માટે…?’ એના જવાબમાં કડવાશ ઊભરી આવી,’અવર કન્ટ્રી ઇઝ ધી વર્સ્ટ સિવિલાઇઝેશન ઇન ધી વર્લ્ડ. આ દેશમાં જન્મવું એ અભિશાપ છે અને અહીં જિંદગીભર પડયા રહેવું એ મૂર્ખતા છે.

ગોરાઓના દેશમાં જાવ તો ખબર પડે. ત્યાં રખડતા કૂતરાં હોય જ નહીં, તો પછી તમારી બારી પાસે આવીને મરે શેનાં? રસ્તે જતાં કોઇ નાગરિક કેળાની છાલ ઉપર પગ મૂકીને પડે શું કામ? ગાય તમને શિંગડું શા માટે મારે? તમને ફૂડ પોઇઝનિંગ કેમ થાય? અરે, બીજું બધુ તો ઠીક છે, પણ આ દેશમાં લોકોને સામાન્ય શિષ્ટાચારની પણ ખબર નથી. છીંક ખાતી વખતે નાક આડો રૂમાલ તો ધરો! ગમે તે સમયે બારણા ઉપર ટકોરા માર્યા વગર કોઇના રૂમમાં તો ન ઘૂસી જાવ! હું તો ટાંપીને બેઠો છું, કયારે ડોકટર બની જાઉ ને કયારે પરદેશ ઉડી જાઉ!’

વિક્રમનો આખરી પરચો અમને ફાયનલ એમ.બી.બી.એસ.ની પરીક્ષા વખતે મળ્યો. મેડિસીન વિષયની મૌખિક પરીક્ષા હતી. બહારથી ત્રણ એકઝામિનરો આવ્યા હતા, ચોથા અમારી જ કોલેજના ફિઝિશિયન હતા. બહારના સાહેબે વિક્રમને પૂછ્યું,’ટેલ મી ધી ડ્રગ થેરપી એન્ડ કમ્પ્લીટ મેનેજમેન્ટ ઓફ એ પેશન્ટ ઓફ ડાયાબિટીસ…!’ અને અમારી કોલેજવાળા સાહેબથી બોલાઇ ગયું,’આનો જવાબ આપવો એ તો આ છોકરા માટે ડાબા હાથનો ખેલ છે કારણ કે એ પોતે ડાયાબિટીસનો દર્દી છે.’ પતી ગયું.

પરીક્ષા એના ઠેકાણે રહી ગઇ. વિક્રમ વિફર્યો. ત્યાં ને ત્યાં લાંબી અરજી ઘસડી મારી, ‘તબીબી ક્ષેત્રની આચારસંહિતા પ્રમાણે કોઇ પણ ડોકટર એના દરદીઓની બીમારી વિષયક માહિતી ગુપ્ત રાખવી પડે છે. મને ડાયાબિટીસ થયો છે એ વાત જાહેર થઇ જવાથી કોઇ સારી, સ્વરૂપવાન છોકરી મારી સાથે લગ્ન કરવા તૈયાર નહીં થાય. મારી કારકિર્દીને પહોંચેલા અપાર નુકસાનના વળતર પેટે હું માગણી કરું છું કે…’

પછીની લીટીઓમાં ફરિયાદ, કેસ, દાવો, નુકસાની, વળતર, સજા, ત્વરીત પગલાં અને સસ્પેન્શનની વણઝાર હતી. જેઓ પરીક્ષકો બનીને આવ્યા હતા એ ફફડી ગયા, અપરાધી બની ગયા. અમારા સાહેબે દસ વાર મોટેથી ‘સોરી’ કહ્યું. વિક્રમને એક પણ સવાલ પૂછ્યા વગર પાસ કરી દેવો પડયો. અને તેમ છતાંય વિક્રમને એવું લાગ્યું કે સોદો બહુ સસ્તામાં પતી ગયો. આ દેશમાં રહેવાય જ નહીં. લોકો તદ્દન અસભ્ય અને અસંસ્કારી છે. એ લગ્ન કરીને ભારતની ધરતીને’રામ-રામ’કરી ગયો. ના, રામ-રામ નહીં, પણ’બાય-બાય’!આજે દાયકાઓ પછી એનો અવાજ સાંભળવા મળ્યો. મને એ જૂનો, તરંગી, છતાંય તેજસ્વી એવો મિત્ર યાદ આવી ગયો. મેં પૂછ્યું,’કયાં હતો આટલા વરસ સુધી?’ ‘દસ વરસ યુ.એસ.એ.માં હતો, પછી અહીં શિફટ થયો છું.’

