તારી ભીતરમાં કોઇને ઘર મળે, તો તને પણ શોધતો ઇશ્વર મળે

એ વખતે હું તાજો જ થયેલો ડોકટર હતો અને નોકરી પણ તાજી જ હતી. ચાર-પાંચ દિવસ માંડ થયા હશે. સાંજની ઓ.પી.ડી. પૂરી થવા આવી હતી. મેં આયા બહેનને પૂછ્યું, ‘પતી ગયું કે હજુ કોઇ છે?’

કમળા બે’ન હસ્યાં, ‘એક બાઇ છે, પણ એ દરદી નથી. મોકલું અંદર?’

‘હા.’ મેં કહ્યું.

‘નમસ્કાર, ડોકટર સા’બ. મૈં રંજિતા હૂં. હોસ્પિટલકે પાસમેં હી મેરા ઘર હૈ.’

‘આપકા કેસ પેપર કહાં હૈ, તકલીફ કયા હૈ?’ મેં પૂછ્યું. એ હસી, ‘મૈં પેશન્ટ નહીં હૂં. મૈં તો…’ એ થોડીક ગૂંચવાઇ ગઇ, ‘મૈં તો યે લેકર આઇ હૂં. આપકે લિયે.’ હાથમાં સ્ટીલનો ડબ્બો હતો. ‘ગરમ-ગરમ પકોડે હૈ. ઔર મોતી ચૂરકે લé હૈ. મૈંને સૂના કિ હોસ્પિટલમેં નયે ડોકટર સા’બ આયે હૈ. અહમદાબાદસે આયે હૈ ઔર અકેલે હૈ.’

હું ધૂંધવાયો, ‘તો? અકેલા હૂં તો હૂં. ઇસસે આપ કો કયા?’

એની આંખોમાં ભીનાશ ઝબકી ઊઠી, ‘મૈં જબલપુરસે હૂં. મેરા ભી યહાં કોઇ નહીં હૈ. પતિ હૈ… લૈકિન…! કોઇ બાત નહીં… યે ડિબ્બા છોડ જાતી હૂં. પકોડે ઔર લડ્ડુ ફૈંક દેના. મૈં આપકો રિશ્વત દેને નહીં આયીં થીં, એક રિશ્તા બનાને આઇ થી. અકેલેપનકા દર્દ મૈં ભી ઝૈલ રહી હૂં. ઇસ લિયે સોચા કિ આપ જૈસા ભાઇ મિલ જાયેગા તો સસુરાલમેં માયકા…’

એ દિવસે લંચમાં મેં પકોડા અને લાડુ જ ખાધા. ખાલી થયેલો ડબ્બો કમળા બે’ન પાસે ધોવડાવીને રંજિતાને પાછો મોકલાવી આપ્યો. ડબ્બામાં એક નાની, રંગીન ચબરખી પણ હતી: ‘શુક્રિયા! લડ્ડુ ઔર પકોડે અરછે લગે, તુમ્હારે આંસૂ જરા ભી પસંદ નહીં આયે. જબ તક મૈં યહાં પર હૂં, ઇસ શહરકો જલબલપુર સમજ લેના.’ ચબરખીમાં જે લખેલું ન હતું તે આ હતું: ‘બહેન, મને તારો સગ્ગો ભાઇ ગણજે, રડીશ નહીં. કંઇ કામ હોય તો કહેજે.’

પછી તો રંજિતા અઠવાડિયામાં ત્રણ-ચાર વાર આવતી થઇ ગઇ. એ સિંધી હતી. એનો પતિ વેપારી હતો. બજારમાં કિશનચંદ ખૂબચંદ દુબેની કાપડની મોટી દુકાન હતી, પૈસો ખૂબ હતો, પણ નામ ખરાબ હતું. જબલપુરથી ગરીબ, ગરજવાન મા-બાપની ચાંદ જેવી રૂપાળી દીકરીને પત્ની તરીકે ઊપાડી લાવ્યો હતો.