‘મારો ફોન નંબર કયાંથી શોધી કાઢયો?’ ‘અહીંની લાઇબ્રેરીમાં તારા બધા જ પુસ્તકો છે. એમાંથી…’ ઘણી બધી વાતો ચાલી. એ મારા લેખનકાર્યથી પ્રસન્ન હતો. અમે કૌટુંબિક પૂછપરછ કરતા રહ્યા. એને સંસ્કારી પત્ની અને બે સુંદર સંતાનો હતા.

‘પણ એ તો કહે, તે અમેરિકા શા માટે છોડી દીધું? એ તો ઐશ્વર્ય અને એશો આરામનો દેશ છે.’મેં કારણ પૂછ્યું. એના અવાજમાં તિરસ્કાર હતો, ‘જવા દે ને! ડુંગરા દૂરથી રળિયામણાં અમેરિકાએ મને બરબાદ કરી નાખ્યો. ત્યાંના કાયદા જાલીમ જેવા છે. દરેક પેશન્ટની પછવાડે એક વકીલ ઊભેલો જ હોય છે. નાની-નાની ગફલતમાં પાંચ-દસ મિલિયન ડોલર્સના વળતર માગે! હું કમાયો એના કરતાં બમણું ત્યાં ગુમાવીને ભાગ્યો છું. પત્ની અને બાળકોના કારણે હું ભારતમાં પાછો ન આવી શકયો. બાકી ઇસ્ટ ઓર વેસ્ટ, અવર ઇન્ડિયા ઇઝ બેસ્ટ!’

મને અચાનક સાંભરી ગયું. મારા મિત્રને તો ડાયાબિટીસ હતો. એ તો જીવનભર સાથ નિભાવે તેવો વફાદાર રોગ છે. મારાથી પૂછાઇ ગયું, ‘તારો ડાયાબિટીસ હવે કેમ છે? અન્ડર કન્ટ્રોલ? કઇ-કઇ દવાઓ ચાલે છે? ડોકટર વિક્રમ માહિતી ઠાલવતો રહ્યો…પોતાના વિશે તો રજેરજ માહિતી આપી જ દીધી, પણ સાથે એ પણ કહી દીધું, ‘મારા ડાયાબિટીસ મારા બંને બાળકોમાં પણ ઊતર્યો છે. રોઝી અને બોબી…’ ‘સબૂર!’ મેં ડોકટર વિક્રમને અટકાવ્યો,’તારા સંતાનો તારી ઉપર કેસ કરી શકે છે. મારીયે ભૂલ થઇ ગઇ કે મેં તારા રોગ વિશે પૂછી લીધું. આઇ એમ સોરી.’ ‘નહીં, નહીં! દોસ્ત, એવા શિષ્ટાચારની જરૂર નથી.

આ અજાણ્યા દેશમાં આવું પૂછનારા માણસો કયાં છે? સાચી લાગણી વિના કોઇ કોઇની અંગત જિંદગી માથું મારતા હશે? હું ભારતમાં જન્મ્યો છું અને અંદરથી આજે પણ નખશીખ ભારતીય છું. યુ કેન આસ્ક મી એનીથિંગ એન્ડ એવરીથિંગ એબાઉટ માય પર્સનલ લાઇફ.’ હું પોપટને સાંભળી રાત્રે ચક્રમમાંથી જન્મતાં વિક્રમને માણી રહ્યો. ભારતમાં હતો ત્યારે વિદેશી અને વિદેશમાં છે ત્યારે ભારતીય બનીને જીવતા એક જટિલ કોયડાને ઊકેલી રહ્યો.

Source : દિવ્યભાસ્કર

શિર્ષક પંક્તિ: દિનેશ કાનાણી

Leave a comment