ઘરમાં ત્રણ જ સભ્યો હતા, કિશન, રંજિતા અને ડોલી નામની એક દીકરી. એનાં ગયા પછી કમળા બે’ન એની બાયોગ્રાફી કહી આપતાં, મૂઓ રાખ્ખસ છે આનો ધણી! રોજ બે વાર બૈસીને મારે નહીં ત્યાં સુધી એને ખાવાનું નથી ભાવતું. મારી ઓરડી એનાં મકાનની પાંહે જ છે. રાત પડે ને આ ગાવડીની ચીસો હંભળાય.’ ‘અડોશી-પડોશી વરચમાં ન પડે?’ ‘કોણ પડે? આનો વર તો પૂરો કસાઇ છે! જે વરચે પડે એને ય મારે!’ કમળાબહેને જીભ કાઢીને ડચકારો બોલાવ્યો.

હું ત્યાં એકલો હતો, અજાણ્યો હતો અને નવો હતો. ધીમે-ધીમે મિત્રો બની રહ્યા હતા. સાંજ પછીનો સમય મારા માટે મુશ્કેલ હતો. મોટા ભાગના પુરુષો એ સમયે પત્ની અને બરચાંઓ સાથે વ્યસ્ત હોય. એટલે મેં મારા જેવા છડેછડા મિત્રો શોધી લીધા. એક જુવાન એન્જિનિયર હતો. સરકારી આવાસમાં એકલો જ રહેતો હતો. પત્ની સુવાવડ ઉપર પિયરમાં હતી. એક એકસ-રે ટેકિનશિયન બારૈયા હતો. એક ધમેન્દ્ર હતો, કોલેજમાં છ મહિના પહેલાં ઇતિહાસના વ્યાખ્યાતા તરીકે જોડાયો હતો. અમારી મંડળી મારા નિવાસ સ્થાનમાં જ જામતી હતી. દુનિયાભરની વાતો નીકળતી. મારું બંધ ટિફિન અઠવાડિયામાં ત્રણ વાર આ મિત્રો વરચે વહેંચાઇ જતું.

ધમેન્દ્ર પૂછી લેતો, ‘તમે ભૂખ્યા રહો છો? ટિફિન કેમ ભરેલું હોય છે?’ જવાબમાં હું રંજિતા વિશે થોડી-ઘણી વાત કહી નાખતો. એક વાર રંજિતા રસગુલ્લાનો સીલ-પેક ટીનનો ડબ્બો આપવા માટે આવી, ‘પિતાજીને ભેજા હૈ. આપકે લિયે.’

હું મારા વિચારોમાં ડૂબેલો હતો. પૂછી નાખ્યું, ‘રંજિતા, એક બાત મેરી સમઝમેં નહીં આતી તુમ્હારા પતિ તુમ્હેં ઇતના મારતા કયું હૈ?’

‘શાયદ શરાબકી વજહસે. શાયદ મૈંને બેટેકે બજાય બેટીકો પૈદા કિયા ઇસલિયે. શાયદ ઉસકા મન મુજસે ભર ગયા હો યા ફિર યે ઉસકી પ્રકતિ બન ગઇ હો…’ આમાંથી એક કારણ દૂર થઇ શકે તેવું હતું. રંજિતાની કૂખે જો બીજું બાળક પુત્ર રૂપે જન્મે તો કદાચ કિશનચંદ એને મારવાનું બંધ કરે. આખરે રંજિંતા સગર્ભા બની.

અઢી મહિના થયા હશે. એક બપોરે એ રકતસ્રાવની ફરિયાદ સાથે આવી. મેં પૂછ્યું, ‘કેમ કરતાં બ્લીડિંગ થયું?’

‘મેરે હસબન્ડને મુજે મારા. મેરે પેટમેં લાત…’ આનાથી આગળ રંજિતા વધુ કંઇ બોલી ન શકી, હું સાંભળી ન શકયો. એબોર્શન થઇ જાય તેવો મામલો હતો. મેં એને સલાહ આપી, ‘વોર્ડમાં એડમિટ કરી દઉ છું. બે દિવસ સંપૂર્ણ આરામ કરવો પડશે.’

‘લૈકિન વો જાલિમ…’ એનાં અવાજમાં પતિ નામના દાનવનો પરિચય ઠલવાતો હતો, ‘વો મેરી દવાકા ઇન્તઝામ ભી નહીં કરેગા ઔર ભોજનકા ભી…’

દવાઓની વ્યવસ્થા મેં હોસ્પિટલમાંથી કરી આપી. ભોજનની વ્યવસ્થા ટિફિનમાંથી. એનાં અને એની દીકરીનાં માટે વધારાના ટિફિનનું કહી દીધું. બે દિવસ પછી એને રજા આપી. કિશનચંદ એને લઇ ગયો અને મને લડી ગયો, ‘ડોકટર સા’બ, આપ હમારે મિયાં-બીબીકે ઝઘડેમેં મત પડના! વર્ના મુજસે બુરા કોઇ નહીં હોગા. કહે દેતા હું.’

હું અવાચક થઇને જોતો રહ્યો. કસાઇ ભાંભરતી ગાયનો ચોટલો પકડીને ખેંચી ગયો. એકસ-રે ટેક્નિશિયન બારૈયા મારી પાસે દોડી આવ્યો, ‘સર, આમાં પોલીસ ફરિયાદ ન થઇ શકે?’

‘થઇ શકે, પણ એ કામ રંજિતાએ કરવું પડે. આપણે ફરિયાદ કરીએ અને જો રંજિતા પાણીમાં બેસી જાય તો આપણી હાલત હાસ્યાસ્પદ બની જાય. અને રંજિંતા ચોક્કસ પાણીમાં બેસી જ જાય, કેમ કે પાણીમાં રહેવું ને મગર સાથે વેર બાંધવું એવું એનું ગજુ નથી.’ મેં મત આપ્યો. વાત ત્યાં અટકી ગઇ. રંજિતા વિશેનો રોજ-રોજનો રિપોર્ટ મને કમળાબે’ન મારફતે મળી રહેતો હતો. કિશનચંદ લગભગ રોજ સાંજે દારૂ પીને ધાંધલ મચાવતો. પત્નીને ગાળો ભાંડતો. એનાં પિયરપક્ષ માટે અણછાજતા વાકયો બોલતો. અને પછી હાથમાં જે આવે એનો રંજિતાની દિશામાં છુટ્ટો ઘા કરતો.

એક દિવસ રાતેનાં નવેક વાગ્યે મારા ઘરે રંજિંતાને લઇને કમળાબે’ન ધસી આવ્યાં.

‘શું થયું? કમળાબે’ન, તમારે કેમ આવવું પડયું?’ હું નીચે દોડી ગયો. ‘શું કરું, સાહેબ? રંજિતાના ધણીએ એને ઘરમાંથી કાઢી મેલી. દાદર ઉપરથી ધક્કો મારીને ગબડાવી મૂકી. ઉપરથી એની બેગનો પણ ઘા કર્યો. કહી દીધું કે ‘ખબરદાર! જો પાછી આવી છે તો ટાંટિયો ભાંગી નાખીશ! જબલપુર ભેગી થઇ જા!’ બાપડી અત્યારે કયાં જાય! હું એને અહીં લઇ આવી.’

હું ગુમસૂમ થઇ ગયો. મિત્રોને વાત કરી. નક્કી તો બધાંએ કર્યું કે આનું કંઇક કરવું જોઇએ, પણ શું કરી શકાય એની અમને સૂઝ પડતી ન હતી. અચાનક ધમેન્દ્ર ઊભો થઇ ગયો ‘હું જઉ છું, આવવું હોય તો આવો મારી સાથે. નહીંતર બેસી રહો!’

‘પણ જવાનું છે કયાં,પોલીસ સ્ટેશને?’ મેં પૂછ્યું. ધમેન્દ્રે એની તલવાર કટ મૂછ પર હાથ મૂકયો, ‘ના, હું કિશનચંદના ઘરે જાઉ છું, પોલીસ સ્ટેશને કિશન જશે. જયારે દ્રૌપદીનું વસ્ત્રાહરણ થતું હતું, ત્યારે શ્રીકષ્ણ એફ.આઇ.આર. લખાવવા નહોતા ગયા! રીડ પડયે રાજપૂત છૂપે નહીં! મારું નામ ધમેન્દ્રસિંહ જાડેજા છે. આજે એ દુબેને ચૌબે ન બનાવી દઉ તો હું ક્ષત્રિય નહીં!’

ધમેન્દ્ર આગળ હતો, અમે દસ-બાર ડગલાં પાછળ. પણ જયારે અમે રંજિંતાના ઘર પાસે પહોંરયા, ત્યારે ધમેન્દ્રે અડધું કામ તો પૂરું કરી નાખ્યું હતું. એક જોરદાર ધબાકો સંભળાયો, પછી એક ચીસ ને જાડિયો કિશન પોટલું બનીને જમીન ઉપર પડેલો હતો. ઢોરમારથી બચવા માટે એણે આખરી પ્રયત્ન કરી જોયો, ‘તુમ કો કયા હૈ? મૈં મેરી બીવી કો જાનસે ભી માર ડાલૂં, તુઝે કયા? તુમ કૌન હો રંજિંતાકે?’

સિંહે આખી શેરી સાંભળી શકે એવી ગર્જના કરી, ‘મૈં કૌન હોતા હૂં? તો સૂન! મૈં તેરી બીવીકે ભાઇકા ભાઇ! સમઝમેં આયા કુછ?’ કિશન બુદ્ધિનો પણ જાડો હતો. એણે ના પાડી. વધારે માર પડયો. છેવટે રડીને, માફી માગીને, જિંદગીમાં કયારેય રંજિંતા પર હાથ નહીં ઊઠાવવાની બાંયધરી આપીને એણે આ એકપક્ષી યુદ્ધનો અંત આણ્યો.

ઘરે આવ્યા પછી મેં પૂછ્યું, ‘યાર, ધમેન્દ્ર! આ વાત તો મને પણ સમજાઇ નહીં. તું કિશન દુબેની પત્ની રંજિતાનાં ભાઇનો… ભાઇ… કેવી રીતે?’

‘રંજિતા તમને રોજ-રોજ નવી-નવી વાનગીઓ ખવડાવતી હતી ને,શા માટે? કારણ કે એ તમને પોતાનાં ભાઇ માનતી હતી.’

‘આટલું તો સમજાયું, પણ…?’

‘પણ શું? એના કારણે તમારું ટિફિન અમને ખાવા મળતું હતું. અમે તમારા ભાઇબંધ મટીને ભાઇ ન થઇ શકીએ?’ ધમેન્દ્રસિંહ જાડેજાનું અંકગણિત અઘરું ન હતું. એને ઉકેલીને હું ખુશ થઇ ગયો. જો કે મારા કરતાં વધારે ખુશ તો રંજિંતા હતી. એ દિવસ પછી કિશને જિંદગીમાં કયારેય એની ઉપર હાથ ઉઠાવ્યો નહીં.

(શીર્ષક પંકિત: ગૌરાંગ ઠાકર)

Source: દિવ્યભાસ્કર

One Response

  1. me apno aa articl DIVYBHASKER ma vanchyo hato. khub j saras 6.sache j lohina sambandho ni kya jarur 6 jo sambandho lagni thi jodayela hoy.

Leave a comment